અનિકેત જાગ્યો. ઉદયન ઊંઘતો હતો. એના માથે હાથ મૂકીને ખાતરી કરી કે તાવ છે કે નહીં. પછી હાથ ગળા નીચે છાતી પર લઈ ગયો. અનિકેતના બુશશર્ટમાં ઉદયન કંઈક જુદો લાગતો હતો. એનું શરીર તાવ હોય એટલું ગરમ ન હતું. એની પાસે થોડુંક ઊભો રહીને એ પલંગ પર બેઠો. ઉદયન ભરનિદ્રામાં હતો. એને શાલ ઓઢાડીને અનિકેત પ્રાત:કર્મોમાં રત થયો.
પરવાર્યા પછી કબાટ ખોલ્યું. સાથે લઈ જવા જેવું કોઈ પુસ્તક રહી જતું તો નથી ને? પોણા નવ વાગ્યા હતા. એમ તો બધાં પુસ્તકોને સાથે લઈ જવાનું મન થાય. જ્યાં રહેવાનું થશે ત્યાં પુસ્તકો વિના અતડું લાગશે. વનસ્પતિશાસ્ત્ર, ભૂગોળ અને ભૂસ્તરશાસ્ત્રને લગતાં થોડાંક અંગ્રેજી પુસ્તકો તો એણે ગઈ કાલે રાત્રે જ બહાર કાઢીને એક ટ્રંક ભરી લીધી હતી. એમાં પાંચ કવિતાસંગ્રહ મૂકી શકાય એટલી જગ્યા હવે ન હતી. સૂટકેસમાં જગા હતી.
ઉદયન જાગ્યો, આળસ મરડીને એણે બગાસું ખાધું. સવારમાં પણ આ માણસ બગાસાં ખાય છે તેની અનિકેતને ખબર ન હતી તેથી એને સહેજ આશ્ચર્ય થયું.
‘ગુડ મૉર્નિંગ ઉદયન!’
‘મંગળ પ્રભાત મિત્ર! આંખ ખૂલતાં હું તો ગભરાઈ ગયો કે મારું મકાન આવડું મોટું કેવી રીતે થઈ ગયું? એક રૂમ આ બાજુ, એક રૂમ માથા તરફ. આવડા મોટા મકાનમાં તું નાનો નથી પડતો? આજુબાજુ આટલી બધી જગા રહે તો હું તો ગોઠવાઈ ન શકું.’
‘આ મકાન મેં ક્યાં બનાવ્યું છે? હું તો ફક્ત વારસદાર છું.’
‘હા તું તો વારસામાં માને છે.’
‘માનીએ કે ન માનીએ ભોગવ્યા વિના છૂટકો નથી.’
‘કેમ છે તારી તબિયત, ગઈ કાલે હું તને તો પૂછવાનું ભૂલી જ ગયો. તમે બધાંયે મારી કેટલી બધી કાળજી લીધી પણ મને તો એક પ્રશ્ન પૂછવાનું પણ સૂઝ્યું નહીં. માણસો કેવા સ્વાર્થી હોય છે! પોતાના દર્દમાં ગરકાવ થઈને સહુને ભૂલી જાય છે.’ બોલીને એ છત સામું જોઈ રહ્યો. અનિકેત પુસ્તકો મૂકીને હસતો હસતો ઉદયન હતો તે રૂમમાં આવ્યો. એના પલંગ પર બેઠો. હાસ્ય ટૂંકાવી લઈને ગંભીરતાપૂર્વક બોલ્યો-
‘કેમ છે તબિયત? શરીરમાં કશી અશક્તિનો અનુભવ તો નથી થતો ને?’
‘તું પણ ખરો છે યાર! આટલાથી હું બીમાર પડી જાઉં એમ માની ગયો કે પછી તારી એવી શુભેચ્છા છે? અથવા તો આટલી બધી કાળજી લઈને તું મને સગીર સાબિત કરવા માગતો હોઈશ. બોલ, શો ઈરાદો છે?’
ઉદયનના ચહેરા પર સ્મિત જોઈને અનિકેતને સંતોષ થયો. જનાબ ખુશ છે તે જોઈને અનિકેતે જવાબ આપ્યો-
‘તને સગીર સાબિત કરવાનો પ્રયત્ન કરવો પડે એમ ક્યાં છે? જે સ્પષ્ટ છે તેને સાબિત કરવાની જરૂર ખરી?’ અનિકેતની દૃષ્ટિમાં એટલો સ્નેહ તો અવશ્ય ઝલકતો હતો જેથી ઉદયનનો તર્ક દબાઈ જાય. આગળ થયેલી ‘વારસા’ની વાત અહીં પૂરી થાય છે એમ સમજીને એ બેઠો થયો. દીવાલ તરફ ઉશીકાં ફેંકીને પછી એમનો ટેકો લઈને એ આરામથી બેઠો-
‘આજ સુધીમાં ઘણા મહાનુભાવોએ મને, હું મારું દાયિત્વ ન સંભાળી શકું એવો ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એટલે જ અટક્યા નથી. એમની વાત મને ઠસાવવા પણ જહેમત ઉઠાવી છે. હું માન્યો નથી તેથી એમણે નિરાશ થયા વિના કહ્યા કર્યું છે – ઉદયન અવિવેકી છે, અપરિપક્વ છે, અધીર સાહસિક છે, પરપીડક છે, એ સામા માણસનો તેજોવધ કરે છે, મૂલ્યોનો છેદ ઉડાડવાની વાત કરીને એ અરાજકતાને પોષે છે, સાચું પૂછો તો એ મૉર્બિડ રોમાન્ટિક છે.’
‘તારી સમીક્ષા કરનારા એ મહાનુભાવોમાં તો તું મને સ્થાન આપતો નથી ને? કારણ કે મેં પણ તને કોઈ દિવસ કંઈક કહ્યું હશે. અલબત્ત હું માનું છું કે કોઈના વિશે ઉતાવળિયો અભિપ્રાય આપવો એ અનૈતિક પ્રવૃત્તિ છે. તને પામી શકું એટલો હું તારી નજીક આવ્યો નથી કે કશો અભિપ્રાય આપી દેવાની ઉતાવળ કરું, ખાસ કરીને નાસ્તિમૂલક અભિપ્રાય.’
‘તું મને પામી શક્યો નથી! શું હું પામી શકાઉં એવો નથી? અભિપ્રાય તો દૂર રહ્યો, આ તો આક્ષેપ થયો.’
‘કેમ જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ કરીને તું કહેતો હોય છે કે બે માણસ એકબીજાને પૂર્ણતયા પામી ન શકે… એ ભૂલી ગયો કે પછી તારો સિદ્ધાંત ખોટો છે ? પણ જવા દે એ બધું. આપણે આ સંવાદ બંધ કરીએ, નહીં તો એ વિસંવાદ તરફ ખેંચી જશે. કટાક્ષના રવાડે ચડી ગયા પછી શબ્દ રમકડું બની જાય છે. એ સ્થિતિમાં હું પોતાને રોકું છું.’
ચા આવી. અનિકેતે ઉદયનને સાથ આપ્યો.
ઉદયન ઊભો થઈને આંટા લગાવવા લાગ્યો. પુસ્તકો મૂકેલી ટ્રંક પર એની નજર રોકાઈ. બેસીને એણે ટ્રંક ખોલી-
‘અલ્યા, ફરવા જાય છે કે વાંચવા?’
‘વાંચતો વાંચતો ફરીશ.’
એક પુસ્તક લઈને ઉદયન પાનાં ફેરવવા લાગ્યો. એક ચિત્ર નજરે પડ્યું. કાળાં વસ્ત્રમાં શોભતા એક ખડતલ સહરાવાસી પુરુષની એ તસવીર હતી. ઓઢેલી શાલ હીંચકા પર નાખીને ઉદયન ઊભો થયો. સાડા નવ વાગ્યા હતા. પેલી ટ્રંક ખુલ્લી રહી ગઈ હતી, એણે બંધ કરી, બંધ કરીને ફરી ખોલી. એક એટલાસ અને બીજાં બે પુસ્તકો લઈને હીંચકા પર સૂઈ ગયો. એટલાસ જોવામાં એને રસ પડ્યો. નવું ખરીદેલું પુસ્તક હતું. સૂર્ય અને ગ્રહમાળાનો નકશો ખોલીને, એટલાસને છાતી પર ટેકવીને જોવા લાગ્યો.
‘આ નકશો જોતાં તો એમ જ લાગે કે We are nowhere.’
‘No, my friend! We are everywhere if we are nowhere. આપણે જેટલા દેખાઈએ છીએ અને જ્યાં દેખાઈએ છીએ, તેટલા અને ત્યાં જ પોતાને માનીએ છીએ. જે દેખી શકાતું નથી છતાં હયાત છે તે સર્વત્ર અને શાશ્વત છે. આપણે આખરે તો એ છીએ.’
‘મને પ્રત્યક્ષ જગતમાં રસ છે. એક બાબતમાં હું માર્કસ મુનિ સાથે સહમત છું કે આપણી ઇંન્દ્રિયોથી પ્રમાણી શકાય તે જ સાચી દુનિયા છે. – તેટલું જ વાસ્તવિક જગત છે.’
‘વાસ્તવિક લાગે તે સત હોય એમ માની શકાય નહીં, વાસ્તવ અને સતમાં અંતર છે.’
‘એ તો બધી તત્ત્વજ્ઞાનની વાતો છે.’
નોકર નાસ્તો લાવ્યો.
‘મને આ નાસ્તામાં રસ છે કારણ કે એ વાસ્તવિક છે. તારા સત વિના મને ચાલશે, આના વિના નહીં ચાલે.’
‘આ તે કંઈ દલીલ છે! ઉદયન તું વાર્તા લખવાનું હમણાં બંધ રાખીને એકાંકી નાટક લખ. તું એમાં વધુ સફળ થઈશ.’
‘તારી સલાહનું તાત્પર્ય સમજી ગયો છું. એક બાબતે મારે તને પૂછવું છે – તું જે સંશોધન કરવા માગે છે તેમાં એ પ્રદેશને જોવાં જરૂરી છે એ તો હું સમજી શકું છું પણ વચ્ચે વચ્ચે અહીં આવીને રહેવાનું રાખે તો શું વાંધો?’
