સુરેશ જોશી/૧. ભૂમિકા

Revision as of 23:51, 16 August 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧. ભૂમિકા


સુરેશ જોષીએ પોતાનો કાવ્યસંગ્રહ ‘પ્રત્યંચા’ પ્રકાશિત કરતાં જાહેર કરેલું ‘આનો પુરોગામી કાવ્યસંગ્રહ “ઉપજાતિ” હવેથી રદ ગણવો' અને નિબંધસંગ્રહ ‘અહો બત કિમ્ આશ્ચર્યમ્' વખતે લખેલું ‘મુદ્રણદોષો અસંખ્ય હોવાથી શુદ્ધિપત્રક મૂક્યું નથી' આ બંને વિધાનો સુરેશ જોષીના સાહિત્યવિશ્વને સમજવા માટે મહત્ત્વનાં છે. પહેલાં વિધાનમાં, પાંચ વર્ષ પહેલાં જે લખ્યું હોય તે વાંચવાની જેની હિંમત ન ચાલે એવા સતત જાગ્રત અને ઊગતા રહેતા લેખકનો પરિચય છે, તો સાથેસાથે પોતાનો પણ સતત અસ્વીકાર કરતા, પોતાની સામે પણ વિદ્રોહ કરતા લેખકનો એમાં પરિચય છે. બીજા વિધાનનો તટસ્થ વ્યંગ એમની સાહિત્યેતર પદાર્થ તરફની તિર્યકદૃષ્ટિનો પરિચય આપે છે. એમને મન લખવાનું મૂલ્ય છે, લખાતું રહે એનું મૂલ્ય છે, આવિષ્કાર પામ્યા કરતી ચેતનાનું મૂલ્ય છે, બાકી બધું આળપંપાળ છે; મુદ્રણ પ્રકાશન તો સમજ્યા મારા ભઈ ! - અહીં પણ એમનો વિદ્રોહ અછતો નથી. આ અર્થમાં સુરેશ જોષી ગુજરાતી સાહિત્યમાં ‘આઉટસાઈડર' હતા. એમણે એક જગ્યાએ ‘આઉટસાઈડર’નો અનુવાદ ‘વ્રાત્ય’ સૂચવ્યો છે. વેદના જમાનામાં ચુસ્ત કર્મકાંડી સમાજની બહાર ચાલ્યા જનારા, શિષ્ટસંયત આચારને અને દેવોને ન સ્વીકારનારા વ્રાત્ય જેવા સુરેશ જોષીએ પણ દૃઢ નિર્ધાર કરેલો કે ૨મણલાલ – ધૂમકેતુ જેવું કે પન્નાલાલ - પેટલીકર જેવું નહીં લખવું. તેમજ, અભ્યાસકાળ દરમ્યાન જ ગુજરાતી સાહિત્યનો ઉંબર ઓળંગાવનારની શોધમાં હતા. એમને શુદ્ધ કવિતાના મહાલયમાં પ્રવેશવું હતું. આરો સત્યને, સવાઈ સત્યને નિરૂપિત કરવું હતું. પરિચિત સત્યથી વિલક્ષણ સત્ય તરફ વળવું હતું. પ્રસ્તરીભૂત ભાષાના પેટાળમાંના જ્વાલામુખીને જગાડવો હતો. અનુભવોનાં અનેક રૂપ ઘડવાના પૂર્ણ અવકાશને તપાસવો હતો. પરિચિત ભૂમિતિને બદલાવવી હતી. વાસ્તવિકતાના અન્વયો પરિવર્તિત કરવા હતા. સંકુચિત પરિપ્રેક્ષ્યની કુરૂપતા અને અરુચિકરતાને ફગવવાં હતાં. નવી નવી શક્યતાઓ ચીંધતા સર્જકોને સેવવા હતા. સુરેશ જોષીનો આ સમગ્ર પુરુષાર્થ ગુજરાતી સાહિત્યનો અર્વાચીનથી વિચ્છેદ કરી, એને આધુનિકતા સાથે જોડે છે. નર્મદ જો અર્વાચીનમાં આદ્ય હોય, તો સુરેશ જોષી આધુનિકોમાં આદ્ય છે. સુરેશ જોષી પહેલાં યુરોપીય ચેતનાનો ગુજરાતી સાહિત્યને પરિચય નહોતો એવું નથી. બ. ક. ઠાકોર, ઉમાશંકર જોશી કે હરિશ્ચન્દ્ર ભટ્ટને લૉર્કા રિલ્ક કે બોદલેરની જાણ હતી. પરંતુ યુરોપીય ચેતનાની પ્રતિક્રિયા ગુજરાતી સાહિત્યને સાંપડી નહોતી. આ પ્રતિક્રિયા સાંપડી એમાં એના ઉત્તેજક નિમિત્ત બનનાર સુરેશ જોષી છે. અર્વાચીન યુગ ઠીક ઠીક લંબાયો. જુદા જુદા તબક્કાઓ સાથે લગભગ સો વર્ષનો એનો ઇતિહાસ છે. આ સમગ્ર અર્વાચીન સાહિત્ય એક રીતે જોઈએ તો એકંદરે ‘વિધાનનું સાહિત્ય' (Literature of statement) હતું. એના કેન્દ્રમાં ચુસ્ત તાર્કિકતા, પૂર્વશાસિત અંત અને રૈખિક અનુબંધ અનિવાર્યપણે સંકળાયેલાં રહ્યાં. પરંતુ સુરેશ જોષીએ કૃતિઓ રચી અને જે વિવેચન આપ્યું – એમાંથી આધુનિકતાને સિદ્ધ કરતું ‘ઉચ્ચારનું સાહિત્ય' (Literature of utterance) જન્મ્યું. આ આધુનિક સાહિત્યમાં રૈખિક તાર્કિકતાનું સ્થાન સાહચર્ય તર્કે (associative Logic) લીધું. આથી લખાણ મુક્ત થયું. એમાં પૂર્વશાસિત અંતના સંકલ્પનો છેદ ઊડતાં આશુરચનાની અને પ્રયોગક્રીડા (Performance)ની સુવિધા ઊભી થઈ. પ્રસ્તાવ નહીં પણ પ્રસ્તુતિ મહત્ત્વની બની. સુરેશ જોષીએ અર્વાચીનની સીમથી આધુનિકતાની સીમમાં પ્રવેશ કર્યો એમાં એમનાં લખાણના બે મહત્ત્વના ધ્રુવોએ ભાગ ભજવ્યો. આ બે ધ્રુવો છે : કલ્પનકરણ (imagerization) અને કપોલકલ્પિતકરણ (Fantasization). આ બે સંજ્ઞાઓ દેખાય છે એટલી સાદી નથી. એની આસપાસ અનેક પ્રવિધિઓના અધ્યાસ છે. તો, કલ્પનશ્રેણીઓનાં આવર્તને અને વાસ્તવની એકસરખી ભૂમિકાથી અનેક વાસ્તવની અણસરખી ભૂમિમાં થયેલાં સંચરણે આધુનિકતાને જબરો વેગ આપ્યો. આ બે ધ્રુવોનાં મૂળને સમજવા સુરેશ જોષીના જીવનવિકાસને અને ખાસ તો એમના બાલ્યકાળને લક્ષમાં લેવા પડશે. સુરેશ જોષીનાં પહેલાં સંવેદનો મોસાળ - વાલોડ ગામ - સાથે જડાયેલાં છે. પહેલવહેલા નિશાળે ગયાની અને ખટમીઠા શેતૂરના ઝાડની એમને સ્મૃતિ છે. આ પછી એમનાં માતાપિતા મુંબઈમાં રહેતાં હોવા છતાં કુમળા શિશુના સંસ્કારના જતન માટે દાદાએ એમને પોતાની સાથે