શ્રેષ્ઠ અનિરુદ્ધ/૧. બાબુ વીજળી

Revision as of 02:28, 10 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧. બાબુ વીજળી

પોષ મહિનાના છેલ્લા દિવસો. ઠંડી ઓછી થઈ ગયેલી. રાત્રે જમ્યા પછી લગભગ આઠેક વાગ્યે હું નીકળ્યો. રસ્તે અંધારું અને ઉત્તર ગુજરાતના એક નાના ગામડાનો ધૂળિયો રસ્તો. ફાનસનું પીળું અજવાળું આછું આછું કેટલાંક ઘરોમાં દેખાય. લગભગ સોંપો પડી ગયા જેવું વાતાવરણ, સિવાય કે થોડાંક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય.

થોડા દિવસ માટે મારા એક સંબંધીને ત્યાં હું આવ્યો હતો. એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું, પણ આ નાના ગામથી પરિચિત. થોડાક મિત્રો પણ ગામમાં મને મળી આવ્યા હતા. રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદ મિત્રને પકડું અને થોડેક સુધી આંટો મારું. એક વળાંક વટાવી હું આગળ ચાલ્યો તો એકનું એક વાક્ય મેં અનેક વાર બોલાતું સાંભળ્યું:

‘મીરજાફર નામનો નવાબ હતો.’ જઈને જોઉં તો બાબુ એની ઓશરીમાં દિવેલના દીવાના ઝાંખા અજવાળામાં ગોદડું ઓઢીને બેઠો બેઠો ધૂણતો હોય એમ ડોલતો ડોલતો ઉપરના વાક્યનો મંત્રજાપ કરે! એ ત્યારે ગુજરાતી સાતમા ધોરણમાં ભણે અને ‘વર્નાક્યુલર ફાઈનલ’ની પરીક્ષાની તૈયારી ચાલે. વચ્ચે એણે કેટલાંક ધોરણોમાં બબ્બે વર્ષ કાઢ્યાં હતાં અને છેક સાતમા સુધી પહોંચ્યો હતો! ઉંમરમાં અમે બન્ને લગભગ સરખા.

બાબુ પાસે હું ગયો ત્યારે એના ઘરનાં પગથિયાં પાસે ડાબી બાજુએ ભેંસ બાંધેલી અને જમણી બાજુએ ત્રણ કૂતરાં બેઠેલાં. મને જોયો એટલે ચોપડી ફગાવી દઈ એ ઊભો થઈ ગયો અને મોટેથી બોલ્યો: ‘મીરજાફર નામનો નવાબ હતો.’ પછી કહે: ‘ચ્યારનો ગોખુ સુ પણ દિયોરનું ઇયાદ જ નથ રે’તું.’

‘આમાં યાદ રાખવાનું છે શું?’

‘મીરજાફર નામનો એક નવાબ હતો.’

‘તું વાંચતો હતો એમાં ‘‘એક’’ નથી.’

‘સાપ્પાનું ભૂલી જ્યા હસી.’

‘એવું નથી. એનો બીજો એક અર્થ થાય છે.’ મેં કહ્યું. બાબુની આંખો પહોળી થઈ ગઈ: ‘ચિયો!’

‘મીરજાફર નામનો, એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો.’

‘ઓત્તારી બુનનું ભલું થાય…’ ને એ પુસ્તકનાં પાનાંને કુતૂહલથી જોઈ રહ્યો. પછી થોડી વારે બોલ્યો: ‘આવી ભુલભુલામણી ચ્યમ સાપતા હસી? મીરજાફર ઠોયા જેવો નવાબ હતો ઈમ સાપતાં ઇંયોંના બાપનું સુ જતુ’તુ? પછી ધીરે રહીને બોલ્યો: ‘મીરજાફર નામનો નવાબ હતો. મારી હાહુનું જબરું સ હોં!’ ને એના મગજમાં એ બરોબર ઊતરી ગયું હોય એમ એ હળવો ફૂલ થઈને હસી પડ્યો.

