સાર્ત્રનો અસ્તિત્વવાદ/૪. સાર્ત્રનું તત્ત્વચિંતન

Revision as of 01:57, 13 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪. સાર્ત્રનું તત્ત્વચિંતન


રઢિચુસ્ત તત્ત્વચિંતકોની વિચારસરણી જે સ્વરૂપમાં રજૂ કરી શકાય છે તે જ સ્વરૂપમાં સાર્ત્રનું તત્ત્વચિંતન આલેખી શકાય છે. અસ્તિત્વવાદીઓ સાહિત્યસૃષ્ટિ સાથે સંકળાયેલા હોવાથી, અસ્તિત્વવાદનું તાત્ત્વિક દૃષ્ટિએ કોઈ સૈદ્ધાંતિક માળખું જ ન સંભવે તેવું માનવામાં ભૂલ છે. અતિત્વવાદ વિશે સાર્ત્ર લખે છે: ‘It is intended strictly for technicians and philosophers’ તત્ત્વનિરૂપણની દૃષ્ટિએ અસ્તિત્વવાદમાં બહુ શિથિલતા છે તેવો અભિપ્રાય વ્યક્ત કરનારે સાર્ત્રનું આ કથન યાદ રાખવું જોઈએ. આ પ્રકરણમાં સાર્ત્રના તત્ત્વચિંતનનાં વિવિધ પાસાંઓનો માત્ર પરિચય આપવામાં આવ્યો છે, તેમાં નીચે જણાવેલા વિષયોનો સમાવેશ કરી શકાય: (अ) સાર્ત્રની તત્ત્વમીમાંસા: (૧) સત્ત્વ અને અસ્તિત્વ (૨) ચેતનરૂપ અસ્તિત્વ (૩) વસ્તુરૂપ અસ્તિત્વ (૪) પરલક્ષી અસ્તિત્વ (૫) ઈશ્વરનું અસ્તિત્વ. (ब) સાર્ત્રનું નીતિશાસ્ત્ર (क) સાર્ત્રનું સામાજિક ચિંતન (ड) સાર્ત્રનું રાજનૈતિક ચિંતન (ई) સાર્ત્ર અને શિક્ષણના પ્રશ્નો.

(अ) સાર્ત્રની તત્ત્વમીમાંસા (Metaphysics) (૧) સત્ત્વ અને અસ્તિત્વ : ‘સત્ત્વ’ અને ‘અસ્તિત્વ’નો ભેદ પશ્ચિમના તત્ત્વજ્ઞાનમાં એરિસ્ટોટલના સમયથી પ્રચલિત છે. અસ્તિત્વ ધરાવતી વિશિષ્ટ વસ્તુઓનાં આકસ્મિક લક્ષણો દૂર કરીને તેનાં સમાન લક્ષણો ઉપરથી ‘સત્ત્વ’નો ખ્યાલ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ વાસ્તવિક છે, અમુક સ્થળ અને કાળમાં છે. અસ્તિત્વ મૂર્ત છે. કોઈ પણ વિશિષ્ટ વસ્તુ અનેક રીતે બીજી વસ્તુઓ સાથે જોડાયેલી છે. સત્ત્વ સાર્વત્રિક છે. અસ્તિત્વ વિશિષ્ટ છે. સત્ત્વ ‘અચલ’ છે; અસ્તિત્વ પરિવર્તનશીલ છે. સત્ત્વ બુદ્ધિગ્રાહ્ય છે; વસ્તુઓનું અસ્તિત્વ ઇન્દ્રિયગોચર પણ હોય છે. ‘સત્ત્વ’ એટલે કોઈ પણ બાબતનું ‘અંતિમ સ્વરૂપ’ અથવા ‘મૂળસ્વરૂપ’ એવો સિદ્ધાંત પણ પ્રચલિત છે. તે જ રીતે ‘અસ્તિત્વ’ શબ્દનો અર્થ વિશાળ છે. ‘ટેબલ’ને અસ્તિત્વ છે અને ‘વિચાર’નું પણ અસ્તિત્વ હોય છે. ‘અસ્તિત્વ’ માત્ર ભૌતિક વસ્તુ વિશે પ્રયોજાતો શબ્દ નથી. ઈશ્વરના ‘અસ્તિત્વ’ વિષે પણ વિચારણા કરવામાં આવે છે. કલ્પિત અને વાસ્તવિક એવો અસ્તિત્વ વિશે તફાવત દર્શાવી શકાય છે. અસ્તિત્વવાદીઓ ‘સત્ત્વ’ અને ‘અસ્તિત્વ’નો તફાવત સ્વીકારે છે. ગેબ્રિયલ માર્સલ સૂચવે છે કે અસ્તિત્વ વિશેનો કોઈ પણ ઉલ્લેખ અમુક પ્રકારના અનુભવનો નિર્દેશ કરે છે. અસ્તિત્વ અને અનુભવ પરસ્પર સંકળાયેલાં છે. માર્ટિન હાઇડેગર અસ્તિત્વને જુદો અર્થ આપે છે. ખડકો ‘છે’ વૃક્ષો છે’ પ્રાણીઓ ‘છે’ પણ ‘અસ્તિત્વ’માં નથી. માણસ જ સાચા અર્થમાં અસ્તિત્વમાં છે કારણ કે તે મુક્ત અને સચેતન છે. સાર્ત્ર જણાવે છે કે અસ્તિત્વ બધે સ્થળે અધિકતારૂપે માલૂમ પડે છે. અસ્તિત્વને અનિવાર્ય બાબત તરીકે સાબિત કરી શકાય નહીં. ‘આકસ્મિકતા’, અસ્તિત્વનું મુખ્ય લક્ષણ છે. સાર્ત્ર લખે છે: ‘દરેક અસ્તિત્વ ધરાવતી વસ્તુ પ્રયોજન વગર ઉદ્ભવે છે, નબળાઈને લીધે ટકી રહે છે અને અકસ્માત નાશ પામે છે.’ ઘણાં તત્ત્વચિંતકોએ જગતનું અસ્તિત્વ કે આત્માનું અસ્તિત્વ ઈશ્વરનાં સ્વરૂપ કે ગુણમાંથી અનિવાર્ય રીતે ફલિત થતું દર્શાવ્યું છે. સાર્ત્રની દૃષ્ટિએ આવા પ્રયત્નો મિથ્યા છે. ત્રિકોણનાં સ્વરૂપમાંથી ત્રિકાણના સાર્વત્રિક ગુણો ફલિત થઈ શકે; ત્રિકોણનું હકીકતરૂપ અસ્તિત્વ ત્રિકોણની વ્યાખ્યામાંથી ફલિત થઈ શકે નહીં. અસ્તિત્વનો અનુભવ ‘વધારાની બાબત’ના અનુભવ જેવો છે. ઈશ્વરનું અસ્તિત્વ સાબિત થાય તો પણ માનવીનું અમુક સ્થળ અને કાળમાં વિશિષ્ટ અસ્તિત્વ સમજાવી શકાય નહીં. સત્ત્વ અને અસ્તિત્વનો ભેદ સમજાવતાં સાર્ત્ર લખે છે: ‘Existence comes before essence’ અસ્તિત્વ ‘સત્ત્વ’નું પુરોગામી છે. સાર્ત્રના અસ્તિત્વવાદનો આ મુખ્ય સિદ્ધાંત છે. કોઈ પણ વ્યક્તિ અમુક ‘વસ્તુ’નું ઉત્પાદન કરવાની હોય તો જે વસ્તુ બનાવવાની હોય તેના સ્વરૂપ આકૃતિ પ્રયોજન વગેરેનું પહેલેથી તેને જ્ઞાન હોય છે અને તેને બનાવવાની રીતના પણ ખ્યાલ હોય છે. દા. ત. પેપર-કટર કે ટેબલ બનાવવા પહેલાં તેની યોજના ડીઝાઈન કદ, વજન, સામગ્રી વગેરેનો એક સમગ્ર ખ્યાલ હોય છે જેને ‘સત્ત્વ’ કહી શકાય. આ ‘સત્ત્વ’ મુજબ તે વસ્તુને વાસ્તવિક અસ્તિત્વ આપી શકાય. આ જ પ્રકારની દલીલથી કેટલાક એમ સાબિત કરવા માગે છે કે માણસનું મૂળભૂત સ્વરૂપ કે ‘સત્ત્વ’ ઈશ્વરના મનમાં પહેલેથી નિશ્ચિત થયું હોય છે અને તે પ્રમાણે માણસનું અસ્તિત્વ ઘડાય છે. ઈશ્વર સર્જક છે અને નિશ્ચિત સત્ત્વ મુજબ દરેક વસ્તુને અસ્તિત્વ આપે છે. સાર્ત્ર આવો મત સ્વીકારતા નથી. માનવીનું ‘સ્વરૂપ’ પૂર્વનિર્ણિત થયું નથી અને તેને આકાર આપનાર કોઇ દૈવી સર્જક નથી. ઘણા ચિંતકો ઈશ્વરને સર્જકરૂપે ન માનતા હોય તો પણ ‘માનવ સ્વભાવ’નું કોઈ અચલ સ્વરૂપ પહેલેથી નિશ્ચિત થયેલું છે તેમ માને છે. સાર્ત્ર નિરીશ્વરવાદી છે. ઈશ્વર નથી. પરિણામે માણસનું અસ્તિત્વ તેનાં સત્ત્વની પહેલાં આવે છે. શરૂઆતમાં માણસ, ‘માત્ર’ અસ્તિત્વ ધરાવે છે. પોતાની જાતે પોતાના જીવનનો ઘાટ ઘડે છે. કોઈ વિરાટ તાત્ત્વિક માળખાના એક ભાગરૂપે માણસના જીવનનું ‘નિર્માણ’ થયેલું નથી. સાર્ત્ર લખે છે: ‘Man is nothing but that which he makes of himself.’ માણસને ચેતના છે. આંતરિક જીવન છે, ચેતના ધ્યેયલક્ષી છે, પારગામી છે; પરિણામે ભવિષ્યમાં પ્રક્ષેપણ કરે છે. માણસ નિર્ણયો લે છે; કાર્યો કરે છે; ધ્યેયો મેળવે છે; સંઘર્ષ અનુભવે છે; આમ કરવામાં તે એકલો છે, તેના નિર્ણયની જવાબદારી તેની પોતાની છે; માણસનું અસ્તિત્વ ‘સ્વાયત્ત’ છે. ઈશ્વરાધીન નથી; જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેનું જીવન તેનું પોતાનું છે. માણસ પોતાની મુક્ત પસંદગીથી નિર્ણયો લે છે પરંતુ તે પરોક્ષ રીતે બધા માણસના નિર્ણયોને સ્પર્શે છે. પસંદગી કરવામાં મૂલ્યભાન છે અને મૂલ્યો બધા માણસને સ્પર્શે છે. સાર્ત્રના નાસ્તિકવાદથી તે નૈતિક અરાજકતામાં માને છે તેવું ફલિત થતું નથી કારણ કે તેમના મતે ઈશ્વરનું અસ્તિત્વ નથી એટલે જ માણસની જવાબદારી વધે છે. ઈશ્વરનું અસ્તિત્વ એક આશ્વાસન અને સલામતી તેમ જ બચાવ કે રક્ષણ માટે અનુકૂળ છે. પરંતુ એવી માન્યતાના અભાવમાં ઇષ્ટ અને અનિષ્ટ વચ્ચેનું ઘર્ષણ ઘટી જાય છે તેમ સાર્ત્ર માનતા નથી. કોઇ પણ વ્યક્તિ પોતાના વર્તનથી માણસોનું વર્તન આદર્શ તરીકે કેવું હોવું જોઈએ તેમ દર્શાવવા માગે છે. માણસને અસ્તિત્વ છે; ચેતનરૂપ અસ્તિત્ત્વ છે; પરિણામે ધ્યેયો પ્રાપ્ત કરવાનાં હોય છે અને સંકલ્પસ્વાતંત્ર્ય દ્વારા પસંદગી કરવાની હોય છે. પોતાની પસંદગીમાં મૂલ્યનું ભાન હોવાથી પોતાના ઉપર માનવજાત માટે પરોક્ષ રીતે મૂલ્યો નીપજાવવાની જવાબદારી છે. આવું ભાન માણસને ચિંતિત કરે છે. ઈશ્વર હોત, તેની આજ્ઞા પ્રમાણે જીવનવ્યવહાર ઘડવાનો હોત, તો આવી જવાબદારી અને ચિંતાથી માણસને આંતરિક અજંપો ન થાત. જે લોકો આવી ચિંતા દર્શાવતા નથી તેઓ તેને કોઈ ને કોઈ રીતે છુપાવે છે. સાર્ત્ર સૂચવે છે કે પોતે જે કાર્ય કરે તેવું કાર્ય બધા કરે તો શું થાય તેવો પ્રશ્ન પૂછવાથી પોતાનાં કાર્ય વિશે માર્ગદર્શન મળી જાય છે. આવા નિર્ણયો લેવામાં ઉદ્ભવતી ચિંતા કે હતાશા નિષ્ક્રિયતા પ્રેરતી નથી. દોસ્તોએવ્સ્કીએ એક સ્થળે લખ્યું છેઃ ‘જો ઈશ્વરનું અસ્તિત્વ ન હોય તો માણસને બધી છૂટ મળી જાય છે.’ સાર્ત્ર કહે છે કે માણસને બધી જાતનાં કાર્યો કરવાની છૂટ મળે છે ત્યારે જ શું સારું અને શું ખરાબ એવો મૂલ્યનો પ્રશ્ન ઉદ્ભવે છે. ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો જ નૈતિક મૂલ્યો ટકે છે તેનું સ્વીકારવું જરૂરી નથી. માણસનું અસ્તિત્વ કોઈ પણ જાતના ‘બચાવ’ વગરનું છે. ‘અસ્તિત્વ સત્ત્વની પહેલાં આવે છે’ એ સિદ્ધાંતમાંથી માનવસ્વાતંત્ર્ય ફલિત થાય છે. ‘Man is condemned to be free’ સાર્ત્રની આ પ્રચલિત ઉક્તિ છે. માણસને મુક્ત ‘રહેવું પડે’ છે. માણસ ‘શાપિત મુક્તિ’ ધરાવે છે. કોઈ પણ માણસ જન્મે ‘કાયર’ કે ‘બહાદુર’ હોતો નથી. પોતાનાં કાર્યોથી તે પોતાનું વ્યક્તિત્વ સર્જે છે. પહેલેથી નિશ્ચિત થયેલું વ્યક્તિત્વ પછી તેના કાર્યોમાં પ્રગટ થતું નથી. કાર્યો દ્વારા ‘સ્વ-પ્રાપ્તિનોને સાર્ત્રનો સિદ્ધાંત છે.

