કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૧૪. મૃત્યુ

Revision as of 01:29, 17 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૪. મૃત્યુ

આટલે દૂરથી
મને મૃત્યુનાં પાંસળાં બરાબર જણાય છે,
કદાચ પાસે જઈશ, તો એનું રૂપ બદલાઈ જશે.
મૃત્યુ છે એક મોટું મોઝેઇક.
એનાં છીંડેછીંડાંમાં હજાર હજાર માણસો જડેલા છે
પરંતુ દૂરથી એ આખા માણસ જેવું લાગે છે.
એની આંખોમાં બે-ચાર કવિઓની છાતીના ભૂરા સૂરજ છે
અને આંગળાંમાં ચિત્રકારોની કડવી નજરોના ડાઘ છે.
એનું શરી૨ માણસનું છે
છતાં એને વૃક્ષ પણ કહી શકાય.
આદિ મનુષ્ય એને વાદળું પણ કહે.
એની ધોરી નસ કાપીએ તો ધખધખ કરતાં જીવડાં એમાંથી નીકળે.
એ જીવડાં અત્યારે શાપ પૂરો થવાને લીધે
ઈશ્વર બનવાની તૈયારીમાં છે.
એનું માંસ કોચીએ
તો કેળાના ગરની મીઠાશનું પોત માણવા મળે.
એના પેટમાં સ્ત્રીઓના હોઠની લોલુપતા છે,
સાથળમાં શેતાનનો અદ્ભુત મહેલ છે,
હાથમાં આકાશનો વ્યાપ છે,
પગમાં કાચંડાના રંગની ચંચળતા છે.
એની પીઠ પાણીની છે
અને મોં રાખનું છે.
અરેરે, મને તો બધું દેખાય છે!

આટલે દૂરથી પણ
મને મૃત્યુ સામે જ ઊભેલું જણાય છે,
આછરેલા પાણીના અરીસામાં
સાવ સામે ઊભું,
ટગરટગર તાકતું.

૧૯૬૧
(અથવા અને, પૃ. ૩૪-૩૫)