સોનગઢ રાખ્યા. સોનગઢ, ગુજરાતના પૂર્વસીમાડા પરનું છેલ્લું ગામ. જંગલપ્રદેશના આદિવાસીઓ વચ્ચે, ગામિત, ચૌધરી, આદિવાસીઓ વચ્ચે દાદા ધાણકા વસતિગૃહના આચાર્ય, છાત્રપતિ. આ છાત્રવાસના બે ભાગ : નવો અને જૂનો. જૂના ભાગમાં વસવાટ પાસે જ લીમડા અને બહેરાનાં ઝાડ, મોગરાની વેલ અને ચન્દનનું ઝાડ. સાથે જન્મથી મૂંગીબહેરી દાદાની બહેન ને બંને ફોઈના દીકરાઓ. એકનો બાપ નહીં અને બીજાની મા નહીં. યુવાન દીકરાદીકરી અને જમાઈના મરણથી ડઘાઈ ગયેલા દાદા ભાગ્યે જ બોલતા. દાદાની આંગળીએ જ બહા૨ ફ૨વા જતા શિશુ પર પ્રકૃતિમાં રહેલા અદ્ભુત અને ભયાનકના સંસ્કાર થયા. ખાખી જાંઘિયાના કાણા ખિસ્સામાં મરવા અને મીઠાની પડીકી મૂકીને ભરબપોરે મુક્તવિહાર કર્યો. આદિવાસી પ્રજાઓનાં બાળકોની દોસ્તીએ જ આદિમતા, કલ્પનાશીલતા, વસ્તુ મૂર્ત કરીને બોલવાની ટેવનો પ્રભાવ પાડ્યો. પણ દાદા આકરા ય ખરા. છાત્રાવાસના ગ્રંથાલયમાં નવાં પુસ્તકો ભલે આવે, દાદા જે વાંચવાની સંમતિ આપે તે જ વાંચી શકાય. નવલકથાને અડકવાનું નહીં. પણ દાદાનો લાંબો સ્નાનવિધિ અને પૂજાવિધિ ચાલતો હોય ત્યારે સુરેશ જોષીએ પુસ્તકપ્રીતિનું પ્રથમ પર્વ ઊજવ્યું છે. દાદાની રડાર જેવી પાવડીની ચેતવણી મળે ત્યાં સુધીમાં દાદાએ નિષિદ્ધ ગણેલાં પુસ્તકો ચોરીછૂપીથી વાંચી લેવાની ભૂગર્ભ પ્રવૃત્તિ થતી, એમાં સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતાની, ડાહ્યાભાઈ જાગીરદાસની કે નારાયણ વસનજી ઠક્કુરની નવલકથાઓ હોય. દાદાના આવા કડપ વચ્ચે પણ આ બાળકે દાદાની નજર ચૂકવીને ‘બાલમિત્ર'માં આઠ વર્ષની વયે તોટક છન્દમાં એક ‘કવિતા' છપાવી. દાદાનો પારો ગયો અને તમાચો પડ્યો. જીવનમાં કવિતાની આ પ્રથમ ભેટ હતી. સોનગઢે સંવેદન માટે પ્રકૃતિની અઢળક સમૃદ્ધિ ધરી. પશ્ચિમ ક્ષિતિજે તોળાઈ રહેલો કિલ્લો, કિલ્લાના બુરજો, એની અષ્ટકોણી વાવ, એનાં ભોંયરાંઓ, એના રાજમહેલનાં ખંડેર પરની લીલનું મખમલી અસ્તર ચઢાવેલી દીવાલો, કિલ્લાની ગઢીની સીતાફળીઓ, એનું પાતાળઝરણું, ઝાંખરી નદી, અજાણ્યાં વન્યફળ, બાજુના સાતકાશીનાં જંગલો અને એનો વનસ્પતિવિસ્તાર - આ બધાંની એવી ગજબની માયા હતી કે ગંગાધરા ભણતો ને બારડોલીથી ગાડીમાં આવજાવ કરતો ત્યારે