‘તેં ગોદડું કેમ ઓઢેલું?’

‘ઓઢ્યા વિના કોંય ઇયાદ જ ના રે.’ એણે હાથની ઝાપટ મારીને દીવો હોલવી નાખ્યો અને કહે: ‘હેંડો, પરસાદ ખાવા જઈએ.’

‘ભાભીને પૂછીજો.’ એનાં માને હું ભાભી કહેતો. નાની ઉંમરે એ વિધવા થયેલાં. બાબુ એમનો એકનો એક દીકરો. એને મોટો કરતાં ભાભીને ઘણું દુ:ખ પડેલું; પણ હવે તો બાબુ ખેતી સંભાળી લેતો અને છેક ‘ફાઈનલ’ સુધી પહોંચ્યો હતો. ગામમાં ‘ફાઈનલ’થી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે. ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. ગામના છોકરા ‘ફાઈનલ’ સુધી ભણીને કાં તો? પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો થાય તલાટી. જે ભણી ન શકે તે ખેતી કરે અથવા વાણિયાની દુકાને વાણોતર થાય.

‘મા તો ભજનમાં ગઈ.’ એ બોલ્યો અને અમે ચાલી નીકળ્યા. ત્રણે કૂતરાં પાછળ થયાં. એમાંથી એકને એણે પાછળ આવવા દીધું અને બીજાં બેને લાત લગાવી પાછાં કાઢ્યાં.

‘આવવા દે ને!’ મેં કહ્યું.

‘આ ભલ આવ. ભગત સ. પેલાં ઘરની ખબર રાખસી.’

ગામની ભાગોળે આવેલા રામજી મંદિરમાં અમે ગયા. કૂતરું બહાર બેઠું. ‘જે રામજીકી’ની બૂમ બાબુએ લગાવી. અંદરથી અવાજ આવ્યો: ‘ઇતના લેટ ક્યું આયા?’

‘બાપુજી, પઢનેકુ બેઠા થા.’

‘ક્યા પઢતા થા?’

‘મીરજાફર નામકા નવાબ થા.’

‘હરિ… હરિ… ક્યા કલજુગ આયા હૈ બાબુડા, રામ-લચ્છમન તો પઢાઈમેં આતે હી નહિ.’

મેં જોયું તો બાવાજી ખાટલામાં બેઠા બેઠા ચલમ પીએ. મંદિરમાં રામ-સીતાની મૂતિર્ઓ પાસે દીવો બળે બાકી બધે અંધકાર. ચલમનો દેવતા તગતગે. અમે બાવાજીના પગ પાસે બેઠા. એમણે બાબુને દીવી કરવા કહ્યું અને મને ‘રામાયણ’ વાંચવા બેસાડ્યો. ઘીના દીવાનાપ્રકાશમાં નાગરી લિપિમાં મોટા મોટા અક્ષરે છાપેલું તુલસીદાસજીનું રામાયણ મેં મોટેથી વાંચવા માંડ્યું. બાવાજીએ ચલમ હોલવી પથારીમાં લંબાવ્યું અને મોટેથી એક ચોપાઈ લલકારી. બાબુએ બાવાજીના પગ દબાવવા માંડ્યા. થોડી વાર થઈ હશે ત્યાં બાબુથી રહેવાયું નહિ એટલે એણે પૂછ્યું: ‘બાપજી, પરસાદ-બરસાદ કુછ હૈ કિ નહિ?’ બાવાજી મોટેથી હસી પડ્યા: ‘મેં તેરી દાનત જાનતા હૂં.’ એમણે ઊભા થઈને અમને બન્નેને એકેક પેંડો આપ્યો. ‘જે રામજી કી.’ કહીને અમે નીકળ્યા. કૂતરું બહાર રાહ જોઈને બેઠું હતું તેને પકડીને એનું જડબું પહોળું કરીને બાબુએ પેંડાનો ટુકડો મૂક્યો.

