ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હિમાંશી શેલત/કિંમત

Revision as of 01:34, 3 September 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ)
કિંમત

હિમાંશી શેલત

આખા એરિયામાં, એટલે કે ચાર રસ્તાથી માંડીને સ્ટેશન તરફ ખૂલતી સાંકડી ગલીઓ લગી, એક કતારમાં ઊભેલી એમની ખોબા જેવડી ઓરડીઓમાં આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા. ફેલાયા તે સાથે વાતાવરણમાં હલચલ મચી ગઈ. સમાચાર કંઈ સાધારણ તો હતા નહીં.

જમાનાઓથી એ બધાં અહીં જ, આ ગલીઓમાં જ એમનો ધંધો જમનાબાઈ જાય ને કલાબાઈ આવે કે ચંદ્રિકા આવે અને મોનિકા જાય, મૂળ તો કશો ફેર નહીં. ચારપાંચ ખોલી તો વળી એવી પણ હતી જેમાં મૌસી ગંગાકિનારે ગઈ હોય કે કોઈ તીરથધામમાં પડી રહી હોય અને અહીં એના હાથ નીચે તૈયાર થયેલી કોઈ ચંપાકલી કે સોના-રૂપા બરાબર ધંધો જમાવી, મૌસીને નિયમિત મનીઑર્ડર મોકલતી હોય. તે બધું તો ઠીક, પણ આવા લિજ્જતદાર સમાચાર એમના ભણી કદી ફરક્યા નહોતા. એમનામાંની જ એક, અહીં જ અટવાતી, બારીએ ચહેરો ટાંગીને બેસતી અને ફેરિયાને બોલાવી સસ્તાં ક્રીમ-લિપસ્ટિક ખરીદતી, અઠવાડિયામાં બે વાર નિયમિત અબ્દુલની લારી પર મટન-સમોસાના સિસકારા બોલાવતી મોહના ફિલમના પડદે દેખાવાની હતી. અને આ કોઈ અફવા નહોતી, સાવ સાચી, ટકોરાબંધ હકીકત હતી.

મોહનાની મૌસીનાં ગલોફાં તો ફૂલેલાં જ રહેતાં હતાં હમણાં હમણાં. આવી મજેદાર વાત રસઝરતા હોઠથી જ કહેવાય એટલું તો એ જાણે બરાબર. પાન સરસ રીતે ગોઠવી, નજાકતથી આંગળી બહાર લાવે મોંમાંથી.

— ફોટુ નિકાલા હતા તે અપની મુન્નીકી પાર્ટી પર, બસ તે ફોટુ ફિલમવાલાએ જોઈ લીધા. ગનીની પહેચાનમાં હતા તે ફિલમવાલા. મોન્નાના ફિગર પર ફિદા. બોલા કે મોન્નાની હાઇટ ને ઉસકી હિરોઇનકી હાઇટ એકદમ એક સરીખી, ઇંચેઇંચ.

— ભઈ કમાલ થઈ ગઈ. અપન તો ધંધામાં નંઈ નંઈ તો બી પંદ્રા સાલથી છીએ. ચુસ્તી બી નથી બદનમાં અવે તો. મોન્ના તો જૈસે હલકી છોકરી. અતાપતા પૂછતી અજનબી જૈસી. તે ફટ કરીને ફિલમ લાઇનમાં… નસીબ કી બાત હૈ…

— મોહના, આતા આમાલા પાર્ટી પાયજે.

હોઠ વચ્ચે દુપટ્ટો દાબી, લટને કાન પાછળ ધકેલતી, આમળતી મોહના મલકાતી રહી, સવારથી સાંજ સુધી. ફિલમવાળું કંઈ પાકું નહોતું થયું, છતાં એ સાચું હતું કે કો’કે મૌસીને સંદેશો મોકલ્યો હતો. લાલાજી અને ગની મારફત. માત્ર ઉપર ઉપરથી વાત થઈ હતી. પૂછપરછ સુધી આવીને અટક્યું હતું. મોહનાના થોડી ફોટા લીધા હતા. બે દિવસ પછી ગોઠવાશે અને વધારે વાતચીત થશે એમ બોલેલા. હિરોઇનને ફોટા બતાવવાના છે એવું એકાદ વાક્ય પણ વચ્ચે આવી ગયેલું. મોહના ખીલી ગઈ હતી આખેઆખી.

— એ તેરેકુ ક્યા બનાયેગે યે લોગ? શાયદ હિરોઇનકી સહેલી યા તો ફિર…

— એમ કંઈ હિરોઇનની સહેલી ના બનાય. એમાં તો ડાયલોગ બોલવા પડે. હિરોઇનની સહેલી બહેરી મૂંગી તો હોય નહીં…

— હોય બી ખરી, કેમ નથી હોતી એવી કોઈ?

