અવલોકન-વિશ્વ/ભીતરથી ઇતર – પરેશ નાયક

Revision as of 16:22, 17 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ભીતરથી ઇતર – પરેશ નાયક


66-PARESH-265x300.jpg


બિહાર સે તિહાર – કન્હૈયાકુમાર

Bihar to Tihar – Tr. Vandana R. Singh,

Juggernaut Books, New Delhi, 2016
આજનો આપણા દેશનો કોઈ પણ તેજસ્વી ગ્રેજ્યુએટ – યુવક કે યુવતી – સામાન્ય સંજોગોમાં, પોતાની શૈક્ષણિક કારકિર્દીને એની વ્યક્તિગત સામાજિક ભૂમિકાના પ્રકાશમાં જ તોલતો હોય છે.

ફોર્મલ શિક્ષણ પૂરું થવાને આરે હોય ત્યારે એના મનમાં કૌટુંબિક અને વ્યાવસાયિક જીવન વિશેનાં સ્વપ્નો જોવાની અને વ્યક્તિગત સ્તરે આર્થિક સ્થિરતા ભણી આગળ ધપવાની ખેવના જ અગ્રેસર હોય છે. અને એ સ્વાભાવિક છે.

પરંતુ, ઉચ્ચ શિક્ષણના આ મંથનકાળ દરમ્યાન જ, એના મનમાં ‘સત્ય–અસત્ય’, ‘સ્વાધીનતા-પરાધીનતા’, ‘રાષ્ટ્રભાવના-રાષ્ટ્રદ્રોહ’ જેવાં અંગત તેમ જ જાહેરજીવનનાં મૂલ્યો વિશે પણ આત્મચંતિન શરૂ થતું હોય છે.

વળી, લોકશાહી સમાજના એક સ્વતંત્ર નાગરિક તરીકેના એના વ્યક્તિત્વ-ઘડતરનાં આ જ ઊર્જાપૂર્ણ વર્ષોમાં, એના દિલમાં સ્થાપિત મૂલ્યો સામેના પડકારની લાગણી પણ પ્રગટતી જોવા મળે છે.

અંગ્રેજીમાં જેને ‘ડીસેન્ટ’ સંજ્ઞા વડે આપણે ઓળખીએ છીએ તે ‘વ્યક્તિગત અસહમતિ’ની ભાવના યુવાનોને જીવનનાં વ્યાપક મૂલ્યો પરત્વે અંગત જવાબદારી વ્હોરવાની પ્રેરણા પણ આપતી હોય છે.

માટે જ, વિશ્વના તમામ લોકશાહી સમાજોમાં ‘ડીસેન્ટ’ની ભાવનાનો સર્વસ્વીકૃત મૂલ્યરૂપે આદર થતો આવ્યો છે.

પરંતુ, આજે હવે, નાણાં અને બજારની આસપાસ રચાયેલી આપણી વર્તમાન સમાજવ્યવસ્થા યુવાનોના મનમાં આ ભાવનાને પૂરેપૂરી પાંગરવા દેતી જ નથી. એટલે આખરે તો, મોટાભાગના વિદ્યાર્થીઓ મંથનની તમામ પ્રક્રિયાઓથી અંતર કેળવવા લાગે છે. પડકાર-પ્રતિકારની પેલી લાગણીઓને મનમાં કોઈક અગોચર ખૂણે ધરબી દઈ ચાવી દીધેલા રમકડા પેઠે એ સંકીર્ણ ઘરેડમાં જોતરાઈ જાય છે.

ને પછી, તીવ્ર સ્પર્ધાના વાતાવરણ વચ્ચે ઘેરાયેલા આવા નવયુવકો રોજબરોજની આક્રમક ભીડમાંથી પોતાનું માથું કેમ ઉપર ઊંચકવું, કે લાંબી કતારને ભેદીને કેવી રીતે ખુદ અન્ય હરીફોથી આગળ નીકળી જવું એની તાકમાં જ વ્યસ્ત ને મસ્ત રહેવા લાગે છે.

સ્વતંત્ર લોકશાહી સમાજના આ નાગરિકો આગળ ઉપર સામાજિક કે

રાજકીય મૂલ્યો પ્રત્યેની જાગૃતિ વિશે ઉપેક્ષિત વલણ દાખવવા લાગે છે.