‘કૂતરાને પેંડો ભાવે?’ મેં પૂછ્યું.

‘પરસાદ સ. આગલે જનમ આ કૂતરું નહિ થાય. ભગત સ. ઈના કપાળમાં ટીલું સ. ખલાં મારતું મી ઈન કદ્દી જોયું નથ.’

બાબુને પહેલેથી કૂતરાં વહાલાં. આખા મહોલ્લાનાં કૂતરાંની ખાસિયતો એ જાણે. બપોરે એ નવરો બેઠો હોય ત્યારે કૂતરાં એના ઘરનાં પગથિયાં પાસે ભેગાં થાય. બાબુ કૂતરાંના શરીર પરથી ઇતરડા વીણે. કોઈ કૂતરી વિયાણી હોય તો બાબુ મહોલ્લામાં લોટ, ગોળ, ઘી ઉઘરાવવા નીકળે અને શીરો કરી કૂતરીને ખવડાવે. કૂરકૂરિયાંને એ ‘કતીલાં’ કહે. જન્મતાંની સાથે જ એણે બે રૂપાળાં કતીલાં બોટી લીધાં હોય. એ નાનાં હોય ત્યારથી બાબુ એમને કેળવવાનું શરૂ કરે. કોઈ અજાણ્યું કૂતરું આવી ચડ્યું હોય તો એની પાછળ કેમ પડવું તે બાબુ ‘હૂડ દો, હૂડ દો’ બોલતો દોડતો દોડતો શીખવે. એ નિશાળે જાય ત્યારે એનો ‘ભગત’ એને મૂકવા જાય અને સાંજે છૂટે ત્યારે લેવા ગયો હોય! નિશાળેથી આવ્યા પછી ઘરનાં પગથિયાં પાસે કૂતરાંને એ લાઈનમાં બેસાડી અને ‘કોલ’ દેતાં શીખવે. જો એકાદને ન આવડ્યું તો એને પગથી દૂર ફંગોળે! કૂતરું ‘કાઉ કાઉ’ કરતું ભાગી જાય પણ થોડી વાર પછી પાછું આવીને ઊભું રહે! બાબુ ખેતરે જાય ત્યારે ત્રણચાર કૂતરાં તો એની પાછળ પાછળ હોય જ.

ભાભીને બાબુ ખોટનો દીકરો હતો; એટલે એને માતાજીના સ્થાનકે રમતો મૂકેલો અને બોલેલાં: ‘મારી મા, તમારો છે ને તમે જાળવજો.’ એવી માનતા પણ રાખેલી કે દર વર્ષે નવરાત્રિમાં માતાજીની માંડવી બંધાય ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીનો પાઠ ભજવે. બાબુને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યું. માંડવી પાસે લાકડાની પાટો ગોઠવીને સ્ટેજ બનાવ્યું હોય તેના પર ‘નાટક’ ભજવાય. પરદો નહીં. શરૂઆતમાં ગણપતિનો વેશ આવે. પૂજાવિધિ થયા પછી વિદૂષક પ્રવેશે. વિદૂષકે જોકરના જેવી ઊંચી દીવાલની ચળકતી મુસલમાની ટોપી પહેરી હોય અને હાથમાં ચામડાનો પટ્ટો રાખ્યો હોય. સ્ટેજ પર આવીને એ પટ્ટો ફટકારે અને ગાય: ‘વહા…લી વીજ…ળીને આ…વતાં કેમ લા…ગી વા…ર?’ જામતી રાતની શાંતિમાં એનો અવાજ દૂર દૂર સુધી પડઘાતો ફેલાઈ જાય. એનું ગીત સાંભળીને ત્રણેક ‘સુંદરીઓ’ સ્ટેજ પર પાછળથી કૂદીને પ્રવેશ કરે: ‘આ…વી આ…વી વિદૂરસક વહાલા…’ આમાં બાબુ એના તીણા અવાજથી જુદો તરી આવે. ઓઢણીમાં છોકરી જેવો જ લાગે! પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછાડતો ઠેકડાં મારતો એ ગાતો હોય! ભૂંગળો વાગે અને બીજા ‘અદાકારો’ સાથે બાબુ ‘તાતા તાતા થૈયા’ કરતો હોય એ દૃશ્ય હું ભૂલી શકું તેમ નથી. એના અભિનયથી ખુશ થઈ છોકરાઓ એને ‘વીજળી’ કહેતા!

