અમૃતા/પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/પાંચ

Revision as of 12:03, 27 August 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પાંચ


ઉદયનને લાગ્યું કે દર્દનો અંત ભાગ જ એ અનુભવી શક્યો. સણકો ત્વરાથી વીતી ગયો. કોઈ ઝેરી સુંવાળું સાપોલિયું અડકતું સરકી જાય પછી જ એનો પૂરો ખ્યાલ આવે એમ સણકો પૂરો થઈ ગયો ત્યારે જ એનાથી જ્ઞાત થવાયું. પોતાના મસ્તકમાં જાગી ઊઠી હતી તે વેદનાને સમજવા માટે પણ એને હવે કલ્પનાનો આશ્રય લેવો પડ્યો. એ બીજા સણકાની રાહ જોવા લાગ્યો. એ ઈરાદાથી કે આ વખતે તો દર્દને સામટું અનુભવી લેવું – સાદ્યંત જાણી લેવું. સણકાના માધ્યમથી પોતાના અસ્તિત્વમાં તરવરી ઊઠતી ચેતનાને જાણવાની આજે તક મળી છે એવું માનીને એ બીજા સણકાની રાહ જોવા લાગ્યો.

બીજો સણકો. એ પણ છેતરી ગયો. સામટા દર્દનું સ્વરૂપ અજાણ્યું રહી ગયું. સભાનતા ખપ ન લાગી. દર્દ સભાનતાને ભેદીને પાર નીકળી ગયું. ટકાવી રાખેલી જાગૃતિ વેડફાઈ ગઈ. જે દર્દ અને એનું કારણ પોતાના શરીરમાં છે તેને પૂર્ણપણે જાણી લેવાની શક્તિ મારામાં નથી? ઉદયન અકળાયો. પેલા ઘાને મસ્તકમાંથી છૂટો પાડીને આંખ સામે લાવવાની ઇચ્છા જાગી. પોતાના હાથની મદદથી એવું કરી શકાતું હોત તો કેવું સારું!

સણકાને સમજવા એણે ઈતર આશ્રય શોધ્યા. નાનપણમાં એણે સાંભળેલું – ફલાણા માણસને ધનુર ધાયું છે. એ લાકડાં કાપતો હતો ત્યાં કુહાડો ફંટાયો અને એનો અડધો અંગૂઠો કપાઈ ગયો. એને તાણ આવી. શરીરની બધી નસો ખેંચાવા લાગી હતી. એ મરી ગયો. કિશોરાવસ્થામાં થોડા ઘણા ઘા તો ઉદયનના શરીર પર થયેલા. એને કેમ એવું નહીં થયેલું? આજે પણ સણકાઓની ઝડપ વધી જાય તો એ ધનુરમાં પરિણમશે ? પણ ડૉકટરે ઈન્જેક્શન તો આપ્યું છે. ઈન્જેક્શન આપ્યું તે પહેલાંથી જ અસર શરૂ થઈ ગઈ હોય તો? પોતાના શરીરને શું થાય, શું ન થાય તે વિશે હું કેટલું ઓછું જાણું છું! મારે શરીરવિજ્ઞાન અને તબીબીવિદ્યાનાં પુસ્તકો વાંચવાં જોઈએ. આજ સુધી એ અંગે કેમ ખાસ કંઈ વાંચી શકાયું નહીં? પણ વાંચવાથી શું વળશે? એકનો એક રોગ માણસના શરીરમાં પ્રવેશીને નવું સાયુજ્ય પામે છે. જેમ દર્પણે દર્પણે અલગ પ્રતિબિંબ તેમ માણસે માણસે રોગનું વિશિષ્ટ સ્વરૂપ. તોપણ લોકો વ્યાખ્યા કરે છે, નિયમો તારવે છે. વળી, રોગ અને ઘા એ બે તદ્દન જુદી જ રીતે કામ કરે છે. કશું સમજી ન શકાય. આ વિવશતા તો અસહ્યા કહેવાય. એક વખત એક રેલવે-અકસ્માત જોયેલો. કામ કરનારો માણસ ભારખાનાના ડબ્બા અને રેલવે એન્જિનની વચ્ચે ઊભો ભીંસાઈ ગયેલો. એના પેટમાં લોખંડના કેવા કેવા આકારો ઘૂસી ગયા હતા? એન્જિન અને ડબ્બાની વચ્ચે ઉપર તરફ એ માણસનું ધડ દેખાતું હતું. એ ભાનમાં હતો. વાત કરી શકતો હતો. ડબ્બાને અને એન્જિનને અલગ કરીને એને બહાર કાઢવા ગયા – શરીર સાથે એકરૂપ થઈ ગયેલા લોખંડને અલગ કરવા ગયા. એક તસુ પણ જગા નહીં થઈ હોય ત્યાં તો પેલાની આંખો ફાટી ગઈ. એ પ્રસંગ ઉદયન માટે મૃત્યુની એક અનુભૂતિ બની ગયો. આજે કેટલાંક વરસ પછી એ પ્રસંગ એને યાદ આવ્યો! તે દિવસ જોતાં જોતાં એ પ્રસંગને પોતે જીવી શક્યો હતો તેથી વધુ તો આજે જીવી શક્યો. આજે એણે પોતાને એન્જિન અને ડબ્બાની ભીંસમાં મૂકી જોયો… પણ ઓહ! આ સણકો… શું પેલા માણસના મૃત્યુથી આ સણકો મોટો છે? તો પછી કેમ એ પેલા પ્રસંગને ભુલાવીને મને ખેંચી ગયો?

પડખું બદલીને એણે ઊંઘવાનો પ્રયાસ કર્યો. બે હાથને ઉશીકા પર લઈ ગયો. હાથના સ્નાયુ દબાવી જોયા, અક્કડ થઈ ગયા છે. તો શું સવારમાં દુ:ખવા લાગશે? એણે ફરીથી હાથના સ્નાયુ અને ખભા દબાવી જોયા. હલેસાં ચલાવવાના તો અનેક અનુભવ છે, પણ આ રીતે?

એકાએક નદીના અને સમુદ્રના પાણીની ઘનતાનો ભેદ એની ચામડીએ અનુભવ્યો. એને એક બીજી ઘટના યાદ આવી. પિતાજીએ ત્યારે શિક્ષકનો ધંધો છોડી દીધો ન હતો. એ સાથે સાથે લાકડાંનો વેપાર કરતા. એમની સાથે એ ભિલોડાથી શામળાજી તરફ ગયેલો. શરદ પહેલાંના કે ભાદરવા માસના આરંભના દિવસો હતા. મેશ્વો નદીમાં ઠીક ઠીક પાણી હતું. એક આદિવાસી કિશોર નદીમાં નાહવા પડવાની તૈયારી કરતો હતો. ઉદયન એની સાથે વાતે વળ્યો. પેલાએ કહ્યું કે હું સામે પાર નીકળી જાઉં તો શું આપવું છે? ઉદયને જવાબ આપ્યો – આપું શું? હું પણ તારી સાથે, બનતાં સુધી તારી પહેલાં સામે પાર નીકળી જાઉં. બંને- એ હોડ બકી, ભોરિંગની ગતિએ દોડતી મેશ્વોમાં ઉદયને ઝંપલાવ્યું. એણે સામે પાર નીકળી જવાની ઉતાવળ ન કરી. પ્રવાહમાં ઊછળવાની અને પાણી સાથે ગેલ કરવાની મજા આવી. પેલો કિશોર પ્રવાહ સામે ઝઝૂમી રહ્યો હતો. એને શું થયું કે એના મોંમાંથી ચિત્કાર નીકળી ગયો. હવે તો એ ડૂબી ન જાય એ માટે મથતો હતો. ઉદયને થોડીકવાર ખેલ જોયો. પછી એને પકડી લીધો.