‘અહીં આવું તો દૂર પડી જવાય. રણ નજીકનાં શહેરો, કસબાઓમાં રહીશ. બની શકે એટલું રખડવા ધારું છું. હવે નીકળ્યો જ છું તો એ પ્રદેશનો થઈને રહું. હું ગમે ત્યાં જાઉં મને તો વતન જેવું લાગે છે. તું જાણે છે કે વરસમાં ત્રણેક માસ હું મુંબઈ બહાર હોઉ છું.’
‘પણ હું નથી માનતો કે તને મુંબઈ બહાર બહુ ફાવે. ચાર પાંચ માસ થયા પછી તો આવજે. મારી જેમ તું કાંટાઓ ઉપર ચાલીને મોટો થયો નથી. મેં કેટલી વાર કહ્યું પણ તું મારી સાથે ભિલોડા એકેવાર આવ્યો નહીં. પોતે જ્યાં જાય ત્યાં વતન રચીને આવે છે પણ મિત્રનું વતન જોવામાં તને રસ નથી.’
‘તું હમણાં ગયો હતો?’
‘હમણાં તો નથી ગયો. ઠીક ઠીક સમય થયો. હવે એક વાર જઈ આવવાની ઈચ્છા છે. થોડાંક મકાન, એક ઘર અને ચાળીસ વીઘાં જમીન છે. હવે એ બધું શું કામમાં આવશે? ઘર રાખીને બાકીનું બધું વેચી દઉં. જે કાંઈ ઉપજે તે. પિતાજી કંઈ પૈસા તો મૂકી નથી ગયા.’
‘મારું માને તો એ બધું હમણાં છે તેમ જ રહેવા દે. નહીં તો હાથમાં આવશે તે બધા પૈસા તું ફૂંકી મારશે.’
‘પણ જમીન તો હું ન વેચું તોપણ જવાની છે. કાયદા થઈ રહ્યા છે.’
‘તો એ વધારે સારું. કાયદેસર થતું હોય તે થવા દે. બીજાઓને બોધપાઠ મળે.’
‘કાયદાથી પણ વધારે ન્યાય મળે એ રીતે વાવનાર ખેડૂતોને જમીન આપી દઉં તો?’
‘તો આપી દેજે.’
‘અલ્યા, બહુ સુંદર. એક યુક્તિ સૂઝી. જમીનને ભૂમિદાનમાં આપી દઉં તો કેવું સારું? એક કાંકરે બે પક્ષી ઉડાડી દઉં! એક તો જમીન વેચવાની લપ જાય અને બીજું પૈસા વાપરવાનો સમય બચે. એક ત્રીજો ફાયદો તને થાય. મને ઉડાઉગીરનો ઇલકાબ તારે આપવો ન પડે.’
‘હું એવા દાનમાં નથી માનતો. જે વાવતા હોય તેમને એ જમીન મેળવવાનો અધિકાર છે. દાન આપનાર આપણે કોણ? આમ તો દાન આપવું પડે એટલું બધું એકઠું કરવું એ પણ એક પ્રકારનું પાપ છે અને દાન આપવા માટે બીજા માણસ ઉપર, માણસ થઈને આપણે દયા ખાઇએ, એ તો વળી સવાઈ પાપ છે. દયા ખાવી એ અધમ મનોભાવ છે.’
‘અલ્યા તું તો બુદ્ધિશાળી લાગે છે.’
‘તને બીજાઓમાં સમજણ પડવા લાગી એ સારું ચિહ્ન છે.’
ઉદયન કાંડા પરથી ઘડિયાળ કાઢીને ચાવી આપવા લાગ્યો. ચાવી આપતાં આપતાં એણે જોયું કે સ્પ્રિંગ ખેંચાતાં સેંકંડ કાંટાની ગતિ ઓછી થઈ જાય છે. આમ ધીમી ગતિએ પૂરી થયેલી પચાસ સેકંડ પછી એણે અનિકેતના સામું જોયું. એ જવાબની રાહ જોતો હોય એવું લાગતાં એ બોલ્યો-
‘મને બીજાઓમાં સમજણ નથી પડતી કે રસ નથી પડતો એવું તો નથી જ. વાત એટલી જ છે કે બધું પ્રગટ નથી કરતો. તેથી મારે મિત્ર નથી. અલબત્ત, તું આ બાબતે અપવાદ છે. મેં તને ચાહવાનો દેખાવ નથી કર્યો છતાં તું મારી સાથે અનુબંધ અનુભવે છે.. તારી લાગણી, તારી મૈત્રી મારા માટે હજુ રહસ્ય છે. અનિકેત, એક પ્રશ્ન પૂછું? તું મુંબઈ છોડીને જાય છે. જવાનો જે સ્થિતિમાં તેં નિર્ણય કર્યો છે તે અંગે મને જે લાગે છે તે સાચું છે કે નહીં તેટલું જ તારે કહેવાનું છે. કહીશ ને?’
‘અવશ્ય. પ્રશ્ન સમજાશે તો હું ઉત્તર જરૂર આપીશ.’
ઉદયનના હોઠ ખૂલ્યા નહીં. કારણ કે એને વિશ્વાસ હતો કે અનિકેતનું મુંબઈ છોડવાનું,પોતાને જે સૂઝ્યું છે તે કારણ સાચું છે. આવી સ્વયં સ્પષ્ટ બાબતમાં એને પૂછવાની કશી જરૂર નથી. હું એ અંગે પૂછીશ તો એને લાગશે કે અત્યાર સુધી આ માણસના મનમાં એક જ વસ્તુ ઘૂંટાયા કરતી હતી.
‘કેમ બોલ્યો નહીં? પૂછી લે ને!’
‘પછી કોઈ વાર.’
‘તેં તો મને કેવળ પ્રશ્નાર્થચિહ્ન આપ્યું. પ્રશ્નને અધ્યાહાર જ રાખ્યો. જેવી તારી મરજી. પછી કોઈ વાર પૂછજે, યાદ રહે તો. યાદ રાખવાનો પ્રયત્ન ન કરતો. કેટલાક પ્રશ્નો સમય જતાં સ્વયં શમી જતા હોય છે. સમય બહુ મોટું પરિબળ છે.’
ડૉકટર આવ્યા. અનિકેત ઊભો થયો.
‘આભાર ડૉકટર, અમે તમારી કન્સલ્ટિંગ ઑફિસે અગિયાર વાગ્યે આવવાના જ હતા. એક્સ-રે કરાવી લીધા પછી નિશ્ચિંત રહેવાય.’
‘તો ચાલો હું લેતો જાઉં, સાથે કાર છે.’
‘હું હજુ તૈયાર થયો નથી.’
‘આવીને તૈયાર થજે.’
‘પણ…’
‘તો તૈયાર થઈ જા. પાછો ભૂલી ન જાય કે જવાનું છે.’
અનિકેતને યાદ આવ્યું કે એકવાર એ ઉદયનને મળવા ગયેલો. એ બાથરૂમમાં હતો. દસ વાગ્યે એ પહોંચેલો. ઉદયન સાડા દસે બહાર નીકળ્યો. ‘અરે!! હું તો ભૂલી જ ગયો કે તું આવીને બેઠો છે. માણસો કેવા ભુલકણા હોય છે!’ ઉદયન કોઈ કોઈ વાર પોતાના પરથી નિયમ તારવે છે.
‘ડૉકટર, વાંધો ન હોય તો ચા લો.’
‘ભલે.’
‘અરે, ઉદયન! પાટો છોડીને માથું ન પલાળતો.’
‘અલ્યા, ડૉકટર બેઠા છે. મારી એટલી તો લાજ રાખ. આમ આદેશ શું આપે છે? તારો મહેમાન છું. સ્નાન કરવાની જરૂર એટલા માટે છે કે દરિયાના પાણીના ક્ષાર વળગી જવાથી ચામડી વૂલન લાગે છે.’
ડૉકટર હસી પડ્યા. બોલ્યા-
‘કેવો વિરોધાભાસ છે! વાર્તાઓમાં પૅથેટિક અને વર્તનમાં સાર્કેસ્ટિક!’
‘ના ડૉકટર, સમજદાર માણસના હાસ્ય-કટાક્ષના પેટાળમાં ગમગીનીનો એક સ્રોત—ઓછામાં ઓછો એક સ્રોત વહેતો હોય છે.’
{
‘તમે થોડાંક વહેલાં હોત તો કેવું સારું! ઉદયન હમણાં જ ગયો.’
અનિકેતે પૂર્વ દીવાલ પરનાં ઇલેક્ટ્રિક ક્લોક તરફ જોયું. અમૃતાને આવતી જોઈને એ બારણા તરફ ગયો હતો.
બરોબર પાંચને પાંત્રીસે અહીંથી નીકળેલો. સવારમાં જ એ સ્વસ્થ થઈ ગયેલો. હું વિમાસણમાં હતો કે જવું કે ન જવું. એક્સ-રે લીધા પછી જાણ્યું કે ચિંતાને કોઈ કારણ નથી. અને તમે તો છો જ.
એણે કહ્યું કે નક્કી કર્યા પ્રમાણે જવું જ જોઈએ. એને કારણે કોઈનો નિર્ણય તૂટે એ એને ગમતું નથી. વળી, ફરીથી રિઝર્વેશન મળતાં વાર થાય. માનસિક રીતે તો હું મુંબઈની બહાર નીકળી જ ગયો છું. હવે એને ઠીક છે તે જોતાં મારે આજે જ જવું જોઈએ. કામ શરૂ કરી દેવું જોઈએ. તમે કેમ થાકેલાં લાગો છો? શરદી થઈ ગઈ છે? આંખો કંઈ વધારે ઝૂકેલી લાગે છે. શું કોઈ વેદનાનો ભાર તો નથી ને? તમારે આરામ કરવો જોઈતો હતો. આ સ્થિતિમાં પણ તમે ઉદયનની ચિંતા કરીને આવ્યાં તે તમારા તરફ સદ્ભાવ જગાવે તેવી બાબત છે. બેસો ને! કેમ ઊભાં છો? તમારા આમ ઊભા રહેવાથી આખું વાતાવરણ અધ્ધર શ્વાસે લાગે છે. બેસો બેસો. કોઈ પણ આસનને અલંકૃત કરો.’
‘મને એમ કે તમે બોલી રહો પછી બેસું.’
‘ઓહો! હું બોલું છું એ તમને ગમતું નથી તેની ખબર ન હતી.’
‘તમે તો ખોટું લગાડી બેઠા.’
