એકોત્તરશતી/૫૪. મરીચિકા
મરીચિકા (મૃગજળ)
મારી પોતાની ગંધથી પાગલ બનીને હું કસ્તૂરીમૃગની પેઠે વનવનમાં ભટકું છું. ફાગણની રાતે દક્ષિણના પવનમાં દિશા ક્યાં છે મને શોધી જડતી નથી—જે ચાહું છું તે ખોટું ચાહું છું, જે મળે છે તે મને જોઈતું નથી. છાતીમાંથી બહાર નીકળીને મારી પોતાની વાસના મરીચિકા(મૃગજળ)ની પેઠે ફરે છે. હાથ લંબાવીને તેને છાતી સરસી લેવા જતાં પાછી છાતીમાં લઈ શકતો નથી, જે ચાહું છું તે ખોટું ચાહું છું, જે મળે છે તે મને જોઈતું નથી. જાણે મારી વાંસળી વ્યાકુલ પાગલની પેઠે પોતાના ગીતને બાંધીને પકડવા માગે છે. એ જેને બાંધીને પકડે છે તેમાં રાગિણી શોધી જડતી નથી. જે ચાહું છું તે ખોટું ચાહું છું. જે મળે છે તે મને જોઈતું નથી. ૧૯૦૩ ‘ઉત્સર્ગ’
(અનુ. નગીનદાસ પારેખ)