ગુજરાતી કવિતાનો આસ્વાદ/બોલે બુલબુલ

Revision as of 07:27, 29 June 2021 by MeghaBhavsar (talk | contribs)


બોલે બુલબુલ

સુરેશ જોષી

બોલે બુલબુલ,
વ્હેલે પ્હરોડિયે બોલે બુલબુલ …

આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ
ઝીણા ઝરે સૂર કોના આકુલ?
બોલે બુલબુલ …

ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ
આવી છંટાય મારી પાંપણે અમૂલ.
બોલે બુલબુલ …

રજની વલોવી એણે શું શું રે પીધું?
અમરત પિવડાવવામાં રહેતું મશગુલ!
બોલે બુલબુલ …

અરધુંપરધું સુણાય તોય રચે શો મૃદુલ
પૃથિવી ને સ્વર્ગ વચ્ચે સૂર તણો પુલ!
બોલે બુલબુલ …
– ઉમાશંકર જોશી (વસંતવર્ષા)

મધનું એક ટીપું! આપણને એમ કે એની તે શી વિસાત? પણ એને માટે કેવો અથાક પરિશ્રમ ચાલતો હોય છે! માટીના અન્ધકારમાંથી અંકુર ડોકિયું કરે, કૂંપળ ફૂટે, કળી બેસે, ફૂલ ખીલે, મધમાખી આવે ને અખૂટ ધીરજથી ટીપું ટીપું મધ એકઠું થાય. ગીત પણ કવિચિત્તમાં સારવીને સંચિત કરેલું મધુબિન્દુ છે. એ હોય છે લઘુ, એની અર્ધી કાયા સંગીતની આબોહવામાં અદૃશ્ય થઈને રહે; તે આપણે શોધી લેવાની. પ્રકટ કરવંુ સહેલું છે, પ્રકટમાં અપ્રકટની વ્યંજના મૂકવી તે અઘરું છે. પ્રકટતાના પુંજમાંથી અપ્રકટની વ્યંજનાને સારવી લેવી એ વિરલ કવિકર્મ છે. એમાં વિપુલતા કે બૃહત્તા ન હોય – અમાવાસ્યાના અન્ધકાર પછી જે ચન્દ્રલેખા પ્રકટે છે તેને અન્ધકારથી ભિન્ન કરીને જોવાને આંખને સાવધ કરવી પડે. પ્રતિપદાને પૂણિર્માની બડાશ પરવડે નહીં; ભાવજગતની નિરાકાર વિશૃંખલતામાંથી આકાર પ્રકટે ત્યારે એ પણ પ્રતિપદાની ચન્દ્રલેખાના જેવો જ લઘુ ને કમનીય હોય. એ ચન્દ્રલેખા પૂર્ણ બિમ્બની વ્યંજના રૂપે પ્રકટ થવાથી જ કમનીય બની રહે.