‘તમારા વચનથી ખોટું લગાડાય ખરું? તમે તો મહેમાન છો. તમે ગમે તે બોલો, તમારો અવાજ સાંભળવો મને ગમે છે. તમારા અવાજમાં એક મધુર કંપ છે. નિબિડ સ્પર્શની……’
‘મારા અવાજનું વૈજ્ઞાનિક થઈને કાવ્યાત્મક પૃથક્કરણ ક્યારે કરી રાખ્યું હતું? આ એક નગણ્ય વ્યક્તિના અવાજને……’
‘વિજ્ઞાનનો માણસ પૃથક્કરણ જ કર્યા કરે એવું નથી. એ સંકલન પણ કરે. એ લોકો બધું જુદું નથી પાડતા, કશુંક મેળવે પણ છે. અલબત્ત એ માટે તટસ્થ રહી શકે તો. કવિની જેમ એને વચ્ચે પ્રવેશવાનો અધિકાર નથી. અને હું કવિ નથી, સુંદરનો તટસ્થ ભાવક છું.’
‘તમને આટલા સાંભળ્યા પછી હું નક્કી કરી શકી છું કે મારે ક્યાં સ્થાન ગ્રહણ કરવું. તમારી સાથે આ હીંચકા પર બેસીશ જેથી તમારાં વાક્યોના આરોહ-અવરોહમાં ઝૂલ્યા કરું.’
‘કોઈના શબ્દના લયમાં ઝૂલ્યા કરવું એ કદાચ સુખદ પરંતુ એક અભાન પરાધીનતા છે. તમે તો સ્વાતંત્ર્યનાં ઉપાસક છો.’
અમૃતાને યાદ આવ્યું કે અનિકેત સામે એ પોતાના સ્વાતંત્ર્યને, સ્વાતંત્ર્યના એ વિચારને પણ ભૂલી જાય છે. આમ કેમ? જેને લોકો પ્રેમ કહે છે તે……એને ગઈ કાલ રાત્રે ‘છાયા’ પહોંચ્યા પછીની ઘટના યાદ આવી. જેમની સાથે આટઆટલાં વરસ વીત્યાં છે, તેમની સલાહ સામે મેં સ્વતંત્રતાની દાદ માગી. એ માટે એમની સાથે લડી લેવા તૈયાર થઈ. જ્યારે અનિકેત સાથેની વાતચીતમાં પણ પોતાના શબ્દો એનું શાસન સ્વીકારવા માટે જ પ્રગટતા હોય તેમ લાગે છે. ચહેરો તો વારંવાર લજ્જા અનુભવીને અણજાણ પરવશતા અપનાવી લે છે. આ બધું સહજતયા થાય છે. હું સભાન પ્રયત્ન કરતી નથી. પેલી સ્વતંત્રતાની વાત અને આ પરવશતાની સ્થિતિ વચ્ચે કેવો વિરોધાભાસ છે! એણે દીવાલ તરફ જોયું. ઘડિયાળના સેંકન્ડ કાંટાનો આશ્રય લઈને એની દૃષ્ટિ ખસવા લાગી. એક વર્તુળ પૂરું થયું. આ પૂરા થયેલા વર્તુળના પરિઘનો આરંભ ક્યાંથી માનવો?
‘તમને સ્ટેશન પર મૂકવા આવું?’
અમૃતા કોઈ ગંભીર પ્રસ્તાવ મૂકતી હોય એટલી સાવધાનીથી બોલી હતી.
‘કેમ મને બહાર મોકલવામાં બહુ રસ છે?’
‘હું મૂકવા ન આવું તેથી તમે અહીં રોકાઈ જતા હો તો મને તમને મૂકવા આવવામાં રસ નથી.’
‘તમને ઘણી તકલીફ પડે. અહીંથી તમે ઘેર જાઓ. ત્યાંથી પાછાં આવો, અને અહીંથી પાછાં મને મૂકવા સ્ટેશને આવો… એ તો બધું વધારે પડતું કહેવાય.’
‘તો એમ કરું? અહીં જ રહી જાઉં. તમને સ્ટેશન પર મૂકીને પછી જ ઘેર જઈશ. બરોબર?’
‘હા, બરોબર, ગાડી ચૂકી ન જવાય તો.’ અનિકેતથી સ્મિત રોકયું રોકાયું નહીં. એના સ્મિતની ઝાંય અમૃતાના ચહેરા પર પડી. અમૃતા અનિકેતને સંબોધે ત્યારે એ સ્મિતવતી ન હોય તેવું તો ભાગ્યે જ બને.
‘કદાચ હું તમારા વાક્યનો મર્મ સમજી નથી.’
‘હું એમ કહેતો હતો કે તમે અહીં બેઠાં હો અને હું પ્રવાસે નીકળું – ઘર બંધ કરીને બહાર નીકળું એ કેવું અવિવેકી કહેવાય!’
‘તમે પ્રવાસે જાઓ છો કે દેશવટે?’
‘પાછો આવીશ, જો સરહદબંદી કરવામાં નહીં આવે તો.’
અપેક્ષાથી વધારે સારું વાક્ય સાંભળીને અમૃતાને વ્યક્ત ન કરી શકાય એવી વ્યાકુળતાનો અનુભવ થયો. વ્યાકુળતા આનંદજન્ય પણ હોઈ શકે અને એવી વ્યાકુળતા અનિકેતની ઉપસ્થિતિમાં અમૃતાએ અનુભવી છે જેનાથી આ તદ્દન ભિન્ન હતી. અનિકેતનો ઉત્તર સાંભળીને આનંદ થાય તે ક્ષણે જ ઉદયનનો ગમગીની અને તિરસ્કારનો સંમિશ્ર ભાવ વ્યક્ત કરતો ચહેરો અમૃતાને યાદ આવી ગયો. પલક ઊંચી કરવાથી એ ભૂંસાયો નહીં, કિન્તુ એણે જ્યાં જ્યાં જોયું ત્યાં ત્યાં એ એકસરખો વ્યાપેલો દેખાયો. તો શું પોતાના દષ્ટિપથમાં ઉદયનની છાયા ફેલાયેલી જ રહેવાની છે? એની છાયાથી રહિત એવું ભવિષ્ય રચવા એ સમર્થ નથી? પણ પ્રશ્ન કેવળ સામર્થ્યનો હોત તો એ વિજયી થવા મથત. અનિકેતને કહી દેત કે…
‘કેમ કશું બોલ્યાં નહીં?’
‘શું બોલું? જે વળાંક આગળ આવીને આપણે ઊભાં છીએ તે જો નિયતિકૃત હોત તો શ્રદ્ધાભર્યા અવાજે હું તમને કહેત કે સરહદો તોડીને તમે આવજો. હું તમારી પ્રતીક્ષા કરીશ. પરંતુ અહીં તો તમે સમય સાથે હોડ બકીને પોતાના સંકલ્પને ભવિષ્યમાં પરિણમતો જોવા ઇચ્છો છો. ભવિષ્યનાં સૂત્રો પોતાના હાથમાં લઈને નીકળવા સજ્જ થયા છો. તમારો સંકલ્પ સિદ્ધ થાય એમ ન ઇચ્છું એવી હું આત્મરત નથી પરંતુ મારે આ અંગે કશુંક કહેવું છે. જે સાંભળીને તમને આશ્ચર્ય થાય તેવો સંભવ છે. તમે ભલે ભવિષ્ય અંગે નિર્ણય કરી બેઠા હો પણ ભવિષ્ય કદીય કોઈના માટે પારદર્શી બનતું નથી. આપણી હઠ સાથે એને કોઈ સહાનુભૂતિ નથી. એ અકલ્યાણકારી છે એવું કહેવાનો આશય નથી, પણ એ અકલ્પ્ય છે. તેથી તમે આવો ત્યારે તમે શું જોશો તે ધાર્યાં વિના જ જાઓ. તમે આવશો તેની મને ખબર છે પણ તમે આવશો ત્યારે હું શું હોઈશ તેની મને ખબર નથી. અત્યારે તો હું એટલું જ જોઈ શકું છું કે તમે જુઓ છો. તમે જાઓ છો એ એક મોટી ઘટના છે. ભલે, જાઓ. મારી શુભેચ્છા છે કે તમારું કામ પૂરું થાય ત્યાં સુધી તમે મુંબઈ બહાર રહી શકો.’ હીંચકો સહેજે હાલે નહીં એ રીતે ઊઠીને એ એક ખુરશીમાં બેઠી.
અમૃતાની આંખોમાં તપોવનકાલીન શાંતિ ચમકતી હતી. અને એ શાંતિ એણે પહેરેલી માળાનાં પ્રત્યેક મોતીમાં પ્રતિબિમ્બિત થઈ રહી હતી. અમૃતાએ હવે નીચું જોયું હતું. એનું નતવદન પોતાની સંમુખ થાય તેની પ્રતીક્ષા કરતો અનિકેત બેસી રહ્યો. એ બેસી રહ્યો એમ કહેવામાં આંશિક સત્ય હતું. કારણ કે એની દૃષ્ટિ એક અનાવિલ સૌન્દર્યનું પાન કરી રહી હતી. અમૃતાએ દક્ષિણ કરાંગુલિ વડે મોતીની માળાને ગ્રહીને વક્ષથી કંઈક ઊંચે લીધી હતી. અનામિકા પરની વીંટીનો ગુલાબી હીરો પેલાં શ્વેત મોતીની વચ્ચે કેવો લાગે છે તે અમૃતા જોઈ રહી હતી. એ પ્રમાણે જોઈ રહેલી અમૃતાને અનિકેત જોઈ રહ્યો હતો. દર્શનની આ ક્ષણોને પોતાના અંતરંગમાં કાયમ કરી લેવા માગતો હોય તેમ અનિકેત જોઈ જ રહ્યો. સ્થિર હીંચકા પર તકિયાનો આધાર લઈને બેઠેલો અનિકેત એટલો નિમગ્ન હતો કે અમૃતાએ એની સામે જોયું તેની એને કંઈ અસર ન થઈ. ખુરશી પર મૂકેલા હાથની હથેલીમાં ચિબુક ટેકવીને એ ફરી નીચું જોઈ રહી. તર્જની વડે કંકણને ધીરે ધીરે ફેરવવા લાગી. વધુ સમય સુધી એ એમ કરી શકી નહીં-
‘કેમ બોલ્યા જ નહીં?’
