સૂર્યાને આવ્યે દોઢેક મહિનો થઈ ગયો. છેલ્લા એક અઠવાડિયાથી તો એ રઘવાઈ થઈ ગઈ હોય એમ લાગતી હતી. એની મોટીબહેને એના રઘવાટનું કારણ પૂછયું ત્યારે જવાબ આપેલો :
‘બે દિવસ પછી રિઝલ્ટ આવવાનું છે. સમાજશાસ્ર મારું કાચું છે એટલે નાપાસ થવાનો ડર લાગે છે.’
પરંતુ આ રીતે વાત ઉડાવી દીધે કંઈ મનનો સંતાપ ઘટી શક્યો નહીં. પોતે આવી એવામાં મોટીબેન ભદ્રકાળી બાધા કરવા ગયાં ત્યારે જેવું જૂઠું બહાનું બતાવ્યું હતું! એવું જૂઠું હવે કહેવાય એવું નથી રહ્યું. મોટીબેન જો આઘાંપાછાં હોય, પોતે તળાવ ગઈ હોય ત્યારે પેટ પર હાથ ફેરવીને મનનો અભિપ્રાય માગી લેતી. ક્યારેક ક્યારેક તો ગ્રીષ્મઋતુને કારણે પાણી વધારે પીવાય છે એટલે આવું લાગતું હશે એમ વિચારી પોતાને પટાવતી. હવે એને ખેતરમાં શાક લેવા, ભાજી લેવા કે તલાટીની વહુને સ્વેટર ગૂંથતા શીખવવા જવાનું ગમતું નહીં. સુરભિને રમાડવામાં પણ એને એક ઘૃણા થતી હતી. સ્રીઓના ટોળામાં બેસવું એમાં એને હવે નાનપ લાગવા માંડી. કોઈ સ્રી એને એકટશે જોતી તો તે ક્રોધે ભરાઈ જતી. એને સત્ય વિષે એક વિચાર આવ્યો અને તે સત્યને ઘેર ગઈ. એ સૂતો હતો. દિવાળીએ પૂછતા એણે કહ્યું :
‘તમાકુના કામમાં હવે તો એને રાતના બાર બાર વાગે છે. આજ જરા શરીર ઠીક નથી અને ઉજાગરો છે એટલે સૂતો છે. બેસને થોડી વાર.’
સૂર્યા સત્યના ખાટલા પર જઈને બેઠી. દિવાળીને શરમ આવી એટલે ‘બેસ ત્યારે તું ‘ કહીને તે સુકવેલાં લૂગડાંને વાળતીક અંદર જતી રહી. ઊંઘતા સત્યને પોતાનું સ્વપ્ન આવે તો તે ઝબકીને જરૂર જાગી જાય એવું તેવું વિચારતી એના શરીરને જોઈ રહી. કપાળ પર પરસેવાનાં ટીપાં જોઈને સૂર્યાને થયું, પોતે લૂછી નાખે. પણ જાગી જાય તો? તે એને ક્યાં ઊંઘવા દેવો છે?
સૂર્યાએ ધીમેથી આંગળીને કપાળ પર ફેરવી. સત્ય ઉંહ કરીને પાછો પડખું ફરી ગયો. પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો. બીજી વખત શું કરવું તેનો વિચાર કરવા લાગી પણ અહેમદની અમ્મા આવી. એટલે એને ખાટલા ઉપરથી ઊભા થઈ જવું પડયું.
‘દિવાળી’ બૂમ પાડીને અહેમદની અમ્મા ઓસરીમાં બેઠી. સૂર્યાને થયું કોઈ બેગમ આવી છે. અહેમદની મા એને જોઈ રહી. દિવાળી અંદરથી આવી એટલે એણે રૂમાલની પોટલી ખોલી એમાંથી ગીતેલાં કાઢયાં. ‘આ ગીતેલાં સૂઈના તળાવમાંથી બોંન મારો મોટો ભાણિયો લઈ આવ્યો. એના ઘર પછવાડે જ તળાવ છે ને ત્યાં તો દિવાળી શું કહું તને, ખૂબ કમળ થાય છે. આ બાજુના ભાગમાં પોયણાં પણ કંઈ થાય છે કે તળાવમાં પાણીને બદલે કમળ-પોયણાં જ ભરેલાં છે એમ થાય. આ ગીતેલાં આંખનું તેજ ઓછું લાગે તો ખાવામાં બહુ ફાયદો થાય છે.’
ગીતેલાંની ઢગલી કરી એણે સૂર્યા ભણી જોયું.
