જનાન્તિકે/આડત્રીસ

Revision as of 01:53, 8 August 2023 by Meghdhanu (talk | contribs) (+નેવિગેશન ટૅબ)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આડત્રીસ

સુરેશ જોષી

મધુમાલતીની ગભરુ કળીને દુ:સ્વપ્ન આવ્યું છે. એ ઊંઘમાં હીંબકાં ભરે છે. નમવા આવેલી રાત ઝૂકીને એને ધીમેથી પૂછે છે : શું છે બેટા? કળીના હોઠ ફફડે છે. લાખ જોજન દૂરના તારાની પાંપણ પલકે છે, મારી નાડી જોરથી ધબકે છે, અવાવરુ વાવને તળિયે શેવાળમાં જીનની દાઢી ધ્રૂજે છે, એના કંપથી એક ચીબરી કકલાણ કરી મૂકે છે. હું કાન સરવા રાખીને સાંભળું છું. પાંદડાંની આડશે પવન પણ કાન માંડીને બેઠો છે. કળી કહે છે : ‘આવતી કાલે સૂરજ નહીં ઊગે.’ પવન પૂછે છે : ‘ગાંડી, કોણે કહ્યું તને?’ કળી કહે છે : ‘શેષનાગે મારા કાનમાં કહ્યું.’ હવે શું થાય? બીજો સૂરજ ક્યાંથી લાવીશું? કોઈ કહે : બ્રહ્માજીને ઢંઢોળીને જગાડો ને કહો કે સવાર થાય તે પહેલાં બીજો સૂરજ ઘડી આપો. પણ બ્રહ્માજીને જઈને કોણ જગાડે? એ સાંભળીને પાસેના તળાવમાંના દેડકાએ આંખો પટપટાવી, ગલોફાં ફૂલાવ્યાં ને પછી બોલ્યો : ‘ડ્રાંઉં ડ્રાંઉં, હું જાઉં.’ બખોલમાં બેઠેલા સાપને હસવું આવ્યું. એણે મૂછો ફરકાવીને કહ્યું; ‘તમે લંગડે પગે ક્યારે પહોંચશો?’ તોત્સુકાની ઢીંગલીઓમાંની એકે ઠાવકું મોઢું રાખીને કહ્યું : ‘બીજો સૂરજ ક્યાં છે તે હું જાણું છું.’ બધાં કહે, ‘તો ઝટ ઝટ કહી દે ને!’ એવું ને એવું ઠાવકું મોઢું રાખીને એ બોલી, ‘પરવાળાના બેટમાં એક જલપરી રહે છે. એણે એક સૂરજને પૂરી રાખ્યો છે. જો સૂરજ બહાર નીકળે તો રાજકુમારને ચાલ્યા જવું પડે, પરવાળાના બેટમાં રાત હોય ત્યાં સુધી જ એ જળપરીના મહેલમાં રહી શકે, સૂરજ ઊગતાની સાથે જ એને ચાલ્યા જવું પડે. આથી જલપરીએ એને સંતાડી રાખ્યો છે.’ આ સાંભળીને બીજી ઢીંગલી હસી પડી ને બોલી : ‘એ તો જુઠ્ઠી છે જુઠ્ઠી! એક નહીં પણ લાખ સૂરજ હું લાવીને અબઘડી હાજર કરી દઉં.’ બધાં એક સાથે બોલી ઊઠ્યાં : ‘તો કરી દે હાજર.’ એના જવાબમાં એ બોલી; ‘આંધળાની આંખને તળિયે હજાર સૂરજ ડૂબ્યા છે. એને તાગવાની હિંમત હોય તે આવે મારી સાથે.’ કોઈ ઊભું થયું નહીં. કળી બિચારી ફરી હીબકાં ભરવા લાગી. ત્યાં ઘુવડ બોલ્યું, ‘આ ચાંદામામાએ કેટલા ય સૂરજને આજ સુધીમાં લૂંટી લીધા છે. એ લૂંટ બધી પાછી કઢાવો એની પાસેથી.’ ત્યાં તો દૂરથી દરિયાદાદા ઘૂરક્યા : ‘ખબરદાર.’ હવે? રાતથી તો હવે ઝાઝુ થોભી શકાય તેમ નહોતું. ત્યાં એક આગિયો બોલ્યો : ‘ચાલો ને, આપણે સૌ મળીને આપણામાંનું થોડું થોડું તેજ એકઠું કરીને સૂરજ બનાવીએ.’ આ સાંભળને કળીને હોઠે સ્મિત ચમક્યું. એનું તેજ, આગિયાનું તેજ, સોયના નાકામાં દોરો પરોવતાં દાદીમાની આંખનું તેજ – એમ કરતાં કરતાં મારો વારો આવ્યો. અંધકારના ગાઢ અરણ્યને વીંધીને હું તેજ શોધવા નીકળ્યો, દૂર દૂર ચાલી નીકળ્યો, પણ જ્યાં જોઉં ત્યાં અંધકાર જ અંધકાર : શ્વાસના બે પડ વચ્ચે સિવાઈ ગયેલો અંધકાર, શબ્દોમાંથી ઝરપતો અંધકાર. એ અંધકારમાં ફાંફાં મારતો આગળ વધતો હતો ત્યાં કોઈકની જોડે ભટકાઈ પડ્યો, એનો ને મારો અંધકાર ચકમકની જેમ ઘસાયા, તણખો ઝર્યો, એના અજવાળામાં જોઉં છું તો – પણ એ કોણ હતું તેનું નામ નહીં કહું. મધુમાલતીની કળીએ આંખો ખોલી ત્યારે નવો નક્કોર સૂરજ ઊગી ચૂક્યો હતો. કળીએ શેષનાગના કાનમાં કહ્યું : ‘સૂરજ ઊગ્યો.’ પણ દરરોજ સાંજે દયામણે ચહેરે કોઈ પૂછે છે : હવે આ સૂરજને તો કોઈ ચોરી નહીં જાય ને?