આથી જ ઊમિર્ગીત એ સૌથી અઘરો કાવ્યપ્રકાર, કદાચ, હશે. નાનકડા મોતીમાં સાગરની અગાધતા અને આકાશનાં તેજ ભેગાં ઘૂંટાયાં હોય છે. ગીતમાં વ્યક્તિ અને અ-વ્યક્તિ, વાણી અને મૌનનાં તેજ ભેગાં ઘૂંટાયાં હોય છે, એમાંથી જ એનું સંગીત જન્મે છે. વિચારના ભારે પથરાની આજુબાજુ થોડાક સૂરનું રેશમ વીંટાળી દો એટલે પત્યું એમ નહીં. ગીતના જેવું નિરાલમ્બ બીજું કાવ્યજગતમાં કશું નથી. કથાનો ભાર એ વેઠે નહીં, વિચાર પણ એના પર લાદી શકાય નહીં; વિચાર અને વિચાર કે લાગણી અને લાગણી વચ્ચેના સંઘર્ષની અટપટી રચનાનો તો સવાલ જ ક્યાં! એનો વિષય ગીત પૂરું થતાં સુધીમાં સૂરમાં નિ:શેષ બની જાય. શબ્દની જાદુઈ શક્તિ પ્રકટ કરવાનો સૌથી વિશેષ અવકાશ ગીતમાં સાંપડે. આ ગીતના સૂરને આપણને પરિચિત, સંગીતના સૂર સાથે ભેળવી દેવાના નથી. ગીત એ ભાવના એક વિશિષ્ટ વાતાવરણની નીપજ છે. એના સૂરમાં આ વિશિષ્ટ વાતાવરણનો સ્પર્શ રહેલો હોય છે. પ્રતિપદાનો ચન્દ્ર જેમ અન્ધકારની બૃહત્ નિરાકારતામાંથી તરલ લઘુ સાકારતામાં ઘડીક આવિર્ભાવ પામી, વળી એ નિરાકારતામાં સરી જાય છે તેમ ગીત પણ આપણને અનિવાર્ય એટલી જ પ્રકટતાનું આલમ્બન લઈ ફરી અપ્રકટતામાં ડૂબકી મારી જાય છે. આમ કરવામાં એ સો ટકા શુદ્ધ કાવ્યત્વનો જ આશ્રય લે છે. કવિના ચિત્તધાતુમાંથી નહીં ઘડાયેલી, કવિએ ઉછીની લીધેલી ભાવનાને તમે સૂર સાથે સાંધી દો તો ગીત નહીં મળે. બેચાર તળપદા શબ્દોને લોકગીતના ઢાળમાં થોડાંક લટકાં ઉમેરીને ઉતારો તોય કશું ન વળે; રસિકની કસોટીમાંથી એ પાર નહીં ઊતરે. આથી જ ગીતો બહુ લખાતાં હોય ત્યારે જરા વહેમ જાય; ક્યાંક કશુંક નકલી બોદું, વંચક તત્ત્વ તો નથી ઘૂસી ગયું ને? મધના ટીપામાં ખાંડની ચાસણી તો નથી દેખાતી ને?

ઉમાશંકરના છેલ્લા કાવ્યસંગ્રહ ‘વસંતવર્ષા’માં ‘અવનીનું અમરત’ તે ગીતોમાં છે. વ્યક્તિ અને વિશ્વ, અણુ અને બ્રહ્માણ્ડ – આ બે ધ્રુવ વચ્ચેનું આકર્ષણ ને એમાંથી નીપજતો સૂર ને સૂરનું જ વ્યક્તિ અને વિશ્વ વચ્ચે, અણુ અને બ્રહ્માણ્ડ વચ્ચે સેતુરૂપ બનવું – આ કદાચ ઉમાશંકરની કવિતાની વિશિષ્ટતા છે. સાચો કવિ અનેક રૂપે આખરે તો એક જ કાવ્ય લખ્યા કરતો હોય છે. ઉમાશંકરના આ એક કાવ્યનો વિષય તે સેતુબન્ધ છે એમ એમની કાવ્યપ્રવૃત્તિનું સમગ્ર દર્શન કરતાં લાગે.

સાચું ગીત લઘુકાય હોય છે પણ એને વિસ્તરવાને બૃહત્પરિમાણ અવકાશ જોઈએ. લઘુ દ્વારા બૃહત્ની સિદ્ધિ એ જ કળામાં તો ઉચ્ચાવચતાનું ધોરણ ગણાવું જોઈએ. ‘દર્શનિકા’ જેવા ‘મહાકાવ્ય’માં કદાચ આથી અવળું જ બને છે. નર્યા વૈપુલ્યથી ઘણા અંજાઈ જાય છે. જેટલો બોજો વધારે ઉપાડીએ તેટલી મજૂરી વિશેષ મળે એ નિયમ કાવ્યજગતમાં પ્રવર્તતો નથી. મહાકાવ્યની વ્યાખ્યા બદલવાનો વખત થયો છે. વાણી અને મૌન વચ્ચેના જે બિન્દુએ પ્રતિષ્ઠિત થઈને કવિ ભાવજગતના વધુમાં વધુ ઐશ્વર્યને ચારે બાજુથી ખેંચી શકે તે બિન્દુ જ મહાકાવ્યની સાચી ભૂમિ. કેટલીક વાર એવુંય બનતું દેખાય છે કે ‘મહાકાવ્ય’ના વિશાળ પ્રસારમાં આવું બિન્દુ ક્યાંય મળતું જ નથી!