(૨) ચેતનરૂપ અસ્તિત્વ (Being-for-itself) જ્ઞાતા અને જ્ઞેય પદાર્થના સંબંધને પ્રશ્ન તત્ત્વજ્ઞાનમાં ઘણી દૃષ્ટિએ વિચારવામાં આવ્યો છે. સાર્ત્રના મત મુજબ વસ્તુઓ કે પદાર્થોનું આપણને જ્ઞાતા તરીકે જ્ઞાન થાય છે. કોઈ પણ પદાર્થ કે વસ્તુ અનેક રૂપે અનુભવી શકાય છે. દા. ત. એક ટેબલનું પ્રત્યક્ષજ્ઞાન અનેક રૂપમાં અને સંબંધોમાં થઈ શકે છે. કોઈ પણ પદાર્થનું મૂળરૂપ (Essence) પદાર્થના આ દૃશ્યરૂપો (Appearances)નો એક સમુચ્ચય છે. પદાર્થ જ્ઞાતાથી સ્વતંત્ર છે અને જ્ઞાતા સમક્ષ દૃશ્યરૂપોના સમૂહ તરીકે ઉપસ્થિત થાય છે. પદાર્થ ચેતનાની બહાર છે. ચેતનાથી સ્વતંત્ર છે; મને ટેબલનું જ્ઞાન છે. પરિણામે હું ટેબલ નથી તેવું ફલિત થાય છે. ટેબલનું અસ્તિત્વ ‘હું તેને જાણું છું.’ એ બાબત ઉપર આધારિત નથી. પરિણામે ‘ચેતનરૂપ’ અને ‘વસ્તુરૂપ’ અસ્તિત્વ વચ્ચે દ્વૈત સર્જાય છે. સાર્ત્ર આ ઉપરથી એમ તારવે છે કે તમામ તત્ત્વમીમાંસામાં જ્ઞાનમીમાંસા અભિપ્રેત છે અને તમામ જ્ઞાનમીમાંસામાં તત્ત્વમીમાંસા ગર્ભિત છે. ચેતના પારગામી છે. તમામ ચેતના કોઈક વસ્તુઓની ચેતના છે. ચેતના વિષયલક્ષી છે. ચેતનાને પોતાની કોઈ સામગ્રી નથી. ચેતનામાં જે સામગ્રી છે તે વિષયોમાંથી પ્રતિબિંબરૂપે મળેલી છે. ચેતના વિષયને પહોંચવા માગે છે. તે ધ્યેયલક્ષી છે. ‘ટેબલ’ની જેમ, ચેતના પોતે એક ‘વસ્તુ’ નથી. વસ્તુઓ અપારદર્શક છે. ચેતના પારદર્શક છે. ચેતના વસ્તુનિર્દેશનની ક્રિયા કરે છે. સાર્ત્ર ચેતનાના આ પ્રકારને ‘Positional Consciousness’ કહે છે. આમ તમામ ચેતના વસ્તુનિર્દેશક છે; બહિર્લક્ષી છે. આ સાર્ત્રનો પહેલો સિદ્ધાંત છે. તમામ ચેતના વસ્તુનિર્દેશક હોવા ઉપરાંત અપ્રગટ રીતે સ્વનિર્દેશક પણ છે, એ સાર્ત્રનો ચેતનાના સ્વરૂપ વિશેના બીજો સિદ્ધાંત છે. ‘Every positional consciousness of an object is at the same time non-positional consciousness of itself.’ સાર્ત્ર એવી દલીલ કરે છે કે હું જ્યારે ટેબલનું ભાન અનુભવી રહ્યો હોઉં ત્યારે હું પોતે ટેબલથી જુદો છું, જ્ઞાતા છું, તેવું ભાન અપ્રગટરૂપે પણ મારી ચેતનામાં હોવું જ જોઈએ. કોઈ પણ વસ્તુનો અનુભવ કરવો એક બાબત છે; પરંતુ તે વસ્તુનો પોતાને અનુભવ થઈ રહ્યો છે તેવું ભાન હોવું એ બીજી બાબત છે. આ બન્ને બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે. દરેક વખતે ‘હું જાણું છું કે હું જાણું છું’ એવું જટિલ આત્મભાન હોતું નથી. દા. ત. સિગારેટ-કેઈસમાં સિગારેટ ગણી રહેલી વ્યક્તિને ગણવાનું જ ભાન છે. પોતે સિગારેટ ગણી રહ્યો છે તેવું ભાન અપ્રગટ છે. અને એ ધારે કે એને જરૂર પડે ત્યારે તે પ્રગટ થઈ શકે છે. સાર્ત્ર ચેતનાના બે તબક્કા વર્ણવે છે. મનન પૂર્વેનો તબક્કો (Pre-reflective level) અને મનની કક્ષા (reflective level) સાર્ત્ર ડેકાર્ટનો ‘હું વિચારું છું માટે હું છું’ એ સિદ્ધાંત સ્વીકારે છે પરંતુ ડેકાર્ટે મનનપૂર્વેનો તબક્કો બહુ સ્પષ્ટ કર્યો નહોતો તેવી સાર્ત્ર ડેકાર્ટની ટીકા કરે છે. શુદ્ધ ચેતનાનું અસ્તિત્વ છે જ નહીં. દા. ત. હું પુસ્તક વાંચી રહ્યો છું. આ ચેતન અનુભવ છે પરંતુ જ્યારે પુસ્તક વાંચી લીધા પછી મારા અનુભવ ઉપર હું ‘વિચાર’ કરું ત્યારે જ સ્વ-ભાનનો તબક્કો આવે છે. વસ્તુમાં પરોવાઈ ગયેલી વસ્તુની ચેતનામાંથી ‘હું’નું ભાન અદૃશ્ય થઇ જાય છે. વસ્તુની ચેતનામાં ‘અહંભાવ’ હોતો નથી. ચેતનાનો વ્યાપાર સ્વયંભૂ છે; સ્વયંપ્રેરિત છે. તદ્દન મુક્ત છે. ઘણા વિકલ્પો તેની સમક્ષ આવે છે. સાર્ત્ર ચેતનાની આવી અબાધિત મુક્તિનો ઉલ્લેખ કરતાં કહે છે કે એક યુવાન પત્નીને તેનો પતિ બહાર જાય છે ત્યારે અચાનક એવો ભય લાગે છે કે પોતે બારી પાસે બેસી જશે અને બજારુ ઔરતની જેમ પુરુષોને આમંત્રણ આપવા બેસશે. પોતાની મુક્ત ચેતનાનો આવો ભય કોઈ પણ નિશ્ચિત કારણોથી સમજાવી શકાતો નથી. ચેતના ગમે તે રૂપમાં વહે છે અને સાવ પારદર્શક છે. અહંભાવ (ego) ઘણી વાર મજબૂર બની જાય છે, પરિણામે સાર્ત્ર અહંભાવ(ego)નાં પદાર્થરૂપ અસ્તિત્વમાં માનતા નથી. ચેતનામાં વસ્તુરૂપ ‘સઘનતા’ નથી. ‘The world has not created the ME and the ‘ME’ has not created the world. They are two objects of the absolute impersonal Consciousness’. ‘અહંમ્’નો ખ્યાલ મૂળ ચેતન અનુભવ વિષે પાછળથી સભાન થવામાં જ ઉદ્ભવે છે વસ્તુઓની ચેતના ‘મારી’ ચેતના બને છે. ડેકાર્ટ ‘હું વિચારું છું માટે છું’ એવો સિદ્ધાંત રજૂ કર્યો. ‘હું વિચારું છું’ તેમાંથી ‘હું’ વિચારક તરીકે અસ્તિત્વમાં છું. પરિણામે ડેકાર્ટને જગતનું અસ્તિત્વ સાબિત કરવામાં મુશ્કેલી પડી. પરંતુ સાર્ત્ર ‘હું વસ્તુ વિશે વિચારુ છું’ એ વિધાનથી જ શરૂ કરે છે. ચેતના વસ્તુનિર્દેશક છે. હકીકતમાં ‘હું’નો અનુભવ પહેલાં નથી આવતો. ચેતનાનાં નિષેધક સ્વરૂપ પ્રત્યે સાર્ત્ર નિર્દેશ કરે છે. ‘વસ્તુઓની’ ચેતના છે એટલે ચેતના પોતે ‘વસ્તુ’ નથી. ચેતનાનું અસ્તિત્વ વસ્તુઓથી ભિન્નતાના ભાનમાં રહેલું છે. ચેતના ભાવાત્મક નથી. અભાવાત્મક છે. અભાવ બે પ્રકારના છે. ‘ટેબલ એ ખુરશી નથી’ આ વિધાનમાં બે બાહ્ય વસ્તુઓનો પરસ્પર નિષેધ છે. પરંતુ જ્યારે કોઇક વસ્તુ અધૂરી છે કશુંક ખૂટે છે એવું ભાન થાય ત્યારે આંતરિક ‘અભાવ’ સૂચવવામાં આવે છે. બીજનો ચાંદ જોઈને કોઈ તેને અધૂરો ગણે તેનું કારણ કે પોતાની ચેતનામાં પૂર્ણ આકૃતિના ચાંદ પ્રત્યે ભવિષ્યગમન શક્ય છે. પરિણામે ભવિષ્ય અને વર્તમાનકાળ સરખાવીને વર્તમાનકાળમાં કશુંક ખૂટે છે તેવું ભાન થાય છે. ન્યૂનતાનું ભાન માત્ર માનવચેતનામાં જ શક્ય છે. વસ્તુઓનું અસ્તિત્વ ‘ભરેલું’ ‘સઘન’ છે. તેમાં કશુંક ખૂટે છે તેવું માત્ર ચેતના જ જાણી શકે. બીજનો ચંદ્ર વાસ્તવિકતા તરીકે અધૂરો પણ નથી અને પૂરો પણ નથી. પૂનમના ચંદ્ર સાથે સરખાવનારને એ અધૂરો જણાય છે. વસ્તુઓથી ભરેલા જગતમાં શૂન્યતા કોતરવાનું ચેતનાનું કાર્ય છે. જ્ઞાનનું સ્વરૂપ આ જ કારણે નિષેધક છે. દીવાલ ઉપર લટકતું ચિત્ર જોનારને ચિત્રનું જ્ઞાન થાય છે પોતાનું જ્ઞાન થતું નથી. વસ્તુ ચેતના સમક્ષ ઉપસ્થિત છે પરંતુ ચેતના તેનાથી દૂર જ રહે છે. ચેતના માત્ર વસ્તુઓને પ્રકાશિત કરે છે; વસ્તુઓને ઉત્પન્ન કરતી નથી. કોઈ પણ વસ્તુને નિશ્ચિત સ્વરૂપ આપીએ ત્યારે તેમાં આપણે નિષેધનું તત્ત્વ દાખલ કરીએ છે. જગતની પાર્શ્વભૂમિકામાં આપણે વસ્તુઓને ‘આકૃતિ’ રૂપે અનુભવીએ છીએ. નિષેધ અથવા અભાવનાં ત્રણ સ્વરૂપોનો સાર્ત્ર ઉલ્લેખ કરે છે. (૧) પ્રશ્નાર્થક (૨) વિનાશક (૩) અભાવાત્મક નિર્ણય. હું જ્યારે પ્રશ્ન પૂછું, ‘શું પીટર આ કૉફી-હાઉસમાં છે ?’ ત્યારે પીટરનાં અસ્તિત્વ વિશેનું ‘અજ્ઞાન’ આ પ્રશ્નમાં વ્યક્ત થાય છે. આ અજ્ઞાન ચેતનામાં રહેલા ‘અસત્’નો નિર્દેશ કરે છે. આ પ્રશ્નનો જવાબ નિષેધક આવે તો પણ એક બીજા ‘અસત્’ (Non-Being)ને નિર્દેશ થાય છે. ધારોકે આ પ્રશ્નના જવાબ હકારાત્મક આવે, એટલે કે ‘પીટર કૉફી-હાઉસમાં છે’ એવું વિધાન કરવામાં આવે તો પણ એક પ્રકારના ‘અસત્’નો નિર્દેશ થાય છે એટલે બીજે સ્થળે પીટરની ગેરહાજરી સૂચિત થાય છે. તે જ પ્રમાણે કોઇ પણ વસ્તુનો વિનાશ થયો છે તેનું જ્ઞાન પણ ‘અસત્’નો નિર્દેશ કરે છે. માનવચેતનાને લીધે જ ‘વિનાશ’નું ભાન શક્ય બને છે કારણ કે પહેલાં ‘अ’ નામની વસ્તુ અસ્તિત્વ ધરાવતી હતી અને હવે તે નથી તેમ જાણનાર સાક્ષીરૂપ ચેતના ન હોય તો વિનાશનો કોઈ અર્થ નથી. નિષેધક વિધાનો પણ વસ્તુઓમાં ‘અસત્’નું ભાન કરાવે છે. ‘પીટર કૉફી-હાઉસમાં નથી’ આ વિધાન પીટરની ગેરહાજરીના ભાનમાંથી ઉદ્ભવ્યું. પીટરની ગેરહાજરીનું ભાન થવા માટે કૉફી-હાઉસમાંની વસ્તુઓનું અસ્તિત્વ પાર્શ્વભૂમિકારૂપે છે. તે જ પ્રમાણે પીટરના અસ્તિત્વની અપેક્ષા પણ એક ભાવાત્મક બાબત છે. તેના સંદર્ભમાં જ પીટરની ગેરહાજરીનું ભાન થાય છે. આ રીતે પ્રશ્નો પૂછીને, કલ્પના કરીને, વિનાશ કે પરિવર્તનના ભાન દ્વારા અને નિષેધક વિધાનો વ્યક્ત કરીને માનવચેતના વસ્તુઓથી ભરેલા જગતમાં એટલે કે ‘સત્’ (Being)માં ‘અસત્’ દાખલ કરે છે. વસ્તુઓ ‘સત્’ છે. તેની પાર્શ્વભૂમિકામાં ચેતનાની નિષેધરૂપ પ્રવૃત્તિને લીધે ‘અસત્’ ઉદ્ભવે છે. સાર્ત્રના મત મુજબ ‘સત્’ પહેલાં છે અને ‘અસત્’ ચેતનાને લીધે છે. ‘અસત્’ વસ્તુઓમાં નથી. ‘અસત્’ માનવ- મનના વ્યાપારોનું પરિણામ છે. જાણવું એટલે જ નકારવું; ભાન થવું એટલે જ જુદું પડવું. ચેતના વસ્તુઓની બહાર છે એટલે જ એ વસ્તુઓની સાક્ષીરૂપ બની શકે છે. વસ્તુઓથી અંતર રાખી શકે છે. ચેતના અને વસ્તુઓનું દ્વૈત અનિવાર્ય છે. તેનો સમન્વય અશક્ય છે. ચેતનાનાં નિષેધક સ્વરૂપનો સાર્ત્રનો ખ્યાલ તેમના સમગ્ર અસ્તિત્વવાદના પાયામાં છે કારણ કે ચેતનાના સ્વાતંત્ર્યનો સિદ્ધાંત પણ તેમાંથી જ ફલિત કરી શકાય છે ચેતના વસ્તુઓથી અલગ છે એટલે મુક્ત છે. ‘Human reality is Freedom’ પ્રકૃતિના જગતનો નિયતિવાદ માનવચેતનાને લાગુ પડતો નથી, ચેતનાનાં હાર્દમાં જ અસત્ રહેલું છે અને પરિણામે નિષેધ કરવાનું તેને સ્વાતંત્ર્ય છે. ચેતના અને કાળનાં અસ્તિત્વનો સંબંધ સમજાવતાં સાર્ત્ર જણાવે છે કે વસ્તુઓના કે પદાર્થોના જગતમાં ‘ભૂતકાળ’ કે ‘ભવિષ્યકાળ’ને અસ્તિત્વ નથી. વસ્તુઓ માત્ર ‘છે’ દા. ત. એક ઘરને લીલો રંગ પહેલાં હોય તેમાં લાલ રંગનું પેઇન્ટિંગ કરવામાં આવે, તો સામાન્ય રીતે આપણે કહી શકીએ કે ભૂતકાળમાં આ મકાનનો રંગ લીલો હતો, અત્યારે લાલ છે. સાર્ત્ર આ હકીકતને સમજાવતાં કહે છે કે, ‘લીલા રંગના મકાન’નું અસ્તિત્વ તો માત્ર એ મકાન વિશે વિચાર કરનારના મનમાં જ છે. અત્યારે તે મકાનનો રંગ લાલ છે. મારા ભૂતકાળમાંથી ‘લીલા રંગના મકાન’ની સ્મૃતિ અદૃશ્ય થઈ જાય તો પછી તેને લગતી કોઈ બાબતનું અસ્તિત્વ જ રહેતું નથી. તે જ પ્રમાણે કોઈ માણસ મૃત્યુ પામે એ પછી બીજાની ચેતનામાં જ જીવે છે. વ્યક્તિની ચેતનાનો ભૂતકાળ છે તેનું ‘વસ્તુરૂપ’ ‘થીજી ગયેલું’ અસ્તિત્વ છે. ભૂતકાળમાં ‘ચોર’ બનેલો માણસ અત્યારે પણ ‘ચોર’ છે તેમ ન કહી શકાય. વર્તમાનકાળ પણ માત્ર ચેતનાને લીધે જ છે. વર્તમાનનું ભાન એટલે સાક્ષીપણાનું ભાન અને સાક્ષીપણાનું ભાન ચેતના સિવાય સંભવે નહિ. ટેબલને વર્તમાનકાળ નથી, ટેબલ જોનારને વર્તમાનકાળ છે. તે જ રીતે, વસ્તુની આરપાર જઇને બીજી બાબતોનું કે રિક્તતાનું ભાન ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળ પણ અસ્તિત્વમાં નથી. ભવિષ્ય એટલે વર્તમાન પરિસ્થિતિને પાર કરીને દૂરગામી બાબતોનો નિર્દેશ. કંઈક બાકી છે; ખૂટે છે; પૂરું કરવાનું છે; હજી સમય છે; વગેરે ચેતનાના વ્યાપારને લીધે જ ભવિષ્યકાળ છે. ભૂતકાળ એટલે ‘શક્યતાઓની અશક્યતા’; ભવિષ્યકાળ એટલે ‘શક્યતાઓની શક્યતા’ કાળના વિચારમાં ‘પહેલાં’ અને ‘પછી’નું ભાન અનિવાર્ય છે. સમયને એકતા અને અખંડિતતા આપનાર માનવચેતના છે. એ ચેતનાનાં સ્વરૂપ વિશે સાર્ત્રના સિદ્ધાંતનો સંક્ષેપ કરતાં કહી શકાય કે (૧) ચેતના વસ્તુનિર્દેશક છે, (ર) અપ્રગટ રીતે સ્વ-નિર્દેશક છે. (૩) ચેતનાના બે સ્તરો છે-ભાનનો તબક્કો અને સ્વ-ભાનનો તબક્કો (૪) ચેતનાનું મુખ્ય કાર્ય નિષેધાત્મક છે, વસ્તુઓથી અલગતાનું ભાન એ જ ચેતનાના અસ્તિત્વનો પાયો છે. વસ્તુઓની સરખામણીમાં ચેતના પારદર્શક છે. (૫) પ્રશ્નો પૂછવામાં, કલ્પના કરવામાં, નિષેધક વિધાનો સ્થાપવામાં ચેતના વસ્તુઓથી ભરેલા જગતમાં ‘અસત્’ સ્થાપે છે. ચેતનાના હાર્દમાં અસત્ છે. પરિણામે (૬) ચેતના તદ્દન મુકત છે અને (૭) કાળનાં ત્રણ પરિમાણોની સાક્ષી છે. ચેતનાનાં આ સંદર્ભમાં બે સ્વરૂપો છે. સાક્ષીરૂપ ચેતના (Reflecting Consciousness) અને વિષયરૂપ ચેતના (Reflected Consciousness) જેમ ચેતના અને વસ્તુઓનું દ્વૈત છે તેમ ચેતનાની અંદર સાક્ષીરૂપ અને વિષયરૂપ ચેતનાનું દ્વૈત છે. (૩) વસ્તુરૂપ અસ્તિત્વ (Being-In-Itself) ચેતના વસ્તુઓ સમક્ષ ઉપસ્થિત છે. વસ્તુઓનું પ્રતિબિંબ ઝીલે છે. પરિણામે ચેતના વસ્તુઓના અસ્તિત્વ ઉપર આધારિત છે. તમામ જ્ઞાન નિષેધરૂપ છે. ‘આ ખુરસી છે’ એમ કહેવામાં તે ‘બીજું કંઈ નથી’ તેવું જ્ઞાન સમાયેલું છે. ચેતના સીમાઓ દોરે છે; વસ્તુઓને એકબીજાથી અને પોતાનાથી જુદી પાડે છે; ‘સત્’માં ‘અસત્’નું આરોપણ કરે છે; ચેતના અભાવાત્મક છે; વસ્તુરૂપ અસ્તિત્વ ભાવાત્મક છે; ચેતના પારદર્શક છે; વસ્તુરૂપ અસ્તિત્વ અપારદર્શક છે. ચેતનાના હાર્દમાં ‘અસત્’ છે; વસ્તુરૂપ અસ્તિત્વ ‘સત્’ છે; ચેતના અને વસ્તુઓ વચ્ચે ‘શૂન્યતાનો સેતુ’ છે. વસ્તુરૂપ જગત અભાન છે. સ્વયં અસ્તિત્વમાં છે. ભૂત ભવિષ્ય વર્તમાનનો તફાવત વસ્તુઓમાં નથી; કાળનું નિર્માણ ચેતના કરે છે. સાર્ત્ર લખે છે ‘Being is; Being is in-itself. Being is what it is.’ વસ્તુરૂપ અસ્તિત્વને સાર્ત્ર ‘Phenomenon’ શબ્દ દ્વારા વર્ણવે છે. કોઇ વસ્તુ अ તેના ક, ખ, ગ રૂપોમાં નિરીક્ષક A સમક્ષ ઉપસ્થિત થાય છે. એટલે એક પરિમિત વિશિષ્ટ વસ્તુનાં ઘણાં દૃશ્યરૂપો હોય છે, કોઈ એક નિશ્ચિત ક્ષણે નિરીક્ષક માત્ર વસ્તુનું અમુક જ દૃશ્યરૂપ જોતો હોય છે. બાકીનાં શક્ય રૂપો ઉપસ્થિત હોતાં નથી. દા. ત. સૂર્યપ્રકાશમાં હું ગુલાબનું ફૂલ જોઈ રહ્યો છું ત્યારે તે અમુક સ્વરૂપનું દેખાય છે. પરંતુ સંધ્યાકાળે તે બીજા રૂપનું દેખાય છે. આ બીજાં રૂપોની અનુપસ્થિતિને કારણે વસ્તુઓનું જ્ઞાતાની તત્કાલ મનઃસ્થિતિથી સ્વતંત્ર અસ્તિત્વ સાબિત થાય છે. (Transphenomenal being of the Phenomenon). વસ્તુઓના જગતમાં પરિવર્તન અને કાર્યકારણનો અનુભવ સમજાવતાં સાર્ત્ર જણાવે છે કે માનવચેતનાને લીધે જ પરિવર્તન શક્ય છે. ‘પહેલાં’ અને ‘પછી’નો સંબંધ ગ્રહણ કરનાર સાક્ષીરૂપ ચેતના ઉપસ્થિત ન હોય તો વસ્તુઓના જગતમાં પરિવર્તન નથી. હ્યૂમની જેમ સાર્ત્ર કાર્યકરણનાં કોઈ આંતરિક જોડાણમાં માનતા નથી. अ બનાવ બન્યા પછી ‘બ’ બનાવ બને છે; માટે ‘બ’ની આગાહી કરવામાં ચેતના પોતાનાં કાળ-નિર્માણનાં લક્ષણની મદદ લે છે. વસ્તુઓનાં એક બીજાં લક્ષણોનો સાર્ત્ર ઉલ્લેખ કરે છે. વસ્તુઓ સાધનરૂપ છે; વસ્તુઓ સ્વયં તટસ્થ છે પરંતુ ચેતનાએ સ્થાપિત કરેલા ધ્યેયના સંદર્ભમાં તેનો ઉપયોગ કરી શકાય (Utensility). સાર્ત્રના વસ્તુરૂપી અસ્તિત્વના સિદ્ધાંતને સમજાવતાં સેલ્વન સાર્ત્રની એક વિચિત્રતાનો ઉલ્લેખ કરે છે. સાર્ત્ર આધ્યાત્મવાદી (Idealist) ફિલસૂફ નથી. ભૌતિક વસ્તુઓનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારે છે. તેમ છતાં વસ્તુઓની વિવિધતા, દેશ-કાળ સંબંધો, પરિવર્તન વગેરે બાબતો ચેતનાના અસ્તિત્વને લીધે છે તેવું સાર્ત્ર માને છે. એક બાજુ સાર્ત્રે ચેતનાને જાણે ‘ખાલી’ કરી નાખી છે. વસ્તુરૂપી બધું અસ્તિત્વ તેમાંથી લઈ લીધું છે. બીજી બાજુ વસ્તુરૂપી અસ્તિત્વની સાર્થકતા ચેતના સિવાય શક્ય નથી તેમ સાર્ત્ર માને છે. ચેતના એ શક્યતાઓ અને મૂલ્યોનું અધિષ્ઠાન છે. (૪) પરલક્ષી અસ્તિત્વ (Being-For-Others) ‘પર’નાં અસ્તિત્વનો પ્રશ્ન સાર્ત્રના અસ્તિત્વવાદનો સહુથી રસમય પ્રશ્ન છે. આ પ્રશ્ન રજૂ કરવાની સાર્ત્રની પદ્ધતિ અને તેના ઉકેલની રીત પણ મૌલિક છે. આ સંદર્ભમાં હેગલ, હસર્લ અને હાઇડેગરના સિદ્ધાંતો તપાસવા જરૂરી છે. હેગલની દૃષ્ટિએ ‘પર’નું અસ્તિત્વ અનિવાર્ય છે ‘હું’ ‘હું’ ત્યારે જ હોઈ શકું કે જ્યારે ‘બીજા’ ‘બીજા’હોઈ શકે. ‘હું’નું ભાન નિરપેક્ષ નથી સાપેક્ષ છે. ‘સ્વનું’ અસ્તિત્વ ‘પર’ના અસ્તિત્વ ઉપર નભે છે. ‘સ્વ’ એટલે જે ‘પર’ નથી તે. ‘સ્વ’ અને ‘પર’નો નિષેધ આંતરિક છે. ‘સ્વ’ અને ‘પર’ અન્યોન્યાશ્રિત છે. હસર્લના મત મુજબ ‘પર’નું અસ્તિત્વ ‘સ્વ’નાં અસ્તિત્વની પાર્શ્વભૂમિ પૂરી પાડે છે. ટેબલ, ખુરસી, દીવાલ, મકાન-ગમે તે બાબત જુઓ કે વિચારો-બીજાનું અસ્તિત્વ તેમાં અભિપ્રેત જ છે. હાઈડેગરની દલીલ પ્રમાણે માનવીનું અસ્તિત્વ જગતમાં છે અને અનિવાર્ય રીતે માણસ જગતમાં ફેંકાયેલો છે. દરેક વ્યક્તિએ સામાજિક કક્ષાએ જીવવું પડે છે. બીજાની હાજરીની નોંધ લેવી પડે છે. સાર્ત્ર ‘બીજા’ના અસ્તિત્વની સમસ્યાઓને વ્યક્તિગત સંદર્ભમાં વિચારે છે. એક વ્યક્તિ માટે બીજી વ્યક્તિના અસ્તિત્વનો અર્થ શું થાય? બીજી વ્યક્તિ મારે માટે માત્ર પાત્ર (object) છે કારણ કે હું તેને જોઈ શકું છું; પરંતુ જ્યારે તે મને જુએ ત્યારે હું તેને માટે પાત્ર બની જઉં છું. મારી સ્વતંત્ર્ય દુનિયા એ છીનવી લે છે. બીજાની ‘દૃષ્ટિ’ (The Look of the Other) મારી આંતરિક સર્વોપરિતામાં ભંગાણ પાડે છે. બીજી વ્યક્તિ મારી સામે દૃષ્ટિ કરે ત્યારે તે ‘Subject’ તરીકે રહે છે મને ‘object’ બનાવી દે છે. મારી દુનિયા ‘મારી’ જ નથી બીજાની પણ છે તેવું મને ભાન છે. બીજી વ્યક્તિ મારા જેવો જ એક માણસ છે તેવું ભાન થતાં ‘હું’ તેનાં મૂલ્યાંકનનો વિષય બની જઉં છું. તેને માટે ‘હું’ પાત્ર છું; તે મારે વિશે શું ધારશે તેની મને ચિંતા થાય છે. તેની હાજરી ‘મને’ બેચેન બનાવે છે. મારા અહંકારની તીવ્રતા ઘટી જાય છે. બીજાની ‘નજર’ મને વીંધીને આરપાર નીકળી જાય છે. મારું ‘નિજત્વ’ અજેય રહેતું નથી. મારું અસ્તિત્વ બીજાના અસ્તિત્વથી ભયમાં મુકાય છે. મારું સ્વાતંત્ર્ય જોખમાય છે. જગત ઉપરનો મારો કાબૂ ઢીલો પડી જાય છે. બીજાની દૃષ્ટિને લીધે હું મારું ‘કશુંક’ ગુમાવું છું. ધારો કે હું બંધ બારણાની તીરાડમાંથી કશુંક જોઈ રહ્યો છું. હું આવી સ્થિતિમાં હોઉં ત્યારે મને કોઈ જોઈ જાય તો મને ‘શરમ’નો અનુભવ થાય છે. ‘શરમ’નો અનુભવ બીજાની ‘નજર’ના અનુભવમાંથી નીપજે છે. બીજાની સમક્ષ હું મૂલ્યાંકનનો વિષય બની જઉં છું એટલે મને શરમનો અનુભવ થઇ રહ્યો છે. બીજાના અસ્તિત્વની આનાથી વધારે જીવંત ખાતરી બીજી કોઈ ન હોઈ શકે. બોદલેરના જીવનવૃત્તાંતઆલેખનમાં પણ સાર્ત્ર આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ‘Reprieve’ નવલકથામાં “I am seen: I am not ‘alone’ એવું વાક્ય ડેનિયલ ઉચ્ચારે છે. મારી જે શક્યતાઓ છે તે પણ બીજાનાં અનુમાનનો વિષય થઈ શકે છે. પકડાઈ ગયેલો ચોર નાસી જવા માટે જે જગ્યા તરફ દોડવા માંડે તે જગ્યા તેને પકડવા આવેલા માણસોએ આગળથી જોઈ લીધી છે. ‘બીજા’ની શક્યતાઓ મારી શક્યતાઓને પાર કરે છે. પરિસ્થિતિઓ ઉપરના મારા પ્રભુત્વને બીજાનું અસ્તિત્વ પડકારે છે. બીજાની નજર મને અમુક નિશ્ચિત ‘સ્થળ’ અને ‘કાળ’માં અસ્તિત્વ આપે છે. બીજાની ‘નજર’થી મારા વ્યક્તિત્વમાં જે ફેરફાર થાય છે તેનું જ્ઞાન આંતરઉદ્ભવિત (intuitional) છે. તેને તાર્કિક રીતે સાબિત કરવાની જરૂર નથી. હું છું; મારી ચેતનામાં બીજાનાં અસ્તિત્વનો ખ્યાલ છે માટે બીજાનું અસ્તિત્વ છે એવી પરોક્ષ સાબિતિ આપવી અસ્થાને છે. અથવા મારી જેમ બીજાને શરીર છે માટે મારી જેમ તેને પણ ‘મન’ હોવું જોઈએ તેવું સાદૃશ્ય-આયોજન સંબદ્ધ નથી. બીજા માણસને મારા જેવું જ મુક્ત અસ્તિત્વ છે તેવી પ્રતીતિ તાત્કાલિક છે. ‘My original fall is the existence of the other.’ કોઈ પણ વ્યક્તિ પોતાની જાત માટે પાત્ર બની શકે નહીં પણ બીજાની દૃષ્ટિએ પાત્ર બની શકે, એટલે પોતાનું તટસ્થ અવલોકન કરવું હોય તો પોતાને બીજાની દૃષ્ટિએ જોવા જોઈએ. જોકે માણસ તદ્દન અલિપ્ત રહીને બીજાના અસ્તિત્વથી ઉત્પન્ન થતો વ્યક્તિત્વનો આ ખળભળાટ ટાળી શકે ખરો. બીજા માણસોને હું વસ્તુઓ તરીકે ગણવાનું શરૂ કરું; તેની અવગણના કરું; અને મારું ‘નિજત્વ’ તેની દૃષ્ટિથી વિંધાઈ ન જાય તેની કાળજી રાખું. પરિણામે બીજા માણસને હું માત્ર ‘પાત્ર’ બનાવીને વર્તન કરું છું. ઘણા માણસો બીજા માણસોને માત્ર ‘સાધન’ તરીકે ઉપયોગમાં લે છે. ‘વેઈટર, એક કપ કૉફી લાવજે’ એમ કહેનાર તેની સામે ઊભેલા માણસને માત્ર ‘વેઇટર’ જ ગણે છે અને તેનું મુક્ત માનવીય અસ્તિત્વ અવગણે છે. સાર્ત્ર કહે છે કે ચેતનરૂપ અસ્તિત્વ (Being For Itself)ના સિદ્ધાંતમાંથી ‘પર’નું અસ્તિત્વ તાર્કિક રીતે ફલિત થતું નથી. પરંતુ ‘પર’ના અસ્તિત્વનો અનુભવ થાય છે અને આ હકીકતની કોઈ સમજૂતી આપવી અશક્ય છે ‘સ્વ’ અને ‘પર’નો સંબંધ નિષેધરૂપ છે. હું ‘ટેબલને જોઉં છું’ તેવા ભાનમાં હું ટેબલ નથી તેવું ભાન અભિપ્રેત છે. તેવી જ રીતે હું ‘બીજા માણસ’ને જોઉં છું માટે હું તેનાથી અલગ છું તેવું ભાન અભિપ્રેત છે. બીજો માણસ જગતની ભૌતિક વસ્તુઓ જેવી એક ‘વસ્તુ’ નથી; બીજાનો ભય લાગે છે; બીજાની દૃષ્ટિની શરમ અનુમવાય છે અને બીજાને પરાજિત કર્યાંનો ગર્વ લેવાય છે; બીજાની નજરમાં પાત્રરૂપ બની ગયા પછી ફરી પાછું ગુમાવેલું ‘નિજત્વ’ સ્થાપી શકાય છે. ‘પર’ના અસ્તિત્વની સમસ્યાનું ઘર્ષણ સાર્ત્રના ‘No Exit’ નાટકમાં બહુ સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યું છે. ઈનેઝ અને એસ્ટેલી એ બે સ્ત્રી પાત્રો અને ગરેસીન વચ્ચેના સંવાદોમાં આ તીવ્ર ચેતના વ્યક્ત થાય છે. આ ત્રણ પાત્રોને એક બીજાનાં અસ્તિત્વનું ભાન બહુ હતાશ કરે છે. ઇનેઝ : “હું માનું છું કે આપણાં ત્રણમાંથી વારાફરતી દરેકે બીજાના દમન માટેનું પાત્ર બનવું પડશે.’’ (એસ્ટેલી ડ્રેસિંગ કરવા માગે છે; અરીસો નથી.) એસ્ટેલી કહે છેઃ “જ્યારે હું મારી જાતને જોઈ શકતી નથી ત્યારે. મારા અસ્તિત્વ વિશે પણ મને શંકા જાય છે. હું જ્યારે અરીસામાં જોતી ત્યારે બીજા લોકો મને કઈ રીતે જોતા તેનો મને ખ્યાલ આવતો.’ ઈનેઝઃ ધારો કે હું તમારે માટે અરીસો બની જઉં, તો? એસ્ટેલી: હું મૂંઝાઉં છું, હું અરીસામાં જોતી તેના કરતાં તમારી સામે જોવામાં મને જુદો અનુભવ થાય છે. ગરેસીનઃ આપણામાંનાં દરેકે બીજાની હાજરીનું ભાન ભૂલી જવું જોઈએ. આ નાટકમાં ‘Hell is other people’ એવું અર્થગર્ભિત વાક્ય છે. બીજાની હાજરીથી વ્યક્તિમાં અનેક વિરોધી ભાવો ઉત્પન્ન થાય છે. સાર્ત્ર એક બીજો પ્રશ્ન પૂછે છેઃ ‘જીવોની અનેકતા શા માટે?’ આ તાત્ત્વિક પ્રશ્ન છે. કોઈ એક વિરાટ ચેતનાના જાણે કે આ બધા જુદા જુદા અંશ છે. સાર્ત્રને આ ઉત્તર સ્વીકાર્ય જણાતો નથી. ઉપરાંત સાર્ત્ર ઈશ્વરના અસ્તિત્વમાં માનતા નથી. ઈશ્વર હોય તો પણ તે આ બધા જીવોનો સર્જક છે તેની કોઈ સાબિતી નથી. પરિણામે આ તાત્ત્વિક પ્રશ્નનો કોઈ ઉકેલ નથી. ‘હું છું’ અને ‘બીજા છે’ આ હકીકતો છે; તેનો તાત્કાલિક અનુભવ થાય છે. તેને એક વિચારના માળખામાં ગૂંથી શકાતી નથી.