આપણી નિ:સત્ત્વ, સત્તાસેવી શિક્ષણવ્યવસ્થાનું આ પરિણામ છે.

*

કન્હૈયાકુમાર લિખિત ‘બિહાર સે તિહાર’ ઉપરના સંદર્ભે તાકીદના શૈક્ષણિક-સામાજિક-રાજકીય ડીસ્કોર્સ (સંભાષા)નો વિચારમંચ રચતું પુસ્તક છે.

મૂળ સરળ હિન્દુસ્તાનીમાં લખાયેલા આ પુસ્તકનો યુવા કથાનાયક/લેખક, પેલા પડકારો-પ્રતિકારોની ભાવનાથી મંજાઈને, કેવી રીતે, ટોળામાંનું જે એક ચોપું બની બેસવાને ઠેકાણે એક સ્વાયત્ત, સ્થિર ને ઉન્નત માનવી બનવા મથામણ કરે છે તેનો પારદર્શક વૃત્તાંત આ પુસ્તકમાં દર્જ છે.

પુસ્તકનાં ભાષા, શૈલી, તથા પ્રસંગોની છણાવટ – સાવ સરળ હોઈને પણ અત્યંત આકર્ષક છે. વિચારો, પ્રસંગો અને નિરૂપણની સમજ ખરાઈને બળે આ નાનકડું પુસ્તક વાચકને તત્કાળ પ્રભાવિત કરી રહે છે.

પાંચ કાલાનુક્રમિક ખંડો ‘(બચપણ’, ‘પટણા’, ‘દિલ્હી’, ‘જેએનયુ’, અને ‘તિહાર’)માં વહેંચાયેલું આ દસ્તાવેજી આલેખરૂપ પુસ્તક લેખકના ગામ-પરિવારની પ્રાથમિક ભૂમિકાથી શરૂ થાય છે. ત્યારબાદ, પાંચમા પ્રકરણથી એમાં, આરંભે સૂચવ્યા તે મુજબના એક શૈક્ષણિક-સામાજિક-રાજકીય નેરેટીવ (કથાનક)ની માંડણી થાય છે.

શૌચાલય અને પુસ્તકાલય વિનાના મસનદપુર ગામના ‘મધ્ય વિદ્યાલય’ના એક નવા નિશાળિયાની રોમાંચક શિક્ષણ-સફર કેવી રીતે ઠેઠ દિલ્હીની વિશ્વપ્રસિદ્ધ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના અગ્રણી યુવાનેતા બનવા સુધી વિસ્તરીને આખરે તિહાર જેલના બે સપ્તાહના કારાવાસમાં વિરમે છે એ ‘બિહાર સે તિહાર’નું મુખ્ય કથાનક છે.

એકી બેઠેકે વાંચી શકાય તેવી આ ચોપડી, પાંસઠ-સિત્તેર હજારની વસ્તીવાળા બેગૂસરાયના બીહટ ગામના મધ્યમ વર્ગના એક બિહારીની રોમાંચક કેફિયત રજૂ કરે છે. આ કેફિયત દરમ્યાન કથાનાયકના પારદર્શક ને પારગામી મનની અનેક છબિઓ વાચકો સમક્ષ તરતી મુકાય છે. ક્યારેક રોમેન્ટિક, તો ક્યારેક ધીરગંભીર, તો વળી ક્યારેક શોષણ ને અન્યાય સામે બળવો પોકારતી…

એક સાધારણ વિદ્યાર્થીની, વતનથી પાટનગરના કારાવાસ સુધીની નાટ્યાત્મક સફરનું અહીં નિખાલસ બયાન છે, બેગૂસરાયથી પટના અને પટનાથી દિલ્હી સુધીના ભારતના એક યુવા નાગરિકના સાહસિક શૈક્ષણિક-પ્રવાસ તરીકે પણ એને વાંચી શકાય.

સામાન્ય ગ્રામીણ પરિવારમાં કન્હૈયાના નાનાજી કોંગ્રેસી હતા તો દાદાજી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા હતા. પિતાજી પણ ડાબેરી વિચારધારાના ટેકેદાર. માતા એક કર્મઠ, પ્રતિબદ્ધ અને કૃતનિશ્ચયી બિહારી મહિલા.

પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મળ્યા બાદ અંગ્રેજી માધ્યમના પ્રભાવમાં માતા સાથેના પોતાના બાલીશ મતભેદોની નિખાલસ કબૂલાત કરવાની સાથોસાથ ધૈર્યવાન ને સહિષ્ણુ માતાના સહજ ત્યાગની નોંધ લેતો કન્હૈયો પોતાના વ્યક્તિત્વ-ઘડતરમાં માતાનો ફાળો પિતાથી સવિશેષ છે એ વાત ગર્વભેર નોંધે છે.

યુવા નાગરિક તરીકે કન્હૈયાકુમાર એકવીસમી સદીની જે નવીનતર પેઢીના ભારતીય યુવાવર્ગનું પ્રતિનિધિત્વ કરે છે તેનો એક સહજસંકેત એક પ્રસંગચિત્રમાં વણાયો છે:

બે હજારની સાલમાં લગ્નસરાના ગાળામાં ગામની એક જાનમાં આવેલા દિલ્હીના યુવા એન્જિનિયરના હાથમાં આ નિશાળિયો – કન્હૈયો પહેલવહેલી વાર મોબાઇલ જુએ છે.

ઔદ્યોગિક ક્રાંતિના પ્રતીકસમી પેલી ઇંધણચાલિત લોખંડી પૈડાંવાળી રેલવેના પહેલવહેલા પ્રવાસથી કદાચ જેટલું વિસ્મય કન્હૈયાના કોંગ્રેસી દાદાજી કે લેફ્ટીસ્ટ નાનાએ અનુભવ્યું હશે એવું જ વિસ્મય એક શહેરી એન્જિનિયરના હાથમાંના વાયરલેસ ફોનથી કન્હૈયો અનુભવે છે.

પલટાતી ટૅક્નોલોજીથી વિસ્મિત એક ગ્રામજનમાંથી, નોન-લીનીયર યુગના પેલા ડિજિટલ બિહારી એન્જિનિયરની પેઢીના પ્રતિનિધિ બનવા સુધીની કન્હૈયાકુમારની આ સફર એકવીસમી સદીના ભારતના યુવા રાજનેતાના ઘડતરની કથા પણ છે.

ટૅક્નોલોજી ભલે મુખ્યત્વે બજારલક્ષી મૂલ્યોને કંડારતી કેડી રચવા ખપમાં લેવાતી હોય, પરંતુ અર્થવ્યવસ્થાની સાથેસાથે સામાજિક ક્રાંતિનાં બીજ રોપવામાં પણ એ સહજ નિમિત્ત બની રહેતી હોય છે.

પરસ્પરના મનની વાતો વડે ગામ-શહેર અને દેશ-વિદેશના વિવિધ વય-જાતિ-વર્ણના યુવાનોને એકમેકથી સહજ સાંકળતી આ મોબાઇલ ટૅક્નોલોજી યુવાનોને વૈચારિક અને ભાવનાત્મક સેતુથી જોડવાનું કામ પણ કરી રહી છે એ સમજ કદાચ ટૂંકી નજરવાળા સત્તાનિષ્ઠ રાજકારણીઓમાં હજી પ્રસરી નથી.

તિહાર જેલમાં દાખલ થતાંવેંત આ યુવાનેતાને એનો મોબાઇલ પોલીસ પાસે જમા કરાવવો પડે છે. પેલું વર્ષો પૂર્વેનું વીસરાયેલું વિસ્મય જાણે કે એના એકાકી કારાવાસને ફરી એક વાર અજવાળી રહે છે.

*

નિશાળના દિવસોની વાત કરતાં કન્હૈયાકુમાર એના વર્ગના એક ગરીબ તેજસ્વી હરીફનો કિસ્સો ચર્ચે છે. આ યુવક ભણીગણીને અવ્વલ થવા સક્ષમ હોવા છતાં બસ-કન્ડક્ટર પિતાના આકસ્મિક અવસાનને પગલે અભ્યાસ છોડી સાઇકલની દુકાનમાં પંચર બનાવવાના કામમાં જોતરાય છે.

આ ઠોસ વાસ્તવની સમાંતરે તત્કાલીન પાઠ્યક્રમમાં આમેજ ‘ધ રીયલ પ્રિન્સેસ’ નામની રોમેન્ટિક વાર્તાને વિરોધીને લેખક શિક્ષણવ્યવસ્થામાં નિહિત તીવ્ર વિડંબનાને સ્પષ્ટ ચીંધી આપે છે.

