અશ્રુઘર/૯
તલાટી ગયા. ઘરમાં નારણ આવ્યો. સત્યને એના બાપુજી બોલાવતા હતા. ગયો.
‘જો ભઈ, નિશાળના માસ્તરની બદલી કરાવવા પેલા તલાટી આવ્યા’તા.
તું કેળવણી ખાતાના ઉપરી સાહેબને ઓળખે છે તે ભઈ, એક દા’ડો તાલુકે જઈ આવીશ એમની જોડે? ‘
બાપુજીની આ વાત સત્યને ગમી નહીં.
‘હું કોઈને ઓળખતો નથી. અને ઓળખતો હોઉં એટલે મારે આવા કામમાં એની ઓળખનો ગેરલાભ લેવો—’
સત્યની વચ્ચે જ તે બોલ્યા :
‘ગેરલાભ ક્યાં છે? આ તો છોકરાંને ખૂબ પીટે છે.’
‘હું નહીં જઉં, મને એમાં રસ નથી. મારું એમાં કામ નહીં.’
તમાકુના વેપારીની ગાડી આવી એટલે વાત ત્યાં જ અટકી. સત્યના બાપુજી આ વર્ષે તમાકુની દલાલીમાં રસ લેવા મંડયા હતા. વાતવાતમાં એ પત્નીને કહેતા પણ ખરા : આ વર્ષની સઘળી દલાલી સત્ય માટે છે. સત્યે એમને આ રીતે સંભળાવી દીધું એટલે એમની આંખ બદલાઈ પણ બહારગામ જતી વખતે ‘રામાયણ’ કરવાનું માંડી વાળી તે તૈયાર થવા લાગ્યા. જતાં જતા કહેતાં ગયા—
‘ગામમાં તમાકુ ભરવાદ ખટારા આવવાના છે એટલે એનું વજન કરજે. બીજું ના થાય તો!’
તમાકુનું વજન કરવામાં અડધો દિવસ ગયો. એ કામ પરવાર્યા પછી એને સળેખમ વળગી બેઠું. બપોરે ઘરનાં બધાં સુરભિની બાધા કરવા માટે ઉમરેઠ ગયાં ત્યારે મોટાભાઈએ વજનનો હિસાબ કરવાનું પણ સોપ્યું એટલે તો એ વધારે કંટાળ્યો.
માએ ઢેબરાં કરી રાખ્યાં હતાં તે ખાઈને એ તળાવ પર લટાર મારવા નીકળી પડયો. વડ નીચે લાલાકાકાની વૃદ્ધમંડળી ગપ્પે ચડી હતી. વચ્ચે પરસ્પર તાળીઓ અપાતી અને થૂંક ચોંટેલા અવાજો પાળ પર પથરાતા. તો પાછા ‘કોઈ હાંભરી જશે, ઘયડે ઘયડપણ’ કરતાકને ભજનમાં માન અપાય છે એવું શાંત પડી જતાં સત્ય ત્યાં ગયો. એને વૃદ્ધત્વને તટસ્થ રીતે માણવાની એક પ્રકારની લિજ્જત આવતી.
‘આય ભયલા બેસ. તારા અમદાવાદમાં અમારા જેવા ઘયડા ભેગા થાય છે કદી?’
‘કેમ નહીં? ગામ હોય ત્યાં ઘરડાં તો હોય જ ને!’
‘ગાંમ હોય તાં ઘયડા નૈ પણ ઢેડવાડો હોય એમ કે’ ખરપા.’ વાઘજી ખડખડ હસી પડયા. ‘તારે શું, અમે તો ઢેઢવાડો કહેવાઈએ. જોને ચયારના માયાની વાતમાંથી ઊંચા નથી આવતા. આ તારો લાલોકાકો ભરમચારીની વાતો કરે છે પણ એની મૂંછોમાંય પાણી વરે છે.’
‘તે લ્યા વાઘજી એને એમ શું કરવા કેં છે, કંઈ બીજી વાત કર. સતિ, ભજનબજન ગાતાં આવડે છે કે? લે હુકો પીશ કે?’ ને અરજણે હુકો ધર્યો, ‘રે’વા દે એને વેસને ના ચડાવતો.’
‘જુઓને લાલાકાકા, તમાકુ તોલવા ગયો એટલામાં તો સળેખમ થઈ ગયુ તો પછી પીઉં તો તો—’
‘ખરી વાત છે. તારો લાલાકાકો તો કહે છે, માયાનું લૂગડું ને તમાકુની પાંદ બેય હરખાં.’ ને વાઘજી હસી પડયાં.