આ ઘટના સ્મરણમાં પૂરી થઈ ત્યાં એને એ ભૂમિનું તરબતર ચોમાસું યાદ આવ્યું. ભીની જમીન પર ઠેર ઠેર પડી ગયેલા વહેળા, ફણગાઈ ઊઠેલું ઘાસ, વરસાદ રહી ગયા પછી ઝાડ પરથી ચૂતું પાણી, પવનના ઝોકાથી પાંદડામાં જાગી ઊઠતો ભીનો ભીનો મર્મર, ભાતભાતના ઘાસ પર ડોકાઈ ઊઠેલાં રંગબેરંગી નાનકાં ફૂલ, બાજરીનાં લચેલાં ખેતર અને મકાઈનાં ડોલતાં ડૂંડાં… એણે પડખું બદલ્યું.

વિજયનગર મહાલમાં શિયાળાના અંત ભાગે ખીલી ખીલીને પલાશ બની ઊઠતા ખાખરા…વાંકાં કેસૂડાંનો રંગ…સાગની ઝાડી…

અનિકેતે લાઈટ કરી. એક હાથમાં ગોળીઓ અને બીજા હાથમાં પાણી ભરેલું પ્યાલું લઈને એ ઊભો હતો. ઉદયન બેઠો થયો. અનિકેતના હાથ ખાલી કર્યા. સૂઈ ગયો. એના હાથ અને લમણે અડકીને એણે લાઈટ બંધ કરી. ગયો.

કૉલેજકાળ દરમિયાન તરવાની હરીફાઈઓમાં ઉદયને ઘણી વાર ભાગ લીધેલો. એક હરીફાઈ વખતે એના હરીફો બહુ પાછળ રહી ગયેલા. એ સહેજ થંભ્યો. બધાને પાસે આવવા દઈને પછી એ ઊપડ્યો. પ્રેક્ષકોએ તાલીઓના ગડગડાટથી એને નવાજ્યો હતો. બહાર આવીને છૂટાછવાયા ઊભેલા હરીફોનું એણે સિંહાવલોકન કર્યું હતું. પ્રેક્ષકોમાં અમૃતા પણ હતી, બલ્કે અમૃતા પ્રેક્ષકોમાં મુખ્ય હતી. એ જૂના પ્રસંગનું ગૌરવ તાજું કરવામાં ઉદયન આ ક્ષણે ન ફાવ્યો. આજે જે થયું તે કલ્પના બહારનું છે. અનિકેત એવી કોઈ હરીફાઈમાં નંબર લાવ્યો નથી. એ હરીફાઈ યોજવાની પદ્ધતિને જ અશૈક્ષણિક માને છે પણ તેથી શું થયું? વિજેતા તરીકે એ જાણીતો નથી. મને પણ એ ખબર નહીં કે એ આટલું બધું સામર્થ્ય ધરાવે છે. અમૃતાએ પણ એ આજે જાણ્યું હશે. એને કેવી વળગી રહી હતી! પણ મેં અનિકેતની મદદ ન લીધી હોત તો શું થઈ જાત? જે થવાનું હોત તે થાત પણ એ મારા માટે સારું હોત. પોતાનું મનોબળ આજે ઢીલું પડી ગયું અને એ કબૂલવું પડ્યું તે માટે એને અફસોસ થયો. એ પોતાના પર સખત નારાજ થયો.

આવો પ્રસંગ પોતે જ ઊભો કર્યો. દૂરથી હોડી લઈ આવ્યો. વજ્રાઘાત કરતાં મોજાં પર હોડીને તરતી રાખી ત્યાં વચ્ચે પથ્થર આવ્યો. પથ્થર ભલે આવ્યો. પણ અનિકેત ન હોત તો સારું. એની મદદ મળી શકે તેમ હતી માટે જ મારું મનોબળ ઢીલું પડી ગયું. મદદ હાજર ન હોત તો બધું વેઠી લેત. આજ સુધી શું નથી વેઠયું? પોતાના તરફ અમૃતા તો અનહદ આકર્ષણ અનુભવતી હતી તે દિવસોમાં, મુક્ત કરેલું પંખી ઊડી ઊડીને પાછું પાંજરામાં આવી ચડે એમ મલકાતી, આંખોને છલકાવતી આવતી અમૃતાને એણે રક્ષણ આપ્યું છે. પોતાના હિંસ્ર આવેગોથી એણે રક્ષણ આપ્યું છે. કારણ કે ત્યારે અમૃતા કન્યા હતી – મુગ્ધા હતી, યુવતી ન હતી. આજે અમૃતા મને ટેકો કરી ગયાનો દેખાવ કરી ગઈ. પોતે આયોજન કરીને પરિસ્થિતિ ઊભી કરી હતી તેમાં શાન વધે તેમ હતું. પરંતુ નીચું જોવું પડ્યું.

ઉદયને એ રીતે પડખું બદલ્યું કે પલંગ હાલી ઊઠયો. એના સાંધા હચમચી ઊઠયા. અમૃતાને સ્મરણમાંથી ખસેડી દેવા એણે આંખો ખોલી. નાઈટ લેમ્પના આછા આછા અજવાળામાં એણે કશું ન જોયું. ન જોવું એ જ એનો ઈરાદો હતો. ફરીથી આંખો બંધ કરી.

એ ચર્ચાસભામાં ઉદયને ભાગ લીધો ન હતો. પોતે અગિયારમી શ્રેણીમાં હતો. અમૃતા નવમી શ્રેણીમાં. એ ચર્ચાસભામાં અમૃતા પ્રથમ આવી. એને અભિનંદન આપ્યાં પછી ઉદયને થોડાક મુદ્દા કહ્યા, અવતરણ કહ્યો. અમૃતા છક થઈ ગઈ. તે વર્ષે થોડા દિવસ પહેલાં જ ઉદયન એ ઝોનની શાળાઓનો વ્યાયામવીર બન્યો હતો. અમૃતાએ એને જોયો હતો. એ પણ રમતોમાં, તરવામાં, રસ લેતી. અલબત્ત, નિબંધ, ચર્ચા આદિ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા શિક્ષકો એને સમજાવી શકતા. પછીથી એને સમજાવવાની જરૂર રહી નહીં. અમૃતા પણ ઉદયન જોડાયો હતો તે જ કૉલેજમાં દાખલ થઈ. હવે કશો અંતરપટ ન હતો. કોઈ પણ બાબતે એ વાત કરી શકતાં. ત્યારે એ અંધેરીમાં રહેતો, માશીને ઘેર. એમને સંતાન ન હતાં.

દરેક વિષય હું અમૃતાને શીખવતો રહેતો તેથી જ એ પ્રથમ વર્ગની કારકિર્દી બનાવી શકી, પ્રતિષ્ઠા પામી. મારી મદદ વિના એ આટલી આગળ આવી હોત? પણ આ બધું તો એ જ કહે છે. વારંવાર કહે છે કારણ કે આભાર માની લઈને ઋણ ચૂકવી દેવું છે. હવે અનિકેતને જોયો છે!

એ દિવસો આસમાની હતા. ત્યારે ભવિષ્યમાં ન માનવાનો પ્રશ્ન ઊભો થયો ન હતો. પ્રત્યેક મુગ્ધ માનસની જેમ ઉદયન પણ ભવિષ્ય વિશે રંગબેરંગી મનસૂબા રચતો. સ્વપ્નસૃષ્ટિમાં ગરકાવ થઈને એ વર્તમાન પરિસ્થિતિઓને વીસરી જતો. અમૃતાના સંપર્કનો પોતાની કામનાઓને અનુકૂળ અર્થ તારવી લેતો અને કલ્પિત દામ્પત્યજીવનના આનંદનો નશો અનુભવતો એ હૅગિંગ ગાર્ડન સુધી પહોંચી જતો. એક સાંજે એણે નિર્ણય કરેલો કે અભ્યાસ પૂરો થયા પછી નોકરીની સાથે સાથે થોડાક અનુવાદો કરી નાંખીને એ પૈસા ભેગા કરી લેશે; જેથી પાઘડી આપીને એ મલબાર હિલ પર દોઢ-બે રૂમનો નાનો શો પણ સ્વતંત્ર લાગે એવો ફ્લૅટ કોઈ મકાનના ઊંચામાં ઊંચા મજલે પસંદ કરશે, જેથી આખા મુંબઈ પર સહેલાઈથી નજર રહે.