એ વાર્તાનો એક અભિમાની રાજકુમાર કેવી રીતે પોતાનાથી વધુ અભિમાની રાજકુમારીના વર્તનથી પ્રભાવિત થાય છે એવી મોંમાથા વિનાની રોમેન્ટિક વાત નિશાળના પાઠ્યપુસ્તકમાં ભણાવવા પાછળની નિરર્થકતા તરફ ઇશારો કરવા સાથે લેખક શૈક્ષણિક મૂલ્યો અને વાસ્તવિક જીવન વચ્ચે પડી ચૂકેલી ઊંડી ખાઈ તરફ લાલ આંખ કરે છે.

આવા અનેક નાનામોટા નર્યા વાસ્તવિક પ્રસંગોની સાંકળ રચતા રહીને લેખક શિક્ષણ ઉપરાંત જેન્ડર, જાતિપ્રથા, ગરીબી જેવી પાયાની સમસ્યાઓ તરફ વાચકનું ધ્યાન ખેંચી રહે છે.

જેએનયુના આંદોલનના દિવસોથી માંડીને કન્હૈયાકુમારની ધરપકડની અને ત્યાર બાદ પટીયાલા હાઉસ કોર્ટના વકીલો દ્વારા કોર્ટના પરિસરમાં એની ઉપર કરાયેલા હુમલાની તમામ વિગતો વખતોવખત અખબારો-સામયિકોમાં તથા ઇલેકટ્રોનિક મીડિયામાં મસાલેદાર ઉમેરણો સાથે છલકાતી રહી હતી. ‘બિહાર સે તિહાર’ના ઉત્તરાર્ધમાં આ તમામ ઘટનાઓનો, અધિકૃત ‘ઇન-કૅમેરા વ્યૂ’ વાચકને સાંપડે છે.

આ સ્મરણયાત્રાને લેખકે પ્રથમ પ્રકરણ અગાઉ એક પ્રોલોગ અને છેલ્લા પ્રકરણ બાદ નાનકડો એપીલોગ મૂકીને સાંકળી છે. પુસ્તકનાં મૂળ પ્રકરણો સાથે આ પ્રોલોગ-એપીલોગને સાંકળતા એક રૂપક વિશે સ્હેજ વિગતે વાત કરીએ.

પંદર દિવસના કારાવાસને અંતે જેલમાંથી મુક્ત થવા ટાણે એક કોન્સ્ટેબલ આ યુવા કેદીને – ભારતના ભાવિ નેતાને – એક પ્રશ્ન પૂછે છે.

પ્રશ્ન એક સફળ રાજનેતાના અતાકિર્ક નિર્ણય વિશે છે. કોન્સ્ટેબલ પોતાનો પ્રશ્ન રજૂ કરવા એક કથાનો સહારો લે છે –

એક યુવા રાજવી અનેક સંકટોનો સામનો કરીને રાજગાદીએ બેઠા પછી પોતાને માટે એવું તો ઊંચું સિંહાસન ઘડાવે છે કે જે પર બેસવા એને ખુદને જ મોટી નિસરણીનો ઉપયોગ કરવો પડે! (આ કથા વાંચતાં ચાર્લી ચેપ્લીનની ફિલ્મ ‘ગ્રેટ ડીક્ટેટર’નું એક દૃશ્ય આપણી નજર સામે તરવરી રહે છે.)

કથાને અંતે કોન્સ્ટેબલનો પ્રશ્ન આ પ્રમાણે છે –

‘So Kanhaiya, the question is, if a man such as this one put his life in danger and won the competition with his intellegence and quick thinking, why did he do something so irrational as soon as he became king?’

‘(તો સવાલ યે હૈ કન્હૈયા કિ એક ઐસા આદમી, જો અપની જાન જોખિમમેં ડાલ કર, ઇતની સૂઝબૂઝ સે પ્રતિયોગિતા કો જીત કર રાજા બના, ઉસને પદ સંભાલતે હી ઇસ તરહ કા અતાકિર્ક કામ ક્યોં કિયા?’)

ભારતની એક જેલના સાધારણ કોન્સ્ટેબલના આ વેધક પ્રશ્નથી કોઈ એક નરેન્દ્ર મોદી કે ડોનાલ્ડ ટ્રમ્પ સામે જ નહીં પણ ખુદ જેએનયુના યુવા પ્રમુખ કન્હૈયાકુમાર સામે પણ ચેતવણીની લાલબત્તી ધરવામાં આવી છે. લેખક કન્હૈયાકુમાર આ જ પ્રશ્નના દાયરામાં, પણ સ્મરણયાત્રાના સ્વરૂપમાં, પોતાનું રાજકીય/સામાજિક ચંતિન રજૂ કરે છે.