સત્યને થયું હજી આ લોકો તૃપ્ત નથી થયા. પોતે આ મંડળીમાં ભળી શકતો નથી એનો પણ એને ખ્યાલ આવ્યો. આ જમાત એમના વિષયમાં જ મગ્ન છે, રહે છે. પોતે જ્યારે જ્યારે એમની પાસે જાય છે ત્યારે એ લોકો એનું સાધન બનાવી દે છે. તેમ છતાં એને ગમ્યું. વૃદ્ધ મનુષ્ય વ્યસનનો નિકટનો મિત્ર બની જાય છે. રામાયણ મહાભારતની વાતમાંથી ક્યારે એ લોકો સદેવંત સાળંગાની વાર્તા પર આવી બેસશે એ કહેવાય નહિ. ક્યારેક તો સત્યની ઉપસ્થિતિનિ પણ તેઓ ગણકારતા નહીં અને પોતપોતાની રંગકથાને વર્ણવતા. સત્યે જોયું આ લોકો જેમાંથી પસાર થઈને અહીં આવ્યા છે ત્યાં પાછા જવા ઇચ્છે છે. ઘેર ગયો. લખ્યું. મઠાર્યું. ચાદર ઓઢીને સુવાનો ડોળ કર્યો. ખૂણામાં કૂદાકૂદ કરતા ઉંદરો તરફ ધ્યાન ગયું. ઊઠયો. વાડામાં જઈ રમતીને પાણી પાયું. એના ગળે બાંધેલી નાની ઘુઘરમાળ રણકાવી, એનું પૂછડું પકડી એને ચીડવી-એને ચીડવી…ફરી પાછી ચીડવી. સૂર્યા કહેતી હતી રમતી પૂર્વજન્મમાં કશીક સગી થતી હશે…એને બંધનમુક્ત કરી એટલે ઠેકડા મારતી મારતી એ વાડાના છેડા સુધી પહોંચી ગઈ. ત્યાંથી ઠેકતી ઠેકતી સત્યની ચોફેર ગોળ ગોળ ફરવા લાગી. સત્ય પથ્થર પર ચૂપ થઈને બેઠો. એ સત્યને મનાવતી હોય એમ એનું મોં સુંઘવા લાગી.
‘સૂર્યા…’
એ ઊભો થઈ ગયો. રમતીને બાંધી દીધી. સૂર્યા ઉમરેઠ ગઈ હશે. રમતીના મોં આગળની ડોલ લેવા નીચે વળ્યો. એણે ફરીથી મોં સૂંઘવાનો યત્ન કરી જોયો.
મોટાભાઈના ઘર તરફ એનાથી જોવાઈ ગયું. મેડીની બારી અધખૂલી હતી. અંદર કોક ઊભું હોય એવું લાગ્યું.
એ મોટાભાઈના ઘર તરફ ગયો. રસ્તામાં અહેમદ મળ્યો.
‘સત્ય, તું ઉજાણીએ નથી ગયો?’
‘ના. સળેખમ થયું છે ને મને ઉજાણી જવાનું ગમતું નથી’. સત્ય એના માથા પરના પોટલાને જોઈ રહ્યો. એમાંથી બેચાર મરચાં કાઢયાં.
‘આટલાં જ? ચાલને દોસ્ત વાડીએ બીજું શાક પણ આપીશ અને મારે તને એક અજીબ વાત કહેવી છે, તને કામ લાંગશે. હજી કુંવારો છે એટલે…’
‘અહીં જ કહી નાખને! હું પછી આવીશ ત્યાં. અત્યારે તો જબ્બર સળેખમ થઈ ગયું છે.’
‘પછી પાછો આવાં બહાનાં બતાવીશ. ચાલ કહું છું. અરે, સત્યા તારા મોટાભાઈની સાળીનો તને પૂરો પરિચય ખરો કે? જોજે ખોટું લગાડતો.’
‘છોકરી મુક્ત છે.’
‘અચ્છા ત્યારે જઉં. ભાર લાગે છે.’ ને અહેમદ ચાલ્યો ગયો. રતિલાલન આવતો દીઠો. એટલે સત્ય લીમડાંની આડમાં ઊભો રહ્યો. પાછો તે દિવસની માફક પત્ર લખાવવા લઈ જઈને માથું પકશે નક્કામો. એના ગયા પછી સત્ય મેડી પર ગયો. ખાટલામાં સૂર્યા લઘરવઘર પડેલી. ઓશીકું ખાટલા નીચે પડી ગએલું, અંગ પરની અસ્તવ્યસ્તતા જોઈને સત્યને લાગ્યું હજીય આ ઘોરે છે. ભીની જગ્યામાં કોઈ કૂતરે બોડ કરવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી હોય એવું દેખાતું હતું. સત્યની છીંકથી સૂર્યા પણછની જેમ કંપી.