એ દિવસોની જ વાત છે. બી.એ.ની પરીક્ષા આપ્યા પછી નોકરી શોધતો હતો. છેલ્લાં ચારેક વરસ એક અંગ્રેજી પ્રિન્ટિંગ પ્રેસનાં પ્રૂફ જોવાનું એ કામ કરતો હતો. એને ભૂલો સહેલાઈથી જડી આવતી. સ્પેલિંગ પહેલાંથી સારા હતા તેથી એનું કામ વખણાતું. પણ હવે પ્રેસનું કામ છોડી દીધું હતું. એ પ્રેસમાં હવે ટેકસ્ટબુક છપાવા લાગી હતી.

એક બાજુ બેકારી અનુભવતો હતો, બીજી બાજુ વાંચવામાં બેહદ રસ પડ્યો હતો. એને લાગ્યું કે વાંચવા જેવું તો આ જ હતું. કારણ કે મનુષ્યને કેન્દ્રમાં રાખીને આ બધું લખાયું હતું – પૂર્વનિશ્ચિત આદર્શો અને ઉપરછલ્લી આચાર-સંહિતાઓનું આક્રમણ માણસને ગૂંગળાવી નાખે છે…આ બધા રૂઢિગ્રસ્ત સમાજોનાં જડ ચોકઠાંમાં ફેંકાયેલો માણસ પોતાની સ્વતંત્રતાના હક વિશે સભાન થાય તો જીવી પણ ન શકે…આ માણસ જેને જીવે છે એ જીવન છે? સહુની સાથે સમાધાન કરીને અને પોતાની સાથે બેવફા થઈને માણસે જીવન સામે આંખ આડા કાન કર્યા છે. આ કાયરતા છે… પોતાના પ્રશ્નોને ખુદ સમજીને એમનો ઉકેલ શોધવાને બદલે, સ્વતંત્ર વિચાર કરવાનું પોતાનું દાયિત્વ છોડી દઈને બોધક કથાકીર્તનોનો આશ્રય લેનાર અંધશ્રદ્ધાની છાયામાં ભલે સુખી થાય, એ પરમ આત્મવંચક છે… કહેવાયેલું બધું માની લેવું એ બૌદ્ધિક પરાધીનતાનું લક્ષણ છે, બલ્કે એ બૌદ્ધિક પ્રવૃત્તિ પણ નથી. એ તો ગાડરિયાંનો પ્રવાહ છે…પોતાના અસ્તિત્વથી નિરપેક્ષ હોય એવી કોઈ વાસ્તવિકતા માણસને ખપની નથી… ઈશ્વરના નામે જમા કરાવેલાં એ બધાં અંતિમ સત્યોને માણસના અસ્તિત્વ સાથે કશી લેવાદેવા નથી. અંત પહેલાંના સત્ય — જિંદગી સાથે જ માણસના અસ્તિત્વને નિસ્બત છે – જીવતી વાસ્તવિકતા સાથે નિસ્બત છે…અનંતનાં તત્ત્વજ્ઞાન બહુ ચાલ્યાં. હવે તો પોતાના અસ્તિત્વનું જ્ઞાન – સાન્તનું તત્ત્વજ્ઞાન એણે પ્રાપ્ત કરવું રહ્યું અને તે પણ બીજા કોઈનું માર્ગદર્શન લીધા વિના. માર્ગદર્શકો ભલે પોતાના માર્ગે ચાલ્યા જાય. એ લોકો પણ ચાલ્યા જાય છે તો એમના હઠાગ્રહોનું ભારણ જીવનારાના માથે શા માટે?

તે વૅકેશનમાં ઉદયને જે વાંચ્યું તેની ટૂંકી અનુક્રમણિકા પણ અહીં આપી શકાય તેમ નથી. ફક્ત દિશાસંકેત કરી દીધો. આ વાંચન એની રહેણીકહેણીમાં ભળી ગયું, પાણીમાં ક્ષાર ભળી જાય તેમ. અમૃતા પરિવાર સાથે મહાબળેશ્વર ગઈ હતી. એણે આવીને જોયું તો ખૂબ સિગારેટ પીવાથી ઉદયનના હોઠ કાળા પડી ગયા હતા.

એણે નક્કી કર્યું હતું – હવે અમૃતાને નહીં કહું કે હું તને ચાહું છું. ‘તને સમજું છું.’ એવું કહી શકવાની સજ્જતા કેળવી લઈશ તે પછી એને કહીશ કે સમજની ભૂમિકા પર જ આપણે મળી શકીએ.

આજે અમૃતા એનાથી દૂર જઈને ઊભી છે. એને દૂર જોઈને આકાંક્ષા જાગે છે. એના અંગસૌષ્ઠવથી નજર એટલી બધી પ્રભાવિત થાયછે કે વિશ્લેષણ કરવાની સ્વસ્થતા ટકાવી શકતો નથી. એના અતૃપ્ત ભીતરમાં અરેબિયાના ઉષ્ણ પવનો સૂસવવા લાગે છે.

હવે એ વાત કરશે જ.. પહેલાં જેની કિંમત અવગણી હતી તેવું કોઈ સૌરભભર્યું એકાન્ત મળે… એના દષ્ટિક્ષેપમાં સદ્યજાત ઋજુ સ્પંદનની સુષમા હું જોઈ લઉં કે બસ…હાથ લાગશે બે ઉત્સુક ક્ષણોનો સંયોગ? એના અર્મદિત વક્ષનું ગુમાન મારાં અંગેઅંગમાં શોષી લઉં તે સમય આવશે? અલબત્ત, એ માટે હું એને પ્રાર્થના તો નહીં જ કરું. એણે સમજવું જોઈએ કે મારી ઝંખના…

અનિકેત તો કહેતો હતો કે અમૃતા પ્રત્યે એ નિરપેક્ષ છે. સાચો માણસ છે. એ સાચો ન હોત તો? ઉદયનને અમૃતા પર ક્રોધ આવ્યો. એને કોઈ કેટલી સહેલાઈથી ફસાવી શકે? પરંતુ આજેય એનું વર્તન કોઈ વિદગ્ધ માણસને શોભે એવું છે? એ અનિકેતને ભૂલી જશે? આજે તો એનું વર્તન કેટલું સંદિગ્દ છે? આ સંદિગ્ધતા લંબાતી જ રહેશે? તો મારે ક્યાં સુધી સંશયમાં રહેવાનું?