‘મારા અવાજના કોલાહલ વડે એક અપૂર્વ સૌન્દર્યની અનુભૂતિને હું ઢાંકી દેવા ઈચ્છતો ન હતો. થોડીક ક્ષણોને મૌન વડે સંચિત કરી લેવા માગતો હતો. એ ક્ષણોને શબ્દોનો સંસર્ગ કરાવવા જતાં કશુંક ઓછું થઈ જશે એવો ભય લાગતો હતો.’
‘પ્રત્યેક શબ્દ કશુંક ઉમેરતો હોય તેવું તમે તો બોલો છો. તમને સાંભળીને તો હું તૃપ્તિ અનુભવું છું. ઓછું શું થઈ જાય તે જણાવશો?’
‘મૌનથી નિકટતાનો અનુભવ થાય છે. શબ્દ પ્રગટતાં ત્રીજી ઉપસ્થિતિની સાવધતા આવી જાય છે.’ અમૃતા સાંભળી રહી હતી. એને થયું કે અનિકેતના ઉછંગમાં ઢળી પડું અને મધુપાત્ર બની જાઉં. એ પી જાય. બુંદ બુંદ પી જાય. હું હું ન રહું. અવિભક્ત બની જાઉં. એણે અનિકેતની આંખોમાં જોયું. અનિકેતે એક છલોછલ અને પારદર્શી સુરાહી જોઈ. એ અટક્યો હતો ત્યાંથી આગળ વધ્યો-
‘ત્રીજી ઉપસ્થિતિ…અને આમેય આપણી વચ્ચે ત્રીજી ઉપસ્થિતિ તો છે જ. જે નગણ્ય નથી. એટલું જ નહીં આપણે મળીએ છીએ ત્યારે હું એની સાપેક્ષતામાં જ વિચાર્યા કરું છું. એને બાદ કરીને હું આગળ વધી શકું તેમ નથી.’
અમૃતાનો ચહેરો બદલાઈ ગયો. અવાજ પણ બદલાઈ ગયો હોત, પણ એ બોલી નહીં,
અનિકેત પોતાને રોકી શક્યો નહીં-
‘તમે મારા પ્રતિ કેવું સંવેદન અનુભવો છો અને તમને જોઈને મારા ક્દયમાં કેવી લાગણીઓ ગતિ પામે છે તે અંગે આપણે આ પહેલાં વાત કરી ન હતી. એ અંગે આપણે પહેલાં વાત કરી શક્યાં હોત, કોઈનો સ્વરભંગ ન થાય તેની મને ખાતરી છે કારણ કે મૌગ્ધ્યના પ્રથમ પૂરના સામે કાંઠે આપણે નીકળી ગયાં છીએ. આજે પણ એ અંગે વાત કરવાની જરૂર ન હતી પણ થઈ ગઈ. ભાષાનો આશ્રય લીધા વિના પણ જે સમજી શકાય છે તેને શબ્દોના કોલાહલમાં શા માટે ખેંચી લાવવું? ભાષાની અનિવાર્યતા ન હતી ત્યાં આજે એ પ્રયોજાઈ. ભાષા દ્વારા પોતાને રજૂુ કરવા જઈએ છીએ ત્યારે કોઈક વાર તો ભ્રાન્તિ પણ સર્જાય છે. પણ આજે જ્યારે હું બોલ્યો જ છું તો પૂરું બોલી લઉં: અમૃતા, હું તમને ચાહું છું. કર્તવ્ય અને વિવેકના નિષેધોથી હું પોતાને રોકી ન શક્યો. તમારા સૌંદર્ય અને સૌહાર્દ સામે મારા તમામ નિષેધો હતપ્રભ બની ગયા. એક જ હકીકત છેવટે પ્રતીત થઈ કે હું તમને ચાહું છું. પણ આટલું કહીને હું અટકી જતો નથી, જાઉં છું. કેવળ અધ્યયન માટે નથી જતો, અહીંથી દૂર પણ જાઉં છું.’
એકેએક શબ્દમાં પોતાનો સ્વીકાર જોઈને અમૃતા ધન્યતા અનુભવી રહી. એના ચહેરા પર ઊપસી આવેલી આર્દ્ર આભા આંખોમાં એકત્રિત થવા લાગી. એ ઊભી થઈ, બાજુના રૂમમાં ગઈ અને પલંગ પર સૂઈ ગઈ. ઉશીકા વડે એણે પોતાનો ચહેરો દબાવી રાખ્યો. આંસુમાં તે એવું શું છુપાવવાનું હશે? એ તો અમૃતા જાણે. એ આંસુ અનિકેતે જોયાં ન હતાં. અમૃતા બાજુના રૂમમાં કેમ ગઈ તે જોવા એ ઊભો પણ થયો ન હતો. એનો હીંચકો ઝૂલવા લાગ્યો હતો. અસહજ લાગે એટલા વેગે એ ઝૂલી રહ્યો હતો.
અમૃતા આવી. ભીનાશ લુછાયા પછીની સુરખી એના કપોલ પર તરવરતી હતી. એના સ્મિતમાં છતો થતો નિર્વેદ અનિકેતે પારખી લીધો. એ કંઈ બોલ્યો નહીં. અમૃતા પહેલાં બેઠી હતી તે જ સ્થાને – ટેબલ પાસેની ખુરશીમાં બેઠી.
‘તમારા કથનનું તાત્પર્ય એ સમજાયું કે તમે જાઓ છો ત્યાં અહીંથી આવવાની કોઈને છૂટ નથી.’
‘હું રણમાં જાઉં છું અને ત્યાં પણ એક જગ્યાએ સ્થિર રહેવાનો નથી. હું ના તો કેવી રીતે પાડી શકું? પણ કોઈ આવે તો ક્યાં આવે? અને એ પ્રદેશમાં કોઈ આવે તો ઉચિત પણ નથી. મારી એક માન્યતા વારંવાર વિચારતાં દૃઢ થઈ છે. અને તે એ છે કે રાગાત્મકતા અનુભવ્યા પછી પણ એમાંથી મુક્ત થઈ શકાય. આપણી બંનેની લાગણીઓ આજે જે સ્થિતિમાં છે તે જોતાં એવું લાગે છે કે એ પરસ્પર અનુકૂળ થઈને આગળ વધે અને ભવિષ્યને કોઈ એક નિશ્ચિત દિશા આપે તેનો સંભવ છે. પણ એ પરિણામ મારા માટે વર્જ્ય છે. જે ગુમાવવાનું છે તેનો અભાવ જીરવીને હું મારા મનને વાળવા મથીશ. મારી નિયતિ શું છે તે જાણ્યા વિના હું આટલું નક્કી કરી બેઠો છું. અહીં નિયતિ સામે હોડ બકવાનો મારો ઈરાદો નથી. કારણકે સમગ્રના સંદર્ભમાં હું પોતાને નહીંવત્ માનું છું. વળી, આવો નિર્ણય કરીને હું ઉદયન પર ઉપકાર કરવા ધારું છું તેવું પણ નથી. તેમ થઈ શકે પણ નહીં. હું પામ્યો છું તે એવી કોઈ સ્થૂલ પ્રાપ્તિ નથી કે જેની લેવડદેવડ થઈ શકે. આપણા પરસ્પર વિશેના ભાવ આગળ વધીને સ્થૂલ પ્રાપ્તિની કામના કરે તો નવાઈ નહીં, પરંતુ આ ક્ષણે મારો તમારા તરફનો જે ભાવ છે તેમાં અભિલાષાને સ્થાન નથી. અભિલાષાના સંસર્ગથી એ ભાવ દૂષિત ન થઈ જાય તેની મેં કાળજી લીધી છે. તમારા વિશે આ ક્ષણે હું જે અનુભવી રહ્યો છું તેને સ્નેહની સંજ્ઞા આપીને વાત આગળ લંબાવું તો એટલું જ કહીશ કે સ્નેહસિક્ત સૌંદર્ય મારા માટે પવિત્રતાનો પર્યાય છે. એના વિશે કશી આશા જન્મે એ તો સ્વાર્થ કહેવાય. વાત પાછી ગૂંચાઈ જવા આવી. બીજા શબ્દોમાં કહું: આજની વિદાયને નિ:સ્વાર્થી બની જવાના સાધન તરીકે, આત્મોન્નતિ કરી લેવાના પગથિયા તરીકે હું પ્રયોજવા માગતો નથી. નિ:સ્વાર્થ અને આત્મોન્નતિ જેવા શબ્દો બોદા ખખડતા હોય તો માફ કરજો. મારે એ અંગે કશો બચાવ કરવાનો છે નહીં. હું તો જે કંઈ કરવા માગું છું તેને ધર્મ્ય સમજું છું.’
શ્વાસ લઈ શકાય એટલો સમય થંભીને, અવાજને મંદ કરીને એ બોલ્યો-
‘આજે તો તમે ઉદયનથી દૂર નથી. થોડાક સમય પહેલાં તમે મારાથી વિશેષ ઉદયનની નિકટ હતાં. આજે હું જાઉં છું તે બીજો વળાંક બની શકે તો સદ્ભાગ્ય. મને પ્રતીતિ છે કે ઉદયન તમને ચાહે છે બલ્કે વાંછે છે. એક દીર્ધ સંપર્ક અને સમજપૂર્વકનો પરિચય પણ છે. આખી દૂનિયા ભલે ઉદયન વિશે ગેરસમજ કરતી રહે તમે કદાપિ નહીં કરો. ઉદયનની જિજીવિષા મારાથી વધુ પ્રબળ છે. એની શક્તિઓ અને એ શક્તિઓને પ્રયોજવાનું સાહસ પણ એનામાં વધારે છે. સામાજિક અન્યાયના અને જાહેર વંચનાના પ્રતિકાર માટે પોતાનાં સુખોથી વંચિત રહી શકે એટલો એ સાચો છે. અન્યાયથી સાંપડેલું દુ:ખ તો એના માટે દુ:ખ પણ નથી, એને એ પચી ગયું છે. હવે તો એના માટે એક જ અભાવ દુ:ખ બની શકે તેમ છે. તમને એ પ્રાપ્ત નહીં કરી શકે તો…તો એ એટલો સાચો છે – દુ:ખને પૂરી સચ્ચાઈથી ભોગવે એવો છે કે એ સ્થિતિમાં એ ભાંગી જશે. અને ભાંગી પડે તો એના મિત્રોનું ભવિષ્ય પણ ખંડિયેરની સ્થિતિમાં મૂકતો જાય. એના મિત્રોની ચિંતા હું કરતો નથી પણ અમૃતા, તમે જાણો જ છો કે હું ઉદયનને ચાહું છું. અમે સમકાલીન છીએ એનો મને આનંદ છે. ઉદયન પોતાના જમાનાને કેવો નિષ્ઠાથી જીવે છે! હું તો માત્ર જોઉં છું.’
