શ્રેષ્ઠ અનિરુદ્ધ/૧૩. પીપળાની છાયા
પીપળાની છાયા
મારા ખંડમાં હળવેકથી પ્રવેશે છે
કર્ણને મળવા જતી કુન્તીની જેમ,
મારા ટેબલ પર પડેલી અંગત નોંધપોથીનું પાનું
ઝડપથી ઉલટાવી નાખે છે પવન,
બારીમાં હાથ નાખીને
ઢંઢોળી જોઉં છું ભરબપોરે ઊંઘતા સૂર્યમુખીને
આકાશમાં ચકરાવા લેતી સમડીનો
પડછાયો ફરે છે ગોળ ગોળ મારા આંગણામાં,
ને એક બાજ ચિત્કાર કરતો ઊડી જાય છે
પીપળા પરથી ઊંચે ને ઊંચે…
કેલેન્ડરનાં પાનાં કંઈક સળવળાટ કરીને જંપી જાય છે
ને હળવેકથી સરી જાય છે
મારા ખંડની બહાર
પીપળાની છાયા.