એક વેળા મેં ભાભીને પૂછી જોયું હતું: ‘બાબુ પરણશે, ઘરે વહુ આવશે ત્યારેય એ વીજળી બનીને નાચશે?’

‘નાચસીસ્તો! માતાજીનું કરવેઠુ સ. મીં ઈન માતાજી પોંહે રમતો મૂચ્યો સ. ઈંનો બાપે ય ઘાઘરો પે’રીને નાચતા.’

બાબુ માથે વાળ મોટા રાખે અને સ્ત્રીના વેશમાં પટિયાં પાડીને હોળે. બીજે દિવસે કૂવે પાણી ભરવા જતી યુવાન વહુવારુઓ ‘બાબુભૈ, ચોટલો લેવા તો તમારી પોંહે આવવું પડસી’ – કહીને હસીને પસાર થઈ જતી. બાબુ હરખાતો હરખાતો ‘હેંડો મારો બાપ્પો કરું’ કહેતો બળદોને હાંકતો ચાલ્યો જતો.

એક સાંજે હું બાબુને ઘેર ગયો. ભાભી ઓટલે બેઠેલાં. એકે કૂતરું આંગણામાં જોયું નહિ એટલે મને થયું કે બાબુ ઘેર નથી.

‘બાબુ ક્યાં?’

‘ડોબુ પાવા જ્યો સ. બેહો ભૈ. આબ્બામાં જ સ.’

હું બેઠો. ઘર ચોખ્ખું ચણાક. ત્રાંબા-પિત્તળનાં વાસણો માંજીને ચકચકાટ કરીને અભરાઈઓ પર ગોઠવેલાં. પાણિયારાની ફરતે દીવાલ પર ચળકતી વાડકીઓ માટી વડે ચોંટાડેલી. બાજુમાં નવા વર્ષે આવેલાં ભગવાનની છબીવાળાં કાર્ડની હાર જોવા મળે. એમાં શંકર, ગણપતિ, સરસ્વતી, અંબાજી, દત્તાત્રેય, રામ, કૃષ્ણ – કોઈ દેવદેવી બાકી નહીં. દરેક દેવદેવીના ભાલ પર કંકુના ચાંલ્લા. રાચરચીલું કંઈ જ નહીં, છતાં ઘર ભર્યું ભર્યું લાગે. શેતરંજીનો એક ટુકડો સામી ભીંત પાસે પાથરેલો. બાજુમાં ડામચિયો, ખૂણામાં ખેતીનાં થોડાં ઓજારો પડેલાં.

