જનાન્તિકે/અગિયાર

Revision as of 12:52, 5 August 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રિડિંગ પૂર્ણ)


અગિયાર

સુરેશ જોષી

સંસ્કૃત કવિઓ કહેતા કે નાયિકાના પદાઘાતથી બકુલ પ્રફુલ્લ થઈ ઊઠતું, માઘથી ફાગણની દિશા તરફ વળેલી સૃષ્ટિને પણ આવી જ કોઈ નાયિકાના પદાઘાતનો ધન્ય સ્પર્શ થયો લાગે છે. ચારે બાજુ બધું મુકુલિત થઈ ઊઠ્યું છે, ને અહીં હૃદયના અંધ અગોચર નેપથ્યમાં પણ પ્રકટી ઊઠેલાં મુકુલની સૌરભના ભારે બધું ફાટું ફાટું થઈ રહ્યું છે. આ નથી સહેવાતું – અહીં આનંદ અને વેદનાના છેડા એકબીજામાં ભળી જાય છે, અહીં ભાષાનો પ્રવેશ પૂરો થાય છે. જીવનમાં બે ચાર ક્ષણ પણ જો આ ભાષાથી અસ્પૃષ્ટ એવી કુંવારી ધરતી પર આવીને ઊભા રહેવાનું મળે તો! કવિતામાં શબ્દોનું રૂપ પણ કાંઈક આવું જ હોવું ઘટે. એ શબ્દનો તર્જનીસંકેત મૌનની દિશામાં હોય, એ શબ્દને અનુસરીને જતાં આપણે મૌનમાં ઓગળી જતા હોઈએ એવું લાગવું જોઈએ. અર્થની અને અર્થના સંક્રમણ (કે અભિનય?)ની બધી રકઝક ને ખટપટ, એના વાદ-પ્રવાદ, એનું વ્યાકરણ – આ બધા જટાવિસ્તારની પછી કશી જરૂર ન રહે. ઘણી ઊંચા પ્રકારની કવિતાનો આસ્વાદ લેતા હોઈએ છીએ ત્યારે નિ:શેષ લુપ્ત થવાનો અનુભવ થાય છે. સાચી કવિતાની કદાચ આ પણ એક કસોટી હોય – એણે આપણા કેટલા શબ્દોના કોલાહલનો મૌનમાં મોક્ષ સાધી આપ્યો, ન જાને!

પણ માઘના અંતના દિવસો નથી જીરવાતા, આ માઘની સૃષ્ટિને જોતાં એને ફરી આષાઢની મેદુરતાનો સંસ્પર્શ થયો હશે એ માન્યામાં આવતું નથી – એટલું બધું સોનું છૂટે હાથે વેરાયું છે. સુગંધનો એવો તો ફુવારો ઊડે છે, ને આ હવા જાણે કોઈ પ્રગલ્ભા પોતાના પાલવમાં પ્રિયતમને સંગોપીને ભગાડી લઈ જવા અધીરી બની હોય તેમ ચારે બાજુથી આવીને આપણને લપેટી લે છે. આવા જ દિવસે વૃદ્ધ આન્દ્રે જિદ અકળાઈને બોલી ઊઠયો હતો :

‘The last four days have been more beautiful than one can say; more beautiful than I could endure. A sort of call to happiness in which all nature conspired in a miraculous swoon, reaching a summit of love and joy in which the human being has nothing further to wish for but death. On such a night one would love to kiss the flowers, cares the tree trunks, embrance any young and ardent body whatever or prowl in search of it till dawn. Going off to bed alone as I have nevertheless to decide to do, seems impious.’