‘આ છોકરી કોણ છે?’
દિવાળીએ એની ઓળખ આપી એટલે એણે એની પ્રશંસા કરવી શરૂ કરી :
‘સ્વરૂપવાન છે છોકરી તું. ઈશ્વરની ભક્તિ તેં ખૂબ કરી લાગે છે.’
પછી દિવાળીને ખભે હાથ મૂકી કહે :
‘દિવાળી, મારું માને તો આને અહીંથી જવા ન દેતી.’
પહેલી વાર દિવાળી સૂર્યાના મુખ પર અકૃત્રિમ લજ્જાને જોઈ શકી. લીંપણની પોપડીમાં અંગૂઠો ઘાલીને તે લીંપણ ઉખેડવા મંડી. સૂર્યા હવે ઊંચું ન જુએ એમ બેય વયવાન સ્રીઓ ઇચ્છી રહી. અહેમદની મા ઊભી થઈ.
‘લે બેસ, ત્યારે. પાછું ઘી શોધવું છે. અલી, ખરા સમાચાર તો ભૂલી જ ગઈ બર્યં લે.’ કહીને પાછી બેઠી. દિવાળીના હાથમાંથી છીંકણીની દાબડી લઈને સડાકો ખેંચ્યો :
‘મારી નાની બેનને ભાણો આવ્યો. એય ભીમ જેવો છે. મારા અહેમદનો છે એના કરતાં બે ગણો છે. અહેમદનો છોકરો તો બેસતાં પણ શીખી ગયો છે. તું તારા છોકરાને હવે ઠેકાણે પાડી દેને મારી બઈ. બર્યં દિવાળી તારો છોકરો આમ કોરોધાકોડ રહ્યો છે તે મારો જીવ બળે છે. મારા અહેમદની સાળી આવી છે તે તો તારા દીકરાનો ફોટો જોઈને કહે છોકરો કુંવારો લાગે છે. મારો અહેમદ સાંભળી ગયો એટલે ધીમે રહીને કહે, તું એને પસંદ કરતી હોય તો જા આપણે નક્કી.’
અહેમદની માની સાથે દિવાળી પણ હસી પડી. સૂર્યાને માટે હસાય એવું જોર નહોતું. એ નીચે બેઠી. પણ આ બે જણના હસવાને લીધે સત્યની ઊંઘ જાગી ગઈ.
‘જો પરણવાની વાતથી છોકરો મારો કેવો બેઠો થઈ ગયો.’
અહેમદની માએ સત્યના માથા પર હાથ ફેરવ્યો. સત્ય ખાટલામાંથી બેઠો થઈ એમને પગે લાગ્યો.
‘અમ્માજી, તમારો આશીર્વાદ માંગું છું સ્રી મને ન મળે. મારે તો સંન્યાસી થવું છે.’
‘બેસ હવે સંન્યાસીવાળો. આ છોકરી બેઠી છે ને બાવો થવાની વાત કરે છે મૂર્ખ.’
અહેમદની મા ગઈ. એને વળાવવા દિવાળી પણ ફળિયા સુધી ગઈ. કેમ છોકરી? શો વિચાર છે?’
‘તમે તૈયાર હો તો મારી એમાં સંમતિ છે.’ સત્ય એની સામે ભોંય પર બેસી ગયો.
‘એમ?’ સૂર્યાના હાથને એણે પકડી લીધા. એના ગાલ પર હાથ ફેરવ્યો, ‘અને પછી કાપુરુષ કહીને બોલાવશો તો? તને ખબર છે મારે હજી બીજાં બે વર્ષ સુધીનું કૌમારવ્રત છે. મને હજીય પેલું કંકાસિનીનું ફૂલ યાદ છે, એની લાલાશની મને બીક લાગે છે હોં.’ સૂર્યા નીચું ભાળી ગઈ.
‘આપણા રામને આજે જ તને આ રીતે જોવાનો સંતોષ થયો છે. હું તો ઇચ્છું છું તું હંમેશા આ રીતે જ અણઓસરી લજ્જાની મુદ્રામાં જ મારી સમક્ષ હજાર હજાર વર્ષ સુધી રહે.’ સૂર્યાને લાગ્યું સત્ય પોતાને શાપ આપી રહ્યો છે.
સત્યને થયું મા હોય ને પોતે આ રીતે બેસે એ કેવું લાગે!
સૂર્યાને ખેતરમાં લઈ ગયો. બેય જણ ખેતરમાં પેઠાં.