‘કેમ તું ઉજાણીએ નથી ગઈ?’ સત્ય ખાટલા પર બેઠો.’
‘એ….એ…તમે! નહાવું પડશે હવે તમારે. સૂર્યાએ શરીરની કંપનોને વ્યવસ્થિત કરવા માંડી.’
‘ઓહો, એમ વાત છે? કંઈ નહીં. હું તને ક્યાં અડયો છું. તને અડું તો અભડાઉં ને! આ તો ખાટલા પર બેઠો છું અને કાષ્ટ તો પવિત્ર હોય છે.’
‘પવિત્ર!’ મનમાંને મનમાં બબડીને સૂર્યાએ મોં બગાડયું.
‘મારું આગમન તને ગમ્યું હોય એવું મને ન લાગ્યું. પણ હું જાણતો જ નહોતો તું અહીં હશે.’
‘તો પછી કેમ આવ્યા?’
‘તમે છો કે નહીં એ જોવા, મને સળેખમ થયું છે.’
‘મને નથી જોઈ તમે?’
‘મને—’ ને સત્યે છીંક ખાધી.
‘આ એકાંત છે એ જોવા આવ્યા હશો.’
‘ના…એને જોવાનું નથી. અનુભવાય છે. અને…’
‘સૂર્યાના કબજાનાં બે બટન જોઈને તે હસ્યો.’
‘શું હસો છો?’
‘એ કે તમે સૂર્યવંશી છો.’
સૂર્યાએ પોતાની રીતે એનો અર્થ કર્યો.
‘તો પછી એમ કહોને સૂર્યવંશી જોડે સંબંધ બાંધવા આવ્યો છો. પણ આજ મુહૂર્ત નથી. સાધુપુરુષને મન “પવિત્ર” શબ્દ મોટો હોય છે એ ભૂલી તો નથી ગયા ને?’
‘મને સળેખમ થયું છે. ભાભીએ બામની શીશી ક્યાં મૂકી છે?’
‘મારી મોટીબેનને ભાભી કહીને તમે મને એમનાથી જુદી કેમ પાડો છો? એ મારી ભાભી નથી થતી. બેન છે.’
‘તું મને સંબંધનું જ્ઞાન ન આપીશ. ચાલશે. મારે બામ જોઈએ છે. વધારે માથું ચડે એ માટે હું અહીં નથી આવ્યો.’
‘તમે મારી સાથે તું અને તમે એમ બે વચનોમાં કેમ વાત કરો છો, એની સ્પષ્ટતા પહેલાં કરો!’
‘હું મારી ભાભીની બહેનને શું કહું? મને મારા એક વેદિયા પ્રોફેસર યાદ આવે છે. એ તારી જેમ શબ્દેશબ્દની સ્પષ્ટતા માગતા હતા.’
‘એક દિવસ એક વિદ્યાર્થી એ એમને વર્ગમાં સવાલ પૂછયો : “સાહેબ, તમે નવમા ધોરણથી પીએચ. ડી. છો કે એમ. એ. થયા પછી?” ત્યારે એમણે મારી જોડે Ph. D. શબ્દનો અર્થ માગ્યો. મેં કહ્યું ડૉક્ટરેટની ડિગ્રી માટે એ અક્ષરસમૂહ છે, તો કે મૂર્ખ એ મને ખબર છે, પણ આ ભાઈ નવમા ધોરણથી હું Ph. D. છું એ પૂછે છે એ Ph. D. નો અર્થ શો? મેં એમને–અમે વિદ્યાર્થીઓએ નવો કરેલો અર્થ “વ્યંઢળ” જે અર્જુનના અજ્ઞાનવાસ દરમિયાન એને માટે મહાભારતકારે યોજ્યો હતો—’
‘મારે તમારું મહાભારત નથી સાંભળવું. તમને પણ મારે એવું જ કંઈ ઉપનામ આપવું પડશે.’
‘તારી બુદ્ધિ અનુસાર તું મને એ કહે તો મને સ્વીકાર્ય છે. પણ મારે તું અને તમે કયા કયા સંદર્ભમાં તને કહેવું પડે છે તે પણ ત્યારે સમજી લેવું જોઈએ. હું જ્યારે તારું સન્માન કરતો હોઉં છું ત્યારે તને “તમે” કહું છું અને જ્યારે મને તારા પર ધિક્કાર વછૂટે છે ત્યારે તારા માટે એકવચનમાં પ્રયોગ કરું છું.’
‘એટલે અત્યાર તમે કઈ લાગણીથી મારી સાથે વાત કરો છો?’
‘સૂર્યા, તું મને ચીડવવા મગ્ન છે. પણ ખબર છે, મને સળેખમ થયું છે.’
‘એમાં મૃત્યુ નહીં થાય.’