શરીરનું અસ્તિત્વ

‘પર’નાં અસ્તિત્વની ચર્ચામાં શરીરનું અસ્તિત્વ અભિપ્રેત છે ‘શરીર’ બીજી વ્યક્તિથી જાણી શકાતી વસ્તુ છે. શરીરનાં અસ્તિત્વનાં બે રૂપ છે: બીજાને માટે (For-the-Other) મારા શરીરનું અસ્તિત્વ અને મારે માટે (For-Me) મારા શરીરનું અસ્તિત્વ. મારા પોતાના શરીરનું ભાન અને બીજી વ્યક્તિનું મારા શરીર વિશેનું ભાન તદ્દન જુદા પ્રકારનું છે. સાર્ત્ર શરીર અને ચેતનાના દ્વૈતને સ્વીકારતા નથી. ‘The body is entirely psychic’ આ સિદ્ધાંત સમજાવવો અથવા ટકાવી રાખવો સાર્ત્રને માટે મુશ્કેલ છે. ચેતનાને જગત સાથે વ્યવહાર કરવા માટે ઇન્દ્રિયો અને શરીરરચનાની આવશ્યકતા છે તેવું સાર્ત્ર સાબિત કરવા માગે છે. ચેતના બાહ્ય જગતનું જ્ઞાન શરીરના માધ્યમથી મેળવે છે; કારણ કે જ્ઞાનમાં સંવેદન અનિવાર્ય છે; અને સંવેદનો જ્ઞાનેન્દ્રિયોથી મળે છે. વસ્તુઓ સમક્ષ ચેતના ઉપસ્થિત થાય તે માટે બહારની વસ્તુઓનું સંવેદન થવું જોઈએ. બહારની વસ્તુને અમુક સ્થળ અને કાળમાં સંગઠિત કરવામાં આવે છે; આ સંગઠન કરવા માટેનું સાધન મારું શરીર છે; શરીરના કેન્દ્રની આસપાસ બાહ્ય પદાર્થોનું સંગઠન થાય છે. દિશા અંતર વગેરે, શરીરના સ્થાન ઉપર આધારિત છે. આપણી ચેતના માત્ર મનનાત્મક નથી; ક્રિયાત્મક છે; કાર્ય કરવા માટે શરીરનો સંદર્ભ અપેક્ષિત છે. જગત પ્રત્યેનો એક ‘દૃષ્ટિકોણ’ શરીરનાં અસ્તિત્વથી પેદા થાય છે. શરીર વગર ચેતના જગત સમક્ષ ઉપસ્થિત થઈ શકે નહિ. શરીર દ્વારા અસ્તિત્વ ધરાવતું ચેતનાનું નિર્માણ છે માટે માત્ર માનસિક અને માત્ર શારીરિક એવું જીવંત અનુભવનું વર્ગીકરણ કરવું અશક્ય છે. દુઃખ દ્વારા શરીરભાન તીવ્ર બને છે. સામાન્ય સંજોગોમાં આપણને શરીરનું ભાન હોતું નથી. શરીરને પાર કરીને આપણે પદાર્થના અસ્તિત્વથી સભાન થઈએ છીએ ‘મારે’ માટે ‘શરીર’ના અસ્તિત્વનો આ અર્થ છે, પરંતુ મારું શરીર બીજાને માટે પણ અસ્તિત્વમાં છે. હું બીજાના શરીરનું અસ્તિત્વ જાણું છું-તેનાં કાર્યો દ્વારા. બીજો માણસ પોતાના શરીરથી જે ચેષ્ટાઓ કરે તે ચેષ્ટાઓનો અર્થ ઘટાડવા માટે તે વ્યક્તિના હેતુપ્રયોજન વિશે અનુમાન કરવું પડે છે. બીજી વ્યક્તિનું શારીરિક વર્તન માત્ર શારીરિક નથી. તે ચેતનાથી વ્યાપ્ત થયેલું છે. બીજી વ્યક્તિ મારા શરીરને જાણે છે; જુએ છે. આ જ્ઞાન મને પ્રાપ્ત થતાં, મારું શરીર મારા સંપૂર્ણ કાબૂમાં નથી તેનું મને ભાન થાય છે. લજ્જાનો અનુભવ આ પ્રકારનો છે. પોતાના શરીરને બીજાની દૃષ્ટિનો ભોગ બનવું પડે છે.

‘પર’ સાથેના સંબંધો

બીજાનાં અસ્તિત્વને લીધે વ્યક્તિને શરમ, ગર્વ, નિષ્ક્રિયતા, પરાજય વગેરે વિભિન્ન અનુભવો થાય છે. પરિણામે બીજી વ્યક્તિ સાથેના સંબંધો કોઈ ને કોઈ રીતે પોતાનું ગુમાવેલું સ્વાતંત્ર્ય પાછું મેળવવા માટેના વિવિધ પ્રયત્નો રૂપ છે. કાં તો બીજાની મુક્તિને પ્રેમના બંધનમાં બાંધી દેવી અથવા તો બીજાના શરીરને મેળવવાની કામુક ઇચ્છા દ્વારા તૃપ્તિ મેળવવી અથવા તેને પીડા કરીને કે તેની ઘૃણા કરીને સંતોષ મેળવવો વગેરે શક્યતાઓનો સાર્ત્ર નિર્દેશ કરે છે. સાર્ત્રની દૃષ્ટિએ ‘સ્વ’ અને ‘પર’ વચ્ચેનું દ્વૈત પૂરી શકાય તેવું નથી. માનવસંબંધોમાં હમેશાં ઘર્ષણ રહેવાનું. એકબીજાની મુક્તિ ને પરિબદ્ધ કરવાના પ્રયાસોને લીધે સતત નિષ્ફળતા માનવસંબંધો માટે નિર્મિત છે. પ્રેમમાં સંપૂણ પરિપૂર્ણતા અને સાર્થકતા સંભવિત નથી. પ્રેમની પરિભાષા કરતાં સાર્ત્ર જણાવે છે કે બીજાની મુક્તિ અને ‘નિજત્વ’ જાળવીને તેને પોતાનો કરી લેવાની ઇચ્છા પ્રેમના પાયામાં છે. દરેક વ્યક્તિ પ્રેમપાત્રને પોતાનું કરવા માગે છે પરંતુ જુદા જ રૂપમાં. જે રીતે રેડિયો કે ઘડિયાળ પોતાની છે તે નિષ્ક્રિય રીતે પ્રેમપાત્ર પોતાનું કરવું નથી. આમ થવું અશક્ય છે ‘the union with the Other is thus a dream and an illusion’. પ્રેમપાત્ર હમેશાં ‘પરાયું’ જ છે. દરેક પ્રેમી પોતાના ‘અહંમ્’માં પુરાયેલો છે અને પાત્રની મુક્તિને આંચ ન આવે તેવી રીતે પ્રેમ કરવો શક્ય નથી છતાં તેવો જ પ્રેમ આદર્શ ગણવામાં આવે છે. પરિણામે પ્રેમનાં વિકૃત સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે. પ્રેમી માત્ર એક ‘પાત્ર’ બની જાય; નિષ્ક્રિય બને; પોતાની મુક્તિ છોડી દે; બીજાની મુક્તિને આધીન થાય; બીજા દ્વારા તેને પીડા મળે તો પણ આનંદ પામે. એ જાતની શરણાગતિ પ્રેમમાં શક્ય છે પરંતુ આવા સંબંધમાં અસમાનતા છે. પ્રેમની પરસ્પર ભાવના અદૃશ્ય થઈ જાય છે. આ જાતનો પરાવલંબી પ્રેમ (Masochisn) પણ આખરે નિષ્ફળ જવા સર્જાયેલો છે. કારણ કે પ્રેમીએ પોતે જાતે શરણાગતિ સ્વીકારી છે તેનો દોષભાવ તેને નડે છે. જાતીય ઇચ્છાને મૂર્ત કરી બીજી વ્યક્તિના શરીરને પામીને તૃપ્તિ મેળવવી એ પણ પ્રેમનું મહત્ત્વનું પરિબળ છે. જાતીય ઇચ્છા (sexual desire)નું પૃથક્કરણ કરતાં સાર્ત્ર સૂચવે છે કે જાતીયતા માત્ર શારીરિક અંગોની વૃદ્ધિને લીધે ઉદ્ભવતી નથી. કોઈ પણ ઇચ્છા એક પ્રકારની આંતરિક ક્ષુબ્ધતા છે. ઈચ્છા દ્વારા ચેતના વધુ ને વધુ શારીરિક ભૂમિકાએ કામ કરે છે અને જાતીય ઈચ્છામાં તે આખા શરીરને આવરી લે છે. બીજી વ્યક્તિને સ્થૂળ સ્વરૂપમાં પામવાનું ઇચ્છાનું ધ્યેય છે ઈચ્છાને લીધે ચેતના શરીરમાં બંધાઈ જાય છે. જેમ ભાષા વિચારની અભિવ્યક્તિ છે તેમ શારીરિક નિકટતા આ મૂળભૂત ઈચ્છાની અભિવ્યક્તિ છે. જાતીય ઈચ્છાની પ્રબળતાને લીધે બે શરીરો નવી ચેતના ધારણ કરે છે. કેટલીક વાર પરપીડન વૃત્તિ (sadism)ની મદદથી ઇચ્છા સંતોષવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ તેમાં પણ પરાજય છે કારણ કે પ્રેમપાત્રને પીડા આપ્યા પછી તેની પૂરી શરણાગતિ મળી છે કે નહીં તેની ખાતરી નથી. પાત્રની મુક્તિ તેના શરીરનો કાબૂ લઈને મેળવી શકાતી નથી, કારણ કે દમનનો ભોગ બનેલું પાત્ર ફરી વાર તેની ‘દૃષ્ટિ’થી દમન કરનારનું અભિમાન વીંધી નાખે છે. સાર્ત્રના મત મુજબ બીજાના અસ્તિત્વની પ્રતીતિને લીધે પ્રેમ, ઈચ્છા, દ્વેષ વગેરે મનોવલણો ચેતનરૂપ અસ્તિત્વમાં ઉદ્ભવે છે એટલે કોઈ પણ મનોવૈજ્ઞાનિક સમજૂતી માત્ર શારીરિક પરિબળોને આધારે આપી શકાય નહીં. ચેતનાની મૂળભૂત રિક્તતા (શૂન્યાવકાશ) પૂરવા માટે બીજાના અસ્તિત્વને પોતાનું કરી લેવા માટેની તડપમાંથી ઈચ્છાનો ઉદ્ભવ થાય છે તેવું સાર્ત્રનું મંતવ્ય છે. ઘૃણા અથવા તિરસ્કાર એ માનવસંબંધોમાં એક મહત્ત્વનું તત્ત્વ છે. ઘૃણા દ્વારા બીજાના અસ્તિત્વનું વિલિનીકરણ કે અવગણના ઇચ્છવામાં આવે છે. પ્રેમની જેમ ઘૃણામાં પણ પોતાનું ‘નિજત્વ’ બચાવવાની અને છતાં બીજા દ્વારા તેને સમૃદ્ધ કરવાની મૂળભૂત ઇચ્છા રહેલી છે. જ્યારે બે વ્યક્તિઓ કોઈ ત્રીજી વ્યક્તિની દૃષ્ટિએ જોવાતી હોય ત્યારે તે બન્ને વ્યક્તિઓ પણ પાત્ર બની જાય છે (Us-object) હું અને બીજો, ત્રીજી વ્યક્તિની હાજરીમાં તેનાં મૂલ્યાંકનનો વિષય બની જઈએ છીએ. સમાજમાં વર્ગો વચ્ચેનું ઘર્ષણ ‘Us-object’ ને લીધે ઉદ્ભવે છે. ઈશ્વર બધાંને જોઈ રહ્યો છે પણ કોઈ ઈશ્વરને જોઈ શકતું નથી તેવું ભાન પણ આ પ્રકારનું છે. તેવી જ રીતે ‘વયં-ભાવના’ (We-subject) જૂથમાં સાથે રહેતા લોકોમાં ઉદ્ભવી શકે છે. પરંતુ સાર્ત્ર કરે છે કે દરેક ‘We-subject’ના ભાનમાં ‘I’ તો અભિપ્રેત છે જ. પરિણામે માનવો વચ્ચે તાદાત્મ્યની તાત્ત્વિક કક્ષા સિદ્ધ કરવી અશક્ય છે. તમામ માનવસંબંધો સંઘર્ષથી ખરડાયેલા છે.