‘પેલી વાડ જો. ત્યાં તેં મને કહ્યું તું રાક્ષસને માથે કંઈ શીંગડાં નથી ઊગતાં. જો તો ખરી કેવી લાગે છે હવે. એકે લાબરિયું છે એના પર? આખી વાડ રાક્ષસી જેવી લાગે છે. તું તે વખતે એવું બોલી હતી ને મને સારાસારનું ભાને ન રહ્યું અને મેં તને….પણ ભય ન પામીશ હોં, આજ તને હું રાક્ષસી નહીં કહું કે હું રાક્ષસ જેવું પણ નહીં વર્તી બેસું.’
સત્યે એને તમાચો માર્યા બદલ આજે આ રીતે પશ્ચાત્તાપ કરીને ક્ષમા માગતો હતો. છાપરીની અંદર ખાટલી પર બેય જણ બેઠાં.
‘હવે તો તમે પૂર્ણ મર્દ લાગો છે.’
‘જો પાછી.’
સત્યે એના માથાના વાળ આગળ આવી ગયા હતા તે સરખા કર્યા.
‘કેમ બોલતી નથી. ચૂપ કેમ થઈ ગઈ? તારે જે કહેવું હોય તે કહે, મને વાંધો નથી. મને તો એટલું પ્રતીત થયું એટલે બસ કે તારો મારા પ્રત્યેનો વ્યવહાર લાજુલ છે અને તે મારા વ્યક્તિત્વને પુષ્પની જેમ મહેકાવવા ઇચ્છે છે. બોલ શબ્દના માધ્યમને હવે હું જડ થઈને નહીં વળગું. એમાં ધિક્કાર હશે તોપણ હું એને પ્રેમના અર્થમાં પલટી નાખીશ.’
સત્ય એનું દર્શન પી રહ્યો. સૂર્યા કોઈ એક વ્યગ્ર સંક્ષોભને આંખોમાં વાગોળી રહી. એનાં આવૃત સ્તનો પર એક લીલા કીડાને સત્યે જોયો. વચ્ચેથી ઊંચો થતો થતો એ એક સ્તનમંડળ પરથી બીજા તરફ ગતિ કરી રહ્યો હ તો. એને આંગળીથી લઈ લીધો. સૂર્યા અચાનક કંપી ગઈ. ‘ગભરાઈશ નહીં, મારો આશય કંઈ ભૂંડો નથી. આ તો…આ તો….મારી હાજરીમાં એક શુદ્ધ કીડો ત્યાં દુરાચારભર્યો ગતિ કરે એ હું સાંખી શક્યો નહીં.’ એમ કહી સૂર્યાના ગાલ પર ટપલી મારી પછી ઉમેર્યું, ‘તે દિવસે મારે તને આ રીતે તમાચો—’
ને એ હસી પડયો. સૂર્યા સ્થિર હતી. એ ન હસી એટલે સત્ય ઊભો થયો. એકાએક શુંય થઈ ગયું કે સૂર્યાને તેણે મેઘની તીવ્રતાથી ચૂમી લીધી. ખાટલામાં આડી નાખીને એણે પોલાદથી ભીંસી દીધી. રહી ગયું હોય એમ સૂર્યાની ગાલની છલકાતી ગુલાબી તલાવડીને એક શ્વાસે પીધી. ક્યાંય લગી એના મોં પર, એની કુસુમલ છાતી પર પોતાના પ્રાણતરસ્યા નાકને ઘસ્યા કર્યું. અને આવેગનો વીફરેલો એનો બળદ છોકરીના એક ખભાને ખાઈ જવાનો હોય એમ વળગ્યો.
‘ઓય.’
ને બન્ને ખડાં થઈ ગયાં. સત્ય છાપરી બહાર જઈ ઊભો. સૂર્યા વસ્ત્રોને વ્યવસ્થિત કરતી હતી. એણે આવી રીતે ક્યારેય અનુભવ્યું નહોતું. આજ લગી પોતે બીજામાં plus થતી હતી. એં આ પ્રસંગથી તેને સમજાવ્યું. પોતે ક્યારેય આવા વસ્તુગત ભાવને અનુભૂત કરી શકી નહોતી. એને થયું, આ સમય સારો છે, પોતે સત્ય સમક્ષ આખી વાતને પ્રકટ કરી દે. આ ભોળો દેવ એનો ક્યારેય તિરસ્કાર નહીં કરે. સત્ય અંદર આવ્યો. સૂર્યા બેઠી હતી.