જાપાનના પેલા હાઇકુ લખનારા કવિએ પતંગિયાને ઊડાઊડ કરતાં જોયું ને એની નજર આગળ એ ઉડ્ડયનના રંગીન દોરના ભરતથી આખી સૃષ્ટિ ગૂંથાઈ ગયેલી દેખાઈ! આ કાંઈ નરી ચમત્કૃતિ નથી, ઉપલબ્ધિ છે. જે ચમત્કૃતિ ઉપલબ્ધિ સુધી નથી પહોંચતી તે વન્ધ્ય છે; ઉપલબ્ધિ સુધી પહોંચનારી ચમત્કૃતિ વન્દ્ય છે. ગરુડ પણ ઊડે, પતંગિયું પણ ઊડે. પતંગિયું ગરુડની જેમ ઊડી ન શકે તે સાચું, તો ગરુડ પતંગિયાની જેમ ઊડી ન શકે એ પણ એટલું જ સાચું. એકને ભોગે બીજું સાચું એમ કહેનાર જ ખોટો.

જુઓ ને, અહીં પણ કાવ્યને નિરાકારમાંથી આકારની ભૂમિમાં, પેલી પ્રતિપદાની ચન્દ્રલેખાની જેમ, અવતારવાને કવિને કશું ઝાઝું ખપતું નથી; બુલબુલનો એક ટહુકાર જ બસ છે. એ સૂરનો ધક્કો વાગતાં ગીત અવતરે છે. આ ધક્કો જ્યાં વાગે છે તે બિન્દુ રાત્રિ અને દિવસનું સન્ધિસ્થાન છે, નિરાકાર અને આકારનું સન્ધિસ્થાન છે; ને કવિને તો બધા વિગ્રહ વચ્ચે એક જ સન્ધિ સાચવવાની છે!

તો નિદ્રા અને જાગૃતિના સન્ધિસ્થાનરૂપ twilightના ગુલાબી પ્રદેશમાં, આ સૂરે પ્રથમ સંચાર જગાડ્યો. ‘ગુલાબી નીંદર’ આમ તો ચવાઈ ગયેલો પ્રયોગ છે પણ આ સન્દર્ભમાં એ તાજો લાગે છે કારણ કે એના પર ઝીણા સૂર ઝરે છે. સન્ધિસ્થાને આકુલતા જ હોય. આમ પાંખડી પર સવારે ઝરતા ઝાકળની જોડે કવિની ભાવસ્થિતિની સગોત્રતા સ્થપાઈ ગઈ; કોમળ અને આર્દ્રનો સંયોગ થયો – સંગીતની એ જ જન્મભૂમિ હશે?

આકુલતા પછી તરત જ કવિ શીતળતા – આહ્લાદક શીતળતાની વાત કરે છે. જે સૂર આકુલ હતા તે જ હવે પાંપણ પર ચૈતરની ચાંદનીનાં ફોરાં શા છંટાય છે. સૂરમાં હવે વધુ મૂર્તતા ને સ્પર્શક્ષમતા આવી. ચૈત્રનો દિવસ તો ધખધખતો હોય, એમાં ફોરાનો ખ્યાલ સરખોય આપણને ન આવે પણ રાતે શીળી ચાંદનીનો સ્પર્શ થાય ત્યારે કવિની વાત કપોલકલ્પિત નહીં લાગે. આ આકુલતાના ગર્ભમાં જ જે શીતળ આહ્લાદ હતો તે આ રીતે પ્રકટ થયો. આ પંક્તિને જરા વાંચી જોઈએ:

ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ
આવી છંટાય મારી પાંપણે અમૂલ.

પહેલી પંક્તિમાં ‘ર’ ને ‘ત’, ‘ફ’ અને ‘સ’ જોડે ત્રણ વાર ફેરવીને ફોરાંના વરસવાનું ને સરવાનું ને તરવાનું ધ્વનિચિત્ર ખડું કરી દીધું છે તે તરત જ આપણા સાવધ કાન પારખી જશે. બીજી પંક્તિમાંનો ‘અમૂલ’ શબ્દ એના સમ્બન્ધી વિશેષ્યથી જરા વધારે પડતો (પ્રાસને ખાતર!) દૂર ફેંકાયો છે. આથી પાંપણો અમૂલ છે એવો મિથ્યા અર્થાભાસ થવાનો ભય રહે છે. પ્રાસ ક્યારે દગો દે તે કહેવાય નહીં!