૫. ઇશ્વરનું અસ્તિત્વ

ઈશ્વરના અસ્તિત્વનો ઉલ્લેખ વિવિધ સ્વરૂપમાં વ્યકત થાય છેઃ (૧) ઈશ્વર-સર્જક, તરીકે. (૨) ઈશ્વર સ્વયંપર્યાપ્ત તત્ત્વ તરીકે, (૩) સમગ્ર અસ્તિત્વના સાક્ષી તરીકે, સાર્ત્ર આ ત્રણે શક્યતાઓને નકારે છે. જો ઈશ્વરને સર્જક તરીકે સ્વીકારીએ તો માનવસ્વાતંત્ર્ય સાથે તે સુસંગત નથી. જો માણસને સ્વાતંત્ર્ય હોય તો ઈશ્વરે તેનું સર્જન કર્યું નથી. ઈશ્વરે માણસનું ‘સત્ત્વ’ પહેલેથી નક્કી કર્યું અને પછી માણસને તે ‘સત્ત્વ’ને વાસ્તવિક પરિસ્થિતિમાં મૂર્ત કરવાનું સ્વાતંત્ર્ય આપ્યું તેવો મત પણ સાર્ત્ર સ્વીકારતા નથી. અમુક નિશ્ચિત થએલા સત્ત્વને મૂર્ત કરવું એ સ્વાતંત્ર્ય કહેવાય જ નહીં. સાર્ત્રની દૃષ્ટિએ પોતાનાં સ્વરૂપનું, ચારિત્ર્યનું, મૂલ્યોનું જાતે નિર્માણ કરવું તે જ સાચું સ્વાતંત્ર્ય છે. બીજું, ઈશ્વર પોતાના અસ્તિત્વનું સ્વયં કારણ છે તેવું પણ સાર્ત્ર કબૂલતા નથી. શા માટે ઈશ્વર અસ્તિત્વમાં હોવો જોઈએ તેવું સમજાવવું મુશ્કેલ છે. અને કાર્ય કારણનો સિદ્ધાંત ઈશ્વરના અસ્તિત્વને લાગુ પડે કે નહીં તે શંકાસ્પદ છે. ‘સમગ્ર અસ્તિત્વ’ની બહાર ઈશ્વર છે અને તેનો સાક્ષી છે એ દલીલમાં કશું તથ્ય સાર્ત્રને જણાતું નથી. ઈશ્વરની ચેતના પણ વિશ્વથી અલગરૂપે ઉપસ્થિત થાય અને તે પછી ઈશ્વર અને જગતના સંબંધનો પ્રશ્ન વણઉકેલ્યો રહે છે. સમગ્ર વિશ્વ ઈશ્વરની ચેતનામાં કઈ રીતે પ્રતિબિંબિત થાય છે તે સમજવું અશક્ય છે. સાર્ત્ર લખે છેઃ ‘We can not go further.’ માણસ વસ્તુરૂપ અસ્તિત્વ અને ચેતનરૂપ અસ્તિત્વ (Being-in -itself for-itself)નાં; લક્ષણોનો સમન્વય કરવાનો આદર્શ રાખે છે પરંતુ આદર્શ સ્વવિરોધી છે, કારણ કે ચેતનાના હાર્દમાં ‘અસત્’ છે, ચેતના સ્વયં પરિપૂર્ણ નથી. જેમ સાંખ્ય દર્શનમાં પુરુષ અને પ્રકૃતિ એકબીજાનાં વિરોધી છે અને તેનો સમન્વય શક્ય નથી તેમ સાર્ત્રના સિદ્ધાંતમાં ચેતનરૂપ અસ્તિત્વ અને વસ્તુતુરૂપ અસ્તિત્વ બન્ને એક થઈ શકે નહીં. જોકે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર ન કરનાર સાર્ત્રને માટે પણ એક મુખ્ય પ્રશ્નનનો ઉત્તર નથી : શા માટે વસ્તુરૂપ સતમાંથી ચેતનરૂપ સત્ ઉદ્ભવે? વસ્તુઓ જેવી છે તેવી જ છે; તેમને ચેતનાની જરૂર નથી; ખરી રીતે ચેતનાને વસ્તુની જરૂર છે કારણ કે તમામ ચેતના વસ્તુ-નિર્દેશક છે. સાર્ત્ર માને છે કે આ પ્રશ્નની તાત્ત્વિક સમજૂતી અશક્ય છે. સાર્ત્રનો નિરીશ્વરવાદ વિશિષ્ટ પ્રકારનો છે; માણસ, જગત અને માણસનું જગતમાં અસ્તિત્વ—આ બધી બાબતો સાર્ત્રની દૃષ્ટિએ ‘જાણે કે’ ‘ઇશ્વર’ કે એવા કોઈ અનુભવાતીત તત્ત્વ પ્રત્યે નિર્દેશ કરે છે. અને તેમ છતાં ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. કુ. હેઝલ બાર્ન્સ જણાવે છે કે નૈતિક કે આધ્યાત્મિક ઉત્કર્ષ માટે ઈશ્વરની ધારણા કરવા સાર્ત્ર તૈયાર નથી. સાર્ત્રના નિરીશ્વરવાદ ઉપર ટીકા કરતાં બ્રેશાખ સૂચવે છે કે સાર્ત્ર ઈશ્વરનાં બિનઅસ્તિત્વમાંથી માનવીની જવાબદારી ફલિત કરે છે. ઈશ્વર નથી એટલે માણસ પોતાના અસ્તિત્વનો અર્થ કોઈ દૈવી યોજના પ્રમાણે ઘટાવી શકતો નથી. માણસ એકલો પડી જાય છે. ઈશ્વર નથી એટલે કોઈ ‘અતિમાનવ’ની પૂર્ણતામાં પણ સાર્ત્ર માનતા નથી. માણસનો વિકાસક્રમ તેને માટે ઊજળું ભાવિ સૂચવે છે તેવું પણ સાબિત કરવું અશક્ય છે. માણસની મૂળભૂત મુક્તિને લીધે માણસ વિષે અથવા તો આખી માનવજાત વિષે કોઈ પણ આગાહીસૂચક વિધાન કરી શકાય નહીં. વર્તનનાં કોઈ સ્વયંસિદ્ધ ધોરણો નથી. કોઈ મૂલ્યો નિરપેક્ષ નથી. પાપ કે પુણ્ય માટે નર્ક કે સ્વર્ગની કોઈ યોજના નથી. દયા કરીને દુષ્કૃત્યો માફ કરનાર ન્યાયાધીશરૂપે ઈશ્વરની કલ્પના પણ મિથ્યા છે. પરિણામે દરેક માણસે પોતાની જાત સાથે જ હિસાબ કરી લેવાનો છે. આ ફલિતાર્થ હોવાથી સાર્ત્રનો નાસ્તિકવાદ બીજા પ્રકારના તેવા સિદ્ધાંતોથી ચઢિયાતો છે તેવું બ્રેશાખનું મંતવ્ય છે.

(ब) સાર્ત્રનું નીતિશાસ્ત્ર :