પણ બાળક સુરેશ શનિરવિ તો સોનગઢ પહોંચી જતો. પણ, સોનગઢ છોડવું પડ્યું. દાદાની નવસારી બદલી થઈ. દાદાએ ૩૨ વર્ષ સોનગઢમાં ગાળેલાં. સુરેશ જોષીનો નવસારીમાં કપરો કાળ શરૂ થયો. પહેલી શાળામાં નિર્જીવ અને જડ તંત્ર વચ્ચે રિબાતાં છઠ્ઠા ધોરણમાં એમણે બળવો કર્યો. શબ્દના અર્થ લખાવતાં શિક્ષકે જળ એટલે પાણી લખાવ્યું અને સુરેશને થયું એ શું સમજે છે મારે વિશે. લખવાનું બંધ કર્યું. શિક્ષકે પૂછ્યું કેમ લખતા નથી, તો જવાબ વાળ્યો જે આવડે તે હું લખતો નથી. થયું. શાળા છોડવી પડી. બીજી સ્કૂલ પ્રમાણમાં સજીવ હતી. પણ ત્યાં ય ગણિત સાથે એમનો મેળ ન પડ્યો. અલબત્ત, એમનો મેળ રવીન્દ્રનાથ સાથે પડ્યો. અંગ્રેજી સારું. અંગ્રેજીમાં રવીન્દ્રનાથની પંક્તિ વાંચી અને પહેલો રોમાંચક અનુભવ થયો. સુરેશ જોષી નવસારીથી મુંબઈ જઈ એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા. પછી થયું કે રવીન્દ્રનાથને સમજવા હોય તો બંગાળી સમજવું જોઈએ. અને બૉમ્બે ટૉકિઝના ડાયરેક્ટર નરસિંહપ્રસાદ આચાર્યને ત્યાં રવીન્દ્ર રચનાવલીના ૨૧ ગ્રંથો ઉકેલ્યા. રવીન્દ્રનાથની આંગળીએ એક બાજુ સંસ્કૃતિનું વાચન તો ચાલતું જ હતું ત્યાં બીજી બાજુ મિત્ર રસિક શાહ જોડે ફરતાં ફરતાં ફેરિયા પાસેથી કાફકાનું ‘ધ ગ્રેટ વૉલ ઑવ ચાઈના એન્ડ અધર સ્ટોરીઝ' પુસ્તક હાથ ચડ્યું. રવીન્દ્રનાથે રોમાંચક અનુભવ આપી કાવ્યદીક્ષા આપી હતી પણ કાફકાએ તો સુરેશ જોષીના સમગ્ર વિશ્વને, વિશ્વને જોવાની દૃષ્ટિને બદલી નાખ્યાં. આ એવો જમાનો હતો જ્યારે સૃષ્ટિ સાંકડી હતી. મિલ્ટન ભણાવનાર મિલ્ટન સિવાયની વાત ન કરે; અને શેક્સપિયર ભણાવનાર શેક્સપિયર સિવાયની વાત ન કરે. અંગ્રેજી કવિતાના દ્વિતીય કક્ષાના કવિઓ વિશેની સીમિત જાણકારી વચ્ચે ઊઘડેલી કાફકાની આ યુરોપીય બારી. પછી દોસ્તોયેવ્સ્કીએ સુરેશ જોષીનો કબજો લીધો. પણ વિશ્વસાહિત્યના પ્રખ્યાત લેખકો વચ્ચે એમને મૂકી આપનાર તો કરાંચીની કૉલેજની લાઇબ્રેરી છે. ત્યાં ખૂબ વંચાયું, ત્યાં યુરોપીય કવિઓનો પરિચય થયો, ત્યાં એમનાં પરિમાણોનો વિસ્તાર થયો, એમની ચેતનાને પોષણ મળ્યું, બૃહદ્ સંસ્પર્શમાં મુકાયા. પણ પાકિસ્તાન થતાં કરાંચીથી ભારત પાછા ફર્યા. વિદ્યાનગર