હું અરધોએક કલાક બેઠો પણ બાબુ ન દેખાયો. થોડી વારે એની ભેંસ દેખાઈ. ભેંસ ખીલે આવીને ઊભી રહી પણ બાબુનાં દર્શન ન થયાં. ‘ચ્યોંક વાતો કરવા રોકાણો હસી.’ ભાભી બોલ્યાં અને એમણે ભેંસને ખીલે બાંધી. મેં ઊભા થઈને ચાલવા માંડ્યું. મનમાં એમ કે રસ્તે બાબુ મળશે. રસ્તે શંકર મળ્યો. એને મેં પૂછ્યું તો કહે કે બાબુ તો મોટરે લટકીને ગયો તે રાતે આવશે! હું સમજી ગયો. બાબુને મોટરનું ભારે આકર્ષણ. ગામને પાદર થઈને જતાઆવતા ખટારા કે કોઈની જીપ કે કોઈની ગાડીનો અવાજ સાંભળે કે ‘હમકારો થ્યો’ કરતો બાબુ દોટ મૂકે. કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણું પકડીને પગથિયા પર ઊભો થઈ જાય ને કહે: ‘હેંડો બતાડું.’ ખાડાટેકરાવાળા ધૂળિયા રસ્તે એ આમ લટકતો ગાઉ બે ગાઉ સુધી જાય અને રસ્તો બતાવી ‘હેંકુટ’ ખાધાના આનંદ સાથે રાત્રે અંધારામાં ઘેર પાછો આવે. કૂતરાં એની પાછળ દોડીને થાકીને અધવચ્ચેથી પાછાં વળ્યાં હોય. મોટરનાં પૈડાંની ધૂળમાં પડેલી છાપને એ આંગળીઓ વડે પંપાળી જુએ ત્યારે જ એને ચેન પડે! રાત્રે મહોલ્લાના છોકરાઓને ભેગા કરીને મોટર કેમ ચલાવાય તેનો કીમિયો સમજાવે!

બાબુ સીધોસાદો છોકરો. એને કશું વ્યસન ન મળે. એની ઉંમરના છોકરા ચા-બીડી પીએ તો એ દૂર ભાગતો ફરે. હા, એને એક વ્યસન હતું – ‘પરસાદ’નું. રામજી મંદિરના બાવાજી પ્રસાદ ન આપે ત્યાં સુધી બાબુ ખસે નહીં. આમ જુઓ તો એનું ભણતર જ બાવાજી પાસે થયેલું. રામાયણ, મહાભારત, ભાગવતની કથાઓ એને મોંએ; પણ નિશાળમાં એ પાણી બહારનું માછલું. એના એક શિક્ષકે મને કહેલું કે ગણિતનો સહેલો દાખલો હોય પણ આંકડાની જટાજાળ જોઈને એ આખેઆખો ધ્રૂજવા માંડે. ઇતિહાસની તારીખો અને રાજા-નવાબોનાં નામ એને ગભરાવી મૂકે. ગોદડું ઓઢીને ગરીબડો થઈને એ ગોખવા મંડી પડે; પણ એમાંનું કશુંય એના મગજમાં ન ઊતરે! શતરૂપા, વિકર્ણ, અલર્ક જેવાં ભાગવત-મહાભારત-રામાયણનાં અનેક પાત્રોનાં નામો અને એમની ઝીણી ઝીણી વિગતો એને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો ય એ કહી આપે, પણ ‘મીરજાફર’ એને ઠંડી રાતે પરસેવે રેબઝેબ કરે! બાવાજીનું ઉમંગભેર કામ કરતાં અને એમની વાતો સાંભળતાં બાબુ ખરેખર ખીલી ઊઠતો; પણ નિશાળમાં ગરીબ ગાય બની જતો.

ગામમાં રામલીલા આવી હોય, તૂરીની ટોળકી રમવા આવી હોય કે નટવાનો ખેલ હોય તો બાબુ અચૂક હાજર હોય. એ રમનારાઓ સાથે દોસ્તી બાંધે, એમનો સાજસરંજામ જુએ અને જરૂર પડ્યે કામ પણ કરે. આવી દોસ્તીમાં જ એ ઢોલક વગાડતાં શીખી ગયેલો; પણ એને ઢોલક લાવી કોણ આપે?