આપણે મરણશીલ પૃથ્વીવાસીઓ, અમૃતને ઓળખીએ નહીં. પણ આહ્લાદક શીતળતા તે જ અમૃત નહીં હોય? એ અમૃતને મન્થનની અપેક્ષા રહે. ‘અમૃત’ શબ્દની સાથે જ ‘મન્થન’નો અધ્યાસ આપણા ચિત્તમાં જાગે છે. કવિએ કાને સાંભળવાના સૂરને આંખની પાંપણે પીધો ને અમૃતના સ્વાદની ઉપલબ્ધિ થઈ. પણ અમૃતના બિન્દુ માટે બુલબુલે તો આખી રજની વલોવી. અહીં ઉમાશંકરના બે ધુ્રવનાં દર્શન થયાં. એક બાજુ નાનું શું બુલબુલ ને બીજી બાજુ રજની. પણ એ રજનીમાંથી સૂરનું અમૃત સારવી લેવાનું બુલબુલને આવડ્યું. ‘રજની’ શબ્દ સાથે પણ ઘણા સંસ્કાર જાગે છે: અન્ધકાર, રહસ્ય, પ્રતિકૂળતા. ‘એણે શું શું રે પીધું?’ એવો સૂચક પ્રશ્ન મૂકીને કવિ નીલકણ્ઠના ‘ગરલપાન’ની યાદ દેવડાવે છે. આપણને અમૃત પિવડાવવામાં એને શું ગટગટાવી જવું પડ્યું હશે તે આપણે ક્યાં જાણીએ છીએ? છતાં પ્રશ્નના કાકુમાં જ એનું સૂચન છે. તેમ છતાં એ તો આપણને અમૃત પિવડાવવામાં જ મશગૂલ છે. અમૃતને પામવામાં સાર્થકતા નથી, અમૃતને પિવડાવવામાં સાર્થકતા છે.

વર્ગમાં આ કવિતા વાંચતો હતો ત્યારે એક ટીખળી વિદ્યાર્થીએ ટહુકો કર્યો: હવે પ્રાસ ખૂટવા આવ્યા! ‘ગુલ’ સુધી કવિને જવું પડ્યું એથી કદાચ એને એમ લાગ્યું હશે. પણ એ ‘ગુલ’ ‘મશગૂલ’નો ભાગ છે એટલે કશો વાંધો આવતો નથી. ગીત પૂરું થતાં મેં કહ્યું કે કવિ પ્રાસલુબ્ધ નથી; નહીં તો ઝૂલ, ફૂલ, ડૂલ – આ બધાને બાકી ન રહેવા દેત.

સન્ધિસ્થાને બધું અલપઝલપ દેખાય, સંભળાય, સ્પર્શાય. સૌન્દર્યનો ગુણ પણ આ જ છે. આથી જ એના પૂર્વાર્ધમાં વિસ્મય છે તો ઉત્તરાર્ધમાં વિષાદ છે (રમ્યાણિ વીક્ષ્ય…). આપણી દરેક ઉપલબ્ધિ આ વિસ્મય અને વિષાદના સમ્બન્ધની જ નીપજ હોય છે. વિસ્મયના પ્રકાશમાં જ અપ્રાપ્તિનો આખો પ્રદેશ ખુલ્લો થઈ જાય ને એને ન પામ્યાનો વિષાદ જગાડે. અહીં પણ એવું જ બન્યું. અરધાપરધા સાંભળેલા આ સૂરે જ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેના અન્તરને છતું કર્યું. પણ કવિ બડભાગી એટલે એ સૂર પોતે જ સેતુ બની રહ્યા. સેતુ તો સૂરનો જ હોય. અન્તરને ટાળવાની શક્તિ સંગીતમાં જ છે. આમ ‘આકુલ’ સૂર જ અન્તમાં ‘મૂદુલ’બનીને ‘પુલ’ થઈ ગયા.