સાર્ત્રના અસ્તિત્વવાદમાં નીતિ-અનીતિને સ્થાન નથી અથવા સાર્ત્રને નીતિમીમાંસા કરવાનો હક્ક નથી તેવી ફરિયાદ અને આક્ષેપ સાર્ત્રના અસ્તિત્વવાદ સામે કરવામાં આવ્યાં છે એટલું જ નહીં પણ અસ્તિત્વવાદનો કોઈ પણ પ્રકારનો સિદ્ધાંત નીતિપોષક હોઈ જ ન શકે તેવું પણ માનવામાં આવે છે. સારું અને ખરાબનો કોઈ તાત્ત્વિક ભેદ અર્થહીન છે; માણસનું બધું આચરણ સરખું છે; વ્યક્તિને જે ગમે, જે પસંદ પડે તે પ્રમાણે જીવવું. રૂઢિગત મૂલ્યોનો નાશ કરવો. મૃત્યુ નિશ્ચિત છે; જીવન અર્થહીન છે અને માણસનો કોઈ આધાર નથી; પરિણામે માણસે બધી જાતનો આનંદ માણવો જોઈએ. આવી માન્યતાઓ સ્વીકારીને અસ્તિત્વવાદો તરીકે ઘણા પોતાની એળખાણ આપે છે. અસ્તિત્વવાદ એટલે નૈતિક અરાજકતા. અસ્તિત્વવાદ પાસે કોઈ રચનાત્મક વિચારણા નથી. ઘણી નવલકથાઓમાં જ્યારે આવી કોઈ વિચારણા રજૂ થઈ હોય ત્યારે તેને અસ્તિત્વવાદી ગણી લેવામાં આવે છે. નવલકથાઓમાં જાતીય ચેષ્ટાઓનું સ્થૂળ નિરૂપણ કરવામાં આવે; ‘શૂન્યતા ! શૂન્યતા’! એમ પાત્રો પોકાર પાડે અથવા તો એક પથ્થર સામે જોઈને કોઈ પાત્ર ‘જીવન અર્થહીન છે’ એમ બોલે ત્યારે આ પ્રકારનું સાહિત્ય અસ્તિત્વવાદી છે તેવી વિચિત્ર સમજણ બંધાઈ જાય છે. અસ્તિત્વવાદ યુવાન પેઢી માટે જોખમકારક છે તેનાથી ડરતા રહેવું જોઈએ; તે આપણા જીવનમાં કે સાહિત્યમાં ક્યાં ય પ્રવેશી ન જાય તેની ચીવટ રાખવી જોઈએ તેવું પણ કેટલાક માને છે. ધર્મશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના એક પ્રખર અંગ્રેજ અધ્યાપક ડૉ. ઈ. એલ. એલનના મત મુજબ સાર્ત્રના અસ્તિત્વવાદ વિશે આવી પ્રચલિત માન્યતાઓ ખોટી છે અને અસ્તિત્વવાદ વિશેની ગેરસમજણને પરિણામે લોકોમાં આવો હાસ્યાસ્પદ અભિપ્રાય પ્રવર્તે છે. સાર્ત્ર પાસે ચોક્કસ પ્રકારનું નીતિશાસ્ત્ર છે. સાહિત્યના સ્વરૂપની ચર્ચા કરતાં સાર્ત્ર સામાજિક ન્યાય માટે લેખકે લડવું જોઈએ તેવું સૂચવે છે. ‘Crime Passionel’ નાટકમાં સામ્યવાદી પક્ષની આંતરિક અપ્રામાણિકતા અને દમનલક્ષી નીતિ સાર્ત્ર ખુલ્લી પાડે છે. ‘The Respectable Prostitute’ એ નાટકમાં હબસીઓ વિશેના પૂર્વગ્રહને લીધે કેવા અત્યાચાર અને જુલમનો ભોગ તેઓ બને છે તે હકીકત સાર્ત્ર ધ્યાનમાં લાવે છે. ‘The Anti-Semite and Jew’ એ નિબંધમાં સાર્ત્ર યહૂદીવિરોધી લોકોની અમાનુષી દમનનીતિને પડકારે છે. સાર્ત્ર લખે છે, “જ્યાં સુધી યહૂદીઓ પોતાના હક્કો પૂરા ભોગવે નહીં ત્યાં સુધી કોઇ પણ ફ્રેંચ વ્યક્તિ ‘સ્વતંત્ર’ ગણાશે નહીં. યહૂદી જ્યાં સુધી અસલામત છે ત્યાં સુધી ફ્રેંચ લોકો પોતાને સલામત ન ગણી શકે.” તે જ પ્રમાણે સાઈમન-દ-બોઉવાનાં ‘Ethics of Ambiguity’માં અત્યાચાર જુલમ અને અન્યાયના વિવિધ પ્રકારો સામે લડીને માનવતાનાં મૂલ્યો કેમ સ્થાપવાં તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સાર્ત્રનું નીતિશાસ્ત્ર માનવતાવાદી છે. અને સાર્ત્રનો માનવતાવાદ નાસ્તિક છે. સાર્ત્રના નીતિશાસ્ત્રનું કેન્દ્ર માણસ છે; ઇશ્વર અને માણસના સંબંધોનો પ્રશ્ન નૈતિક ગણી શકાય નહીં. ઇશ્વરે માણસને માટે શાશ્વત મૂલ્યો સ્થાપ્યાં નથી. ઈશ્વરનું અસ્તિત્વ અસિદ્ધ છે. નીતિ અને ધર્મ અનિવાર્ય રીતે સંયળાયેલાં નથી. ઈશ્વરી કે દૈવી આદેશ મુજબ માણસે વર્તન કરવું જોઈએ તેવો ઉપદેશ મિથ્યા છે કારણ કે તેવો આદેશ આપનાર કોઈ ઈશ્વર નથી. ‘ઈશ્વર નથી’ એ હકીકત ઉપરથી નીતિવિરોધી અને નીતિપોષક એમ બે જાતનાં પરિણામો આવી શકે. ઈશ્વર નથી એટલે ઈષ્ટ અને અનિષ્ટનો ભેદ મિથ્યા છે અને માણસે ડરવા જેવું કશું નથી. નીતિ અનીતિનો વિચાર કર્યા વગર તે ધારે તેવું જીવન જીવી શકે છે. આ પરિણામ સાર્ત્ર સ્વીકારતા નથી. હકીકતમાં ઈશ્વર નથી માટે માણસની જવાબદારી વધે છે અને તેની મૂલ્યની ચેતના વધુ જાગૃત થાય છે તેવું સાર્ત્ર કહેવા માગે છે. માનવચેતના પારગામી અને ધ્યેયલક્ષી હોવાથી મૂળભૂત રીતે મુક્ત છે. માણસ તાત્ત્વિક રીતે હમેશાં મુક્ત જ છે. સ્વાતંત્ર્ય મેળવવા કરતાં જાળવવાનો પ્રશ્ન મુખ્ય છે કારણ કે બીજા લોકો તેમના સ્વાતંત્ર્યના દુરૂપયોગથી મારું સ્વાતંત્ર્ય છીનવી લે તેવી શકચતા છે. સારાં અને ખરાબ કાર્યોનું મૂલ્યાંકન કરવા માટે સાર્ત્ર પાસે એક જ કસોટી છે. જે કાર્ય સ્વાતંત્ર્યપોષક છે તે સારું; જે કાર્ય માનવસ્વાતંત્ર્યને બાધક છે તે ખરાબ; જીવનદૃષ્ટિનું મૂલ્યાંકન કરવા માટે પણ સાર્ત્ર પાસે એક ધોરણ છે; જે લોકો એમ માને છે કે નૈતિક મૂલ્યો ઇશ્વરનિર્મિત છે, કુદરતી છે, તમામ માણસને બંધનકર્તા છે નિરપેક્ષ છે અને માણસોએ માત્ર તેને આચરણમાં મૂકવાનાં છે, તેઓની જીવનદૃષ્ટિ દોષિત છે, કારણ કે હકીકતમાં નૈતિક મૂલ્યો સાપેક્ષ છે, માણસે પોતાના સ્વાતંત્ર્યથી ઉપજાવેલાં છે અને મૂલ્યોનું કોઈ કુદરતી કે દૈવી અધિષ્ઠાન નથી; મૂળભૂત માનવસ્વરૂપનાં તે અચલ તત્ત્વો નથી કારણ કે હકીકતમાં મૂળભૂત માનવસ્વરૂપ છે જ નહીં. સાર્ત્ર અસ્તિત્વની બે કક્ષા સ્વીકારે છેઃ પ્રમાણિક (Authentic) અસ્તિત્વ અને દંભી(Inauthentic) અસ્તિત્વ. પોતે જ મૂલ્યોની જવાબદારી સ્વીકારે, નિર્ણયો કરવામાં પોતાનું સ્વાતંત્ર્ય સ્વીકારે અને પોતાના અસ્તિત્વનું સ્વરૂપ સતત પરિવર્તનશીલ છે તેવું ભાન રાખે તે માણસનું અસ્તિત્વ પ્રમાણિક છે માણસને પોતાનો ભૂતકાળ છે પણ વર્તમાનમાં પોતાના ભૂતકાળની અસર નાબૂદ કરવામાં તે સ્વતંત્ર છે. ભૂતકાળમાં માનવી જે પ્રકારનું ચારિત્ર્ય ધરાવતો હતો તે જ પ્રકારનું ચારિત્ર્ય તેનું કાયમ રહેશે તેમ માનવામાં આત્મપ્રપંચ છે, અપ્રામાણિકતા છે. માણસ સ્વભાવે સારો કે સ્વભાવે ખરાબ નથી. પોતાની સ્વતંત્રતાના ઉપયોગથી તે સારું કે ખરાબ કાર્ય કરે છે. સાર્ત્રનો અસ્તિત્વવાદ વ્યક્તિવાદી છે અને તેનો વ્યક્તિવાદ આશાવાદી છે કારણ કે માણસ ધારે તેટલું ‘શ્રેય’ ઉત્પન્ન કરી શકે છે–જો તે નિર્ણય લે તો. પોતાની સ્વતંત્રતા છુપાવી દેવી, જવાબદારીમાંથી બચી જવું, પરિસ્થિતિ અને સંજોગોને દોષ દેવા અને નિર્ણયો લેવાની પળ લંબાવવી એ આત્મપ્રપંચ(Bad Faith) છે અને નીતિવિરોધી છે. માણસનું સ્વાતંત્ર્ય પરિસ્થિતિઓમાં મૂર્ત હોય છે અને બીજી વ્યક્તિઓના સ્વાતંત્ર્ય સાથે હમેશાં સંકળાયેલું હોય છે. પરિણામે સ્વાતંત્ર્યનો સહુથી શ્રેષ્ઠ ઉપયોગ બીજાના સ્વાતંત્ર્યની રક્ષા કરવાનો છે. સાર્ત્ર જણાવે છે કે માણસ કોઈ કાર્યની પસંદગી કરે ત્યારે તે પોતાને એકલાને માટે નથી કરતો પરંતુ તેની પસંદગી દ્વારા એક મૂલ્યનું નિર્માણ કરે છે અને બધા માટે તે એક ધોરણ ઉપજાવે છે. પોતાના દેશને મદદ કરવા માટે યુદ્ધકાળમાં લશ્કરમાં જોડાવાનો નિર્ણય લેતો માણસ પોતાના કાર્યની પસંદગીથી તમામ આવી પરિસ્થિતિઓમાં મુકાયેલા માણસો માટે એક સાત્રિક મૂલ્ય સ્થાપે છે. વ્યક્તિ માત્ર પોતાને જ જવાબદાર નથી, તે આખી માનવજાત માટે જવાબદાર છે તેવું વિધાન ‘Existentialism is Humanism’ એ વ્યાખ્યાનમાં સાર્ત્ર કરે છે. આ સંદર્ભમાં જર્મન ફિલસૂફ઼ કાન્ટ સાથે સાર્ત્રની તુલના કરી શકાય. નૈતિક સિદ્ધાંત સાર્વત્રિક હોવો જોઈએ તેવી કાન્ટની સ્વીકૃતિ સાર્ત્રને માન્ય છે. ટૂંકમાં અનિષ્ટનાં ત્રણ સ્વરૂપો છે. આત્મપ્રપંચ, અપ્રામાણિક અસ્તિત્વ અને એક જૂથનાં બીજા જૂથ ઉપરનાં અમાનુષી દમનનાં વિવિધ સ્વરૂપો. સ્વાતંત્ર્ય એ સર્વોચ્ય મૂલ્ય છે. સ્થપાઈ ચૂકેલાં ધાર્મિક અને રૂઢિગત મૂલ્યોને પડકારવાનું સ્વાતંત્ર્ય માણસે જાળવવું જોઈએ. ‘Flies’ નાટકમાં એગીસ્થસ અને ઝુઈસના સંવાદમાં એક બહુ સુંદર વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે: ‘Once freedom lights its beacon in a man’s heart, the gods are powerless against him.’ ઈશ્વર નથી; જગત અર્થહીન છે અને માણસો વચ્ચેનો સંબંધ સંઘર્ષથી ખરડાયેલો છે તો પછી સાર્ત્ર મૂલ્ય અને કર્તવ્યનો ઉપદેશ કઈ રીતે આપી શકે? સાર્ત્રનો આ દલીલ સામે એક જ જવાબ છે. જગતની વસ્તુઓ અલિપ્ત છે. જગત અર્થહીન છે માણસ શા માટે જગતમાં છે તેનો કોઈ તાત્ત્વિક ખુલાસો નથી પરંતુ આ સત્યો જેવું જ એક બીજું સત્ય છે કે માણસની ચેતના પરિસ્થિતિને પાર કરીને નવા આદર્શો અને મૂલ્યો ઉપજાવી શકે છે એટલે માણસને સ્વતંત્ર થવું કે ન થવું એવો પ્રશ્ન નથી, પણ પોતાના સ્વાતંત્ર્યનો કેવો ઉપયોગ કરવો તે પ્રશ્ન છે. રમત રમનાર જાણે છે કે રમત રમવી કે ન રમવી તે બાબત તે પોતાની મરજીથી નક્કી કરી શકે છે અને છતાં રમત રમવાના નિયમો તે પાળે છે. રમતના નિયમો માણસે શોધેલા છે છતાં રમનારને બંધનકર્તા છે તે જ રીતે નૈતિક મૂલ્યોનું અધિષ્ઠાન માનવચેતના છે છતાં એ મૂલ્યોનું આચરણમાં સંક્રમણ કરવાનું કર્તવ્ય પેદા થાય છે. મૂલ્યોનો આધાર માણસ છે અને માણસનો કોઈ આધાર નથી. અમેરિકાના એક પ્રખ્યાત નીતિવિવેચક પ્રેફેસર બ્લેનશેર્ડના મતે અસ્તિત્વવાદથી જુદા પડતા એવા ઇંગ્લેન્ડના કેટલાક ફિલસૂફો જેવા કે હેર, ટોલમીન કે ઉર્મસન પણ એવો મત રજૂ કરે છે કે નૈતિક નિર્ણયો આખરે તો વ્યક્તિએ જ લેવાના હોય છે. નૈતિક સિદ્ધાંતો વચ્ચે સંઘર્ષ થાય ત્યારે માણસે શું કરવું એ બાબત સમજાવવી કોઈ પણ નૈતિક સિદ્ધાંતમાં મુશ્કેલ બને છે. સાર્ત્રનું નીતિશાસ્ત્ર કર્મવાદી છે. જીવનને પ્રેક્ષક તરીકે જોવામાં સાર્ત્રને રસ નથી. સાહિત્યકારે પણ સમાજવિમુખ થવાની આવશ્યકતા નથી. બચાવ કરવો કે વિરોધ કરવો, પ્રતિકાર કરવો કે સમર્થન આપવું, જે કંઈ ન્યાયી લડત કે ક્રાંતિ માટે જરૂરી છે તે કરવું. રાજકારણથી દૂર રહેવું તેમ સાર્ત્ર માનતા નથી. વ્યાપક સામાજિક હિત માટે માણસે સહિયારાં કર્તવ્યો બજાવવાં જોઈએ. સંઘર્ષ એ માનવસ્વાતંત્ર્ય માટે પડકારરૂપ છે. જો કે મૂળ અસ્તિત્વવાદી સિદ્ધાંત પ્રમાણે સાર્ત્રનો ‘માનવી’ પોતાની આંતરિક એકલતામાં પુરાયેલો છે તો પછી જૂથ અથવા સમૂહનાં હિતોથી તે કેવી રીતે કાર્યાભિમુખ થઈ શકે તે જાણવું જરૂરી છે. સાર્ત્રના વ્યક્તિ અને સમાજ વિષેના વિચારોનો વધુ અભ્યાસ આ તબક્કે ઇચ્છનીય છે. ૧૯૦૦ પછીના સમકાલીન નીતિશાસ્ત્રનાં અભ્યાસી શ્રીમતી વોરનોક પણ આ પ્રશ્ન મહત્ત્વનો ગણે છે.

(क) સાર્ત્રનું સામાજિક ચિંતન : (Social Philosophy) સાર્ત્રનું સામાજિક ચિંતન તેમની બે કૃતિઓ ‘The search for a Method’ અને ‘Critique of Dialectical Reason’ (1960)માં વ્યક્ત થયું છે. સાર્ત્રની દૃષ્ટિએ વ્યક્તિનાં કાર્યો તેના હેતુઓ પ્રગટ કરે છે અને ધ્યેયનો નિર્દેશ કરે છે. વ્યક્તિનું વર્તન છૂટક છૂટક ચેષ્ટાઓનો સમૂહ નથી. છૂટક છૂટક ચેષ્ટાઓનું સંયોજન કરવા માટે ધ્યેયો દ્વારા વ્યક્તિનાં કાર્યોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. રૂમમાં બેઠેલી વ્યક્તિ બારી ખોલવા જાય ત્યારે તેની ક્રિયા દ્વારા તે કશુંક ધ્યેય પાળવા માગે છે અર્થાત્ બહુ ગરમી થતી હોવાથી હવા આવવા માટે તે બારી ખોલે છે. બારી, બારણાં, ટેબલ વગેરે વસ્તુઓ ધ્યેયને ઉપકારક કે અવરોધક બને છે. તે બીજી વ્યક્તિઓના અસ્તિત્વને નિર્દેશ પણ કરે છે. પોતાની બેઠક ઉપરથી ઊભા થઇને બારી ખોલવા જતો માણસ રૂમની પરિસ્થિતિ અને પોતાનો હેતુ પ્રગટ કરવા ઉપરાંત ત્યાં બેઠેલા બીજા માણસને પણ તેમની પોતાની સ્થિતિથી સભાન કરે છે, આમ વ્યક્તિ કાર્ય દ્વારા પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે. ધારો કે બે મિત્રો ચર્ચામાં બહુ પરોવાઈ ગયા હોય તો ત્યાં આવનાર ત્રીજી વ્યક્તિ બારી ખુલ્લી નથી એ હકીકત ઉપરથી પણ આ ચર્ચા કરતા બે મિત્રોની પરિસ્થિતિ જાણી શકે છે. આપણે વસ્તુઓ અને માણસોના જગતમાં રહીએ છીએ પરિણામે આપણે વસ્તુઓ અને માણસોને પ્રતીકો અને સાધનો તરીકે ગણીએ છીએ. તૂટેલા ગ્લાસ, ઢોળાઈ ગયેલો દારૂ અને અસ્તવ્યરત થઈ ગયેલું હોટેલનું ફર્નિયર એ ત્યાં બની ગયેલા કોઈ તોફાન કે હિંસાના કૃત્યનો નિર્દેશ કરે છે. સામાજિક અને આર્થિક સંસ્થાઓ અને તેના સંદર્ભમાં વ્યક્તિ અને જૂથનું વર્તન માનવીની હેતુલક્ષી પરિસ્થિતિની ધારણા વગર સમજાવી શકાય નહીં. સાર્ત્રનું મનોવિજ્ઞાન હેતુવાદી છે લેખકને મતે, એક અમેરિકન પ્રોફેસર ડોનાલ્ડ બી કૃસ્પીટનો સાર્ત્રના મનાવિજ્ઞાનને વર્તનવાદ સાથે સરખાવવાનો પ્રયત્ન અર્થહીન છે. ‘Is Existentialisma Psychology?’ એ લેખમાં કુસ્પીટ એવું પણ સાબિત કરવા માગે છે કે વર્તનવાદી(Behaviouristic) મનોવિજ્ઞાનની જેમ સાર્ત્ર પણ બાહ્ય કાર્ય કે વર્તનને જ મહત્ત્વ આપે છે. પરન્તુ કાર્ય કે વર્તનનું ઉપર જણાવેલું પૃથક્કરણ કુસ્પીટના આ મતને ખોટો ઠરાવે છે તે ઉપરાંત કુસ્પીટ એવું પણ સાબિત કરવા ધારે છે કે અસ્તિત્વવાદમાં મનોવિજ્ઞાન છે જ નહીં આ દૃષ્ટિએ કુસ્પીટના લેખમાં કોઈ સુસંગતતા જણાતી નથી. હકીકતમાં સાર્ત્ર એવી દલીલ કરે છે કે કુદરતી વસ્તુઓ અને ઘટનાઓનો માનવસાપેક્ષ અર્થ કરવાનું વલણ અવૈજ્ઞાનિક છે. દા. ત. વાદળાં ઘેરાય ત્યારે પ્રકૃતિ ઉદાસ છે. તેવો અર્થ ઘટાવવો યોગ્ય નથી. કુદરતી બનાવોના કુદરતી કારણો જ આપવાં જોઈએ પરંતુ માનવીના વર્તનમાં ‘હેતુ’ઓ કે ‘પ્રેરણાઓ’નો ઉલ્લેખ કરવાની જરૂર નથી તેવું માનવા સાર્ત્ર તૈયાર નથી. અછત : ન્યૂનતા અથવા અછત(Scarcity) માનવ ઇતિહાસના પાયામાં છે તે સાર્ત્રનાં સામાજિક તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત છે. વ્યક્તિને જીવવાનાં સાધનોની અછતમાંથી સામાજિક સંસ્થાઓનું નિર્માણ થાય છે પોતાને જે વસ્તુ ઉપભોગ માટે જોઈએ છે તે વસ્તુઓ બીજાને પણ જોઈએ છે પરિણામે બધાની જરૂરિયાતોને પહોંચી વળાતું નથી એટલે સંઘર્ષ અને સહકારનાં વિવિધ સ્વરૂપો ઉદ્ભવે છે ઈતિહાસની પ્રક્રિયામાં વધુ જરૂરિયાતોને ઉદ્ભવ અને સાધનોની અછતનો સંઘર્ષ જોવા મળે છે. આ પ્રક્રિયામાં માનવચેતનાનું મહત્વ છે. વિશાળ માનવસમુદાયમાં કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને જાણતી ન હોય અને કોઈ એક સમાજમાં કેટલા સભ્યો છે તેની પણ ખબર ન પડે તેમ છતાં દરેક વ્યક્તિને માટે બીજી વ્યક્તિ એક ઉપભોક્તા છે વ્યક્તિની જીવન જરૂરિયાતોમાં બીજી વ્યક્તિ ભાગ પડાવે છે તે જાતના ભાનથી માનસિક તંગદશા ઉત્પન્ન થાય છે જેમ વધુ માણસોનો સમાજ તેમ અછતથી ઉત્પન્ન થતા સંઘર્ષની વધુ શક્યતા છે. સમાજમાં અમુક માણસો વધારાના ગણવા પડે છે. અસ્તિત્વ ધરાવતાં સાધનો મર્યાદિત છે એ હકીકત અમુક માણસોને માટે બિનજરૂરી જીવનભાર પેદા કરે છે. વ્યક્તિના અસ્તિત્વ માટે ભૌતિક અને સામાજિક અને પ્રકારનાં વાતાવરણ પડકારરૂપ છે. અછતનો સંબંધ ભૌતિક તેમજ સામાજિક જગત સાથેનો વ્યક્તિનો નિષેધક સંબંધ છે. અછતનો સંબંધ અન્યોન્યાશ્રયનો સબંધ નકારે છે. જો કે અછતને પહોંચી વળવા માટે સામૂહિક અને રચનાત્મક સામાજિક કાર્યો થઈ શકે છે. ઉત્પાદક શ્રમ અછતનો ઇન્કાર કરવાના હેતુમાંથી સર્જાય છે. મનુષ્યો વચ્ચેની આક્રમકતાનું મૂળ દરેક માણસ માટે બીજી વ્યક્તિ એક અપ્રગટ શત્રુ બને છે તે હકીકતમાં રહેલું છે. ખૂનથી, હિંસાથી, દમનથી બીજી વ્યક્તિનું સ્વાતંત્ર્ય ઝૂંટવી લેવાનું વલણ ઉત્પન્ન થાય છે. જૂથો વચ્ચેના સંઘર્ષમાં આ પરિબળ જવાબદાર છે. સાર્ત્ર માર્ક્સનો ઉત્પાદન અને શ્રમનો સિદ્ધાંત સ્વીકારે છે. છતાં માનવચેતનામાં અછતપૂર્ણ પરિસ્થિતિની અસર કઈ રીતે ઝીલાય છે અને તેના પ્રત્યાઘાતો કયા થાય છે તે બાબતમાં સાર્ત્રને વધુ રસ છે. ભૌતિક પદાર્થ અને માણસોની આંતરક્રિયાને પરિણામે ભૌતિક પદાર્થોને સાધનરૂપ અર્થ પ્રાપ્ત થાય છે. ભૌતિક સાધનો માણસે બનાવેલાં છે અને આ સાધનો ઉપર માણસે તેને આપેલો અર્થ કોતરાઈ જાય છે. સાર્ત્ર વેબરનું વિધાન સ્વીકારે છે : ‘પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બધી વસ્તુઓ સામાજિક હકીકતો છે.’ માણસના વ્યાવહારિક અને સામાજિક ક્ષેત્રની વ્યવસ્થા કે પુનનિર્માણ વ્યક્તિની જરૂરિયાતો અને ભૌતિક વસ્તુઓના સાધનરૂપ મૂલ્યના સંદર્ભમાં થાય છે.