અનિકેત મુંબઈ છોડે છે. સારા કામે જાય છે. રણનો વધતો વિસ્તાર રોકીને વનસ્પતિ દ્વારા કેમ કરીને સમૃદ્ધિ વધારી શકાય તે અંગે શોધ અને અધ્યયન કરવા જાય છે. એનું પગલું સ્તુત્ય છે. કંઈક નક્કર કામ મૂકીને આવશે. પાછો આવશે? ભલે ને આવે. કોણ કહે છે કે જાય? જો એ વચ્ચેથી ખસી જવાનો વિચાર કરીને જતો હોય તો એ મને સમજતો નથી. એની અવેજીમાં મારે કશું મેળવવું નથી. મારી પોતાની હોય એટલી જ શક્તિઓથી મળેલો વિજય મને ખપે, નહીં તો અંત બહેતર છે. હું ઉપકૃત નહીં થાઉં, સંઘર્ષ કરીશ. અમૃતા વરણી કરવામાં જાગ્રત રહી શકશે તો અનિકેત જોશે કે એના માટે ત્યાગ કરવાનો પ્રશ્ન જ ઊભો ન થયો, ઉદયન જીતી ગયો. વિજય ખપે મને, ઉપકાર નહીં. અને હું એની સામે હારીશ તો વાંધો નથી. હાર પછી જીવવાનું હું ગોઠવી લઈશ. પણ હું અનિકેત વિશે શંકા શા માટે સેવું છું? એ વચ્ચેથી નીકળી જવાનો આદર્શ લઈને જતો ન પણ હોય. એ રાષ્ટ્રિયતામાં માને છે. દેશની ધરતી માટે એના ક્દયમાં અનુરાગ છે. વધતા રણવિસ્તારને આંબી લેવા કશુંક કરી છૂટવાની શુદ્ધ દાનતથી જ એ જતો હશે. અને એના પેલા ઘરડા ઠૂંસ અધ્યાપકની પણ ઇચ્છા હતી. એ જે કામે જાય છે તે સિવાય બીજું કશું એના મનમાં નહીં હોય…

અનાયાસ એનો હાથ કપાળ પર ગયો. કશીક ખંજવાળ આવી હતી. પાટા પર હાથ ગયો. એને ખ્યાલ આવ્યો કે સણકા ક્યારનાય બંધ થઈ ગયા છે. અનિકેત એટલા માટે જ ગોળીઓ આપી ગયો હતો?

આ શરીર કંઈક ગરમ કેમ છે? પેલાં ઈન્જેકશન લેવાથી તો આ અસર નહીં થઈ હોય? પણ યાસ કંઈ ખાસ ગરમ નથી.

આમાંથી લાંબી બીમારી ચાલે તો? બીમારી સામે એને સખત વાંધો છે. આમ ફરજિયાત કોણ પડી રહે! ભલે પોતાની મરજીથી કલાકો સુધી સમુદ્રકાંઠેના ધુમ્મસમાં બેસીને દૂરના આકારોને ધૂંધળા થતા જોઈ રહીએ. ભલે આંખોને આકાશમાં મૂકીને જોઈ રહીએ કે સમુદ્રની સપાટી પર વિશાળકાય એક મગર પડ્યો છે. ભેજમાં રહેલા ક્ષાર અને ધૂણી એની ઉપરની ચામડી સાથે એકરૂપ થઈ ગયાં છે. મલબાર હિલના પશ્ચિમ છેડેનો રાજભવન પછી પૂરો થતો ભાગ અને સામે કોલાબા પોઈન્ટ, એ બે મુખ વકાસીને પડેલા મગરનાં નીચે અને ઉપરનાં જડબાં છે. મરીનડ્રાઈવ રાત્રિના અંધારામાં સળગતા દીવાઓને લીધે ‘મહારાણીના નવલખા હાર’નો ભ્રમ કોઈને ભલે કરાવે. એ તો મગરના ખુલ્લા મોંના દાંત છે – ચાવવાના અને છુપાવવાના બંને પ્રકારના દાંત છે. એક કવિને આ સૂઝયું ખરું પણ એ આ ‘પુચ્છ વિનાની મગરી’ નું નક્કર કલ્પન ન આપી શક્યા, પછી આડ વાતે ચડી ગયા. હું લખીશ. પહેલાં જરા સજ્જ થઈ જાઉં પછી મારી હથેલીમાં હાંફતી ગરોળીનું કલ્પન બનીને આ નગર આવી પડશે. હું કહીશ – હે માણસો, તમને માણસો કહેવામાં હું સાહસ કરતો હોઉં તો મારી ભૂલ માફ કરજો પણ એક વાત તો તમારે માનવી જ પડશે – આ ઝેર છે. યંત્રોએ જોડી આપેલા સાંધાઓથી તમે એક નહીં થઈ શકો. તોડી નાંખો આ બધા સાંધા અને પાછા ચાલ્યા જાઓ વતનમાં. આ ભેજભર્યા ઝાંખા હવામાનના પવનરહિત બફારામાં ઠીલું મોં કરીને કેમ બેસી રહ્યા છો? જાઓ, હજુય, મોડું નથી થયું. ખેતરને શેઢે ધરોના અંકુરોને ચમકાવતો કુમળો તડકો તમારી રાહ જોઈ રહ્યો છે પણ ક્યાં સુધી એ થોભશે? તમે સહુ જાઓ, હું તમારી પાછળ પાછળ આવીશ. પછી આ સૂના નગરમાં અમૃતા એકલી ભલે રહે. હવે તો અનિકેત પણ જાય છે…

વિચાર, સ્મરણ અને ચિંતાના પ્રવાહ મંદ પડતાં પડતાં પરોઢ થઈ ગયું. ઊંઘ આવી રહી છે તે જોઈને એણે નાઈટલેમ્પની પણ સ્વિચ ઑફ કરી. અંધારું. પણ એને અધૂરું નથી ગમતું.

અમૃતાએ મકાનમાં પ્રવેશ કરતાં જે ટીકા સાંભળી તે એની કલ્પના બહારની હતી. એને ચેન ન પડ્યું. સૂઈ ગયા પછી પંદરેક મિનિટ સુધી ઊંઘવાનો પ્રયત્ન કરતી રહી. છેવટે હારીને બહાર આવી. અગાશીની પશ્ચિમ સરહદને પકડીને ઊભી રહી. આકાશમાં અહીં તહીં થોડાં વાદળ રહી ગયાં હતાં. નિરાવરણ ચંદ્ર પાસે એક નાની વાદળી રહી ગઈ હતી. એના કલંકના રંગ જેવી ઝાંખી. ચંદ્ર ખસી ગયો કે એ ખસવા લાગી કે પછી બંને સાથે દૂર જતાં ગયાં, જે થયું હોય તે, પેલી વાદળી બીજાં વાદળાં જેવી જ હવે દેખાવા લાગી. ચંદ્ર પરિવેશની બહાર ચાલ્યો જતાં એની વિશેષતા અદૃશ્ય થઈ ગઈ.

ધ્યાન આપવાથી મોજાંનો ફીણમય ધ્વનિ અમૃતા સાંભળી શકી. દરેક વખતે અધૂરી રહી જતી કામના પછીના મોજામાં કેવી પ્રગટ થયા કરે છે! કિનારા પર મોજાં કેવાં પટકાય છે! સમુદ્ર જાણે એકત્રિત પૌરુષ છે અને આ ધરતી છે નારી. સમુદ્રના ખોળામાં ધરતી. ચારેગમ સમુદ્ર છે. એવું શું ખૂટે છે બંનેમાં કે એ સતત અન્યમાં શોધ્યા કરે છે? કેવી છે આ શાશ્વત અતૃપ્તિ! કવિએ વર્ણન કર્યું છે, ધરતી તરફ ધસી આવતાં સમુદ્રનાં આક્રમક મોજાંનું, પાછો ઝોલો ખાતાં અને શ્વાસ લઈને આગળ ધપી આવતાં એ મોજાંની ક્દયલીલાની આ બૃહદ્ સૃષ્ટિ રતિકર્મનાં કેટલાં દૃશ્યો પૂરાં પાડે છે ! અરોહ અને અવરોહ… પોતાનાં અભુક્ત અંગોનો હવે એને ભાર લાગે છે. પણ પ્રેમ વિના તો શું? પહેલાં પ્રેમની પ્રતીતિ, પછી વરણી, અને પછી… પ્રતીક્ષા તો કરવી જ રહી.

