કસુંબલ રાતી આંખડી
રોમેરોમે ઢીંગલીનાં દૂધ.
બળ બાહુમાં બરછી ઊછળે
ઢાલે ઢળકે જુદ્ધ.
ન્હાનાલાલ
ગૌતમે અવાજ ઓળખ્યો. જંગલમાં સંતાયેલો મંગળ ગૌતમની ખબર કાઢવા ગામમાં આવ્યો હતો.
‘પાંડેજી! તમે કેમ આવ્યા? હું છૂટયો છું. તમે હજી છુટ્ટા નથી.’ ગૌતમે કહ્યું.
‘તું છુટ્ટો છે એમ માને છે? હા… હા… હા… છતી આંખે અંધ!’ ઘેલછાભર્યું હસીને મંગળ બોલ્યો. તેનું હાસ્ય અંધકારને હલાવી નાખતું હતું.
‘તમે શું કહો છો તે મને સમજાતું નથી.’
‘શાનું સમજાય? આપણે જાતે બંદીખાનું બાંધ્યું છે અને બાંધવા દીધું છે. કેટલીક વખત માનવી એવો પામર બની જાય છે કે તે કારાગૃહને મહેલ માની બેસે છે.’
‘હશે.’
‘હશે નહિ, એમ જ છે! હું પણ છુટ્ટો નથી અને એકે હિંદી છુટ્ટો નથી. છુટ્ટી છે માત્ર કંપની બહાદુર!’
‘અહીં વાત ન કરો. કોઈ સાંભળશે.’
‘દરેકના કાનમાં શંખ ફૂંકી આવ કે તમે બધાય ગુલામો છો – કેદીઓ છો. બધાએ સાંભળવાની જરૂર છે.’
‘પણ અહીં તો લશ્કર પડયું છે!’
‘તું અને હું લશ્કરને ઓળખતા નથી, ખરું?’
‘આપણે આજ લગી તો લશ્કરીઓ છીએ.’
‘પછી ડરે છે શાનો? લશ્કરને સાંભળવા દે. ખરી જરૂર તેને જ સાંભળવાની છે.’
એકાએક પાઠશાળા ભણીથી મીઠો સાદ આવ્યો :
‘ત્ર્યંબક!’
ગૌતમે તે સાદ ઓળખ્યો. કલ્યાણીના સાદમાં સંગીત હતું.
‘કેમ?’ ત્ર્યંબકે સામો જવાબ આપ્યો.
‘તું આવ્યો?’
‘હા.’
‘કોણ કોણ છે? બધા શું કર્યા કરો છો?’
‘કાંઈ નહિ; આવીએ છીએ.’ ગૌતમે જવાબ આપ્યો.
કલ્યાણીનો અવાજ બંધ થયો. ગૌતમ પાછો આવ્યો છે એ જાણી તેના ઊછળતા હૃદયને આરામ થયો.
મંગળે ગૌતમ જોડે પાઠશાળામાં જવા આનાકાની કરી. રુદ્રદત્તનાં દર્શન કરવાની મંગળને ઇચ્છા તો હતી; પરંતુ સાત્ત્વિકતાના પુંજ સમા ગુરુ તેના માર્ગમાં વિઘ્નરૂપ થઈ પડશે એમ તેને ભય હતો. તેને શાંતિનો ખપ નહોતો; તેને તો વંટોળિયા અને ઘમસાણ સાથે પ્રીતિ બંધાઈ હતી. સાત્ત્વિક આશ્રમો અને ડાહ્યા વિદ્યાર્થીઓનો મોહ તેને રહ્યો નહોતો; તેને તો પાણીપત અને હલદીઘાટ, સૈનિક અને ગોલંદાજનાં સ્વપ્ન આવતાં હતાં. તેણે કહ્યું :
‘ગૌતમ, ત્ર્યંબક! આ આશ્રમો હવે છોડો. તમારે હિમાલય અને તમારો સાગર તમારા કેદખાનાની દીવાલો બની ગયા છે.’
‘ખરું છે. પણ આજની રાત તો ચાલો. મેં પણ તમને બહુ દિવસે જોયા., પાંડેજી!’ ત્ર્યંબકે આગ્રહ કર્યો.
‘ના, ના; હું આશ્રમ સેવી ગયો છું. એમાં જાદું છે. રુદ્રદત્ત હથિયાર મુકાવી દર્ભાસને બેસાડી દેશે!’ મંગળ બોલ્યો. પાઠશાળામાંથી ફાનસનો પ્રકાશ આવ્યો. ફાનસ લઈ કોઈ યુવતી એ સ્થળે આવતી દેખાઈ.