જૂથ અને શ્રેણી : (Group & Series) સાર્ત્રના મત મુજબ આધુનિક યુગના કોઈ વિશાળ નગરમાં વસતા માનવસમુદાયનાં ત્રણ લક્ષણો છે : એકલતા, અન્યોન્યાશ્રય અને બહારથી થતું વ્યક્તિઓનું એકીકરણ. બસ માટે રાહ જોઈને ઊભેલાં માણસો એક ‘જૂથ’નાં ન કહી શકાય. તે દરેક પોતાના અંગત કામ માટે બહાર જવા નીકળ્યાં છે. આવા સમૂહને સાર્ત્ર “Plurality of Solitudes" તરીકે વર્ણવે છે. આવા સમૂહમાં વ્યક્તિઓ વચ્ચેની આંતરક્રિયા નહિવત્ છે. તેમની વચ્ચે બાહ્ય સંબંધો છે. બસ માટે રાહ જોતી દરેક વ્યક્તિ સમક્ષ આખા માનવસમુદાયનું અસ્પષ્ટ ભાન હોય છે અને બધાની આવી જ સ્થિતિ છે તેવું ભાન આવી વ્યક્તિઓને પોતાના એકાંતનો ખ્યાલ આપે છે. (Polyvalent solitude) એકલી વ્યક્તિઓ પણ ઉત્પાદનનાં જાહેર સાધનોનો ઉપભોગ કરે છે કે જેની પાછળ અનેક વ્યક્તિઓનો શ્રમ પડેલો છે. દા. ત., રસ્તામાંથી છાપું ખરીદીને વાંચનાર માણસ તદ્દન એકલો નથી કારણ કે અન્ય માણસોના શ્રમથી ઉત્પન્ન થએલી વસ્તુનો તે ઉપયોગ કરે છે. આ રીતે તે એક અનામી માનવસમુદાયનો સભ્ય બને છે. જાહેરજીવનની વસ્તુઓને ઉપભોગ કરતો માનવસમુદાય એ અંતે તો દરેક એકલી પડી ગયેલી વ્યક્તિનો બનેલો છે. આ એકલવાયા અસ્તિત્વનો અનુભવ વિશાળ શહેરસમુદાયનું અંગ છે. પરંતુ બાહ્ય દૃષ્ટિએ આ જાતનો સમૂહ એક ‘જૂથ’ જેવો જણાય છે. ‘કયૂ’માં ઊભેલી વ્યક્તિઓની એકતા(Serial Unity) બાહ્ય સંબંધોની છે. બસમાં બધાને સ્થાન મળવું શક્ય ન બને તો કેટલાક માણસોને ‘વધારાના’ ગણાવું પડે અને તેને માટે લાઇનમાં ઊભા રહેવાનું એક બાહ્ય ધોરણ ઉપજાવવામાં આવે છે. આવું ‘જૂથ’ એક અમૂર્ત કક્ષાનું તાદાત્મ્ય અનુભવે છે. ખરા અર્થમાં ‘જૂથ’નું સંગઠન કોઈ સમાન હેતુને લીધે ઉદ્ભવે છે. ભયભીત થએલાં ટોળાંઓ કે ક્રાંતિકારી જૂથોને સાર્ત્ર આ વર્ગમાં મૂકે છે. તેમાં સક્રિય સંગઠન હોય છે. જૂથનું અસ્તિત્વ પણ વ્યક્તિનાં અસ્તિત્વની જેમ આકસ્મિક અને અસ્થિર હોય છે. સક્રિય જૂથો જ્યારે સંસ્થાસ્વરૂપ જૂથ બની જાય ત્યારે તેમાં ફરી પાછી અમુક નિષ્ક્રિયતા આવી જાય છે. સાર્ત્રની દૃષ્ટિએ માનવીઓ વચ્ચેના સંબંધો હમેશાં ઘર્ષણરૂપ અને સ્પર્ધાત્મક છે. એક વ્યક્તિના સ્વાતંત્ર્યને બીજી વ્યક્તિઓનું અસ્તિત્વ મર્યાદિત બનાવે છે. પરિણામે બે વ્યક્તિઓ કે જૂથો વચ્ચે ખરી એક્તા કે સહકાર સ્થાપવા માટે તેનું સ્વાતંત્ર્ય ઝૂંટવી લેનાર ત્રીજી વ્યક્તિ કે જૂથનો સામનો કરવો જોઈએ. સામાજિક પ્રવૃત્તિઓનું ધ્યેય વ્યક્તિઓનું સ્વાતંત્ર્ય સુરક્ષિત રાખવાનું હોવું જોઈએ. નેલરના વિધાન મુજબ ‘Sartre’s social philosophy is a philosophy of transcendence.’ દમન કરતી જાતિઓ કે વર્ગની સામે લડત એ સામાજિક ક્રાંતિનું હાર્દ છે.