અભિનંદનનોની વર્ષા પછી બધાંના વલણમાં એકાએક ઓટ આવી ગઈ છે. ઘરમાં સહુની સાથે અતડું લાગે છે. એના તરફ તાકતી સર્વ આંખોમાં જાણે કે પ્રશ્નાર્થ છે, સ્નેહનો વિશ્વાસ નથી. કે પછી પોતાના મનોભાવોનું એ બીજાંની આંખોમાં આરોપણ કરે છે? એનું પોતાનું ચિત્ત પણ ક્યાં ઓછું સંશયગ્રસ્ત છે? ગમે તે હોય, પરિવારના વાતાવરણમાં આજે સૌહાર્દનો અભાવ છે.

હમણાં હમણાં કશી પ્રવૃત્તિ પણ નથી. પ્રવૃત્તિના અભાવે પણ કંટાળો વધે. આ વર્ષે ક્યાંય બહાર પણ ન ગઈ. ઘરમાંથી સહુ પોતપોતાની રુચિ પ્રમાણેના સ્થળે બબ્બે અઠવાડિયાં વિતાવી આવ્યાં. પોતાને પણ જવાનું તો ગમત. પણ કોની સાથે?

હું ઘરનાં માણસો સાથે સમય નથી ગાળતી એ એમને ગમતું નહીં હોય? દૂર રહેનાર વિશે શંકા જાગતી હોય છે. હવે મારે ભળવું જોઈએ, કોઈને કોઈ કામમાં, તો હું ઉપયોગી થઈ શકું. પ્રવૃત્તિમાં મન જોડાઈ જતાં એકલું નહીં લાગે.

અમૃતાની થાકેલી આંખોએ ફરીથી જોયું. વરસાદ પછી જાણે ચાંદની વધુ નિર્મલ બની હતી. ધરતીનો આકાશમાં ચડી ગયેલો ઉકળાટ ચાંદનીમાં વરસાદ પહેલાં ભળેલો હશે. હવે તો તે પણ ધોવાઈ ગયો હોય. હવાની શીતળતા તંદ્રાપ્રેરક હતી.

એ શયનગૃહમાં ગઈ. નીચે બેઠેલાંના ખડખડાટ હસવાનો અવાજ એના સુધી પહોંચ્યો. એણે પથારી પર લગભગ પડતું મૂકયું. મનમાં જે ઘૂમરાઈ રહ્યું હતું તેને સાગર પરના અનંત અવકાશમાં ખેસવી દેવા સમર્થ બની શકી ન હતી. છતાં સાવ નિરાશ થઈને પાછી આવી ન હતી. સમય એવું પરિબળ છે જે ઉત્તર આપ્યા વિના પણ આગળ જતાં પ્રશ્નની તીવ્રતા ઓછી કરી શકે છે. અનિકેત કે ઉદયન? આ વરણી કેવળ અભિરુચિ પર અવલંબતી હોત તો કેવું સારું! સાથે સાથે મને નૈતિક કર્તવ્યનો બોધ ન થતો હોત તો કેવું સારું હોત? કર્તવ્યના બોધથી નિરપેક્ષ એવી વરણી કરી શકાય? તો તો વરણી કરવી સરળ હોત. તેથી એનું કશું ગૌરવ પણ ન હોત. ઉદયન મારી પાસે અમુક અપેક્ષા રાખે તો તે સમજી શકાય એમ છે. પણ એની અપેક્ષાને સંતોષવા મારે નિર્ણય કરવાનો?

ઉશીકું ખસતાં એને કવર દેખાયું. એના ક્દયના ધબકારા વધી ગયા. પત્રમાં શું છે તેની ખબર નથી તોપણ ક્દય કેમ ધબકી ઊઠયું? માણસ નિર્દોષ અને નિ:સંશય હોય તો કશાયનો ડર શાનો? આ પત્રમાં બીજું તો શું હોય? અત્યારે હાલ જ જઈને નીચે બેઠેલાંને હું મારી નિર્દોષતા વિશે વાત કરી આવું? પણ આ કવર અહીં ક્યારે મૂકવામાં આવ્યું હશે? કોણે મૂકયું હશે? અક્ષર ભાભીના છે. એણે કવર ફાડ્યું-

‘બે પુરુષો સાથે તમારો આ પ્રકારનો સંપર્ક આપણા પરિવારની પ્રતિષ્ઠાને છાજે તેવો નથી. ભલે તમારા અતિ આધુનિક માનસને એમાં કશું અજુગતું લાગતું ન હોય, તમે આ અંગે વિચાર કરશો તો અમારા ઉપર ઉપકાર થશે. એમ કરવા વિનંતી છે.’

પત્ર વાંચતાં વાંચતાં જ અમૃતા છળી ઊઠી. એ બેઠી થઈ ગઈ. ભાભીની આટલી બધી હિંમત! ખરીદી કરવા સિવાય બીજા કશામાં ગતાગમ તો પડતી નથી અને મને ઉપદેશ આપવા નીકળી પડી? એણે શા માટે આ પ્રમાણે લખ્યું? મારી સાથે વાત કરતાં એના હોઠ સિવાઈ જવાના હતા?

માનો કે એણે ફક્ત લહિયાનું કામ કર્યું હોય. બધાંએ મળીને લખવાનું કહ્યું હોય. તોપણ એની ફરજ છે મારા વતી વાત કરવાની. એની સાથે અવાર નવાર વાતો થયેલી છે. ‘શુદ્ધિ’નો એ લોકોનો વિભાવ પણ મારી બાબતે સચવાયો છે. મારા શરીરની હજુ હું જ માલિક છું.. આ લોકો મને કયે આધારે વિચલિત માની બેઠાં? મારા શીલ વિશે એમને કેમ શંકા ગઈ? એમને શંકા ન જાય તેની ખાતરી પણ મારે રાખવી જોઈએ? માણસ પ્રામાણિક હોય એટલું પૂરતું નથી, એણે પ્રામાણિક દેખાવું પણ જોઈએ! પણ આ પ્રામાણિકતાનો દેખાવ જ સમાજને કુરૂપ બનાવી રહ્યો છે તેની કેમ કોઈને ચિંતા નથી? માણસોને બાહ્યા પુરાવા પૂરતો જ રસ છે. તેથી જ મોટે ભાગે આચાર બનાવટનું રૂપ ગ્રહણ કરે છે. પણ આ લોકોને સંતોષવા હું કંઈ બનાવટ કરવા બેસવાની નથી. જેણે જે સમજવું હોય તે સમજે. અને અહીં કોણ કોને સમજે છે? કોઈને સમજવા મથે છે પણ કોણ? બીજાઓનો સારો અભિપ્રાય મેળવવાની ગણતરીથી મારે મારા વર્તનને નિયત કરવું નથી. મારું ભવિષ્ય બીજાના ગમાઅણગમાઓ પર નિર્ભર રહે એમ હું ઈચ્છતી નથી. મારા ભવિષ્યનું નિર્માણ હું મારી સ્વતંત્ર ઇચ્છાશક્તિથી કરીશ. એમાં હસ્તક્ષેપ કરવાનો કોઈને અધિકાર નથી, ઉદયનને પણ નહીં… અનિકેતને? અનિકેતને પણ નહીં.

‘તમારો આ પ્રકારનો સંપર્ક’ – શું કહેવા માગે છે આ લોકો? જ્યાં રોશની જોઈ ત્યાં ઊડતી પહોંચી જતી તિતલીઓ જેવી છું હું? એ લોકો એવું માને છે પણ ખરાં કારણ કે એમના સંસ્કાર જ એવા છે. જે સમાજમાં એ જીવે છે તેના માનદંડ જ રોશની અને સાજસજ્જા છે. મેં સંપત્તિને કદી મૂલ્ય માની નથી. નહીં તો ઉદયન જેવા ખભે ઘર લઈને ફરનાર તરફ વળત નહીં. અને અનિકેતનાં કુળધન વિશે પણ મેં કદી કશું જાણવા ઇચ્છયું નથી. મેં તો એટલું જ જાણ્યું છે કે એ બંને પોતાના આધાર પર ઊભા છે. આજે હું એમને સમજવા યોગ્ય વ્યક્તિ માનું છું. બીજા કોઈ રૂપે એમને જોતી નથી, એમના સંપર્કનો આ લોકો આવો અર્થ ઘટાવવા કેમ લાગી ગયાં? અભિલાષાઓ નથી જાગતી એમ નહીં, પણ આજ સુધી હું એમને રોકી રહી છું. પોતાના સુખને રોકી રાખનાર માણસને આ સામાજિકો આવો બદલો આપશે?