— હોતા હૈ, મગર ફિલમમેં નહીં…

સવારે ડાઘાડૂઘીવાળા અરીસા સામે મોહનાએ શકલ જોઈ પોતાની. આ શકલ હવે કદાચ આખા ઇન્ડિયામાં લોકો જોવાના હતા. સાલા પેલા ખવીસને હવે ખબર પડશે. દસ હજારમાં વેચી ગયો ભડવો તે રહ્યો હવા ખાતો… એટલા પૈસા તો હવે મારે ત્યાં કામ કરતા માણસોને પગારમાં… એક વાર ફિલમ લાઇનમાં ગયા એટલે નાનું-મોટું કામ મળ્યા કરે. આપડે કંઈ ભાવ ખાવા નથી. નાનાં નાનાં કામમાં એક્સ્ટ્રાની જરૂર પડે તોયે બે-પાંચ હજાર તો મળતા જ રહે. છોટામોટા સીન કરતા રહેવાનું… મગર શકલ ઠીકઠાક રાખવાની હવે. ક્રીમ-મસાજ બધું રેગુલર કરવું પડે. મૌસીને કહી દેવાય કે ખાવાપીવામાં જૈસાતૈસા ચાલે નહીં. સબજી તાજી, ગાજર ટમાટર ચાહિયે. દહીં મંગતા, દૂધ ન સહી. કાલે ફિલમવાલા આવે ત્યારે ગ્રીન સાડી. બ્લાઉસનું ફિટિંગ જામતું નથી. કાલે તો ઢાંકી દેવાય. પછી નવાં કરાવી લેશું. એક વાર નક્કી થાય એટલે કપડાં માટે મૌસી પૈસા આપે વધારે. આમ બી ખુશ છે. મોન્ના બેટી મોન્ના બેટી તો થવા જ લાગ્યું છે. એક-બે સાવ પૈસા કમાઈ લેવાય તો અહીં કોણ રહેવાનું પછી…

ફિલમવાળા આવવાના હતા તો એક ખોલીમાં, પણ ઊંઘ કોઈને ન આવી. આમેય રાતને દિવસમાં પલટી જતાં અહીં વાર ન લાગે. આવનજાવન સતત ચાલે, પાનના ગલ્લા મધરાત પછી માંડ ઠંડા પડે – ન પડે કે મળસકે ધમધમતા. સિગારેટ-પાનમસાલાની ઘરાકી તો ચાલુ જ રહે. લાલ-કેસરિયા છાંટણાં વિનાનો એકેય ઓટલો કે દીવાલ આ તરફ જોવા ન મળે. તેમાં ભળ્યા ચગળવા ગમે તેવા આ ખબર, સુધારાવધારા સાથે રેલાતા, ફેલાતા બેય નાકે અને પડખેની બધી ગલીકૂંચીઓમાં પહોંચી ગયા. જ્યાં પહોંચ્યા ત્યાં એનો રંગ જામતો ગયો.

— મોહના સાલી નસીબવાળી છે. બાકી એનામાં એવું કંઈ છે નહીં. શકલ એકદમ ગમી જાય તેવી થોડી છે એની? એમ તો સુંદરી જુવો ને નેપાલવાળી..

— હા, ઠીક બતાયા. સુંદરી મસ્ત છે એકદમ, ગુલાબી ગુલાબી છે પાછી. પહેલે સે જ ફિલમસ્ટાર.

— પણ તે બુટકી આહે, આણી પ્લમ્પ…

— તો ક્યા, જ્યાદા અચ્છી દીખ રહી હૈ ઇસસે તો…

— અપને કો ક્યા? મોન્નાકો ભી પતા ચલેગા. ફિલમવાળા કોઈ શરીફ હોતા નથી. પૈસા ભી બરાબર દેવે તો અચ્છા…

રેશ્મા અને સલમાને તો હજી એ બાબતનો જ પસ્તાવો થતો હતો કે મુન્નીની પાર્ટીમાં એ બંને શા સારુ ગયાં નહીં. ગયા હોત ને વળી નસીબ જોર કરતું હોત તો દેખાવ તો એમનોયે ક્યાં ખોટો હતો? મોહના કરતાં થોડો ચડિયાતો કહેવાય એવું કેટલાં બધાં કહેતાં હતાં. મોહનાની આંખો થોડી ફાંગી છે. ધ્યાનથી જોઈએ તો તરત ખબર પડી જાય. મૌસીઓએ તો કહેવા જ માંડ્યું છે કે મોહના સવિતાબાઈને માથે બિન્ધાસ્ત છાણાં થાપવાની.

