અશ્રુઘર/૧૩

Revision as of 01:46, 9 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૩

દિવાળીની અકળામણ દિવસોદિવસ વધ્યે જતી હતી. લગન-પડીકું આવ્યું એનો આનંદ પણ તે માણી શકી કે કેમ એ તો અંતર્યામી જ જાણે. સત્યને કાને અહેમદ સૂર્યાની ગેરવ્યાજબી વાત કરી નાખે તો સત્ય બધું કડડભૂસ કરી નાખશે એ દહેસતથી તે મનમાં વ્યગ્રતાનો અનુભવ કરી રહી હતી.

સત્ય અમસ્તો જ બહાર ઓટલા પર બેઠો હતો. દિવાળીને લાગ્યું તે નિરાશ થઈને બેઠો છે. પળમાત્રમાં તો એના મનોતંત્રમાં અસંખ્ય વિચારો આવી ગયા. સત્યની નિરુદ્દેશ ચૂપકીદીનો તે કંઈક જુદો અર્થ ગ્રહણ કરતી હતી. તેનાથી ન રહેવાયું :

‘તું આમ ચૂપ કેમ બેઠો છે, બેટા?’

‘તેં મા. મને ક્યારે મસ્તી-તોફાન કરતો દીઠો, તે આમ પૂછે છે? બેઠાં બેઠાં વિચાર આવે છે. હવે મારે નોકરી કરવી પડશે. જો ને આ સૂર્યા જેવી છોકરી મને હવે નવરો બેસવા દેશે એમ તું માને છે, ખરી?

ને એ નિર્દોષ હાસ્ય કરી રહ્યો. એની માને ‘સૂર્યા જેવી છોકરી’ શબ્દો ખૂંચ્યા. થોડી વારમાં એને ઉપાય જડી આવ્યો.

‘તારા મોટામામાનો કાગળ છે, તારાં કપડાંની પસંદગી લખી મોકલવાનું લખે છે, હેં ભઈ, બે બોલા અમદાવાદ જઈ આવે તો કેવું?’

સત્ય માનો પ્રસ્તાવ શિરોમાન્ય કરી બીજે જ દિવસે અમદાવાદ ઊપડી ગયો. લગ્નને ચારેક દિવસ બાકી હશે ત્યારે આવવાનો એનો મનસૂબો માએ જાણ્યો કે એ રાજી રાજી થઈ ગઈ. ચલો આ બહાને પણ એ અહેમદથી દૂર રહ્યો ને!

સત્ય ત્યાં ગયો પણ મામીના ભાવમાં એને સ્નેહાળ આવકારો ન મળ્યો. એ હજીય, સત્ય ફ્લેટ છોડીને હોસ્ટેલમાં રહેવા નાસી ગયો હતો એ અપરાધને ભૂલી શક્યાં નહોતાં. સત્યને માફ કરવાનું સૌજન્ય બતાવી શકાય એવું એમના સ્વભાવમાં જ નહોતું.

એના મામાએ તો ગયો એમાં જ એના ધર્મોના પ્રોફેસરની યાદ આપી. ‘તારા પેલા નાના ઈસુ બેચાર વખત સાંજના સાઈકલ ઉપર મિરઝાપુર આગળ મને મળી ગયા હતા. તારી પૂછપરછ ખૂબ કરે છે એ.’

પછી મામાએ સૂર્યા ગમી કે? એવો પ્રશ્ન પૂછયો ત્યારે સત્યે સમાચારપત્રમાં પોતાની નજરને છૂપાવી દીધી.

‘ગાંડિયા; એમાં શરમાય છે શેનો? હા કે ના કહી દેવાનું વળી. ના કહીશ તોય હું સમજીશ કે તને ગમે છે.’ ને ખડખડાટ હસી પડયા. જમી પરવારીને સત્ય કૉલેજ તરફ ઊપડયો. કૉલેજના ઉપરના માળ પર ગયો. સુંદર કાષ્ટદ્વાર પર ટકોર મારતાં મારતાં તેનું હૃદય ભક્તિભાવથી આર્દ્ર થવા લાગ્યું.

વાટ જોવી ન પડી. શ્વેત વસ્રમાં રામસાગર જેવું પાતળું શરીર થોડી વારમાં એની સમક્ષ ખડું થયું.

સત્ય એમને પગે પડયો.

‘અરે અરે, આ વળી શું કરે છે?’

નીચા વળીને સત્યના ખભા પકડી લીધા. અને કબૂતરના અવાજ જેવી ભોળી આંખો સત્યને તાકી રહી.

‘મને ક્ષમા કરો. ઘેર ગયા પછી પત્ર લખવાનું જ હું ભૂલી ગયો.’

બન્ને બહાર સૉફા પર જ બેઠા.