આઠ ફેબ્રુઆરી(2016)થી ત્રણ માર્ચ વચ્ચે જેએનયુ છાત્ર સંઘના આ બિહારી અધ્યક્ષનું જીવન કેવી રીતે બદલાઈ ગયું, બિહારથી જેએનયુ સુધીની સફર દરમ્યાન ઘડાયેલું એનું વ્યક્તિગત ચારિત્ર્ય કેવા કેવા આકસ્મિક બનાવોની વચ્ચે કેવીક અણધારી કસોટીએ ચડ્યું અને એ કસોટીને અંતે કન્હૈયાકુમાર કેમ કરતાં એક સાંગોપાંગ સ્વસ્થ ઇન્ટલેક્ચ્યુઅલ (બૌદ્ધિક) રૂપે જાણે પુનર્જન્મ પામ્યો એ સમસ્ત પ્રક્રિયાનું – જેએનયુથી તિહારના કપરા ચઢાણનું – આરંભબિંદુ આઠમીની તેરમી ફેબ્રુઆરી દરમ્યાનની જેએનયુ કેમ્પસની ગતિવિધિઓમાં જડે છે.

લેખકે આ ગાળાની કેમ્પસની પ્રત્યેક હલચલનું બયાન વિસ્તારપૂર્વક અને ચોકસાઈથી કર્યું છે.

આઠ ફેબ્રુઆરીના શીતલ સાઠેના સાંસ્કૃતિક કાર્યક્રમોનું અર્થઘટન એબીવીપીના સભ્યોએ અફઝલ ગુરુની તરફેણમાં દેશદ્રોહી નારાબાજીરૂપે કર્યું. મૌલિક અર્થઘટનની આ દીવાસળીએ જે આગ પ્રગટાવી તે ઝડપભેર કેમ્પસની બહાર ફેલાઈને રાષ્ટ્રીય વિવાદનું રૂપ ધારણ કરી બેઠી.

ઉપરોક્ત ઘટના દરમ્યાન મોબાઇલ રીચાર્જ ન થઈ શકવાને કારણે હોસ્ટેલમાં લાંબી નિંદર ખેંચી રહેલો કન્હૈયાકુમાર પોલીસને એ વિવાદનો જનક જણાયો.

જે ભાષણ કે જે નારાબાજી દરમ્યાન પોતે ત્યાં હાજર હતો જ નહીં, એના પ્રતિસાદરૂપે આખરે બાર ફેબ્રુઆરીએ એણે જે ભાષણ કર્યું તેના કેટલાક ઉદ્ગારો આ યુવાનેતાના દિલની સચ્ચાઈના જ નહીં એના અંતરના ઊંડાણના પણ દ્યોતક છે:

‘ઇસ દેશમેં લોકતંત્ર હૈ ઔર યહ લોકતંત્ર સબકો બરાબરી કા હક દેતા હૈ, ચાહે વો વિદ્યાર્થી હો, ચાહે વો કર્મચારી હો, ચાહે વો ગરીબ હો, મજદૂર હો, કિસાન હો, અંબાની યા અડાની હો, સબકે હકકી બરાબરી કી બાતય કરતા હૈ.’

‘… અગર યે સવાલ યુનિવર્સિટીમેં નહીં ઉઠેંગે તો ફિર મુઝે નહીં લગતા કે યુનિવર્સિટી હોને કા કોઈ મતલબ હૈ.’

‘વાયલેંસ સિર્ફ યે નહીં હોતા હૈ કિ હમ બંદૂક લેકર કિસી કો માર દે. વાયલેંસ યહ ભી હૈ કી સંવિધાનમેં દલિતોં કો જો અધિકાર દિયા ગયા હૈ વો અધિકાર જેએનયુ પ્રશાસન દેને સે મના કર દે. યે ઇન્સ્ટિટ્યૂશનલ વાયલેંસ હૈ.’

*

પુસ્તકની અંગ્રેજી આવૃત્તિના ફ્રન્ટ કવર ઉપર પ્રકાશકે એક ટેગલાઇન જોડી છે – ‘The Explosive Memoir From India’s Most Famous Student Leader.’