અમૃતાનાં ફરકી ફરકીને શમી જતાં સ્મિતમાં ખરી રહેલાં પુષ્પોની નિ:સ્પૃહતા હતી. અનિકેતના વાકયે વાકયે એ સ્મિતનું પૂર્ણવિરામ મૂકતી હતી પણ અનિકેત બોલ્યે જતો હતો. હવે તો એ બધાં સ્મિત અને અનિકેતનાં વાકયે રૂમના અવકાશમાં શમી ગયાં છે. હા, પર્સની ચેન ખોલવી અને બંધ કરવી એ ક્રિયા હજુ એણે બંધ કરી નથી.
‘તમને સાંભળીને મને આશ્ચર્ય થયું નથી.તમે આવું કંઈક કહેશો તે હું ધારતી હતી. મારા ક્દયમાં શું ચાલી રહ્યું છે તે પણ તમે જાણી લીધું હોય એ રીતે તમે બોલ્યા. મારે સ્વીકારવું જોઈએ કે તમે મારે વિશે કહ્યું તેમાં સત્યના અંશો હતા. તમને મેં જોયા તે પહેલાં હું મારા ભવિષ્ય અંગે વિચારતી, ત્યારે મારી એ ભાવસૃષ્ટિના કેન્દ્રમાં ઉદયન હતો. તે પછી પણ ઉદયન મારી સૃષ્ટિની બહાર કદી નીકળી ગયો નથી. તેથી જ તો તમારા પરિચય પછી હું દ્વિધાગ્રસ્ત રહી છું. મેં જોયું કે વરણી કરવી એ એક દુષ્કર કાર્ય છે. કારણ કે એમાં દાયિત્વ પણ સંભાળવાનું છે. તમે તમારી વિદાયને બીજો વળાંક કહીને જે સૂચવો છો તે અંગે તો હું કશું કહી શકું તેમ નથી. તમારામાં છે એવી નિર્ણયશક્તિ મારામાં નથી, પણ મને એક વિચાર આવ્યો છે તે તમને કહું: ‘એકલાં રહેવાનું હોય તોપણ શું?’
‘તમને જે વિચાર આવ્યો તે વરણી કરવાના દાયિત્વમાંથી પલાયન નથી સૂચવતો? એક બાજુ છટકી જવાથી પણ પેલી ભાવસૃષ્ટિ તો બદલાઈ જવાની નથી. આપણે બદલાઈએ એ જ એક માર્ગ છે.’
‘બદલાઈ જવા માટે શું કરવું? એક સંકલ્પ કરીને એને જીવવા મથવું? તમે ઇચ્છો છો તેવો સંકલ્પ કરું?’
‘હું આદેશ ન આપી શકું. દરેકની અંગત સ્વતંત્રતાને હું સ્વીકારું છું. એટલું જ કહી શકું કે સંકલ્પ વિશે મારો અનુભવ શો છે. મેં એકાદ સંકલ્પ કરેલો કે અધ્યાપક થયા પછી પિતાજીની કોઈ મદદ નહીં સ્વીકારું. પણ આ વારસામાં મળેલું મકાન વાપરું છું એટલું જ નહીં બે ગૃહસ્થો નીચે રહે છે તેમનું ભાડું પણ મારા ખાતામાં જમા થાય છે. હા, એ પૈસા હું નથી વાપરતો તે જુદી વાત, પણ સંકલ્પ તો ખતમ થઈ ગયો ને! કેટલાક સંકલ્પ આવેગના આવિષ્કાર હોય છે, સમજનું પરિણામ નહીં. એ તૂટે છે. અને સંકલ્પ તોડવો એ તો કરોડરજ્જુની નબળાઈ વધારવા જેવું કામ છે. ઉદયન માટે મને એટલા માટે માન છે કે……’
‘હા, એનામાં કેટલીક અસામાન્ય શક્તિઓ છે. એ સંકલ્પ કર્યા પછી ફેરવિચાર નથી કરતો પણ……’
‘પણ?’
‘એ વાક્ય ભલે અધૂરું રહ્યું. એનામાં સંબંધ નિભાવવાની નિષ્ઠા છે. એ કશાયથી બચીને ચાલવા માગતો નથી. મારી સૃષ્ટિમાં એટલા માટે જ એને સ્થાન છે…કોઈ અકસ્માત થાય અને સહાનુભૂતિ જન્મે, સહાનુભૂતિ વ્યક્ત કર્યા કરવાથી સંપર્ક વધે, સંપર્કમાંથી સંવેગ જન્મે અને…વગેરે વગેરે અમારા સંબંધમાં થયું નથી. એક દાયકાનો પરિચય છે. મારા શૈક્ષણિક વિકાસમાં ઉદયનનો ફાળો છે. મારો આત્મવિશ્વાસ દઢ કરવામાં એણે ઉદ્દીપન વિભાવનું કામ કર્યું છે. ઘણાંએ એની ઉપેક્ષા કરી છે તે સ્થિતિમાં પણ હું એની શુભેચ્છક રહી શકી છું. પણ…’
‘પણથી શરૂ થતું આ બીજુ વાક્ય ભલે એનાથી અટકે.’
‘હા, ભલે અટકે. હું એની શુભેચ્છક છું માત્ર એટલું જ નથી. અને તેથી જ તો આ બધી વિસામણ છે, બલ્કે યાતના છે.’
‘ઓહો, તો હું કેટલોબધો સુખી છું! તમને બંનેને ચાહું છું. અને એમ કહી પણ શકું છું.’
‘અભિનંદન. તમે કહી શકો છો તે હું નહીં કહી શકું કારણ કે હું નારી છું.’
કામ પરવારીને બાજુના રૂમમાં ગયેલા નોકરે રેડિયોગ્રામ પર રેકર્ડ મૂકી. અનિકેતે એને અવાજ વધારવા કહ્યું. એનું પ્રિય ગીત હતું. ગીત સાંભળવા તરફ એનું ધ્યાન હોય એમ બેઠેલો એ લાગતો હતો. એ ગીતના લયમાં ભળી ન શકે એવો એક પ્રશ્ન એના મનમાં ઘોળાયા કરતો હતો: તો શું પુરુષ અને સ્ત્રી માટે સ્વાતંત્ર્યનો અર્થ એક નથી?
સમય થયો છે તે જોઈને નોકરે કહ્યું કે ભોજન તૈયાર છે. બીજી રેકર્ડ અધૂરી ઉપાડી લઈને અનિકેત અમૃતાને દોરતો ડાઈનિંગ ટેબલ પાસે ગયો.
‘આવો. તમને અને ઉદયનને જમવા નિમંત્રવાનું હું આજ સુધી કેમ ભૂલી ગયો? આશા રાખું છું કે ભવિષ્યમાં એ માટે યોગ્ય પ્રસંગ મળી આવશે.’
અમૃતા નેપકિનથી હાથ લૂછતી બેસી રહી
ખાલી પડેલા બેઠક-રૂમમાં હવે ફક્ત પંખાની ગતિ હતી અને અહીં ઉપર ફરતા પંખાની ગતિ સંભળાતી હતી. જમતાં જમતાં કંઈ વાત થઈ નહીં. નોકરની ઈચ્છા હતી કે આજે બાબુજીને બહુ આગ્રહ કરી કરીને જમાડશે. અમૃતાની હાજરીથી એની ભાષા કદાચ સંકોચ પામી હતી. એ વિશેષ આગ્રહ કરી શક્યો નહીં. એ બંને જમ્યાં તે પ્રસંગ ઔપચારિક બની ગયો.
જમ્યા પછી પંદરેક મિનિટ જેટલો સમય નીરવ વીતી ગયો. નોકર અનિકેતના સામાનને એક તરફ ગોઠવવા લાગ્યો હતો. બધું આવી ગયું કે નહીં તેની ખાતરી કરી લેવા એણે અનિકેતને પૂછયું. ‘બરોબર.’ તે પછી એ બધો સામાન ધીરેધીરે કારમાં ગોઠવી આવ્યો.
હજુ સમય હતો, પણ કંઈ વાત થઈ નહીં.
અનિકેતે નોકરને બોલાવીને ત્રણ માસનો વધુ પગાર આપ્યો. અને અમૃતાનું સરનામું આપ્યું જેથી નોકરી ન મળી આવે તો અમૃતા મદદ કરે. ઉદયનને તો એ સારી રીતે ઓળખે છે. નોકરે એટલો બધો વધારાનો પગાર લેવાની ના પાડી. અનિકેત ઊભો થયો. એને છાતી સરસો ચાંપીને એના પહેરણના ગજવામાં પૈસા મૂકી દીધા. બંને જણ બહાર નીકળ્યા તે પછી નોકરે બારણું બંધ કર્યું. વતન છોડીને જતો હોય એમ થોડી વાર ઊભો રહ્યો. એણે અનિકેતના હાથમાં ચાવી આપી. નમીને પ્રણામ કરવાની આદત અનિકેતે એને બંધ કરાવી હતી. પણ આજે તો એ નમી જ પડ્યો. કાર ઊપડી ત્યારે એની આંખો સાવ ખાલી થઈ ગઈ. તે પછી ધીરે ધીરે એની આંખો ભરાઈ ગઈ. આંખોને લૂછયા વિના જ એ પોતાના રસ્તે વળ્યો.
ડ્રાઈવિંગ અમૃતા કરી રહી હતી. અનિકેત બાજુમાં બેસી રહ્યો હતો. એ ઇચ્છતો હતો કે અમૃતા જ ભલે એને સ્ટેશન સુધી પહોંચાડે. રસ્તામાં રાજસ્થાન અંગે, પછી દેશ અંગે અને વિદેશો અંગે વાતો થઈ. રસ્તો ટૂંકો હતો તેથી દૂરની વાતોમાં પોતાને રોકી રાખવું સહેલું હતું.
