જનાન્તિકે/પાંત્રીસ

Revision as of 01:44, 7 August 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)


પાંત્રીસ

સુરેશ જોષી

ઘણી વાર આ અસ્થિપિંજરની અંદર પુરાઈને બેઠેલું કોઈક ક્યાંકથી કશોક અણસાર પામીને નાસી છૂટવા બધું હચમચાવી નાખે છે. કશું અકબંધ રહેતું નથી, બધું આઘું પાછું થઈ જાય છે; કેટલુંક તો એવું ક્યાંક તળિયે દબાઈ જાય છે કે ઘણી શોધાશોધ કરતાં ય હાથ નથી આવતું. મારી આ સ્થિતિ ખુલ્લી પડી જતાં પરિચિતો આશ્ચર્યથી પૂછે છે : ‘કેમ, આજકાલ આ શું માંડ્યું છે?’ અંદર પુરાઈને રહેલાના ઉધામા ને ઊના નિસાસા મનની આબોહવાને બદલી નાખે છે. ક્યાંય કરાર વળતો નથી. કશી જવાબદારી ઉપાડી શકાતી નથી. રજેરજ વિચારોને ખંખેરી નાખું છું. ઝરણાંને તળિયે રહેલા કાંકરાની જેમ પડ્યા રહીને કાળના પ્રવાહને ઉપરથી વહ્યે જવા દઉં છું. જીવનમાં આવતી આવી તિથિઓનો પુરુષોત્તમ માસ કેવળ મારા જ પંચાંગમાં હોય છે તેથી જ તો આફત ઊભી થાય છે.