સવિતાબાઈ તો હરખાઈને ઘેલી થાય છે અને રૂપિયાના ઢગ પગ પાસે જોયા કરે છે. જાડી મૌસી પછી માથું પકડીને રોવાની છે, મોહના તો પાછું વાળીને જુવે તેવી નથી. એક વાર ચલી ગઈ ફિર દેખના મજા…

દમામદાર લોકો માટે સરભરાની તેવી જ જોગવાઈ કરેલી. એમાં તો મૌસીને કહેવું ના પડે. ફારૂકને ત્યાંથી જ નક્કી કરેલી આઇટમ આવે એવું, ઉપરથી આઇસક્રીમ, સાદો નહીં, કેસર-પિસ્તાનો, માળિયાની પેટીઓ ખોલાવી નવા પડદા લગાવડાવ્યા હતા મૌસીએ. બીજી કચરાપટ્ટી મોટા પલંગ નીચે ધકેલી મોટી નવી ચાદર એવી પાથરી દીધી કે ઠેઠ શેતરંજીને અડે. આ તો ઉપર ઉપરની મુલાકાત હતી, પછી સહી-સિક્કા ને બધું તો મોટી હોટલમાં થવાનું હતું. ઠાઠમાઠમાં જ તો થાય એવું. અહીંની ગલીકૂંચીમાં એવા લોક કંઈ વારેવારે આવે નહીં.

મોહનાને તો પુલ પાસેથી બ્યુટીપાર્લરમાં જવું હતું. ચંદ્રિકા અને સુનિતા ત્યાં જતાં કોઈક ખાસ પ્રસંગ હોય તો અને બહુ વખાણ કરતાં. સરસ તૈયાર થયાં હોઈએ તો ફેર પડે જરા, પણ મૌસીએ ના પાડી. બહુ વાર લાગે એમ કહીકહીને. પછી એ લોકો થોડા વહેલા આવી જાય તો મુસીબત થઈ જાય. મોહના એના ડાઘાડૂઘીવાળા ઝાંખા અરીસામાં જોઈને જ તૈયાર થઈ. કાલીએ એની બહારથી મળેલી લિપસ્ટિક લગાડવા આપી. સાડી પહેરવામાં ઠીકઠીક વખત ગયો. ચળકતું રેશમી કપડું શરીર પર રહેવા કરતાં ભોંય પર ઢગલો થવા જ બન્યું હોય તેમ ઘડી ઘડી આંગળીઓની પકડમાંથી છટકી પડતું હતું.

— પાછળ દાદર પાસે બેસી રે’જો તમે બધી. બોલાવ્યા વગર કોઈએ આવવાનું નથી. પડદા પાછળથી ડોકાં કાઢવાનાં નથી.

બધાં હાહાઠીઠી કરતાં આઘાંપાછાં થઈ ગયાં. ગમ્મત પડતી હતી ને સાવ નવું લાગતું હતું આવું તો, જુદી ઉત્તેજના, અપરિચિત એવી.

બપોર થતાંમાં તો સવિતાબાઈએ બારીએથી વાંકા વળી વળીને ચાર રસ્તાના નાકા તરફ નજરને દોડાવી. મોહના પણ જરા હતાશ થઈ ગઈ. તાજો ચહેરો થાકેલો દેખાય તે તો ખોટું જ. તૈયાર થઈ બેઠાંને નહીં નહીં તોયે બે કલાક ઉપર થયા હશે. કદાચ કોઈ બીજી વધારે સારી દેખાઈ ગઈ હોય તો — છોકરીઓની તો લાંબી કતાર હોય છે ફિલમમાં જવા માટે, એવી માહિતી એની પાસે હતી. કદાચ લાલાજી અને ગની અમથા જ બધું કરતા હોય, એવી કોઈ ફિલમ- બિલમ — પણ તો પછી એ લોકો કેટલા બધા ફોટા લઈ ગયા… સાવ ખાલી ખાલી કોઈ એવું કરે?

— લટ આમળીઆમળીને માથું જો કર્યું તે… કેવું સરસ ઓળેલું હતું…

મૌસીએ જરા લાડથી એને ટપારી. મોહનાએ લટ કાન પાછળ ધકેલી દીધી ને ત્યાં જ એક સફેદ મોટર ચાર રસ્તાને નાકે આવી ઊભી રહી. બે જણ — ગૉગલ્સવાળા — લાલાજી સંગાથે અંદરથી નીકળ્યા. સીધા મૌસીના ઘર તરફ. મોહના હરખથી હવામાં ફરફરવા લાગી. મોહનાની સાથે સીધી જ વાતચીત થઈ, ગૉગલ્સવાળાઓએ કરી. લાલાજી વચ્ચે વચ્ચે બોલે, જરૂર પડે ત્યાં.