પ્લેટફૉર્મ પર પહોંચ્યા પછી અનિકેતની બેઠક શોધી કાઢવામાં, સામાન ડબામાં બરોબર ગોઠવાઈ જાય તે બાબતે અમૃતા વધુ સક્રિય રહી. અનિકેતને કોઈ ઉતાવળ, કશી ચિંતા હોય તેવું લાગ્યું નહીં. ગાડીની વ્હિસલ વાગી ત્યાં સુધી એ પ્લેટફોર્મ પર ઊભો હતો. હવે ડબાના બારણે જઈને ઊભો. એણે અમૃતા સામે જોયું.
વિદાયના અનુભવની ઉત્કટતા આંખો જ સવિશેષ વ્યક્ત કરી શકે. અમૃતાએ જોયું કે અનિકેતની સ્મિતભરી દષ્ટિમાં મૃગજળ લહેરાઈ રહ્યાં છે. મુંબઈની ચોપાસનો દરિયો પણ જાણે મૃગજળ બની ચૂક્યો છે. આખું મુંબઈ લઈને અનિકેત કંઈ જતો ન હતો છતાં અમૃતાને તો એવું જ લાગ્યું. હવે એ પાછી વળશે, માણસોની ભીડથી આચ્છાદિત અરણ્યમાં. એક માણસને બાદ થતો જોતી વેળા આટલું બધું ખૂટતું લાગશે તેની અમૃતાને કલ્પના ન હતી.
હું આજે જે કંઈ બોલી તે બધું જ વીસરી જજો. હું…હવે અહીં તો કેવી રીતે કહું? પણ…તમારી પ્રતીક્ષા કરું?’
ઉદયનનો અવાજ આવ્યો. એ દોડતો આવતો હતો. અનિકેતે હાથ ઊંચો કર્યો. ગાડીનાં ચક્રોમાં ગતિ જન્મી. ઉદયન પહોંચી ગયો. ચાલતી ગાડીએ અનિકેતનો હાથ પકડીને એણે શુભેચ્છા આપી. માથેથી પાટો છોડી નાખીને ઉપર કાશ્મીરી ટોપી પહેરીને એ આવ્યો હતો. પોતાના ઘાને ઢાંકીને ફરવામાં આત્મવંચના નથી થતી એવું એ માને છે.
‘અચ્છા! ગુડ-બાય!’
‘આવજો.’ એક ડગલું આગળ વધીને અમૃતાએ દૂરથી જ કહ્યું.
‘આવજો.’ અનિકેતે બંનેને કહ્યું.
‘આવજે.’
‘અલવિદા ઉદયન!’
ગાડી પ્લેટફૉર્મ છોડી ગઈ. ઉદયનને અનિકેતનું ‘અલવિદા’ ન ગમ્યું. એ ઉચ્ચારણમાં એને ત્યાગનો નશો વર્તાયો અને વિદાય લઈ રહેલો એનો હાથ ગર્વોન્નત લાગ્યો. અમૃતા પાછી વળી ગઈ હતી. સ્વજનોને, પરિચિતોને મૂકવા આવેલાં સહુ પાછાં વળી ચૂક્યાં હતાં. હા, ગાડીના સરકી જવાથી કોઈ કોઈ પાટા ઊપર ઊભા થયેલા અવકાશ તરફ મુખ કરીને ઊભાં હતાં. અવકાશને નીરખવા માટે અમૃતાએ એવો કોઈ દૃશ્યમાન આશ્રય લીધો ન હતો. એ નીચું જોઈને ચાલતી હતી. એણે ગતિ ઘટાડી દીધી જેથી ઉદયન પહોંચી જાય. વહેલાં પાછાં વળેલાં અને છેવટે પાછાં વળેલાં એક પ્રવાહમાં ભળી ગયાં. દૂરના પ્લેટફૉર્મ તરફથી એન્જિનની લાંબી વ્હિસલ સંભળાઈ. બાજુના પ્લેટફૉર્મ પાસે એન્જિનના ધક્કાથી ગાડીના ડબ્બા ખખડ્યા. પછી એન્જિન એમને મૂકીને ચાલવા લાગ્યું – ભક્ભખ્ ભક્ભખ્…ઉદયન પહોંચી ગયો. અમૃતાએ ટોપી ઓળખી લીધી. એણે જે ભેટ આપેલી તે જ. એ ઉત્તર ભારતના પ્રવાસે ગયેલી ત્યારે વળતાં દિલ્હીથી ખરીદતી આવેલી. કેટલાં વરસ થયાં? ત્રણ કે ચાર? એ આંકડો ત્રણનો હોય કે ચારનો તેથી અમૃતાએ આ ભેટ આપી છે તે હકીકતમાં કશો ફેર પડી જતો નથી. અહીં એટલું જ નોંધવાનું છે કે આંકડો અમૃતાને ચોક્કસ યાદ નથી.
{
‘અચ્છા અમૃતા, હું જાઉં. તું અહીંથી સીધી જ જઈશ ને!’
‘હું તને મૂકવા આવું છું. તને મૂકીને જઈશ.’
‘તું ડ્રાઈવિંગ કરે અને હું બાજુમાં બેસી રહું તે તો મને કઠે.’
‘તો પાછળ બેસજે. નહીં તો તું ડ્રાઈવિંગ કર. મને નહીં કઠે. પુરુષોના મનમાંથી હજી નારીનું રક્ષણ કરતા રહેવાનો ફાંકો ગયો નથી. આ તમારું સ્ત્રીદાક્ષિણ્ય અને રક્ષણ કરતા રહેવા તત્પર એવું ઔદાર્ય એક પ્રચ્છન્ન સ્વામીત્વવૃત્તિ સૂચવે છે.’
‘હું તો એ વૃત્તિ પ્રગટ કરી ચૂક્યો છું. પ્રચ્છન્નતાનો આશ્રય લેનારાઓમાં હું નથી.’
અમૃતા સમજી કે ઉદયનની ટકોર અનિકેત વિશે જ છે. સ્ટિયરિંગ ઉપરથી એનો ડાબો હાથ ઊપડ્યો. ઉદયનના બરડા પર એક ધબ્બો મારવાની ઈચ્છા થઈ હતી, એ સાવ નજીક બેઠો ન હતો છતાંય. એને માથે વાગેલું છે તે જોઈને એ ખમચાઈ કે પછી બીજી જ પળે જાગેલા વિવેકથી એ અટકી અથવા બંને કારણો- એ એક સાથે કામ કર્યું. પણ તે પછી એને લાગ્યું કે પોતે આવી હાસ્યાસ્પદ ચેષ્ટા કરતાં બચી ગઈ તે સારું જ થયું. આર્ય નારીને શોભે એવું એ વર્તન ન હોત. એ કેવું બરછટ લાગત? ઉદયનનો એક પત્રકાર મિત્ર ધી ગેટ વે ઑફ ઈન્ડિયા પાસે બંનેને રોકીને એક દિવસ વાતે વળ્યો હતો. એ કહેતો હતો કે રશિયામાં સ્ત્રીઓ પુરુષોની જેમ જ બધાં પરિશ્રમપ્રધાન કામો કરે. ગૃહકાર્ય એમના હાથમાંથી લગભગ છટકી ગયું છે. નારીસુલભ સંકોચ અને લજ્જા એમનામાં દેખાતાં નથી. પુરુષોના સંપર્કના સાતત્યના કારણે અને રુક્ષ-શુષ્ક કાર્યોમાં જોતરાઈ રહેવાને કારણે આ પરિણામ આવ્યું છે એવું તારણ કાઢી શકાય…પોતે મોટેભાગે કૉલેજકાળની પોતાની સખીઓથી દૂર જ રહી છે. એમાંની મોટા ભાગની તો પરણી ગઈ છે. એમની ફરિયાદ છે કે અમૃતાને પુરુષોનો સંપર્ક વધુ ગમે છે. અમૃતાને એમની વાતોમાં રસ ન પડતો. તેથી એ એમનાથી કંઈક દૂર થઈ ગઈ હતી. ભાઈ-ભાભીઓએ ટકોર કરી તો એમાં શું ખોટું થઈ ગયું? પુરુષોનો આટલો બધો સંપર્ક પેલું બરછટ વર્તન કરવાની ઇચ્છા જગાવવામાં કારણભૂત હોય તો નવાઈ નહીં.
‘અમૃતા, આ તરફ લઈ લે ને. મારે પ્રેસ-બિલ્ડિંગમાંથી થોડી સામગ્રી લેવાની છે. હમણાં જ થોડા લેખના જલદી અનુવાદ કરી આપવાની ઑફર આવી હતી. આવતી કાલે જવાનું હું કદાચ ભૂલી જઈશ. પૈસા સારા એવા મળે એમ છે.’
અમૃતાએ રસ્તો બદલીને કહ્યું-
‘અત્યારે ત્યાં કોણ હશે?’
‘સાડા દશ સુધી મારી રાહ જોશે એવો સંદેશ હતો.’
ઈમારતના પ્રવેશદ્વાર પાસે અમૃતાએ કાર રોકી. એ કારમાં જ બેસી રહી પણ ઉદયને એને સાથે લીધી. લિફ્ટવાળો લિફ્ટને ખુલ્લી મૂકીને ક્યાંક બાજુમાં ગયો હશે. ઉદયન અંદર ગયો. અમૃતા પણ એને અનુસરી. ઉદયને સ્વિચ દબાવી. લિફ્ટ ઊપડી. ઉદયન ખુશમિજાજ લાગ્યો. બોલ્યો-
‘આ લિફ્ટ તૂટી પડે તો કેવો તીવ્ર અનુભવ થાય?’
‘મને એવો વિચાર આવ્યો કે લિફ્ટ અટકે જ નહીં અને ઉપર અને ઉપર બસ ચાલી જ જાય, ચાલી જ જાય તો કેવું?’
‘એવું બેત્રણ દિવસ સુધી ચાલ્યા કરે તો રણમાં પહોંચેલો અનિકેત આપણને જોઈ શકે. કારણ કે એની નજર મુંબઈ તરફ જ રહેવાની.’
‘અનિકેત એટલે દૂરથી ઓળખે?’ લિફ્ટ અટકી ગઈ હતી.
‘ન ઓળખે તો એમ માને કે વિશ્વામિત્રનો પેલો કૃપાપાત્ર ત્રિશંકુ ધરતીની કોઈ પરીને સાથે લઈને સ્વર્ગ તરફ ઊપડ્યો છે. વચ્ચે પહોંચીને અટકશે.’
ઉદયને દરવાજો ખોલ્યો.
‘પણ આપણે વચ્ચે ક્યાંય ન અટકીએ અને બસ ઉપર ને ઉપર આગળ વધ્યા જ કરીએ તો?’