આ લોકોએ પહેલાં વસ્તુસ્થિતિને જાણવાનો થોડોક પણ પ્રયત્ન કર્યો હોત તો મને આટલો બધો રંજ ના થાત. કશીય ખાતરી કર્યા વિના મારા સંપર્ક સામે લાલ બત્તી ધરી. અને આ અંગે ચિંતા કરવાની એમને જરૂર કેમ લાગી? થોડુંક કામ અને બાકીનો સમય આમોદપ્રમોદ. છે બીજું કંઈ એમના જીવનમાં? લેખકો-કલાકારોનાં ચારપાંચ નામ જાણે, અને છાપાંના સમાચારોની ચર્ચા કરે. કશી બૌદ્ધિક પ્રવૃત્તિમાં રસ લીધો છે એ લોકોએ? કોઈ નાનાસરખા પ્રશ્નને પણ સમજવાની નિષ્ઠા બતાવી છે એ લોકોએ? એમના દૈનિક આયોજનમાં કશો ફેરફાર થાય છે? આરામ, રમતો, સિનેમા, બાગ, બજાર હોટલો… આ સિવાય બીજા કશા સાથે એમને શી નિસ્બત! બહુ બહુ તો પ્રવાસ. અને ત્યાં પણ પૂરતાં સાધન-સંપન્ન થઈને જશે. સઘળો પ્રપંચ સાથે ઘસડી જશે.

ઉદયનને આ લોકો શું સમજે? અનિકેતને ક્યાંથી ઓળખે? હમણાં સુધી મારી પ્રશંસા કરતા રહેતા. દરરોજ આવતાં અભિનંદનોનો સરવાળો કરી મને કહેતાં. પણ મારા વિષયના શીર્ષકનો અર્થ પણ એમનામાંથી કોઈ ભાગ્યે જ જાણતું હશે. પ્રશંસાનો નિત્યક્રમ છોડીને એકાએક ઠપકાની દરખાસ્ત લઈ આવ્યાં. એમની આવી બાલિશ સલાહ હું માની લઈશ એવું એ માનતાં હશે? આ ચિઠ્ઠી વાંચતાં મારામાં કેવી પ્રતિક્રિયા જાગશે એનો કોઈએ વિચાર કર્યો હોત તો આવું સાહસ કરત?

એમની સાથે હું વાત નહીં કરું. લેખિત જવાબ આપીશ. એમની સામે પણ નહીં જોઉં.

અમૃતા ઊભી થઈ. કાગળ-પેન લઈને લખવા બેઠી-

‘તમારામાંથી કોઈ એકને સંબોધન કરીને હું ઉત્તર લખતી નથી. તમે બધાંએ સમૂહ તરીકે મને ચિઠ્ઠી, બલ્કે જાસાચિઠ્ઠી લખી છે. તેથી પણ મારે તમારી આખી ટોળીને સંબોધવી જોઈએ. તે ઉપરાંત તમે બધાં મારા માટે સરખાં છો. ભાઈઓ અને ભાભીઓનો બૌદ્ધિક સ્તર એકસરખો છે. એ બાબત હું પહેલાંથી જાણતી હતી, આજે એની પાકી પ્રતીતિ થઈ. તમે જે સલાહ મને આપી છે તેમાં તમે બધાં એકસરખું અને એક સ્તરનું વિચારતાં હશો તેવું સાબિત થાય છે.’

આટલું લખીને એ થંભી. લખેલું વાંચી ગઈ. આમાં વધારે પડતી તીખાશ આવી ગઈ. વાંચતાં એમને કેવું લાગશે? હું આજ સુધી કોઈની સાથે લડી નથી. મા કહેતી ગઈ છે…..માની યાદ આવતાં અમૃતાનો આક્રોશ ગળાઈ ગયો. એણે કાગળ ફાડી નાખ્યો. બેસી રહી. પછી અનિચ્છાએ બીજો કાગળ લીધો:

‘તમે સર્વાનુમતે આપેલી સલાહ માટે આભારી છું. પણ તમારી આ કે બીજી કોઈ સલાહ મને ઉપયોગી થઈ શકે તેમ નથી. મારે શું કરવું કે શું ન કરવું તે બધા નિર્ણયો અંગે હું સદા સ્વાવલંબી રહેવા માગું છું. જેમ તમારામાંથી કોઈને હું કદી કોઈ પણ પ્રકારની સલાહ આપતી નથી તેમ તમે કે તમારામાંનું કોઈ મને સલાહ આપવાનું કષ્ટ ઉઠાવે તે પણ હું ઈચ્છતી નથી. એમ કરવામાં તમારો નાહક સમય બગડશે તે હું આજે જણાવી લઉં. વળી, બીજા કોઈને સલાહ આપવામાં ખપ લાગે એવી સમજ તમારામાંથી કોઈનામાં હશે કે કેમ તે અંગે મને શંકા છે. અત્યારે મારે તમને એટલું જ કહેવાનું છે કે પોતાની રુચિ-પ્રવૃત્તિના આધારથી બીજાને સમજવાનો પ્રયત્ન કરવામાં ઘણું બધું જોખમ રહેલું છે. આવી તેવી કશી સલાહ આપવાનો ઉત્સાહ તમે હજી પણ બતાવશો તો હું એનો જવાબ આપવા તમારી સાથે નહીં હોઉં. ‘છાયા’ છોડી દઈશ ને બીજે રહેવા જઈશ. નોકરી કરીશ. એમ કરવામાં મને શરમ નહીં આવે. અને એમાં શરમ શેની? એ જ ગૌરવભર્યો માર્ગ છે. કંપનીના ભાગીદારોમાં મારું નામ મા ઉમેરતી ગઈ છે તે પણ રદ કરજો. મારે સંપત્તિ નથી જોઈતી, સ્વતંત્રતા જોઈએ છે.’

આ વખતે માના સ્મરણથી અમૃતાની આંખો સજળ થઈ ગઈ. માના મૃત્યુને ચાર વરસ થવા આવ્યાં. પહેલી વાર એ આ રીતે યાદ આવી. આ વિશાળ મકાનનું નામ ‘છાયા’ એણે જ પાડેલું. એ મારા શિક્ષણમાં કેટલો બધો રસ લેતી? એને સંગીતમાં કેવો ઊંડો રસ હતો! મને નૃત્ય શીખવા એણે આગ્રહ કર્યો. હું શીખી રહી હતી. પણ એક સમારંભમાં નૃત્ય રજુ કર્યા પછી પ્રેક્ષકોની અશિક્ષિત આંખો જોઈને નૃત્યની તાલીમ લેવી છોડી દીધી. નૃત્યને નહીં, નર્તકને જોનાર પ્રેક્ષકોની દુનિયાનું મનોરંજન મારાથી નહીં થાય તો એમાં કલાદેવતાની સેવા જ થશે. અને એક માણસ કેટકેટલું કરી શકે? નૃત્યમાં દીક્ષિત થઈ ગઈ હોત તો શું હું પીએચ.ડી. થઈ શકી હોત? અને ઉદયન તો નૃત્યને વાસ્તવિકતામાંથી પલાયન કરાવનારી માયા માને છે. મા ઉદયન તરફ સદ્ભાવ રાખતી. એને પાસે બેસાડીને કલાકો સુધી એની વીતક વાતો સાંભળ્યા કરતી. એને પણ પૂછતી – ‘અમૃતાનો અભ્યાસ કેમ ચાલે છે?’ હું પાસે હોઉં તો જરા કડક અભિપ્રાય આપતો. તેથી એ પ્રશ્નનો ઉત્તર હું સંતાઈ સંતાઈને સાંભળતી. ત્યારે ઉદયનનો અભિપ્રાય મારા માટે આખરી અભિપ્રાય હતો.

