એકોત્તરશતી/૬૦. ભારતતીર્થ

Revision as of 01:16, 18 July 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભારત તીર્થ

હે મારા ચિત્ત, પુણ્યતીર્થે આ ભારતના માનવ-મહાસાગરને તીરે ધીરેકથી જાગ. અહીં ઊભા રહીને બે હાથ લંબાવીને નર–દેવતાને હું નમન કરું છું. ઉદાર છન્દે પરમઆનંદપૂર્વક તેમને વંદન કરું છું. ધ્યાનગંભીર આ પર્વતો અને નદીરૂપી જપમાળા ધારણ કરેલ મેદાનોવાળી પવિત્ર ધરતીને અહીં સદાય જો—આ ભારતના માનવ-મહાસાગરના તટ ઉપર. કોઈ જાણતું નથી, કોના આહ્વાનથી કેટલાં મનુષ્યોની ધારાઓ દુર્નિવાર સ્ત્રોતથી ક્યાંયથીય આવી, ને (આ માનવરૂપી) સમુદ્રમાં ખોવાઈ ગઈ. અહીં આર્ય, અનાર્ય, દ્રાવિડો, ચીનાઓ, શકો, હૂણો, પઠાણો ને મોગલો—એક દેહમાં લીન થઈ ગયા. પશ્ચિમે આજે દ્વાર ખોલ્યાં છે. ત્યાંથી બધા ભેટ લઈ આવે છે. દેશે લેશે, મળશે ને મેળવશે, કોઈ પાછું નહિ જાય,—આ ભારતના માનવ-મહાસાગરને કિનારે. યુદ્ધધારા મારફતે ઉન્માદ કલરવે જયગાન ગાતા ગાતા રણના રસ્તા અને ગિરિપર્વતો ઓળંગીને જેઓ બધા આવ્યા હતા તે બધા જ મારામાં વિરાજે છે, કોઈ અળગા નથી—તેમના વિવિધ સ્વર મારા રુધિરમાં ધ્વનિત થઈ રહ્યા છે. હે રુદ્રવીણા, વાગો, વાગો, નફરત કરીને આજેય તે જેઓ દૂર રહ્યા છે, બન્ધ નષ્ટ થતાં તેઓ પણ આવીને ઘેરીને ઊભા રહેશે- આ ભારતના માનવ-મહાસાગરતીરે, અહીં એક દિવસ થંભ્યા વગર મહા ઓંકારધ્વનિ હૃદયના તાર પર ‘એક’ના મંત્રથી રણકી ઊઠયો હતો. તપસ્યાના બળથી ‘એક’ના અગ્નિમાં ‘બહુ’ને આહુતિ આપીને વિભેદને ભૂલ્યા હતા અને એક વિરાટ હૃદયને જગાડ્યું હતું. એ સાધનાની એ આરાધનાની યજ્ઞશાલાનું દ્વાર આજે ખૂલ્યું છે—અહીં સૌને નત મસ્તકે મળવું પડશે—આ ભારતના માનવ-મહાસાગરને તીરે. એ જ હોમાનલમાં, જો, આજે દુઃખની રક્તશિખા પ્રજળે છે. એ સહન કરવું પડશે, અંતરમાં બળવું પડશે, ભાગ્યમાં એવું લખાયું છે. એ દુઃખને, મારા મન, ઉઠાવી લે, ‘એક’ના સાદને સાંભળ, બધી શરમ અને બધા ભય ઉપર વિજય મેળવ, અપમાન દૂર થાઓ. દુઃસહ વ્યથાનો અંત આવતાં કેવો વિશાળ પ્રાણ જન્મ પામશે?—રજની વીતે છે ને પો ફાટે છે. વિશાળ માળામાં જનની જાગી રહી છે આ ભારતના માનવ-મહાસાગરને તીરે. આવો હે આર્યો, આવો અનાર્ય, હિન્દુ, મુસલમાન આવો, આજે તમે અંગ્રેજો આવો, આવો, ખ્રિસ્તીઓ આવો. આવો બ્રાહ્મણો, મનને શુચિ કરીને સૌ કોઈનો હાથ પકડો. આવો હે પતિત, અપમાનનો બધો ભાર ઊતરી જાઓ. માના અભિષેક માટે ઝટપટ આવો. સૌના સ્પર્શ વડે પવિત્ર કરેલા તીર્થજળથી મંગલઘટ હજી ભરાયા નથી આજે ભારતના માનવ-મહાસાગરને તીરે. ૨ જુલાઈ, ૧૯૧૦ ‘ગીતાંજલિ’

(અનુ. ઉમાશંકર જોશી)