ચારે પાસ અંધકાર, નાનકડા ફાનસનો પ્રકાશ તેની આસપાસના પાંચ હાથને ઉજાળતો અંધકારમાં તરતો હતો. પ્રકાશ અને અંધકારના ચગડોળને ઘુમાવતી એ યુવતી પાસે આવવા લાગી.
‘આશ્રમમાં એક નહિ પણ બે પાશ છે; સંભાળજો. હું ફરી મળીશ.’ કહી મંગળ પાંડેએ પીઠ ફેરવી.
‘એ કોણ જાય છે?’ ફાનસ લઈ આવતી કલ્યાણીએ પ્રશ્ન કર્યો અને તે ઝડપથી પાસે આવી.
‘એ તો મંગળ પાંડે.’ ગૌતમે કહ્યું.
‘પાંડેજી! જશો નહિ. ગુરુજી યાદ કરતા હતા.’ કલ્યાણીએ મોટેથી કહ્યું; અને મંગળ આગળ વધતો અટકી ગયો. ગુરુનું નામ રાજાની કે ઈશ્વરની આણ સરખું માન પામે છે. વિલાસી અને નિરુપયોગી ગુરુઓની હાનિકારક પરંપરા નિભાવી લેવામાં હિંદુઓની અંધશ્રદ્ધા કારણરૂપ હશે; છતાં એવી અંધશ્રદ્ધાભર્યું માનસ થઈ જાય ત્યાં સુધી ગુરુભક્તિ કાયમ રહે એ સ્થિતિમાં મૂળભૂત ગુરુઓના પ્રભાવનું પણ દર્શન કરવાનું આપણે ચૂકવું જોઈએ નહિ.
મંગળ પાછો ફર્યો. આ શૂરવીર સૈનિકને કેવળ યુદ્ધમરણનો જ આનંદ આજ સુધી પૂરતો હતો. એ આનંદ હવે તેને ઝેરભર્યો થઈ પડયો હતો. રુદ્રદત્ત માત્ર શોખના યુદ્ધથી વિરુદ્ધ હતા. હવે એ શોખ નહિ, પણ હેતુપૂર્વક કર્તવ્ય બની જતું હતું.’
‘રુદ્રદત્ત મને આશિષ આપે તો કેવું?’
મંગળના મનમાં વિચાર આવ્યો. પૂજ્ય વૃદ્ધ બ્રાહ્મણની આજ્ઞા તો હતી. હવે તેની આશિષનો લોભ વધ્યો. કલ્યાણીની સાથે ચાલતાં ત્ર્યંબક અને ગૌતમની સાથે મંગળે પણ આશ્રમ ભણી જવા માંડયું.
‘પાંડેજી! બહુ દૂબળા પડી ગયા છો!’ કલ્યાણીએ દ્વારમાં પેસતાં કહ્યું.
‘હા, દીકરી! દરિયાપાર જઈ આવ્યા ને!’ મંગળે જવાબ આપ્યો.
‘બહુ માણસો માર્યા?’
‘અમારા નાયક હુકમ કરે તેનો અમલ કરવો.’
‘કોણ નાયક?’
‘ગૌતમ.’
કલ્યાણીના હૃદયમાં સહજ ગર્વ સ્ફુર્યો. ગૌતમ એક ટુકડીનો સરદાર હતો. અને મંગળ જેવા યોદ્ધાઓ તેની આજ્ઞા પાળતા હતા.