રહ્યા. ત્યાં ચાર વર્ષ અધ્યાપન કર્યું, પણ અધ્યાપકસંખ્યા વધી જતાં ત્યાંથી છૂટા થઈ વડોદરા ગયા. વડોદરામાં ટ્યૂટર તરીકે જોડાયા. આ પછી ત્યાં લેક્ચરર થયા, રીડર થયા અને પ્રોફેસર તથા ગુજરાતી વિભાગના અધ્યક્ષ થઈ છેવટે નિવૃત્ત થયા. અલબત્ત સુરેશ જોષીને મતે સર્જકને માટે નિવૃત્તિ નથી હોતી. સરકારી નોકરો નિવૃત્ત થાય. રાજકારણમાં પડેલાઓ નિવૃત્ત થાય પણ સર્જક માટે સંન્યાસ કે નિવૃત્તિ નહીં. તેઓ ઉદાહરણ આપે છે કે આખલા જોડે ઝૂઝનારો એ યુદ્ધમાં જ પૂરો થાય, એ બુલ-રિંગમાં જ એનું મરણ. સુરેશ જોષી પણ બુલ-ફાઇટરની જેમ ઝૂઝતા રહ્યા, સંબદ્ધ ચેતના સાથે કામ પાડતા રહ્યા. છેક ઇન્ટરમાં હતા ત્યારે ‘ફાલ્ગુની’ સામયિક શરૂ કરેલું અને પછી તો ‘વાણી’ ‘મનીષા’ ‘ક્ષિતિજ' ‘સંપુટ’ ‘ઊહાપોહ’ ‘એતદ્’ ‘સાયુજ્ય’ ‘સેતુ’ - એવાં અનેક સામયિકો મારફતે પોતાની રુચિને પ્રગટ કરતા રહ્યા અને ગુજરાતની રુચિને ઘડતા રહ્યા. આ સામયિકો મારફતે એમણે આધુનિકતાની અનુકૂળ આબોહવા પ્રસરાવી. નિબંધ, કાવ્ય, ટૂંકી વાર્તા, નવલકથા, વિવેચન, અનુવાદ મારફતે કેટલાંક આધુનિક પ્રતિમાનો સ્થાપિત કર્યાં. નર્મદચન્દ્રક, રણજિતરામ ચન્દ્રક, સાહિત્ય અકાદમી દિલ્હીનો એમણે નકારેલો એવોર્ડ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તરફથી થયેલી નેશનલ લેક્ચ૨૨ તરીકેની નિમણૂક - આ બધાં સન્માન એમને મળવા છતાં એમનું સર્જન યશાકાંક્ષાનું નહીં પણ સિસૃક્ષાનું પરિણામ છે. એમનું લક્ષ્ય અલ્પનું નહીં પણ ભૂમાનું હતું. એમણે બુલંદ રીતે ઉચ્ચાર્યું છે : ‘મારો વૈષ્ણવ કે શૈવ સંપ્રદાય નથી, હું કેવળ ૨સસંપ્રદાયનો જ છું.’ આથી જ સુરેશ જોષીએ સાહિત્યક્ષેત્રે હંમેશાં આકાર કે રૂપનિર્મિતિનો પક્ષ લીધો છે. એમને ખબર છે કે સ્થાયીભાવ એ સામગ્રી છે. આ સામગ્રી રૂપાન્તર પામી રૂપ કે આકાર ધારણ કરી રસકોટિએ ન પહોંચે ત્યાં સુધી સાહિત્ય ન સાહિત્ય ન બની શકે. મનુષ્ય રૂપ આપીને એની સ્થૂળ પ્રાકૃતતામાંથી છૂટી જવા ઇચ્છે છે. એમણે દક્ષિણનાં મન્દિરોનાં ઊંચાં ગોપુરમને નિરાકાર આકાશની સામે આકા૨ના વિજયોના દર્પપૂર્ણ તર્જનીસંકેતરૂપે કે પવનને વાંસના પોલણમાં ભરાઈને ફે૨વાઈ જતાં સૂરરૂપે જોયાં છે. આ રૂપનિર્મિતિની એમની