બારી બહાર/૮૫. મશીનની માનવી ઉપર સવારી

Revision as of 11:17, 19 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૮૫. મશીનની માનવી ઉપર સવારી

ગાડી જાયે વેગવંત,
નિયત મંજિલ એની, નિયત કરેલ પંથ.
આમતેમ ટહેલવાની નહીં વેળા પાસે,
મુકામે પહોંચી એને જાવું એક શ્વાસે.

‘રુક જાઓ !’–નાનકડી ઊભી અહીં ગાય :
કોઈનો ન એને એવો સાદ સંભળાય.
હાશ, ભાગી ગઈ ગાય,
–ગાડીથી તો શે થોભાય !
માથા પરે લઈ એક લાકડાની ભારી,
અડવાણે પાયે એક ચાલી આવે નારી.
ભારીની ઉપર જેવું લૂગડું વીંટાળ્યું,
એવું એના અંગ પરે ચીંથરું નિહાળું.
સૂરજ ગયો છે ઢળી :
અંધારાથી ધરતી આ બની ગઈ શામળી.

મેદાન વટાવી, નારી, નાનકું ચઢાણ
ચઢીને જ્યાં આવી, ત્યાં તો થઈ કેવી હાણ !
એને વિશે સાંભળશે કોણ મારી વાણી ?
ભારે ભારે કામ કેરાં સહુને દબાણ.
તે દિવસે રાતે.
આવી નહીં ઊંઘ મારી આંખે કોઈ વાતે !
અંધારામાં જોઉં પેલી નારી માથે ભારી :
આંતરડી પાડી ઊઠે મારી ચિચિયારી.

લાગણી-વિવશતા આ : એવું કોઈ બોલે;
કોઈ કહે : અલ્યા, તું તો પોચટની તોલે.

કહી શકો તમે એવું, તમે જાણકાર,
–પ્રાણ મારો પણ કરી ઊઠે હાહાકાર.
ઘડી ઘડી જોઉં પેલી નારી માથે ભારી,
–મશીનની માનવીની ઉપરે સવારી !

વિચાર ધરે છે તહીં તિમિરે આકાર :
મશીનના જોઉં, અહો, કેટલા પ્રકાર!
કોઈ તણી સીટી વાગે ‘ધરમ, ધરમ !’
કોઈની વરાળ બોલે કંઈક ‘ઇઝમ.’
‘ધન ! ધન ! ધન ! ધન !’–કોઈનો અવાજ;
કોઈકના ભૂંગળામાં સત્તા કેરો નાદ.
નિયત કરેલ એના પંથ માંહી ગતિ;
ધસમસી જાયે,–એમાં થોભવાનું નથી.
ગતિ કરે કેવી હાણ, –તેની એને નહીં જાણ!
મશીનની જાય ચાલી આવી વણઝાર,
કચરાતા જાઉં એમાં નાના નાના પ્યાર.
સાંભળે તે કોણ પણ એનો ચિતકાર !

શમી જાયે સકલ એ વિચાર-આકાર :
ઘેરી મને ભીંસી રે’તો ઘન અંધકાર.
બોલી ઊઠે મન મારું : કરુણ આ ભારી
મશીનની માનવીની ઉપરે સવારી !