બારી બહાર/૨૯. અમે અંધારું શણગાર્યું
આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.
ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યું, હે જી…
પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ ખળખળ બોલે :
ધરણીના હૈયાના હરખે જાણે આજ અંધારાને યે નચાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યું, હે જી…
વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠયું;
ઊડે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું!
હો આજ અમે અંધારું શણગાર્યું, હે જી…
થાયે છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાં યે વ્રત થાતાં :
આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાને યે અપનાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું, હે જી…