શ્રદ્ધાને એમણે નોહની નૌકાનું ઉદાહરણ આપીને વ્યક્ત કરી છે : ‘કવિતા તો નોહની નૌકા જેવી. એ પ્રલય વચ્ચે પણ ડૂબે નહીં ને ડુબાડે નહીં. હોડીને આકાર છે, એ એક રચના છે. એના અવયવોના સંબંધનું એક તંત્ર છે. પણ પ્રલય તો આકારની વિડંબના, મર્યાદાનો લોપ. હોડી એટલે વહેતો આકાર.' આમ સાહિત્યક્ષેત્રે આકાર કે રૂપનિર્મિતિ એમને મન કોઈ ભૌમિતિક વ્યવસ્થા નથી. એટલે જ એમણે વહેતા આકારની કલ્પના કરી છે. કદાચ આ જ કારણે એમણે દૃષ્ટિ પહેલાં સૃષ્ટિની હિકમત કરી છે અને સ્પષ્ટ કહ્યું છે કે દર્શન તો કૃતિમાંથી નિષ્પન્ન થાય. આમ છતાં સુરેશ જોષી પ્રેરણાવાદી નથી. માનુષી અંશોને તેઓ દૈવી અંશોના હાથમાં સોંપી દેવા તૈયાર નથી. તેઓ દૃઢપણે માને છે કે જીવનની નક્કર હકીકતોને કોઈ સંમોહનમાં રૂપાન્તરિત કરવાનું કામ સર્જકે કરવાનું છે, જોખમો ઉઠાવવાનાં છે, પડકારો ઝીલવાના છે. સર્જનપ્રક્રિયા એ કોઈ સીધા ખડક પરનું કપરું ચઢાણ (Rock Climbing) છે. આથી એમણે સતત અસંતોષ સાથે લખ્યું છે, અસંતોષ વચ્ચે લખ્યું છે. પોતાની કે અન્યની કૃતિને ક્યારેય વિશ્વસાહિત્યથી ઓછા સંદર્ભમાં, ઓછા પરિપ્રેક્ષ્યમાં ભાગ્યે જ મૂકી જોઈ છે. એમણે કોઈ ભૌગોલિક સીમાડા સેવ્યા નથી. દાદુ દયાળની ઉક્તિ આપીને સુરેશ જોષી સમજાવે છે કે એક ફૂલને ખીલવું હોય છે તો બાંહેધરી માગે છે, ભગવાન પાસે, કે ઉપર ખૂબ મોટું આકાશ વિસ્તરેલું હોવું જોઈએ; તો જ હું ખીલીશ નહિ તો મને બધું નાનું પડે. આ ઉપરાંત ફૂલનો ઊગવાનો સંઘર્ષ પણ ઓછો નથી. બીજ અંધારામાં રહે, પ્રકાશ શોધવા માટે છેક ભૂમિનું પડ ખસેડે, સૂરજને ઝીલે, પવનને ઝીલે, પાણીને ઝીલે. છેવટે અનેક પ્રક્રિયા પછી કોઈ પરિણામ આવે. સર્જકની આ નેપથ્યસાધના, એનો સંઘર્ષ - આ બધાનો સુરેશ જોષીને મન મોટો મહિમા છે. સુરેશ જોષીએ આવાં સંઘર્ષનો આદર્શ ઘણાં સાહિત્યસ્વરૂપોમાં રાખ્યો છે, પણ કવિતા પરત્વેનું એમનું ખેંચાણ વિશેષ છે. તેઓ કબૂલે છે કે જે દિવસથી કવિતા માણવાનું શીખ્યો તે દિવસથી ‘દરિદ્રતા’ શબ્દ મારા જીવનમાં ભૂંસાઈ ગયો. કવિતામાં ખોવાઈ જવાનું સુખ એમને મન મોટામાં મોટું સુખ છે. કહે છે : તીવ્ર શારીરિક પીડાની ક્ષણોમાં હું કવિતાની આંગળી છોડતો નથી.

***