‘અરે, પણ હું કેમ ભૂલું? આણંદ સેનેટોરિયમમાં તને મળવા આવી ગયો પણ તું તો નહોતો. તારું સરનામું ત્યાં અહીંનું હતું એટલે તને મળાયું નહીં, પાછો આવ્યો. પણ તારા મામા એક દિવસ મળી ગયા. સારું થયું નહીં તો પાછું તારા ઘરના સરનામા માટે તારા મામાને ઘેર મારે જવું પડત. ને એમણે તારું સરનામું આપ્યું.’

સત્યના ખભા પર ઢીંચણ પર સ્નેહથી હાથ પસવારતા કહે :

‘પાછો રજા મળતાં એક દિવસ તારા ગામડે—’

એમને અધવચ્ચે જ અટકાવી સત્યે વિસ્મય પ્રકટ કર્યું, ‘મારે ગામ? તમે આવ્યા હતા? મને પત્ર પણ ન લખ્યો? ને આવ્યા હતા તો રહ્યા કેમ નહીં? હું?’

‘અધધધ આટલા બધા સામટા પ્રશ્નો! તું નહોતો. પરગામ ગએલો. તારાં મધર કહેતાં હતાં બે દિવસ પછી તું આવશે. બોલ, પછી તને શી રીતે મળાય? સારું, આવી સરસ નરવી તબિયત જોઈને મને ગમ્યું.’

સત્યે ફરીથી પોતે પત્ર ન લખી શક્યો તે બદલ ક્ષમા માગી. એટલે એને ધમકાવવાનો કૃત્રિમ રોષ પ્રકટ કરતાં તેમણે કહ્યું :

‘હવે ક્ષમાવાળો છાનો રહે , કાગળ તો મેં પણ તને ક્યાં લખ્યો હતો? મારી પણ ભૂલ તો ખરી ને? અને સેનેટોરિયમમાંથી તેં ઓછા પત્રો નથી લખ્યા મને!’

સત્યની નજર ભીંત પર ટીંગાયેલા ઈશુના ફોટોગ્રાફ પર ગઈ. ‘ કેમ એકાએક આ બાજુ? એમ. એ.નું હવે કરવું છે ને? એય શું વિચારે છે?’

‘તમારી છબી જોઉં છું.’

‘તું ગાંડિયો છે. એમ. એ.નું શું કરવાનો છે?’

‘લગ્ન પછી.’

‘લગ્ન? છોકરા તારાં લગ્ન?’ ને એ હસી પડયા.

‘સારું સારું પરણી જા. એકથી બે ભલા. મને નિમંત્રણ આપીશ ને?’

‘તમને હું પગે પડું તોય તમે નહીં આવો. માત્ર બાર કે તેર દિવસ જ બાકી છે અને તમારે માથે કૉલેજની જવાબદારી આવી ચડી બેસશે. કહો, હવે આવશો?’

પ્રોફેસરે બારણું ખોલી ઘડિયાળ જોઈ લીધું.

‘હંઅ તો એમ કહેને હું આવું એવો સમય તેં પસંદ કર્યો જ નથી.’

પછી સત્યને ધીમેથી કહેવા મંડયા :

‘આટલી બધી ઉતાવળ કેમ છે તને? Love marriage તો નથી ને! ભાગી જઈને ભેગા થવાનો ઉપક્રમ હોય તો મને કહી દેજે અત્યારથી, તને આશીર્વાદ આપી દઉં.’ એ હસી પડયા. પછી શરૂ કર્યું :

‘તારા પત્રોમાં વારંવાર સેનેટોરિયમની નર્સ વિષે, પેલી ગુલાબ જેવી છોકરી વિષે ઘણા ઘણા ઉલ્લેખો આવતા હતા. તારા છેલ્લા પત્રમાં તો એક નર્સનું નામ પણ તેં લખ્યું હતું. એ ખૂબ સેસા કરે છે એવું લખી જણાવ્યું હતું.’ થોડી વાર પછી યાદ કરીને એમણે એ નર્સનું નામ પણ કહ્યું.

‘હું ભૂલતો ન હઉં તો એનું નામ લલિતા છે, ખરું ને?’ સત્યના ઢળેલા મોંને જોવા તે નીચા વળ્યા.

‘કેવો શરમાઈ ગયો તું? “લલિતા” નામમાં કોમળ ભાવ છલોછલ લાગે છે! પ્રેમ થાય એવો, ખરું ને.’

સત્ય હજીય અનુત્તર રહ્યો હતો એટલે ‘લેખકોનું આવું જ હોય છે, માંદા પડયા એટલે નર્સ પર વારી જાય અને સાજા થાય એટલે મા યાદ આવે. તારી મા ખૂબ ભોળી સ્રી છે. એને પરણ્યા પછી દુ:ખ આપવું નહીં. તારા પર એને ખૂબ સ્નેહ છે.’