‘ચાલ ઘેર. હમણાં હું શું આચરી બેસત? સૂર્યા સ્નેહને પણ એનો આવેગ હોય છે તું…’એ કંઈ ન બોલી શક્યો.
સૂર્યાને કહી દેવાનું મન થયું, પણ કેમે કરી જીભ ન ઊપડી.
‘ચલને.’
સત્યને થયું પોતાથી એને ખોટું લાગ્યું છે.
‘સમજી શકાય એમ છે, સૂર્યા આ બધું મનુષ્ય માટે સ્વાભાવિક છે.’ પરંતુ સૂર્યા ત્યાંથી ન તો ઊંભી થઈ શકી કે ન તો એની સોનેરી તકનો લાભ લઈ શકી.
‘ને એ જ અઠવાડિયામાં ગામમાં ગોળ વહેચાયો…સૂર્યાનાં માબાપે ઘણોય આગ્રહ કર્યો કે હવે કુંવારે માંડવે એને નથી રાખવી. પરંતુ દિવાળીએ ભદ્રકાળી બાધા માની હતી, શી રીતે જવા દે! કથા પછી તરત જ સૂર્યાને એને ઘેર પહોંચતી કરવાનું વચન આપી એણે તો વેવાણને વળાવ્યાં; પરંતુ સત્યના વિવાહનો ગોળ અહેમદને ન ભાવ્યો. એ ઘેર આવ્યો.
‘શનાકાકા ક્યાં છે?’
‘શું કામ છે? મને કહેને ભઈ.’ દિવાળીએ એને બેસાડયો.
‘તમને કહેવાય એવું નથી.’ અહેમદે સત્યને ખોળવા ઘરમાં નજર કરી.
‘કોઈ બીજું નથી. મને ઇશારો તો કર :’
‘કાકી, મને આ વિવાહ મુદ્દલે પસંદ નથી, તમે રૂપને મોંયા છો એ જ, બાકી સત્યને છેતરો છો.’
દિવાળી ગભરાઈ.
‘કેમ છોકરીમાં કંઈ…?’
‘હા.’ કહીને અહેમદ જતો રહ્યો. દિવાળીના વિચાર ઊડી જતા લાગ્યા. આ અહેમદીઓ મૂઓ વતેસર કરી મેલશે. છેલ્લા સાતેક દિવસથી કાશી ‘બા બા’ કહીને બગલમાં પેસતી હતી એનું કારણ એ તો નહીં હોય? હવે વાત ઘટી ચૂકી હતી. વિવાહભંગ કર્યે પાલવે એમ નહોતું. પંચમાં પાંચસો-છસો જેવી રકમનો દંડ ભરાય એટલી શક્તિ પોતાનામાં ક્યાં હતી તે પાછો વિવાહ તોડે. દંડ તો ઠીક પણ પંચ સમસ્ત જાણી ગયું છે કે એને ટી. બી. થયેલો હતો. અંદર અંદરનું સગું આ હતું એટલે સૂર્યા જેવી…ને સૂર્યા એની આંખ આગળ આવી…એ વળી ભણેલીગણેલી નીચું જોવડાવા જેવું કરે કે? જેવી વાત અહેમદ દ્વારા સાંભળી કે એના પેટમાં વીજળી રમણે ચડી ગઈ. એણે સાંભળી ન સાંભળી કરી નાખવાનો પ્રયત્ન કર્યો. મનમાં ભલે ગમે તેમ ખટક્યા કરે પણ બીજા કાને તો ક્યારેય ન જવા દેવી એવો એણે નિશ્ચય કર્યો. હા, સતિના બાપનેય નહીં.
પાછો સત્યનો વિચાર આવ્યો. એ કંઈ હવે નાનો નથી. આખો દિવસ સૂર્યા ને એ બે જણાં સાથે રહેતાં પોતે સગી નજરે જોયાં છે, એ કંઈ એને ન ઓળખે? અને એને ગમી હશે ત્યારે જ ને હા કહી. પણ સતિએ રતિયાને માર્યો હતો તે કેમ માર્યો હશે? ઈન્ડીપેનનું બહાનું કરીને સતિ એને મારે એમાં કંઈ તો તથ્ય હશે જ ને! ના, પણ એ દિવસે એણે પેનને લીધે જ હાથ ઉગામ્યો હતો એ વાત નક્કી.
અહેમદને બોલાવીને સમજાવવાનું એને મન થયું ને એણે મંજુને અહેમદને ઘેર જઈને બોલાવવા મોકલી.
કથા-બાધા પતી ગઈ એટલે સૂર્યાને એને ઘેર મોકલી આપી.