કેટલાકને આ ‘પુલ’ શબ્દ ખૂંચ્યો. યાવની ભાષાનો છે માટે નહીં, પણ ‘સેતુ’ બોલતાં મનમાં જે સંસ્કાર જાગે છે તે ‘પુલ’ બોલતાં કદાચ જાગતા નથી. ‘સેતુ’ કહીએ એટલે રામાયણમાંનો સેતુબન્ધ યાદ આવે, ને ‘પુલ’ કહીએ એટલે એલિસબ્રિજ વગેરે વગેરે.

તો આમ ગીત વિસ્તરતાં વિસ્તરતાં આખરે કવિના બે ધ્રુવને પણ આવરી લે એટલા બૃહત્ પરિમાણનું બની ગયું. એક અરધાપરધા સૂરની આંગળી ઝાલીને આપણે નીકળ્યા અને આખરે પૃથ્વી અને સ્વર્ગના સેતુ સુધી જઈ પહોંચ્યા.

સાચા ભાવકના લોભને થોભ હોતો નથી. આપણો લોભ આપણી પાસે થોડી ફરિયાદ કરાવે છે: પ્રકૃત અને સમને, પ્રસ્તુત અને અપ્રસ્તુતને કવિએ આટલાં પ્રગટ ન રાખ્યાં હોય તો ઓર સ્વાદ આવ્યો હોત. ‘સૂર તણો પુલ’, ‘ફોરા શા સૂર’માં પ્રકટતાની માત્રા જરાક વધારે લાગે છે.

છેલ્લે એક વાત. મનમાં એમ થાય છે કે વાત નહીં કરીએ તો ચાલે. આટલાથી જ આપણે તરપાઈ જઈએ છીએ. સંગીતશાળામાં જતી એક વિદ્યાથિર્નીએ કહ્યું: છેલ્લી કડીની પહેલી પંક્તિ સંગીતની દૃષ્ટિએ ઠોકરાય છે. પુલ બાંધતી વેળાએ જ સંગીત ઠોકરાય એ ઠીક તો નહીં જ, પણ…

એક ચતુર વિદ્યાર્થીએ કહ્યું: આમાં કવિ બુલબુલ અને એના સૂરને નિમિત્તે કવિ અને કવિતાની જ વાત કરે છે. આમ કહીને એણે સમીકરણ બરાબર બેસાડી આપ્યું. કવિતા બે પ્રકારની ચેતનાના સન્ધિસ્થળે અવતરે, એની પાછળ પણ અજ્ઞાત, અગોચરની રજનીનો વલોવાટ હોય ને એમાંથી જ અમૃત સારવીને ભાવકને એનું પાન કરાવે. સ્વર્ગનું ભાન પણ કવિતા કરાવે, ને કાવ્ય પોતે જ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેનો સેતુ બની રહે. વાત સાચી. હું પોતે તો આવા અર્થ ઘટાવવાના વ્યાપારનો વિરોધી છું પણ અહીં ગીતમાં જ એવો અણસાર રહ્યો હશે કદાચ!

ગીત પૂરું થવું ઘટે ત્યાં જ અહીં તો પૂરું થયું. પ્રતિપદાની ચન્દ્રલેખા આખી રાત આકાશનો કબજો લઈને બેસે નહીં. પ્રારમ્ભથી તે અન્ત સુધી કથળવા દીધા વિના એનું નિર્વહણ કરવું તેય કવિની આકરી કસોટી કરનારું નીવડે છે. નાનાલાલનાંય કેટલાં ગીત બીજી પંક્તિમાં મરી જાય છે! ઉપાડ ઉમંગઊછળતો હોય પણ બીજી પંક્તિ માથું પટકીને મરી જાય ત્યારે આપણનેય બહુ લાગી આવે. અહીં સદ્ભાગ્યે એવું થયું નથી. જોડકણું કે લોલકું બનવાની દુર્ગતિને પણ આ ગીત પામ્યું નથી. કાગળ પરનું એનું અલ્પાયુ આપણા ચિત્તમાં દીર્ઘાયુ સિદ્ધ કરે છે. છેવટે કવિની ક્ષમાયાચના – નાજુક ગીત પર વધુ પડતો જુલમ કર્યો હોય તો.