બારી બહાર/૫૧. મળ્યાં અને જુદાં પડ્યાં
મળ્યાં અને જુદાં પડ્યાં.
હવે ફરી કદીય તું મળીશ કે નહીં મળે,
ન જાણતો જરીય એ, પરંતુ ભાન છે હયે.
પ્રવાહ માંહી લાકડાં તણાઈને મળી જતાં,
અને છૂટાં પડી જતાં :
મળ્યાં અને છૂટાં પડયાં નથી જ એમ આપણે.
અનેક આશથી ભરેલ અંતરે મળ્યાં, અને
અનેક આશને વળી, મળી, ઉછેરતાં મને;
ભવિષ્યમાં બધાં સુખો, સ્મૃતિસ્વરૂપ સૌ દુખો,
હસી હસી નિહાળતાં અને દિનો વિતાવતાં.
જેમ જિંદગાની બે મળે : મળેલ આપણે ય
તેમ ભાવના અને અનેક કામના થકી
ભર્યાં ભર્યાં ઉરે, અને પછી વળી જુદાં પડયાં.
પ્રવાહ બે મળે અને, મળી, ભળી, વહી રહે,
પ્રવાહ એકથી કદી વહેણ બે થઈ વહે;
તેમ આપને મળ્યાં, ભળ્યાં, અને વહી રહ્યાં,
–પ્રવાહ એકનાં પછી વહેણ બે સમાં થયાં.