(ड) સાર્ત્રનું રાજનૈતિક ચિંતન

૧૯૪૭ પછીનાં સાર્ત્રનાં મુખ્ય લખાણો રાજકીય બાબતો અંગેનાં રહ્યાં છે. સાર્ત્ર, અમેરિકન રાજનીતિ વિશે કે યહૂદીઓની સમસ્યા વિશે લખતા હોય પરંતુ તેમની વિચારપદ્ધતિમાં માર્ક્સવાદી પૃથક્કરણનું વર્ચસ્ જણાય છે. સાર્ત્રના ફ્રેંચ વિવેચક રેનેના મત મુજબ ૧૯૩૮માં ‘નોશિયા’ નવલકથાના લેખક સાર્ત્ર અને ૧૯૬૦માં ‘અભિનવ માર્ક્સવાદ’ સ્થાપવાના ઉત્સાહી સાર્ત્રમાં ઘણો તફાવત જણાય છે. જો કે સાર્ત્રના એક પ્રખર અભ્યાસી રોબર્ટ કુમિંગના પૃથક્કરણ પ્રમાણે સાર્ત્રની વિચારસરણીમાં કોઈ મૂળભૂત તાત્ત્વિક અસંગતિ જણાતી નથી. સાર્ત્રનાં શરૂઆતનાં તત્ત્વજ્ઞાનનો મુખ્ય પ્રશ્ન વ્યક્તિની ચેતનાના સ્વરૂપનો અભ્યાસ કરવાનો હતો. તે અભ્યાસ ઉપરથી સાર્ત્રે બે મહત્ત્વના સિદ્ધાંતો રજૂ કર્યા: (૧) માનવીનું અસ્તિત્વ આકસ્મિક અને નિરાધાર છે. તેનું કોઈ તાર્કિક ઔચિત્ય દર્શાવી શકાતું નથી, (૨) માનવીની ચેતના મુક્ત છે. માનવસ્વાતંત્ર્ય અબાધિત છે પરંતુ બીજી વ્યક્તિઓનું અસ્તિત્વ હોવાથી આ સ્વાતંત્ર્યને માટે જોખમ ઉદ્ભવે છે. તમામ માનવસંબંધો સંઘર્ષરૂપ છે. પરિણામે માનવીએ પોતાનું સ્વાતંત્ર્ય જાળવવા માટે પ્રવૃત્ત થવું જોઈએ. ૧૯૬૦માં સાર્ત્ર એમ માનવા પ્રેરાયા કે કાર્યની ભૂમિકાએ માર્ક્સવાદ સાચો છે એટલે કે વર્ગો વચ્ચેનો સંઘર્ષ એ મુખ્ય સામાજિક બાબત હોવાથી, ક્રાંતિ દ્વારા નવીન સમાજરચનાનો હેતુ પાર પાડી શકે છે, પરંતુ સાર્ત્રને માર્ક્સવાદી વિચારધારાના મૂળમાં રહેલી કેટલીક ધારણાઓ માન્ય નથી. સાર્ત્રની દૃષ્ટિએ વ્યક્તિનું વર્તન માત્ર આર્થિક કે સામાજિક પરિબળોના પ્રત્યાઘાત રૂપ નથી. માર્ક્સનું કથન છે કે અમુક પૂર્વનિર્ણિત પરિસ્થિતિમાં માણસ ઇતિહાસ સર્જે છે. કેટલાક માર્ક્સવાદીઓ આ વિધાનનો અર્થ ઘટાવતાં એમ દલીલ કરે છે કે માનવી માત્ર પારસ્થિતિઓનો ગુલામ છે. હકીકતમાં સાર્ત્ર સ્વીકારે છે કે માણસો પરિસ્થિતિઓમાં મૂકાયેલા હોય છે, પરંતુ પરિસ્થિતિઓને પાર કરીને નવો ઇતિહાસ સર્જવાનું માણસને માટે શક્ય છે. સાર્ત્ર માનવસ્વાતંત્ર્યનો સ્વીકાર કરે છે અને વ્યક્તિત્વવાદી દૃષ્ટિબિંદુ સ્વીકારે છે, એટલે સ્વાભાવિક રીતે એક પ્રશ્ન થાય છે કે માર્ક્સવાદ સાથે સાર્ત્રનો અસ્તિત્વવાદ કઈ રીતે સુસંગત હોઈ શકે? માર્ક્સવાદમાંથી સાર્ત્ર નીચેના મહત્ત્વના મુદ્દાઓ સ્વીકારે છે : (૧) સમાજમાં વ્યક્તિઓનો જીવનવ્યવહાર ઉત્પાદન અને શ્રમની આર્થિક ઘટના સાથે સંકળાયેલો છે, (૨) ઉત્પાદન અને શ્રમની આર્થિક સમસ્યાના ઉકેલ કરતાં જે સામાજિક વ્યવસ્થા ઉદ્ભવી તેમાં મૂડી ધરાવતો વર્ગ અને શ્રમ કરતો વર્ગ એવું દ્વિભાજન થતું ગયું. (૩) આ વર્ગવિગ્રહને પરિણામે માનવઇતિહાસમાં સંઘર્ષનું તત્ત્વ પ્રવેશ્યું છે. એટલે એક વર્ગ બીજા વર્ગનું દમન કરે છે ત્યાં સુધી સાચી રાજકીય મુક્તિ મળવી અશકય છે, (૪) કોઈ પણ સમાજમાં વર્ચસ્વ ધરાવતો સામાજિક વર્ગ મૂલ્યો અને વિચાર-પદ્ધતિઓનું નિર્માણ કરે છે, (૫) માનવઇતિહાસ કોઈ વિશ્વયોજના પ્રમાણે આકાર લે છે અને તેનું ધ્યેય કોઇ અંતિમ નૈતિક પૂર્ણતાએ પહોંચવાનું છે તેવું સાર્ત્ર સ્વીકારતા નથી. સાર્ત્ર માર્ક્સવાદનાં આ તત્ત્વોમાં પોતાના અસ્તિત્વવાદનાં કેટલાંક તત્ત્વો ઉમેરે છે : (૧) માણસને સ્વાતંત્ર્ય છે અને સ્વતંત્ર થવું કે ન થવું તે બાબતમાં કોઈ પસંદગી નથી. (૨) માણસનું સ્વાતંત્ર્ય બીજા માણસથી મર્યાદિત થાય છે, (૩) આર્થિક પરિબળો અને સામાજિક વર્ગરચના માણસનું શોષણ કરીને તેનાં સ્વાતંત્ર્યને નબળું પાડે છે, (૪) વ્યક્તિનાં કાર્યો તેની પોતાની વિશિષ્ટતા પ્રગટ કરે જ છે પરંતુ તેનાં કાર્યો વ્યક્તિ જે સામાજિક વર્ગમાં મુકાયેલી છે તેની વિશિષ્ટતા પણ વ્યક્ત કરે છે રંગભેદની નીતિની વિરુદ્ધ બળવાખોર કૃત્ય કરનાર વ્યક્તિ પોતાનું ક્રાંતિકારી વલણ વ્યક્ત કરે છે અને તે ઉપરાંત તે વર્ગનું ક્રાંતિભાન વ્યક્ત કરે છે, (૫) માનવઈતિહાસના વિકાસક્રમમાં વ્યક્તિઓ અને વસ્તુઓનો સંબંધ બહિર્લક્ષી હોય છે અર્થાત્ વસ્તુઓ માનવઉપયોગના માત્ર સાધનરૂપે ગણવામાં આવે છે. માણસ વસ્તુઓને ઉત્પન્ન કરે છે અને નવું રૂપ આપે છે અને પરિણામે તેનું વર્તન ફરી પાછું આ વસ્તુઓથી નિયંત્રિત થાય છે—‘Man is the product of his own Product.’ તે જ પ્રમાણે માણસ અને માણસોના સંબંધોને લીધે જે સમાજરચના ઉદ્ભવે તેની અસર વ્યક્તિના વિકાસ ઉપર થાય છે. ભૌતિક અને સામાજિક વાતાવરણમાં વ્યક્તિ પોતાનો ઈતિહાસ સર્જે છે, પરંતુ વ્યક્તિનાં ધ્યેયો ને સફળતા કે નિષ્ફળતા માટે અમુક અંશે ભૌતિક અને સામાજિક વાતાવરણ જવાબદાર છે. (૬) ક્રાંતિનું તત્ત્વજ્ઞાન માર્કસવાદ કરતાં અસ્તિત્વવાદ દ્વારા વધુ સફળતાથી સમજી શકાય છે કારણ કે (अ) માણસનું અસ્તિત્વ આધાર વગરનું છે, (ब) સમાજવ્યવસ્થા કોઈ દૈવી ક્રમ પ્રમાણે નિયત થયેલી નથી પરંતુ પરિવર્તનશીલ છે, (क) પરિસ્થિતિ અસહ્ય છે અને તેના વિશે કાર્યશીલ થવું જોઈએ તેવું ભાન વ્યક્તિની ચેતનામાં પ્રગટે ત્યારે જ ક્રાંતિ સર્જાય છે, (ड) ક્રાંતિ સ્વાતંત્ર્ય સાથે સંકળાયેલી છે તે ભૌતિક અને આર્થિક પરિબળોનું માત્ર નિષ્ક્રિય પરિણામ નથી. (૭) સાર્ત્ર વિરોધજનિત વિકાસપ્રક્રિયા (Dialectic) સ્વીકારે છે પરંતુ આ વિકાસપ્રક્રિયાનો માર્ક્સવાદી અર્થ સ્વીકારતા નથી. માર્ક્સવાદમાં ચેતના કરતાં ભૌતિક પદાર્થને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે ત્યારે સાર્ત્રના અસ્તિત્વવાદમાં વ્યક્તિવિશેષ (Subject)ને મહત્ત્વ છે. હેગલની જેમ સાર્ત્ર માને છે કે વર્તમાન સામાજિક પરિબળોની વિસંવાદીતામાંથી કે વિરોધમાંથી નવું સંયોજન ઉદ્ભવે છે. જોકે કોઈ વિશ્વાત્મા (Absolute Mind) આ વિકાસપ્રક્રિયાના તબક્કાઓમાં મૂર્ત થાય તેવું હેગલનું મંતવ્ય સાર્ત્રને માન્ય નથી. સાર્ત્ર માર્ક્સનું ‘Dialectical Materialism’ સ્વીકારતા નથી. ભૌતિક પદાર્થોનું બનેલું જગત પણ આખરે માનવચેતનાને લીધે સંગઠિત થાય છે. સાર્ત્ર દ્વૈતના બે છેડા કલ્પે છે : (૧) માનવસક્રિયતા (Praxis) અને (૨) વસ્તુસંપન્ન વ્યાવહારિક ક્ષેત્ર (Practico–Inerte). વ્યક્તિનું વર્તન હેતુલક્ષી અને વ્યક્તિએ પોતાનું વર્તન ભૌતિક અને સામાજિક વાતાવરણના સંદર્ભમાં કરવાનું છે. ભૌતિક વાતાવરણ વ્યક્તિની ક્રિયાઓને અવરોધક પણ હોઇ શકે. ભૌતિક સાધનોની અછતની પરિસ્થિતિમાંથી સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓના પ્રકારો નિશ્ચિત થાય છે. (૮) લેનીનના મત મુજબ ‘ચેતના માત્ર ભૌતિક સત્તાનું પ્રતિબિંબ છે’ સાર્ત્ર લેનીનના આ વિધાનની ટીકા કરતાં કહે છે કે મૂળ વસ્તુ અને પ્રતિબિંબ બન્નેનો તફાવત જાણનાર જ્ઞાતા બન્નેથી પર હોવો જોઈએ અને ભૌતિકવાદના સિદ્ધાંત પ્રમાણે આ શક્ય નથી. તે જ પ્રમાણે નવી વિચારધારાઓ પણ જો સામાજિક અને આર્થિક પરિબળોના પ્રત્યાઘાતરૂપે ઉત્પન્ન થતી હોય તો પછી સ્ટેલીન એવું મંતવ્ય રજૂ ન કરી શકે કે નવી વિચારધારાઓ ભવિષ્યનાં મૂલ્યો તરફ ગતિ કરતાં પરિબળો છે. દા. ત. માર્ક્સવાદ ખુદ એક સ્થાનિક પરિસ્થિતિના પરિણામરૂપી વિચારધારા હોય તો પછી તેનું મૂલ્ય બહુ ઘટી જાય છે અને માનવ-ઇતિહાસના સર્વકાલીન સત્ય તરીકે તેને ન ગણી શકાય. તત્ત્વતઃ સાર્ત્ર અને માર્ક્સના વલણમાં મૂળભૂત તફાવત એ દર્શાવી શકાય કે સાર્ત્ર વ્યક્તિને કેન્દ્રમાં રાખીને ‘Dialecitc’ની સમજૂતી આપે છે ત્યારે માર્ક્સવાદમાં વ્યક્તિના ઈતિહાસના નિર્માણમાં સામાજિક, આર્થિક અને જૈવકીય પરિબળોનું નિયંત્રણ સ્વીકારવામાં આવે છે. વ્યક્તિ બહારના વાતાવરણને પોતાની ચેતનામાં આત્મસાત્ કરે છે અને પછી કાર્યો દ્વારા આ સમૃદ્ધ થયેલી ચેતનાને ફરી પાછી વ્યાવહારિક જગતમાં મૂર્ત સ્વરૂપ આપે છે. માર્ક્સનું એક મહત્ત્વનું વિધાન છે: ‘ભૌતિક પરિસ્થિતિઓના ઉત્પાદનનો પ્રકાર સામાજિક રાજકીય અને બૌદ્ધિક જીવનના વિકાસ ઉપર પ્રભાવશાળી અસર પાડે છે.’ જ્યારે ઉત્પાદન અને શ્રમના ભૌતિક પ્રશ્નો ઉકેલાઈ જશે ત્યારે જ માનવ માટે સાચી મુક્તિ શક્ય છે તેવો અર્થ માર્કસના ઉપર્યુક્ત વિધાનમાં અભિપ્રેત છે. સાર્ત્ર પણ આ જ બાબત બીજી રીતે વ્યક્ત કરે છે: ‘જ્યારે દરેકને માટે ઉત્પાદન ઉપરાંતના ક્ષેત્રમાં સાચું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થશે ત્યારે માર્ક્સવાદનો અંત આવશે અને મુક્તિના તત્ત્વજ્ઞાનનો ઉદય થશે. આ મુક્તિ કેવા પ્રકારની હશે તેનો આપણે ખ્યાલ કરી શકતા નથી.’ ૧૯૪૨માં સાર્ત્રની જે મુક્તિની વિચારસરણી હતી તેનાથી આ વિધાનમાં વ્યક્ત થતું દૃષ્ટિબિંદુ તદ્દન જુદું છે. હેઝલ બાર્ન્સ આ વિધાનનું રહસ્ય સમજાવતાં સૂચવે છે કે માનવજાતનો મોટો ભાગ જ્યાં સુધી જીવનજરૂરિયાતોની વસ્તુઓના ઉત્પાદન અને ઉપભેાગમાં રોકાયેલો છે ત્યાં સુધી ઉચ્ચ પ્રકારના જીવનની અને સર્જનાત્મક મુક્તિની શક્યતા નથી. આ દૃષ્ટિએ સાર્ત્રને માર્ક્સવાદમાં બે મુખ્ય ક્ષતિઓ દેખાય છે: (૧) ભૌતિક પદાર્થ (Matter)ની અંતિમ સત્તા સ્વીકારવાથી માર્ક્સવાદનું ક્રાંતિનું તત્ત્વજ્ઞાન સમજી શકાય નહીં. સાર્ત્ર એંજલનો જીવવિજ્ઞાન અને પદાર્થવિજ્ઞાનનો મત તપાસે છે અને ટીકા કરતાં દર્શાવે છે કે ભૌતિક વિજ્ઞાનો પૃથક્કરણાત્મક છે. તેમાં પરિમાણાત્મક (quantitative) ફેરફારોનો બાહ્ય દૃષ્ટિએ અભ્યાસ થાય છે. પાણીનું વરાળમાં કે બરફમાં રૂપાંતર થાય તો પણ કોઈ પ્રગતિ વિકાસ કે સંયોજન થયું ન ગણાય. ભૌતિક પદાર્થો બાહ્ય પરિબળોથી ક્રિયા પ્રતિક્રિયા કરે છે એટલે સમન્વય (Dialectic)ની ક્રિયા ભૌતિક ક્ષેત્રે શક્ય નથી, (૨) સાર્ત્ર જેમ સમન્વયાત્મક ભૌતિકવાદ (Dialectical Materialism) સ્વીકારતા નથી તેમ તેઓ ઐતિહાસિક ભૌતિકવાદ સ્વીકારતા નથી. સમાજના ઉચ્ચ પ્રકારના સ્વરૂપોના પાયામાં માત્ર ભૌતિક અને આર્થિક પરિબળોનું વર્ચસ્વ છે તેમ સાર્ત્ર માન્ય કરતા નથી કારણ કે ઘણી વાર વિચારસરણીઓ (Ideologies)ની પણ ક્રિયા પ્રતિક્રિયા દ્વારા સામાજિક વાતાવરણ ઉપર અસર થાય છે. આખરે તો માનવી જ ઇતિહાસનો સર્જક છે.


(इ) સાર્ત્ર અને શિક્ષણના પ્રશ્નો

અસ્તિત્વવાદીઓએ શિક્ષણવિષયક કોઈ સિદ્ધાંત ઔપચારિક રીતે રજૂ કર્યો નથી. પરંતુ માનવીના અસ્તિત્વ અને તેના મૂળભૂત સ્વાતંત્ર્યના પ્રશ્નો શિક્ષણના ક્ષેત્રને બહુ નિકટ રીતે સ્પર્શે છે. આ સંદર્ભમાં પ્રોફેસર જ્યોર્જ એફ કનેલરનું ‘Existentialism and Education’ એ પુસ્તક બહુ મનનીય વિચારસામગ્રી પૂરી પાડે છે. અસ્તિત્વવાદના તત્ત્વજ્ઞાનમાંથી શિક્ષણશાસ્ત્રને લગતા પ્રશ્નો કઈ રીતે ફલિત કરી શકાય છે તે બાબત કનેલરે સ્પષ્ટ રીતે દર્શાવી છે. અસ્તિત્વવાદમાં (૧) વ્યક્તિની મૂળભૂત નિરાધારતા, (૨) તે એકલા પડી ગયાનું ભાન, (૩) તેના ચિંતા, દુ:ખ અને ઘૃણાના અનુભવો, (૪) મૂલ્યોની સાપેક્ષતા, (૫) જગતના રહસ્યની અપારદર્શકતા અને (૬) વિરાટ માનવસમાજમાં યંત્રવત્ જીવન–આ બાબતોને માનવીય પરિસ્થિતિનાં લક્ષણો તરીકે ગણવામાં આવે છે. શિક્ષણ સંબંધી સાર્ત્રના અસ્તિત્વવાદની ફલશ્રુતિ તારવતાં નીચેની બાબતો મુખ્ય જણાય છે: (૧) શિક્ષણની પ્રક્રિયામાં વ્યક્તિની વ્યક્તિવિશેષતાને મહત્ત્વ આપવું જોઈએ. તેના સ્વાતંત્ર્યને શિક્ષણની પ્રક્રિયામાં પૂરતું ભાગીદાર બનાવવું જોઈએ. (૨) ઔપચારિક શિક્ષણ અથવા નિયત થયેલી સામાજિક શિક્ષણ સંસ્થા ઉપરાંત વ્યક્તિને પોતાની આંતરિક માનસિક સ્થિતિઓ પ્રત્યે જાગૃત થવાનું શક્ય બનાવવું જોઈએ. (૩) સામાજિક મૂલ્યો પૂર્વયોજિત છે, દૈવી રીતે પ્રસ્થાપિત છે અને વ્યક્તિઓએ માત્ર તેને અનુસરવાનું છે તેવું આંધળું અનુકરણાત્મક શિક્ષણ વ્યર્થ છે. (૪) મૃત્યુના ખ્યાલથી વિકૃત રીતે પીછેહઠ કરવા કરતાં તેને અસ્તિત્વના ચોક્કસ સંદર્ભમાં સમજવું જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીઓને જીવનનાં મૂલ્યો અને મૃત્યુનાં સ્વરૂપ વિશે પણ જાગૃત કરવા જોઈએ. જીવન અને મૃત્યુનાં અસ્તિત્વ વિશેની આંતરિક જાગૃતિ ઉત્પન્ન થાય તો, ચેતના તીવ્ર થાય છે. ઊંઘમાં ચાલતા માણસની જેમ માત્ર ટેવની સપાટીએ જીવનવ્યવહાર ન ચાલવો જોઈએ. (૫) કિર્કગાર્ડનો ઔપચારિક ધાર્મિક શિક્ષણ પ્રત્યેનો વિરોધ, સાર્ત્રની વ્યક્તિસ્વાતંત્ર્યની હિમાયત, હાઇડેગરનો પ્રમાણિત અસ્તિત્વનો ખ્યાલ વગેરે ઉપરથી એટલું ફલિત થઈ શકે કે શિક્ષક વિદ્યાર્થી સંબંધોમાં માત્ર ઔપચારિકતા ન હોવી જોઈએ. એ ઉભયલક્ષી આંતરક્રિયા બની જવી જોઈએ. શિક્ષણની અંતિમ શોધ વ્યક્તિને માટે સત્યની પ્રતીતિ કરવાની છે. (૬) સાર્ત્ર જણાવે છે સાહિત્યકારનો હેતુ માત્ર સર્જન કરીને સાક્ષીરૂપ બનવાનો નથી. માનવીની સામાજિક પરિસ્થિતિમાં સાહિત્યનિર્માણથી ઘણાં પરિવર્તનો લાવવાનાં છે એટલે લેખક અને વાચકની સક્રિય આંતરક્રિયામાં સાહિત્યનું સાચુ સંક્રમણ થાય છે. કલા ખાતર કલાનો સિદ્ધાંત સ્વીકાર્ય નથી. (૭) જ્ઞાનના ક્ષેત્રમાં સૉક્રેટીસ જેવી નમ્રતાનું વલણ રાખવાનો તમામ અસ્તિત્વવાદીઓનો આદર્શ છે. (૮) અસ્તિત્વવાદીઓની મુખ્ય સ્વીકૃતિ પ્રમાણે વ્યક્તિ કરતાં જૂથને મૂળભૂત એકમ ગણવામાં જીવન વિશે એક ગંભીર ગેરસમજૂતી પ્રવર્તે છે. વ્યક્તિની આંતરિક મુક્તિ અને સમૃદ્ધિને સ્પર્શતું શિક્ષણ જ ઉચિત શિક્ષણ છે. માનવીઓ વિશે કોઇ આખરી સત્ય મળી ગયું છે તેવો મિથ્યા આત્મસંતોષ જરૂરી નથી. સાર્ત્ર માનવતાવાદી વ્યક્તિવાદી અને નિરીશ્વરવાદી હોવાથી શિક્ષણ પ્રક્રિયાનું તેનું પૃથક્કરણ આ જ પ્રકારનું હોઈ શકે તે સ્વાભાવિક છે.