‘તો છેવટે નરકનું તળિયું અડકે પછી તો લિફ્ટ રોકાય કે નહીં? અમૃતા, આ તારાં સ્વર્ગ અને નરકમાં નીચે કયું છે? કે પછી બંને એક જ સપાટી પર આવેલાં છે? મને લાગે છે નરક એ સ્વર્ગનું ભોંયતળિયું હશે.’
‘આપણે ઘણા દિવસ પછી આજે મૂર્ખતાપૂર્ણ વાતો કરી.’
‘મૂર્ખતાપૂર્ણ તો નહીં પણ અર્થહીન વાતો. એવી અર્થહીન વાતોમાં હું જોડાઉં છું ત્યારે જ મને લાગે છે કે હું આજે જોવા મળતા જીવનની નજીક છું.’
ઉદયન સામગ્રી લઈ આવ્યો. બંને પાછાં વળ્યાં. ઉદયને દાદર પર કોઈનો પગરવ સાંભળ્યો. એણે નમીને જોઈ લીધું. બંને લિફ્ટમાં ઘૂસી ગયાં. પેલો માણસ લિફ્ટવાળો હતો. એ પાસે આવે તે પહેલાં તો લિફ્ટ નીચે ઊતરવા લાગી ગઈ હતી.
‘આ બધાં યંત્રોને આપણે રમકડાંની જેમ વાપરવાં જોઈએ.’
‘પણ પેલો બિચારો દાદર ચડીને ઉપર આવ્યો, હવે નીચે ઊતરશે. તને એની જરાય દયા ન આવી?’
‘એનું કામ લિફ્ટ ચલાવવાનું છે. આપણી જેમ રખડવાનું નહીં.’
‘સારું. હવે મલબાર હિલ કે પછી કોઈ હોટલમાં? તને ક્યાં મૂકતી જાઉં?’
‘કેમ બહુ ઉતાવળ છે? એટલી બધી ઉતાવળ હોય તો અહીંથી ડાબી બાજુ લઈ લે અને મને પારસીઓના ટાવર ઑફ સાઇલેન્સમાં ધકેલીને ચાલી જા.’
અમૃતાથી ચીસ પડાઈ ગઈ. પારસીઓના શબ ધકેલી દેવાના ટાવરની એક દિવસ ઉદયન ચોરીછૂપીથી મુલાકાત લઈ આવ્યો હતો અને પછી એણે અમૃતા આગળ પોતાના એ અનુભવનું સવિસ્તર વર્ણન કર્યું હતું. અમૃતા સાંભળતાં સાંભળતાં અકળાઈ ઊઠી હતી. તે દિવસથી ઉદયન કોઈ કોઈ વાર એ શાંતિના ટાવરનું સ્મરણ કરાવે છે.
સવા દસ થયા હતા.
‘અરે, સારું થયું કે યાદ આવ્યું. બેએક વરસ પહેલાં આપણે તારા નાના ભત્રીજા માટે સ્પુટનિક અને આગબંબાનાં રમકડાં ખરીદ્યાં હતાં. તે આજે સાંજના મને મેજના નીચેના ખાનામાંથી જડી આવ્યાં છે, લેતી જા.’
‘હવે તો તું રમજે. એ બાબો તો મોટો થઈ ગયો. પણ ચાલ, દસ-પંદર મિનિટ બેસું. જોઉં, તારા રૂમના શા હાલહવાલ છે?’
રૂમમાં પ્રવેશ કરતાં જ ચિરકાલીન અસ્તવ્યસ્તતાએ અમૃતાને આવકારી. પલંગ પર થોડાંક સામયિક પડ્યાં હતાં. એમની વચ્ચે ખુલ્લી ફાઉન્ટનપેન પડી હતી. રાઇટિંગ ટેબલ પર બૂટ પડ્યા હતા. નીચે મોજાં પડ્યાં હતાં. દવાના રંગ વાળો પાટો આરામખુરશીમાં પડ્યો હતો. પલંગના ઉશીકા પાસે મૂકેલી ખુરશીમાં ઍશટ્રેની બાજુમાં સિગારેટનાં કચડી નાખેલાં ઠૂંઠાં પડ્યાં હતાં.
‘તું આરણ્યક સંસ્કૃતિનો પુરસ્કર્તા શા માટે છે તે તારા રૂમમાં પગ મૂકનાર કોઈ પણ માણસને સમજાઈ જાય એવું છે.’
‘બે મિનિટમાં બધું વ્યવસ્થિત થઈ જશે. ત્યાં સુધીમાં તું આ પત્ર વાંચી લે.’
સત્ર ઊઘડતાં ઉદયન જોડાવાનો છે તે કૉલેજના આચાર્યનો પત્ર હતો. અભ્યાસક્રમ સમિતિ ઉપર પ્રગટ થયેલો ઉદયનનો લેખ પ્રચાર પામ્યો હતો. આ પત્ર એ લેખને અનુલક્ષીને હતો. આ બધું આપણા કાર્યક્ષેત્ર બહારનું છે અને અભ્યાસક્રમ સમિતિ ઉપર અધ્યાપક જેવા જવાબદાર માણસથી આટલી હદે પ્રહાર ન થાય. તમે ખુલાસો આપો કે કોઈને ખોટું લાગ્યું હોય તો હું દિલગીર છું વગેરે વગેરે, મધુર ભાષામાં લખેલું હતું.
‘કોણ છે તારા આચાર્ય?’
‘મોટા માણસ. વિદ્વાન કહેવાય છે. એમણે ઘણાં પુસ્તક લખ્યાં છે. શિક્ષણજગતના એ એક જાણીતા માણસ છે’
‘પણ એમનું માનસ તો સામંતયુગનું લાગે છે. માફી માગવાનું સૂચવે છે. તને એમની સાથે ફાવશે?’
‘આવતી કાલે મળી આવીશ એમની ગેરસમજ દૂર થશે તો જ એમની કૉલેજમાં જોડાઈશ.’
‘મને તો તારો લેખ ખૂબ ગમ્યો હતો.’
‘તને ગમે એટલે સહુને ગમે એવું ઓછું છે? તારી માન્યતા સર્વોચ્ચ ન કહેવાય.’
‘તારા પૂરતી પણ નહીં?’
‘તને ખોટું ન લાગે માટે સ્વીકારી લઉં છું. બાકી તેં એ પછી પ્રગટ થયેલું એક ચર્ચાપત્ર વાંચેલું? એમાં મારી ભાષાને હિંસક કહેવામાં આવેલી.’
અમૃતાએ ઉદયનના માથેથી ટોપી લઈ લીધી. ઘા પરની પટ્ટી ઊખડી ગઈ ન હતી. તે જોઈને એને આનંદ થયો. એણે પેલો પાટો લઈને બાંધી દીધો.
‘નોકરીએ જોડાવાની ના પાડશે તો?’
‘તો શું? એક મહિનાનો પગાર તો આપશે ને? એટલો પગાર પૂરો થઈ જશે ત્યાં સુધીમાં નવી નોકરી શોધી કાઢીશ. અને અનુવાદનું કામ તો મળ્યા જ કરવાનું. એ પણ કોઈની ભલામણથી બંધ થશે તો ભિલોડા જઈને લાકડાંનો વેપાર કરીશ. કોલસા પાડીશ. એ ઉદ્યોગનો હું નિષ્ણાત છું. ભઠ્ઠી કરીને લાકડાં અંદર નાખવાનાં. પછી સળગાવીને બહાર નીકળતી એમની ધૂણી જોઈ રહેવાની. નોકરી માટે નમી પડે એ બીજા. જવા દે એ વાત. આજે તો કંઈક મધુર વાતચીત થવી જોઈએ. અમૃતા, સાચું કહું છું, તું ગરીબ ઘરની કન્યા હોત તો કેવું સારું?’
‘કેમ?’
‘હું તને અપનાવી લઈને તારા પરિવાર ઉપર ઉપકાર કરત.’
‘ઉપકાર કરત કે સ્વાર્થ સાધત?’
‘આપણા સમાજમાં તો ઉપકાર પણ એ રીતે થતા હોય છે કે એમનાથી તો સ્વાર્થ વધુ નિર્દોષ લાગે.’
‘પણ તારો આ સ્વાર્થ જોઈને મને તો ડર લાગે છે. તું એકાએક મને અપનાવી લે તો મારી પસંદગીનું શું? હું હવે તને મળવા નહીં આવું.’
‘તો હું આવીશ. મેં તારું ઘર ક્યાં જોયું નથી? ‘’છાયા’’ જેવું રૂપાળું નામ છે જેનું!’
‘તું મળવા આવે તે તો હું માની શકું છું પણ મારા મુરબ્બીઓને એ ગમતું નથી. ગઈ કાલે રાત્રે ચિઠ્ઠી મળી છે કે આ રીતે પુરુષોના સાહચર્યમાં રહેવું કુલીન યુવતીને શોભે નહીં.’
‘એ લોકો સાથે હું સહમત થાઉં છું. પહેલાં તું મને એકલાને ઓળખતી હતી ત્યારે કોઈએ કેમ કંઈ કહેલું નહીં? બે પુરુષો તરફ એક પ્રકારની લાગણી જાળવવામાં જોખમ છે એ સામાન્ય માણસ પણ સમજી શકે તેવી વાત છે. હા, તારે કિલયોપેટ્રા થવું હોય તો જુદી વાત!’
‘તેં જ મને અનિકેતનો પરિચય કરાવેલો. તું જ એ પરિચયને વધારતો રહ્યો. આજે તું જાણે છે કે અનિકેત તરફ મને વિશેષ સદ્ભાવ છે. એટલું જ નહીં હું તારી સાથે તો મિત્રના સમાન હકથી વર્તી શકું છું પણ અનિકેત સામે સદા નાની લાગું છું.’