માના મૃત્યુ પછી એ પહેલી વાર આવ્યો ત્યારે શૂન્યમનસ્ક બેસી રહ્યો. મને સાથે લઈને માના બેઠક રૂમમાં ગયો. જ્યાં બેસીને સાંજ વેળાએ એ વાંચતાં રહેતાં ત્યાં જઈને નીચું જોઈને ઊભો રહ્યો. મારી આંખમાં આંસું આવી ગયાં. એણે જોયાં કે તુરત લૂછી નાખ્યાં. ‘અમૃતા, રડીને વેદનાને ઓછી કરવી એ કાયર માણસોનું કામ છે. વેદના તો આપણી કરોડરજ્જુ છે.’

આજે મને દુ:ખના પ્રસંગે માતાનું સ્મરણ થયું. કશીક અસહાયતા અનુભવી કે એમાંથી બચવા મેં એના સ્મરણનો આશ્રય લીધો. મેં એને યાદ કરી તે પણ મારા સ્વાર્થે. આવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ ન હતી ત્યારે મને એનું સ્મરણ કેમ ન થયું? એના માટેનું મારું મમત્વ ક્યાં ગયું હતું? તો શું આપ્તજનના મૃત્યુથી આપણને દુ:ખ થાય છે તેનું કારણ આપણો સ્વાર્થ છે? એમ જ હશે. થોડેક અંશે મમત્વ અને મહદઅંશે સ્વાર્થ એમાં રહેલો છે. તેથી જ કંઈક ગુમાવ્યું એવો અનુભવ થાય છે. સ્વાર્થ ન હોય તો માણસ રડે શા માટે? પ્રેમ હોય તો એના માટે પ્રાર્થના ન કરે? પણ એવું કોઈ બિન્દુ પણ હશે જ્યાં પ્રેમ અને સ્વાર્થ સંધિ પામે છે. મૃત્યુ પામેલા માણસને યાદ કરવું એ ભલે આપણી મર્યાદા હોય. આ મર્યાદાઓ જ માણસને ઓળખવામાં મદદ કરનારાં લક્ષણો છે.

પોતાની સાથે નિર્મમ બનીને જ્યાં સુધી હું નહીં વિચારું, નહીં વર્તું, મારે બીજાંનો આશ્રય લેવો પડવાનો, અને આશ્રયથી મળતું સુખ મને પરાધીનતાની યાદ આપ્યા કરશે. તો શું કરું? ઘર છોડી દઉં? આ પત્ર એમને આપું? ઓહો, રાતના ત્રણ વાગી ગયા?

એણે પત્રની સુધારેલી આવૃત્તિ પણ ફાડી નાખી. આવી લડાયક ભાષા વાપરવામાં મારી અસ્વસ્થતા પ્રગટ થાય છે. એમને મળીને શાંતિથી વાત કરીશ. એમને આમ અવગણી દેવાં અને એમની વાતમાં કશું તથ્ય ન હોય એમ માની લેવું એ બરોબર નથી. આ વલણ પાછળ અહં કામ કરે છે. હું એમના કથનનું તાત્પર્ય સમજીશ. એમણે લખેલા પત્રમાં એમને અભિપ્રેત હોય તે યથાર્થ રીતે વ્યક્ત ન પણ થયું હોય. ભાષાના માધ્યમ પર સંપૂર્ણ ભરોસો રાખી ન શકાય.

{

અનિકેતે મોડી રાત સુધી જવાની તૈયારી કરી હતી. શું શું સાથે લઈ જવું? લઈ જવા જેવું લાગે છતાં એને છોડી શકાય એવું હોય તો છોડતા જવું. હા, છોડતા જ જવું. ફક્ત સામગ્રી જ નહીં, સંવેદન પણ.

ઉદયને મારી ખાતર નૌકા-વિહાર ગોઠયો. પણ એને વાગ્યું. એને ઘણું વાગ્યું કહેવાય. કાલે ડૉકટર કહેશે કે ચિંતા કરવા જેવું નથી, તો જ જઈશ. આટલું બધું લોહી વહી ગયું છતાં કેવો બેદરકાર! સાંજ સુધીમાં એના ઘાનો ઈલાજ કેવા પ્રકારનો હશે તે જાણી શકાશે. જો ફક્ત ઈન્જેકશનથી જ એ રુઝાઈ જાય એમ હશે તો કશી ચિંતા નથી. એક્સ-રે લેવાય પછી જ ખ્યાલ આવે.

અહીંથી જઈને પહેલાં તો એ પાલનપુરમાં રહેવાની વ્યવસ્થા કરી લેશે.પછી કચ્છ જઈ આવશે. અવાર નવાર રાધનપુરમાં પણ રોકાશે. સખત ગરમીના આ દિવસોમાં આબુ પર રહેવાનું પણ ગમે, પરંતુ અત્યારે તો ત્યાં અમદાવાદ વસ્યું હશે. પહેલાં એકવાર જેસલમેર પણ જઈ આવવું જોઈએ. પાલનપુર રહેવાનું અનુકૂળ નહીં લાગે તો જોધપુર જઈશ. સંસ્થાની મુખ્ય ઑફિસ જોધપુરમાં શરૂ કરી શકાય તો સારું.

રણ!

આજ સુધી એને જોવાની ઇચ્છા પણ કેમ ન થઈ?

વેરાન! રેગિસ્તાન! મરુભૂમિ! દરેક નામ એક જ પ્રદેશ માટે વપરાય છે, છતાં દરેકની અર્થચ્છાયા જુદી. આ અર્થોની દરેક છાયાને અનિકેત પ્રવાસ દરમિયાન ચકાસી જોશે. રણનું અસ્તિત્વ ભૂંસી નાખવા એ જઈ રહ્યો છે. તેથી જેને ભૂંસવું છે તેને પહેલાં જાણશે.

રણની સરહદો ભેદીને પ્રવેશ કરીશ ત્યારે ત્યાં નિર્જન બનીને વિલસતા અનંતનો ક્યારૂપે મને સાક્ષાત્કાર થશે? એ શૂન્યમાં હું મારા અનંતને પામી શકીશ? પરિણામ મારા હાથમાં નથી. હું પુરુષાર્થ કરીશ. રણના છેડા પ્રલ્લવિત કરીને પાછો આવું તો તે પણ ઓછું નથી. અરવલ્લીની શિખરમાળા યુગોથી ઊભી ન હોત તો રણ ક્યાં સુધી પહોંચી ગયું હોત? એ પર્વતની વનરાઈમાં લહેરાતા લીલા રંગને નીચે ઉતારીશ. પ્રકૃતિને રણમાં જીવન મળે એથી વધારે મારે કશું શોધવાનું નથી. અને એ શોધવું સહેલું પણ નથી. પ્રશ્ન જીવનનો જ – પાણીનો જ છે. અને પાણી ત્યાં નથી એવું પણ નથી. દેખાતું નથી. અને જે છે તેને દેખાવામાં રસ પણ ક્યાંથી હોય? કારણ કે એ ખારું છે. ખારાશને જુદી તારવીને જળને ગ્રહણ કરે તેવી વનસ્પતિનાં બીજ એકઠાં કરીશ અને માણસોને બતાવીશ. જો એટલું કરી શક્યો તો મારો ભવિષ્યકાળ મને સંતોષ અનુભવવાની છૂટ આપશે. પુરુષાર્થ કરવાની કેવી મોટી તક મળી છે! ઉદયન કહે છે કે પુરુષાર્થી માણસો સામે જડ અવરોધ ઊભા કરીને પ્રમાદી દુનિયા કુંભકર્ણની નિદ્રા સેવી રહી છે. એને જગાવવા માટે આઘાત કરવા પડશે. એ ઉદયનનો મત છે. દુનિયા જેવી હોય તેવી ભલે રહી. એ મારી દુનિયા છે. એનો એક છેડો હું છું. હું પોતાનાથી પ્રારંભ કરું છું. અને હું ઊંઘતો નથી તો એ મારા માટે પૂરતું છે. બીજાની ઊંઘમાં ખલેલ પહોંચાડીને હું શું સિદ્ધ કરી શકવાનો છું? મારે એકલા તો એકલા પણ આગળ જવું જ રહ્યું. જે આગળ જાય છે તેનાં પગલાં કોઈકને તો પાછળ આવવા પ્રેરતાં જ હોય છે.