વૅકેશનમાં હું ગયો હોઉં તો બાબુ નવરોધૂપ હોય. ખેતીનું કામ હોય નહિ ને ભણવાનું વૅકેશનમાં બંધ! ઘરનું થોડુંક કામ કરે, મંદિરમાં બાવાજી પાસે ગપાટા મારે અને ‘હમકારો’ સાંભળવા ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે બેસે; પણ રાત્રે એ ભજનોની રમઝટ જમાવે. ઉનાળામાં રોજ કોઈકને ત્યાં ભજનમંડળી બેસે. બાબુ હાથમાં મંજીરાં લઈને તીણો રાગ કાઢીને ભજન ગાય. જો ક્યાંકથી ઢોલક મળી ગયું તો આનંદનો પાર ન રહે. એ મને ભજનમંડળીમાં લઈ જાય. મધરાતે એનો અવાજ ગામના સીમાડાઓ સુધી પડઘાતો હોય:

‘તારી બેડલીને બૂડવા નઈ દઉં જાડજો રે! ઈમ તોળલ કે’સ જી…’ ‘જી જી…’ ફરીથી બોલીને એ મંજીરાની રમઝટ બોલાવે. આરતી થાય ત્યારે એનું એક પ્રિય ભજન અચૂક સાંભળવા મળે:

‘તમ જમોને જમાડુ રે જીવણ મારા. વ્હાલાજી મારા ઘેબર જલેબી ને લાડુ જમોને થાય ટાઢુ રે, જીવણ મારા!’

એક વેળા મને પૂછે: ‘આમાં જલેબી ને લાડુ તો હમજ્યો, પણ ઘેબર સુ સ?’

‘એક જાતની મીઠાઈ.’ મેં કહેલું; પણ એને સંતોષ નહોતો થયો. બીજી વાર જવાનું થયું ત્યારે વડોદરાથી યાદ કરીને હું ઘેબર લઈ ગયેલો. જોઈને બાબુ કહે:

‘ઓત્તારીનું, આ તો ખાધેલું.’

‘ક્યાં?’ મેં પૂછ્યું.

‘પેલો રબારી નઈ? વીહો? ઈના લગન ટાણે ખાધેલું. ચોખ્ખા ઘીનું. ગોગના.’ – કહીને એ છલાંગ મારતો ઓરડામાં ગયો અને મીઠાઈ પટારામાં મૂકીને મારે માટે સુખડી લઈ આવ્યો. અમે ખાતાં બેઠા હતા ત્યાં ભાભી આવ્યાં.

‘ભૈ, આને શિખામણ આલો. ભણતો નથ ને ચ્યોંક નટવા બજાણિયાની ટોળી ભેગો હેંડ્યો જ્યો તો મારા તો ભોગ લાગસી.’

‘તમને મૂકીને ક્યાંય નહિ જાય.’

‘ભણસી નૈ ને લખ્ખણ હારાં નૈ હોય તો કન્યા કુણ દેસી?’ ભાભીએ ચિંતા વ્યક્ત કરી.

‘કો’ક તપ કરતી હશે.’

બાબુ શરમથી લાલધૂમ થઈ ગયો. ઊઠીને ઘરમાંથી ડોલ, દોરડું અને કપડાં લઈને આવ્યો. મને કહે: ‘હેંડો, કૂવ આબ્બુસ?’

‘કેમ?’

‘કપડા ધોકાવવાના સ.’

‘તને કૂવે મૂકીને હું આગળ ચાલ્યો જઈશ.’ મેં કહ્યું.

અમે ચાલ્યા. એની પાછળ કૂતરાં તો હોય જ. બજાર વીંધીને જવાનું. એ એક ‘દોકાને’ થોભ્યો. પછી દોડતો મારી સાથે થઈ ગયો. ગાતો હતો: ‘ઓઘડસંગજી રે, તમુંને એક આનો આલ્યો…’

‘આ શું ગાય છે?’

‘ઓઘડસંગજી…’

‘એટલે?’

એણે ચડ્ડીના ખિસ્સામાંથી કાઢીને એક ગોળમટોળ સાબુની ગોટી બતાવી. કઠણ પથ્થર જેવો સાબુ. ઉપર અક્ષરો ઉપસાવેલા, ‘ઓઘડસંગજી.’ એ ગોટી એ એક આનામાં ખરીદી લાવ્યો હતો. એનું પણ એ ગીત ગાય! સ્વભાવે આનંદી. સવારે એનાં બા ખેતર ગયાં હોય અને એ વાસણ માંજતો હોય ત્યારે પણ ગીત ગાતો હોય. ગાતું પંખી જ જોઈ લ્યો!