દરિયાપારની મુસાફરીથી થાક લાગે ખરો; લશ્કરી તરીકેની મુસાફરી શરીરને સહેજ દુર્બળ બનાવી દે એય ખરું; પરંતુ મંગળના દેહને દુર્બળ બનાવતો અગ્નિ જુદો જ હતો. તે એક સામાન્ય સૈનિક હતો. પરંતુ સૈનિકની માન્યતા તેની પદવી ઉપર આધાર રાખતી નથી. મંગળ દર્શનોનો અભ્યાસી હતો; તેનામાં બ્રાહ્મણત્વનું ભારે અભિમાન હતું; અને ધર્મભ્રષ્ટતાનો તિરસ્કાર તેને હતો. તેનામાં અનવધિ શોર્ય હતું; તેનામાં ઉચ્ચ સંસ્કારો હતા. પરંતુ હિંદના શૌર્ય સંસ્કાર હિંદની રાજકીય એકતાને ભાગ્યે જ સિદ્ધ કરવા મથતા. હિંદનો હિંદુ ધર્મ હિંદમાં એક રાજ્ય ઉપજાવી શક્યો નહોતો. ધાર્મિક દૃષ્ટિએ ગંગા અને ગોદાવરી હિંદની પૂજ્ય સરિતાઓ હતી; નેપાળમાં પશુપતિ અને દક્ષિણ છેડાના રામેશ્વર એ હિંદુના પરમ પૂજ્ય દેવો હતા; યાત્રાએ નીકળતો હિંદુ દ્વારકા અને પ્રભાસ તથા ગયા અને જગન્નાથ સુધી ફરી વળતો. તથાપિ એ સઘળી ભૂમિ પ્રત્યેનો પૂજ્યભાવ તેનામાં ઐહિક રાજકીય મમત્વ લાવી શક્યો નહિ.
મુસ્લિમોના ધાર્મિક જુસ્સાએ હિંદની રાજકીય એકતા સાધવા પ્રબળ પ્રયત્નો કર્યા; હિંદુ-મુસ્લિમ ઐક્યનાં સંસર્ગસ્થાનો વધાર્યાં; પરંતુ મુસ્લિમપણાને અતિ ઉગ્ર બનાવવાને લીધે, અગર હિંદુઓની જ માફક રાજકીય મમત્વની જિજ્ઞાસામાં નિષ્ફળ નીવડવાને લીધે તેમનાથી પણ ભરતખંડને એક બનાવી શકાયો નહિ.
એટલે જ અંધકાર અને શૌર્યનો ઉપયોગ કરી. આખા ભરતખંડને વળી કોઈ ત્રીજી જ પ્રજાને હસ્તક સોંપી દેતાં હિંદુમુસલમાનોની ધર્મભાવનાને ધક્કો લાગ્યો નહિ. મંદિર કે મસ્જિદને તોડવાનો આગ્રહ કંપની સરકારનો નહોતો જ; ધર્મની જંજાળ બાજુએ મૂકી આવેલ ખ્રિસ્તી નામધારી વેપારી સૈનિકને ભરતખંડનું રાજ્ય મળે તો બસ હતું; તે હિંદુમુસલમાનોએ મેળવી આપ્યું.
એ રાજ્ય મેળવી આપનારાઓ તેને ચલાવી પણ લેત. પરંતુ કંપનીનું પરદેશીપણું મટયું નહિ અને સંસ્કાર સમન્વય કરવાને બદલે કંપનીએ પોતાનું શ્રેષ્ઠત્વ આગળ કરવા માંડયું. હિંદુઓ બહાદરુ હશે – હતા, પરંતુ સેનાપતિ થવાને લાયક બુદ્ધિ વગરના, તેઓ ધર્મચુસ્ત હતા, પરંતુ તેમનો ધર્મ એટલે વહેમની પરાકાષ્ઠા; તેમનામાં બુદ્ધિચાપલ્ય હશે, પરંતુ તે વ્યક્તિસ્વાર્થમાં વાપરવા માટેનું; તેમનામાં સંસ્કારછાયા હશે; પરંતુ તે અપમાનવા સરખી : આવી માન્યતામાં શ્રેષ્ઠત્વનો ઘમંડ ધરી રહેલા કંપનીના કાર્યવાહકોને ભાગ્યે જ સમજાયું કે એક ધર્મિષ્ઠ સૈનિકના પાણીનો સ્પર્શ કરવામાં તેઓ અસ્પૃશ્યતાનું નિવારણ નહોતા કરતા. પરંતુ હિંદી સંસ્કારનું ઉદ્ધત અપમાન કરતા હતા.
મંગળનો આત્મા જાગી ઊઠયો હતો. તેનું હૃદય ઘવાઈ ચૂક્યું હતું, તેના અંતરમાં જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો.
‘હું નહિ કે કંપની નહિ!’ તેણે નિશ્ચય કરી મૂક્યો હતો, એ નિશ્ચયની આછી ઝાંખી ગૌતમને તેણે સહકેદી તરીકે કરાવી હતી. ગૌતમના સૈન્યનેતૃત્વમાં તેને શ્રદ્ધા હતી. કેદમાંથી છુટાય તો કંપનીનું રાજ્ય કાપી નાખવાની અર્ધસ્પષ્ટ સંમતિ ગૌતમે તેને આપી હતી; એટલે કલ્યાણી તથા રુદ્રદત્ત તરફ ખેંચાઈ આવેલા. ગૌતમનો હાથ તેણે મૂક્યો નહિ.