‘તમને…’ સત્ય ન બોલી શક્યો.

‘મને ખબર છે હું આવ્યો હતો. તારી માને જોતાં જ મને તો થઈ ગયું આવી મા મને મળી હોત તો—’ વળી એ ઘડિયાળ જોવા ઊભા થઈ ગયા ‘લે ત્યારે, સત્ય, મારો સમય થઈ ગયો. ઑફિસમાં હવે મારે જવું પડશે. વિદ્યાર્થીઓનાં ઍડમિશન ફોર્મ લેવાનાં છે. હવે પછી અમારી સેવા પણ શરૂ થઈ જશે.’ એ ઊંભા થયા. પાછા સત્યને ખભો થાબડીને કહે :

‘એ છોકરા, પેલી છોકરીનું નામ સાંભળીને ક્યારનો મૂંગો થઈ ગયો છે, મને લાગે છે પરણ્યા પછી તો તું સાવ બોલવા લાયક રહેશે જ નહીં. કેમ રે, લલિતા એટલી બધી રૂપાળી છે શું?’

ને એ ભોળાભાવે સત્યના અ-ભાવદર્શક મુખને જોઈ રહ્યા.

‘તો તું મને પાછો ક્યારે મળે છે? મારે તને લગ્નની ભેટ આપવી છે.’

‘કંઈ કહેવાય નહીં.’ સત્ય આટલો જ ઉત્તર આપી શક્યો.

‘વાહ, પાછો કહે છે, કંઈ કહેવાય નહીં. મને તો એમ થાય છે કે પરણ્યા પહેલાં તને વિરહનો અનુભવ થાય છે તો પછી તો-સારું સારું તું પાછો મને સાધુ કહે છે ને! અમારે સાધુઓને એવું તેવું યાદ ન કરાવવું જોઈએ, એમ તું પાછો કહી બેસીશ. નક્કી ન હોય તો ઊભો રહે.’ પ્રોફેસર અંદર ગયા.

‘લે આ “શુભ સંદેશ” બાઈબલનો ગુજરાતી અનુવાદ છે. બસ ત્યારે પત્ર લખજે.’

સત્ય પ્રણામ કરીને પગથિયાં તરફ વળ્યો એટલે પાછું એમણે ઉમેર્યું :

‘ઉતાવળિયો છે તું. હું ઑફિસ લગી આવું છું.’

દ્વાર વાસીને સત્ય સાથે નીચે ઊતર્યા.

‘પત્ર ન લખાય તો પાછો આજની જેમ પશ્ચાત્તાપ–ક્ષમા–બમા ન માગતો. હા.’ને એમણે આશીર્વાદ આપ્યા.

બંને છૂટા પડયા.

ગમે તેમ પણ પ્રો. મૅયોને મળ્યા પછી સત્યનું હૈયું કશોક રંજ અનુભવવા મંડયું. લલિતાની સ્મૃતિ ઘડી ઘડી વાર થઈ હતી અને તેનો લગ્ન કરવાનો ઉત્સાહ ક્ષીણ થવા લાગ્યો. પ્રોફેસરની ગેરસમજ વિષે એની સ્પષ્ટતા કરવાનું ન સૂઝયું એ જ એને આશ્ચર્ય થવા લાગ્યું. કોણ જાણે લલિતાના નામને આ રીતે પોતાના નામ સાથે જોડાવાની એમની ગેરસમજને તે નકારી ન શક્યો.

કપડાં ખરીદ્યાં. મામાએ એને માટે વીંટી અને સૂર્યા માટે માળા પસંદ કરવાનું કહ્યું ત્યારે એ મૂઢ જેવો એમના ભણી તાકી રહ્યો. મામીએ સૂર્યા માટે પણ વીંટી જ લેવી એમ સત્યની હાજરીમાં જ કહ્યું ત્યારે એણે ‘હા’ કહીને બંને વચ્ચેથી ખસી જવામાં જ સાંત્વન મેળવ્યું હતું. લલિતા માટે હાર લેવાનો સુયોગ આવ્યો હોત તો તે મામીની ઉપરવટ જઈને પણ પસંદગી માટે બજારમાં ઊપડયો હોત.

સત્યને અમદાવાદમાં રહેવાનું ગમ્યું નહીં. એના મામાએ એની વહુ માટે હાર પસંદ કરવાનો પ્રયત્ન કરી જોયો ત્યારે ‘મને એમાં ગમ ન પડે.’ ને રમકડાંની દુકાન તરફ તે વળ્યો હતો. સ્ટેશન જતાં જતાંય એક વાર ફરી મામાએ વાત નાખી જોઈ પણ એનું કંઈ પરિણામ ન આવ્યું. ‘સારું ત્યારે તારી મામીની પસંદગી ચલાવી લેજે ત્યારે.’

કહીને એમણે સંતોષ માન્યો હતો.