‘થાય તો તારે શું–મારી માને પુત્રની ખોટ પડે. તારાથી ઊઠાય ના તો મને બતાવીસ કે બામ ક્યાં મૂક્યો છે?’
‘વાત બદલો નહીં. તમે મને ધિક્કારો છો કે?’
‘અત્યારે તો મને તારા પર ધિક્કાર પણ નથી કે અ-ધિક્કાર પણ નથી.’
‘તો પછી તમે મને તું કેમ કહો છો?’
‘તમે મને બામ આપો.’
સૂર્યા ઊઠી.
આટલી બધી ચર્ચા કરીને થાકી ગયો હોય એમ સત્ય ખાટલામાં લાંબો થયો. એને કપડાં ઠીક કરતી જોઈને એણે આંખ ફેરવી લીધી. ચણિયા અને કબજા નીચેનો ખુલ્લો ગોરો પ્રદેશ એને અત્યંત આકર્ષક લાગ્યો. અત્યાર સુધીની બધી કડવાશનો જે મનમાં સંગ્રહ થયો હતો તે બધી ઓસરી ગઈ. ભીંત ટાંગેલા આયનામાં મોં જોવા એ નીચી વળી ત્યારે એનાથી બોલ્યા વગર ન રહેવાયું.
‘રૂપાળાં લાગો છો. વધારે સજ્જાન કરશો. કંઈક સેવા કરતાં શીખો.’
‘મારું સન્માન કરો છો ને પાછા સેવાની અપેક્ષા રાખો છો?’
એનો લહેકો સાંભળીને સત્ય બેઠો થઈ ગયો.
‘હા. અમસ્તો કંઈ સેવાનું નથી કહેતો. હું આર્શીવાદ આપીશ તને.’
માથામાં કાંસકો મારતાં મારતાં એણે પાછળ જોયું.
‘બહુ ફળવાની ખરી આશિષ?’
‘કેમ ન ફળે? હું તારા-તમારા કરતાં નહીં નહીં તોય વર્ષ મોટો હઈશ. મને તો એમ હતું કે હું તારી પાસે સળેખમની વાત કરીશ કે તરત જ તું રઘવાઈ રઘવાઈ થઈને જાતે બામ ઘસી આપશે, ઉકાળો બનાવી દેશે. ખબર છે? મોટીબેનના દિયરનું કામ કરવા માટે તો કુમારિકાઓ વ્રત કરે છે.’
એ કેમ ઊઠયો એ પોતે ન સમજી શક્યો. પાછો ખાટલા પર બેસી ગયો. ખાટલા પાસે પડેલી ટોપી લઈને એણે માથા પર મૂકી. સૂર્યા પાસે ઊભો.
‘જો કેવો લાગું છું?’
સૂર્યા હેબતાઈ ગઈ. કંઈ બોલી નહીં, બે કદમ ભયથી પાછી હડી ગઈ.
‘કેમ દૂર જાય છે, શરમ આવે છે? આમ તો પાછી કહે છે હું તમારી મૈત્રી ઇચ્છું છું.’ એણે આયનામાં જોયું. જોરથી હસ્યો. આયનામાં પોતે સાવ રોંચા જેવો દેખાતો હતો. બજાણિયાના છોકરા જેવો. ઘેંઘો. ‘પેલો રતિલાલ પણ આવો જ છે, નહીં સૂર્યા?’ સૂર્યા કબાટમાં શીશી શોધવાને બાને ખોળંખોળા કરતી હતી.
‘મોટાભાઈ તો ટોપી નથી પહેરતા. પાછો ક્યાંથી શોખ જાગ્યો એમને? તમાકુના વેપારમાં એય ટોપી પહેરતા થઈ જવાના.’ ને હસ્યો. કબાટ પાસે જઈ સૂર્યાના માથા પર ટોપી મૂકી દીધી, અને એ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરે તે પહેલાં તો સત્યે એની ચિબુક પકડીને સૂર્ય ચૂસ્તો હોય એવું કશુંક કરી લીધું. ને એ કંઈ બોલે તે પહેલા સડસડાટ મેડી ઊતરી ગયો.
એ ચોકમાં આવી ઊભો. એના વક્ષમાં સહસ્ર અશ્વોની હેષા પ્રવેશી ગઈ હતી. મનનાં પગ મેડી ચડી જતા હતા. આખા રસ્તા પર આળોટતા આળોટતા ઘેર જવામાં જો સભ્યતા જેવું વચ્ચે ન આવતું હોત તો તે એમ કરી બેસત. રતિલાલ માથું ખંજવાળતો ખંજવાળતો સામે મળ્યો એને—
‘કેમ રતિલાલ, મજે મેં?’ કહ્યું. રતિલાલ ચમક્યો ત્યારે તે હસી પડયો.