પાછળ પડેલા લશ્કરની તેમને ખબર હતી. લશ્કરથી છૂટવું એ પ્રથમ કર્તવ્ય હતું. તેમણે માર્ગ બદલ્યા હોત; પરંતુ ગૌતમના પણ વિહાર ગયા સિવાય પાછા વળે એમ નહોતા. જેમ વિહાર પાસે આવતું ગયું તેમ ગૌતમ માટે ત્યાં ન જવું એ અશક્ય બનતું ગયું.
‘ગૌતમ! હું આ વગડામાં રહું છું; તું જઈ આવ. ગામ પાસે આવ્યું, ક્યારે પાછો આવીશ?’ મંગળે પૂછયું.
‘રાત પડતાં પહેલાં.’
‘લશ્કરની ધૂળ પાછળ ઊડતી આવે છે.’
‘ફૂંક મારી ઉડાડી નાખીશું, પાંડેજી!’ આમ કહી ગૌતમ વિહાર તરફ વળ્યો ત્યારે મંગળ ઘોડાઓ બાંધી જંગલમાં વૃક્ષની નીચે આરામ લેતો હતો.
લશ્કર તેના ધાર્યા કરતાં વધારે ઝડપથી આવી પહોંચ્યું. ઘોડાનાં પગલાં જોતી જોતી આવેલી ટુકડી ગામ તરફ ઘસવાને આતુર હતી. જંગલમાં સંતાવા માટે પૂરતી જગા હતી. મંગળે સંતાઈને પોતાની પરિચિત ટુકડી નિહાળી પણ ખરી.
રાત પડી છતાં ગૌતમ આવ્યો નહિ. એટલે અંધારામાં મંગળ ચાલી નીકળ્યો. ગૌતમ પકડાયો હોય તો તેને આજ છોડાવવાનો તેણે નિશ્ચય કર્યો. સંકલ્પની સિદ્ધિ સાધનો માગે છે. પરંતુ સંકલ્પના બળ ઉપર સાધનોનો આધાર રહે છે. એકલો મંગળ આજ ખુલ્લી રીતે કંપની સરકારને માત કરવા ગામમાં પ્રવેશતો હતો.
ગૌતમ અને ત્ર્યંબકને વાતો કરતા તેણે સાંભળ્યા. ત્ર્યંબકને ધસારો પણ એણે પારખ્યો. અને બંનેને છોડાવતાં તેણે તિરસ્કારભર્યો ટોણો માર્યો.
તેને રુદ્રદત્ત પાસે જવું નહોતું. તેની આશા અગર ઇચ્છા લોપવાનું તેને જરા પણ મન નહોતું. એટલે આગ્રહ કરી તેઓ રોકી રાખે અગર પોતાની વાંછનાઓને બીજે માર્ગે દોરે એ તેનાથી સહન થાય એમ નહોતું. છતાં કલ્યાણીના આગ્રહથી – અને રુદ્રદત્ત તેના કાર્યમાં આશિષ આપે એવો સંભવ લાગવાથી – તે પાઠશાળામાં ગયો.
સિપાઈને સૂવા માટે છત્રપલંગ જોઈતો નથી; ગદેલામાં સૂનાર પુરુષ સૈનિક રહી શકતો નથી.
સૈનિકના સરખી જ – કદાચ તેથી પણ વધારે કઠણ તપસ્યા જન-સેવકને કરવી પડે છે. બ્રાહ્મણત્વની ભાવનામાં લોકહિત અને જનસેવાનું જ પ્રાધાન્ય હોય છે. માટે બ્રહ્મત્વ પૂજનીય. મહેલમાં વસે એ બ્રાહ્મણ નથી; પલંગે પોઢે એ બ્રાહ્મણ નથી. જગતના એકેએક માનવીને રહેવા માટે ઘર, ખાવા માટે અનાજ અને સૂવા માટે ગોદડું મળે નહિ ત્યાં સુધી ખરો બ્રાહ્મણ ઝૂંપડીમં જ વસે, ઉપવાસ કરે અને ભોંય ઉપર સૂઈ રહે. રુદ્રદત્તની પાઠશાળા એ અસ્ત પામતા બ્રાહ્મણત્વનું નિવાસસ્થાન હતી. ત્યાં મહેમાનો માટે વૈભવ નહોતા. મહેમાન તરીકે આવેલો મંગળ સૈનિક હતો, કઠણ જમીનની પથારી તેને માટે બસ હતી.
