બારી બહાર/૧૬. ઝાંખી

Revision as of 01:49, 18 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૬. ઝાંખી

કરે ધરીને નવ લક્ષ દીવા,
આ આભ ઊભું તુજ દ્વાર આવી;
ને સાત સિંધુ તુજ પાય ધોવા
ઊભા રહ્યા નીર અગાધ લાવી.

નાચંત સૌ નિર્ઝર દ્વાર તારે
ને વીંઝણા સૌ વન ઢોળતાં તને;
ફૂલો ભરે વાટ બધી સુવાસે,
ને કીર્તિગીતો તુજ, પંખીગાને.

હું આવિયો ત્યાં મુજ શૂન્ય હાથે;
ના નીર કે દીપક એક સાથે;
જોતો રહું મૂઢ હું ભવ્ય આરતી,
નિસર્ગદેવી તુજ જે ઊતારતી.

નાચું,–જહીં નિર્ઝર નાચનારા ?
ગાઉં,–જહીં છે દ્વિજગાનધારા ?
અચેત ઊભો તુજ દ્વાર તાકી :
છે એક વાંછા : કરું આજ ઝાંખી.