પ્રવાસમાં અનિકેતને કિશોરાવસ્થાથી રસ છે. એણે આચાર્યશ્રીને આજે પત્ર લખ્યો તેમાં પોતાના વિદ્યાર્થીઓ જોગ પણ થોડુક લખ્યું. અત્યારે કૉલેજ ચાલુ હોત તો એમનાથી આમ છૂટા પડવાનું એને જરૂર દોહ્યાલું લાગત. વહેલા નીકળી જવાનું નક્કી કર્યું તે ઠીક થયું. એણે લખ્યું હતું – ‘હું ત્રણ વરસની રજા લઈને પ્રવાસે જાઉં છું. અને પ્રવાસે જનાર કદી ખાલી હાથે પાછો આવતો નથી. પ્રવાસ શિક્ષણને ઉપકારક થઈ શકે છે. હું શિક્ષક એટલા માટે થયો કે વિદ્યાર્થી તરીકેની મારી જિજ્ઞાસાને ટકાવી રાખીશ એવો મને વિશ્વાસ હતો. તમારે યુવકોએ આ ત્રણ વસ્તુઓ ન ભૂલવી; પ્રવાસ, ઇતિહાસ અને ધર્મ. પ્રવાસ બૃહદ્ની ઝાંખી કરાવે છે. નિસર્ગના સાહચર્યમાં સંવેદન વ્યાપક બને છે. ઇતિહાસ-જગતનો અને જગતમાં વિકાસ પામેલાં વિજ્ઞાનો, માનવવિદ્યાઓ અને કલાઓનો ઇતિહાસ માનવપ્રવૃત્તિની ફલશ્રુતિ રજૂ કરે છે. ઇતિહાસના પલ્લાની સામે એક બીજું પલ્લું ભરવાની આપણામાં આકાંક્ષા જાગે છે. એ પલ્લાને આપણે આપણા ભવિષ્યથી ભરી દેવા ઉદ્યત થયા હોઈએ ત્યારે ધર્મના અધ્યયનથી પ્રાપ્ત વિવેક સમતુલા જાળવે છે. પ્રવાસથી જાગતી ક્રિયાત્મકતા, ઇતિહાસથી જાગતી આકાંક્ષા અને ધર્મથી આવતી જાગૃતિ વિદ્યાર્થી માટે ઉપાસ્ય છે. આ વાત મેં વિદ્યાર્થીની હેસિયતથી કરી છે.’

પ્રવાસની તૈયારી પૂરી કરીને અનિકેત સૂઈ ગયો ત્યારે એને એક પ્રશ્ન થયો – અમૃતાએ મારા નિર્ણય અંગે કેમ કશું પૂછયું નહીં? મને લાગતું હતું કે એ નાખુશી વ્યક્ત કરશે. ઉલટાવી ઉલટાવીને મારા આ કામનું પ્રયોજન પૂછશે, હું રણપ્રદેશમાં જાઉં છું તેથી કંઈક ચિંતા વ્યક્ત કરશે અને છેવટે શુભેચ્છા આપશે. એ કશું જ ન બોલી.

એ યોગ્ય જ થયું કે એ કશું જ ન બોલી. મેં માની લીધો એટલો બધો રસ એને મારી પ્રવૃત્તિમાં શા માટે હોય? એની સાથે જ્યારે જ્યારે મળવાનું થયું છે, એની ઉષ્મા અનુભવી છે. આંખોએ એના સ્વસ્થ સૌંદર્યનો હૃદ્ય પ્રભાવ ઝીલ્યો છે. એની સંનિધિમાં કશું અપૂર્ણ લાગ્યું નથી. વાતાવરણ એને પામીને સભર થઈ ગયું છે. એ પણ મારી હાજરીથી પ્રસન્ન હોય તેવું લાગતું રહ્યું છે. મારી પ્રવૃત્તિમાં એને રસ ન હોય તેમ કહી શકાશે ખરું? તો પછી એ કેમ ન બોલી? એણે કશો સંકેત પણ કેમ ન કર્યો?

સમુદ્રનાં છલ્લાતાં મોજાંમાં આગળને આગળ વધી રહ્યો હતો ત્યારે પીઠને થઈ જતો અમૃતાના સ્કંધનો સ્પર્શ…એના વક્ષનો સ્પર્શ અનિકેતને યાદ આવી ગયો. પોતાની પીઠ સાથે જોડાયેલી સૃષ્ટિને ભૂલીને તર્યા કરવું દોહ્યાલું લાગતું હતું તે યાદ આવ્યું. અને એકવાર તેના હોઠ મારા ગળાને અડકી ગયા હતા તે શું મોજાના આઘાતની અસર હતી કે પછી ઇંગિત? કવિ શૈલીએ ઇટાલીના પશ્ચિમ- સાગર તીરે નૌકા-વિહાર કરતાં કરતાં જ બીજા જગતમાં પ્રવેશ કર્યો હતો પણ એના જેવા માટે એ જલસમાધિ હોય, મારા જેવા માટે ડૂબવું હોય. કામના ક્યાં ક્યાં ખેંચી જાય છે!

ઉદયનના રૂમમાંથી ઝાંખું ભૂરું અજવાળું એકાએક લુપ્ત થયું. એણે લાઈટ બંધ કરી. તો શું હજુ સુધી એ જાગતો હતો?

હવે તો ઉદયન અને અમૃતાથી દૂર. અમૃતાથી દૂર-સુદૂર. એ યાદ આવશે તો મનને કહીશ કે એ તો સૌન્દર્યની પ્રતિમા બનીને સાક્ષાત્ થયેલું એક સ્વપ્ન હતું, સ્વપ્ન હતું. સ્વપ્નરૂપે જ એના અસ્તિત્વને પ્રમાણીશ. એને મરીચિકા માનીશ…એને મરીચિકા માનવામાં તો એનું અપમાન થાય. હું એનું અપમાન નહીં કરી શકું. એના સ્મરણની શુદ્ધિ જાળવીશ……અનિકેતને લાગ્યું કે એ ચાલતો ચાલતો એક રણદ્વીપ સુધી પહોંચી ગયો છે. નાળિયેરીનાં થડને અઢેલીને એ બેઠો છે. નીરવ શાંતિમાં હવા ઋજુ પગલીએ પ્રવેશે છે. એની પાછળ પાછળ એક સંગીતમય સ્વર વહ્યો આવે છે. અંગાંગને મૃદુલ સ્પર્શ થઈ રહ્યો છે. પોતે રણ વચ્ચે છે તે વાસ્તવિકતાનું ભાન ઓસરતું જાય છે. જાગૃતિ તુરીય અવસ્થામાં રૂપાંતર પામે છે અને સ્વપ્નરહિત નિદ્રાનો પ્રારંભ થાય છે.