છતાં કલ્યાણીએ એક ખાટલો ખેંચી કાઢી તેની ઉપર પછેડી પાથરી મંગળને સુવાડયો.
‘ગુરુજી ક્યાં છે?’ તેણે પૂછયું.
‘એ તો સૂઈ ગયા છે.’ કલ્યાણીએ કહ્યું.
મંગળ ખાટલા ઉપર પડયો. થાકેલા માણસને ઊંઘ જલદી આવવી જોઈએ; પરંતુ મંગળની આંખ મીંચાઈ નહિ. આકાશ તરફ આંખ ફરતા તારાઓ ચમકચમક ચમકી રહેલા જોયા. એ કોને હસતા હતા? પરાધીન હિંદુઓને? એક નહિ બે નહિ, પણ કરોડો તારાઓ તેને જોઈ આંખ મીંચકારતા હતા! આખું આકાશ હિંદને હસી રહ્યું હતું!
મંગળ મુંઝાઈ ગયો. તે બેઠો થઈ ગયો.
‘પાંડેજી! ઊંઘ નથી આવતી?’ ગૌતમ એક ચટાઈ ઉપર સૂતો હતો ત્યાંથી બોલી ઊઠયો.
‘હં… આવશે એક દિવસ.’
‘ઊંઘ ન આવે તોપણ જરા પડી રહો. કેટલા દિવસનો થાક છે?’
‘થાક? એક હજાર વરસથી તો આપણે સૂતા આવ્યા છીએ.’
‘એક દિવસના જાગરણે એ નિદ્રા ટળશે?’
મંગળે જવાબ ન આપ્યો. તે પાછો ખાટલામાં આડો પડયો.
તેણે આંખો મીંચી. દરિયાકિનાર ઉપર થયેલું વિજયાનું અપમાન તેની નીચલી આંખ આગળ પાછું ચીતરાતું. આખી મુસાફરીનો ચિતાર તેના મનમાં ચીતરાઈ રહ્યો. કેમ સૂતો છે? હજી તો તેને ફાંસીએ ટીંગાવાનું બાકી છે! નિર્દોષને ફાંસી?
તેણે આંખ પાછી ઉઘાડી નાખી.
એ તારાઓ ચળકતા હતા કે ભાલાની અણીઓ? એ તારાના ગૂંચળામાં તેણે ફણીધર દીઠો; ખેંચેલા તીરકમાન દીઠાં.
‘એ જ! એ જ તારાઓનો સંદેશ છે! તારાઓના શુકન છે. ખેંચ તલવાર અને દોડાવ તારાં બાણ! મંગળ! રખે ચૂકતો.’
કોઈ અંતર્યામી અવાજ મંગળને આહ્વાન આપતો સંભળાયો. તે ફરી બેઠો થયો. તેનાથી બેઠા રહેવાયું નહિ. ચોકમાં તેણે ફરવા માંડયું. આકાશમાં જાણે શસ્ત્રાસ્ત્રાોના ભંડાર ભરી મૂક્યો હોય તેમ સંતોષભરી વૃત્તિથી તેણે નભોમંડળને નિહાળ્યું, એ શસ્ત્રાો લેવા તેણે હાથ ઊંચો કર્યો.
અજાણી વ્યક્તિને ચોકમાં ફરતી જોઈ પાસે બાંધેલી ગાયે ભારે નઃશ્વાસ મૂક્યો. વાછરડું કુમળી બરાડ પાડવા લાગ્યું. મંગળનું મન કલ્પનાને ઝોલે હિંચકાતું હતું. આકાશી શસ્ત્રાો શોધતા વીરને ગાયમાં માતાના દર્શન થયા. ગામમાં મા જોવી એક હિંદુને સહજ છે. માની કલ્પનામાંથી માનું પ્રતીક રચવું મૂર્તિપૂજક હિંદુને સુલભ છે.
આ ગૌમાતા! મારી કામધેનુ! મારી હિંદમૈયા! આવડો નઃશ્વાસ છતાં તમને સૂવું ગમે?
એ વિચાર આવતાં જ મંગળે દાંત કચકચાવ્યા. અધર દબાવ્યો. એક હાથે મૂઠી વાળી અને શસ્ત્રસજ્જ વીરની છટાથી બીજો હાથ હવામાં ઉછાળ્યો – જાણે તલવારની વીંઝ!