કૂવા પર કન્યાઓ અને વહુવારુઓ પાણી ભરે. બાબુ જેવા થોડાક છોકરા ય ખરા. કૂવાથી થોડે દૂર પડેલા પથ્થરો પર લોક કપડાં ધૂએ. બાબુ પહોંચ્યો એની સાથે જ અવાજો સંભળાયા: ‘બાબ્ભૈ, આટલો ઘડો ભરી આલો ભૈ!’ ને ‘ભૈ’ કૂવામાંથી ડોલ ખેંચીખેંચીને સૌને પાણી ભરી આપે! પાછા ફરતાં મેં જોયું તો બાબુ માથે, શરીરે ‘ઓઘડસંગજી’ ઘસીને નહાય. કપડાં ધોવાઈ ગયેલાં. નહાતાં નહાતાં ગાતો હતો: ‘હરિ તારા હજાર નામ, ચિયા નામે લખવી કંકોતરી…!’ એક ચડ્ડી પહેરીને ઉઘાડા શરીર પર ખભે ધોયેલાં કપડાં મૂકીને હાથમાં ડોલ-દોરડું ઝુલાવતો એ ઘરે આવે. ડોલ પાણીથી ભરેલી હોય. પાછળ ત્રણચાર કૂતરાં આવતાં હોય!

‘તને આ કૂતરાંનો કંટાળો નથી આવતો?’

‘ધરમરાજાને ય કૂતરું વહાલું હતું.’ એ કહેતો.

‘પણ તું તો એક નહિ, આખું સૈન્ય રાખે છે!’

‘તે રાખુ સ્તો. એકલદોકલ હોય તો રબારીના કૂતરા ફાડી ખાય. આ ચાર સ તીની હોંમે કૂતરું આવ સ?’

એમાં જો કોઈ છોકરાએ આવીને ચાડી ખાધી કે ફલાણું કૂતરું ખિસકોલી પકડીને ખાતું’તું તો કૂતરાનું આવી બન્યું જ સમજવું. બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થાય. કૂતરું શોધી કાઢે. એનું જડબું એક હાથે પકડીને બીજા હાથે ફટકારે. એ બોલતો હોય: ‘ખલી તો રોંમને વ્હાલી હતી. તુને રોંમની આંગળિયુના ચંટાપટા નથ દેખાતા?’ હું એને કહું કે કૂતરાને એની સમજ ન પડે; પણ એ માને નહિ!

મારે વડોદરા જવાનું હોય ત્યારે એ સ્ટેશને અચૂક મૂકવા આવે. દૂરથી ગાડીના ધુમાડાનું છોગું દેખાય ને એ કોઈ લશ્કરમાં સૈનિકને કૂચ કરવાની હોય એમ બધું બળ એકઠું કરીને તૈયાર થઈ જાય. ગાડી ઊભી ન રહી હોય ત્યાં તો એ સળિયો પકડીને ચડી જાય. ઊતરનારને ઊતરવા ન દે! ‘ભૈ હેંડો હેંડો’ની બૂમો મારે! ધક્કામુક્કી કરતો એ જગ્યા ‘બોટી’ લે! હું પહોંચું એટલે એ ડબ્બાની બારીમાંથી ઠેકડો મારીને નીચે ઊતરે. નાનું સ્ટેશન એટલે ગાડી આવી એવી તરત જ ઊપડે. ‘એ વે’લા વે’લા પાસા આવજો’ની એ બૂમ મારે. જોઉં તો એનું મોં પડી ગયું હોય. ચાલતી? ગાડીએ બારીમાંથી હું જોઉં તો એ ધીમાં ડગલાં ભરતો જતો હોય અને પાછળ એવી જ ધીમી ગતિએ ચાલતાં હોય કૂતરાં!