— સૂચના પ્રમાણે કામ કરવું પડે. નખરાં ન ચાલે. પહેલેથી ચોખવટ કરી લઈએ તો ઠીક. સીન જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે કરવાનું. બરાબર છે?

મોહનાએ હા પાડી, ડોક હલાવીને, તોયે સંતોષ ન થયો હોય તેમ ફરી આ જ સવાલ જુદી જુદી રીતે પુછાયો. એટલે મોહનાએ સવિતાબાઈના કાનમાં કહ્યું કે એને જાણવાની ઇચ્છા છે, કેવા પ્રકારનું કામ છે ફિલમમાં તે…

— કામ કે બારેમેં મોન્ના પૂછ રહી’થી, ક્યોં મોન્ના? ડર મત, પૂછ તેરે કુ જો પૂછના હૈ…

— અબ એક્સ્ટ્રા હૈ ઇતના તો સમજ લીજિયે, પૈસે આપકો બરાબર મિલેંગે જિસ પ્રકાર કા કામ હૈ, ઉસકે મુતાબિક પૈસે તો મિલેંગે. લાલાજી કો પૂછો.

— હાં… હાં… વો તો સબ સમજ લિયા. મોન્ના તો હુશિયાર હૈ. દુબારા બતાના નહીં પડેગા. ફિર ભી ઉસે કરના ક્યા હૈ વો અભી સે પતા ચલે તો…

— દેખિયે જી, મોહનાજી કી હાઇટ ઔર ફિગર બિલકુલ હમારી હિરોઇનસે મિલતેઝુલતે હૈ… પીછે સે તો પતા હી નહીં ચલતા ઇતના મેલ… એકદમ કાર્બન કાપી…

— તો?

— અબ ફિલમમેં એક સીન ક્યા હૈ કિ ગાંવ કે બદમાશ લોગ હિરોઇન કો પરેશાન કરતે હૈં… ઉસકે પીછે પડે હૈ સબ… સરે બાજાર ઉસકે કપડે ઉતાર લેતે હૈં… એક એક કરકે સબ…

— નહીં નહીં… આપકે લિયે હિચકિચાહટવાલી તો કોઈ બાત હી નહીં હૈ… પૂરા શૉટ હમ પીછે સે લેંગે, ખૂબીસે, શકલ તો દિખાની નહીં હૈ… અબ કિસકો પતા ચલનેવાલા હૈ કિ યે કૌન હૈ?

— હિરોઇનને સાફ બોલા. યે શોટ દેનેમેં તકલીફ હૈ ઉનકો. બિલકુલ હી તૈયાર નહીં. અચ્છા તો યે હુવા કે મોહનાજીકી હાઇટ ઔર પૂરા ફિગર બરાબર હિરોઇન કે સાથ…

સવિતાબાઈએ મોહના સામે જોયું. મોહના બંગડીઓ પર આંગળી ફેરવી રહી હતી.

— પૈસે જો ચાહો મિલેંગે. પરેશાની કી બાત નહીં હૈ કોઈ. ભીડમેં બસ ચલે જાના હૈ, શૉટ પીછે સે, બાલ હવામેં ઊડ રહે હૈ, બદનપે કુછ નહીં… સિર્ફ પાંચ મિનટકા કામ…

લાલાજી અને ગની હવે પ્રોત્સાહન આપવા માટે મીઠું મીઠું – ધીમું ધીમું — એમની ખાસ ઢબે બોલવા લાગ્યા. એ લોકો સાથે રહેશે, મોહનાને કોઈ પરેશાની નહીં થાય, ટૅક્સીમાં જવાનું ને આવવાનું, ઘણું નવું નવું જોવા મળશે, સારું લાગશે. મોહના સાંભળતી રહી, જવાબ આપ્યા વગર.

— તો ફાઇનલ સમજેં અબ? કલ રકમ મિલ જાયેગી, જો તય કર લો. બતા દીજીયે ક્યા દેના હૈ હમેં… ક્યોંકિ જરૂરત તો હમેં હૈ હી… હમારા બહોત ઇમ્પોર્ટન્ટ સીન હૈ…

પડદાની આરપાર જોવા મથતી મોહનાને મૌસીએ ઢંઢોળી.

— દેખ, કામ મેં તો દમ નહીં. પૈસે જરૂર મિલેંગે યે સચ હૈ. એક બાર કોઈ દેખ લે તો કભી ચાન્સ મીલ ભી સકતા હૈ. માયુસ હોનેકી જરૂરત નહીં. જાયેગી?

મોહના બેસી રહી, નિરુત્તર.

મૌસીએ એને ખભે હાથ મૂકી કાનમાં પૂછ્યુંઃ

— દસ હજારમેં કરેગી કી જ્યાદા બતાયેં? તૂ ખુદ હી બતા દે અપની કિંમત…