‘મને તમે બંને નાનાં અને નાદાન લાગો છો. અનિકેત મહાશય જે રીતે આપણી વચ્ચેથી ખસ્યા છે તે મને સહેજે પસંદ પડ્યું નથી. જાણે કે બીજા કોઈને વારસો મળે માટે વનવાસ જતા હોય એવું ગૌરવ એમના ચહેરા પર હતું. ભલે ભાઈ! જે સંશોધન કરવાનું છે તે માટે રણમાં રખડવું અનિવાર્ય છે ખરું પણ ત્યાં રહેવું અનિવાર્ય નથી. આ વસ્તુનો ખ્યાલ આવ્યા પછી એની અધ્યયનનિષ્ઠા વિશે- નો મારો આદર ઘટ્યો છે. અને એ મને સમજે છે શું? એક દિવસ મેં થોડાક વ્યંગ કર્યા તે સહન ન થતાં મહાપુરુષ બની બેઠો? એની આ ઉપકારવૃત્તિનું પ્રદર્શન મારાથી સહન થયું નથી પણ દૂર જતા માણસને કડવાં વચન કોણ કહે? હું એની સાથે તને પ્રાપ્ત કરવાની સ્પર્ધામાં ઊતરવા તૈયાર હતો. મારે પોતાની યોગ્યતા પુરવાર કરીને વિજેતા બનવું હતું. અને મને વિશ્વાસ હતો કે…’
‘તું તો એવી રીતે વાત કરે છે કે જાણે તમારા બંનેની સ્પર્ધા માટે હું માત્ર નિમિત્ત હોઉં. એક નિમિત્તથી વિશેષ મારી જાણે કે સત્તા જ ન હોય. તમારા બંનેની ચડસાચડસીમાં મારા માટે વરણની સ્વાધીનતા જેવું કશું હોય જ નહીં! ઉદયન! તું ભલે આધુનિક માનવનાં મૂલ્યોનો પ્રવર્તક બનવા માગતો હોય, સંભવ છે ભવિષ્યમાં નવાં મૂલ્યોના સ્થાપકોની સૂચિમાં તારું નામ કોઈને વાંચવા મળે પણ મને તારું માનસ પછાત લાગે છે. તારામાં સ્વામિત્વવૃત્તિનાં દૂષણો ઓછાં નથી. તું તો મને એક નિર્જીવ નિમિત્ત માનીને વાત કરે છે.’
‘તને અધિકાર છે જે કહેવું હોય તે કહે.’
‘એટલી છૂટ આપીને પણ તું તારો અધિકાર સૂચવવા માગે છે. તો ભોગવ અધિકાર આ રૂમની શાશ્વત અરાજકતા પર. હું જાઉં છું. લે આ અનિકેતના મકાનની ચાવી. એણે તને આપવા કહ્યું છે.’
‘ચાવીને હું શું કરીશ? તારી પાસે જ રાખ ને. તો શું ચાવી મોકલાવીને આખું ઘર મને સોંપતો ગયો હોય તેવો સંકેત એને અભિપ્રેત હશે? તું પાંચ-દસ મિનિટ બેસ અમૃતા, હું થોડુંક બોલી લઉં. પછી એકલો પડી જઈશ. હું બોલીશ તે તને ગમશે. એ અનિકેત વિશે છે: હું એને ચાહું છું એ કરતાં એ મને વધારે ચાહે છે. હું જાણું છું કે હું માગું તો એ પોતાનું ભવિષ્ય પણ મને આપી દે. આગળ વધીને હું એમ પણ કહી શકું અને એ તારે માની લેવું પડશે કે કોઈ અજાણ્યો માણસ આવીને માગે તોપણ અનિકેત એને પોતાનું ભવિષ્ય આપી દે. એના ભવિષ્યને વેડફી દેવાની બીજા કોઈની વૃત્તિ ન હોય તે બીજી વાત, પણ અનિકેત એટલો સજ્જ છે એ મારે તને કહેવું હતું… તારો પરિવાર અમીર છે. તેથી તું અમીર કહેવાય. એના પરિવારને ફક્ત અમીર કહીએ તો તારો પરિવાર તો મધ્યમ વર્ગમાં સમાવેશ પામે. અમે બંને કૉલેજમાં સાથે હતા તે વર્ષે અનિકેતના પિતાજી મુંબઈ આવેલા. કૉલેજના આચાર્યે એમને વ્યાખ્યાન આપવા બોલાવેલા. જાણે કે ઈરાનનો શાહ-સોદાગર, એમના પ્રૌઢ ચહેરા પર ભૂમધ્ય સમુદ્રની શાંતિ. એક વાક્ય આજેય મને યાદ છે – અમે આફ્રિકામાં વેપાર કરીને સંપન્ન બન્યા છીએ, અમારા કાર્યને કદાચ ઈતિહાસ ન્યાય ન પણ ઠરાવે, અમે ત્યાં જઈને કશું નિર્માણ નથી કર્યું, પરિસ્થિતિનો લાભ લીધો છે.’ એમણે ત્યાંના વેપાર-રોજગાર પર સારી ચર્ચા કરી હતી. એમની પેઢીનું ત્યાં ઘણું મોટું નામ છે. એકવાર અનિકેતની વર્ષગાંઠ પ્રસંગે એમણે લખ્યું હતું – ‘તારા માટે મસિડિસ ર્કારનો ઓર્ડર નોંધાવી દીધો છે. નજીકના સમયમાં તને મોકલાવી દઈશ.’ અનિકેતે ફોન જોડીને ના પાડી દીધી. ફોન જોડતાં કેટલો સમય લાગેલો ! પણ ના પાડ્યા પછી જ એને શાંતિ થઈ. એણે પછી મને કહ્યું હતું – ‘કાર સાચવવામાં સમય બગડે. અને છાત્રોનું ધ્યાન ખેંચાય તેથી એમનો પણ સમય બગડે. અધ્યાપક જેવા માણસને કાર ખપતી નથી. એનો નાનો ભાઈ અહીં ભણતો હતો પછી ઈંગ્લેન્ડ ચાલ્યો ગયો. સાવ લહેરી અને એટલો જ બુદ્ધિશાળી. કદાચ હવે તો પેઢીના કામમાં જોડાઈ ગયો હશે. અનિકેત સાથે અદબથી વાત કરે…આ બધી બાબતો કદાચ તને નગણ્ય પણ લાગે પરંતુ હું કહેવાની ઇચ્છાને રોકી ન શક્યો. આવો માણસ એશઆરામ છોડીને રણ પ્રદેશમાં રહેવા જાય તો એનો ત્યાગ સાર્થ છે. મેં આગળ એના વલણને નાપસંદ કર્યું તે જુદા જ અર્થમાં છે તે તું સમજી શકીશ. હવે તું જઈ શકે છે.’
‘હા, હું જાઉં. ઘેરથી ક્યારની નીકળી છું! બધાં શંકિત નજરે મારી પ્રતીક્ષા કરતાં હશે.’
‘કોઈને કંઈ સમજાવવાની જરૂર હોય તો મને કહેજે, આવી જઈશ.’
‘તારા સમજાવવાથી તો ગેરસમજ વધશે. મારે મારા વર્તનથી જ એમને સમજાવવું રહ્યું…વર્તનથી હું એમને જરૂર સમજાવી શકીશ પરંતુ તે દરમિયાન પરાધીનતા ભોગવ્યાની વેદના મને થશે. મારાથી કોઈની શંકા સહન થતી નથી. બે પુરુષોના સંપર્કનો એ લોકો શો અર્થ તારવતાં હશે? હું પોતાની રીતે પોતાને અને અન્યને સમજવા સ્વતંત્ર નથી? ઘરનાં માણસો પ્રતિષ્ઠાના એક છીછરા ખ્યાલમાં અભિરુચિ અને વરણીના મારા અધિકારને દબાવવા ઇચ્છે છે. જે સમાજને તું આત્મવંચનાના પાયા પર રચાયેલો કહે છે. તેમાં પણ તારા અને અનિકેત જેવા માટે જેટલી સ્વતંત્રતા છે તેટલી પણ મારા માટે તો નથી જ. હું તુલના નથી કરતી પણ મારી સ્થિતિને સમજી રહી છું. હું તો એમ પણ કહીશ કે ઉદયન અને અનિકેત પણ મારા સમગ્ર વ્યક્તિવને સ્વીકારવાને બદલે મને મુખ્યત્વે નારીરૂપે જ ઓળખતા – જોતા રહ્યા છે. તારા ઉમળકામાં અને અનિકેતની સ્વસ્થતામાં પણ મને કશુંક એવું ઉપસ્થિત લાગે છે જે મને બેચેન બનાવી મૂકે છે. કેમ મારા નારીરૂપથી જ તમે આટલા સભાન છો? (અહીં ઉદયન બોલવા જતો હતો કે તારા સૌંદર્યને દોષ દે. પણ એ ન બોલવું જોઈએ એમ સમજીને ન બોલ્યો. અમૃતા આગળ વધી ચૂકી હતી.) તું જ કહે, પુરુષ તરીકે નહીં પણ મનુષ્ય તરીકે તું આત્મનિર્ણયનો હક ભોગવે છે એ સ્થિતિમાં મને મૂકી શકે તેમ છે? તારી સામે પણ મારે એક વાત કહેવાની છે. તું મને ચાહે છે એવું કહીને અને પ્રગટ કરીને શું ઉપયોગિતા-પ્રેરિત આત્મવંચનાનો આશ્રય નથી લેતો? અને એમ હોય તો બતાવ મારી સ્વતંત્રતા પછી ક્યાં સલામત છે? હવે આપણે મળીશું ત્યારે આ પ્રશ્નનો ઉત્તર તારી પાસે હશે?’
ઉદયન કંઈ જ બોલ્યો નહીં. પાંદડાં ખરી ગયેલા વૃક્ષની એક છબી દીવાલ પર લટકતી હતી. જોયા વિના પણ એને એ દેખાઈ. અમૃતા ઊભી થઈને ચાલી તે ક્ષણે એની નજર દીવાલ પરના એ ફોટોગ્રાફ પર સ્થિર થઈ. અમૃતા બારણા બહાર પહોંચી ગઈ. એ ઊભો થયો. એ બારણા સુધી પહોંચ્યો તેટલામાં તો અમૃતા દાદરના બંને વળાંક ઊતરી ચૂકી હતી. દાદર પરના વાતાવરણમાં રહી ગયેલો એનો પદરવ પણ શાન્ત થવા લાગ્યો હતો. એકાએક અવાજ થયો. કાર ચાલુ થવાનો એ અવાજ હતો. અમૃતાની ગતિની નીરવતા અનુભવતો ઉદયન ઊભો હતો. હવે તો એ નીરવ ગતિ પર પણ અવાજનો આઘાત થયો. છેવટે કાન અને આંખો દ્વારા પોતાના ચિત્તમાં નિ:શેષ અવકાશ ભરીને એ પાછો વળ્યો.