જ્યોર્જ ફર્નાન્ડીઝ હોય કે અરુણ જેટલી, કે અમિત શાહ – દેશના અનેક પૂર્વકાલીન અને વર્તમાન નેતાઓ ‘વિદ્યાર્થી રાજનીતિ’ના મંચ ઉપરથી નેતૃત્વના પાઠ શીખીને રાષ્ટ્રીય સ્તરના રાજકારણ સુધી પહોંચી આવ્યા છે. ભારતીય લોકશાહીની આ એક આગવી વિશેષતા છે. જેએનયુ અને ડીયુના વિદ્યાર્થી-રાજકારણ સાથે સમગ્ર દેશના રાજકારણનો પહેલેથી જ સીધો સંબંધ રહ્યો છે.

જેએનયુની વિદ્યાર્થી-ચળવળને પગલે કન્હૈયાકુમારનું આ પુસ્તક લખાયું અને આ પુસ્તકને માર્ગે કન્હૈયાકુમારને રાષ્ટ્રીય રાજકારણના મંડપમાં સીધો પધરાવી દેવામાં આવ્યો એ હકીકત પણ આ તબક્કે નોંધવા જેવી છે.

હવે જોવાનું એ છે, કે પેલા કોન્સ્ટેબલની કથાના સફળ રાજનેતાની પેઠે કન્હૈયાકુમાર સત્તાના સિંહાસનને તાકે છે કે પછી પાઠ્યપુસ્તકમાં ‘ધ રીયલ પ્રિન્સેસ’ની વાર્તા ભણીને આખરે સાઇકલનાં પંચર બનાવવાના કામમાં જોતરાતા નિશાળના સહાધ્યાયી જેવા ભારતના યુવા કુમાર-કુમારીઓ સાથે ખભેખભા મિલાવી એ દેશના રાજકારણની ભોંયબદલો કરવામાં સફળ થાય છે!

*

આ લખાય છે એ દરમ્યાન દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજમાં જાગેલો ‘અસહમતિ’ અને ‘આઝાદી’ની વ્યાખ્યાઓની આસપાસ ઘૂમરાતો વિવાદ વધુ ને વધુ રાજકીય રંગ ધારણ કરી રહ્યો છે.

રામજસ કોલેજના પ્રાંગણમાં વ્યક્તિગત અસહમતિ ‘(ડીસેન્ટ’) જેવા વિષયને આવરીને યોજવામાં આવેલા એક પરિસંવાદમાં વિદ્યાર્થી-રાજનીતિનાં બે વિરોધી જૂથો બાખડ્યાં. ફરી એક વાર કેમ્પસમાં પોલીસની દખલગીરી થઈ. દેશના ગૃહપ્રધાનની દેખરેખ હેઠળ સમસ્યાને થાળે પાડવાના પ્રયાસો હાથ ધરાયા.

ફણીશ્વરનાથ રેણુએ ‘મૈલા આંચલ’માં ઝીલેલી આઝાદીકાળના ઉત્તર-પૂર્વના પ્રાંતોની પલટાતી છબિ સાથે મોબાઇલ જેવી ડિજિટલ ટૅક્નોલોજીના પગલે બગૂસરાય અને પટણાના ઝડપભેર પરિવતિર્ત થતા એકવીસમી સદીના બિહારી સમાજની છબિને સહજ સરખાવી જોવા જેવી છે. એમ કરતાંવેંત એક તરફ થશે કે ઉપરઉપરથી કેટકેટલું બદલાયું, કેટકેટલો વિકાસ થયો, ને તોય ભીતર એહસાસ જાગશે કે કેટકેટલું હજી ‘જૈસે થે’ જ તો છે!

લેખક અને રાજનેતા ફણીશ્વરનાથ રેણુના ઉદાહરણની સમાંતરે, ‘India’s Most Famous Students Leader’ કન્હૈયાકુમાર પાસેથી કમ સે કમ આપણે એટલી આશા તો જરૂર રાખી શકીએ કે આ કે તે વિચારધારા કે એક યા બીજા રીઢા રાજકારણીઓના પ્રભાવને એ અચૂક ખાળી શકશે…

…ને સંભવત: નિશાળથી જેએનયુ લગીના વિદ્યાપ્રવાસના મૂળ સ્પિરીટમાં બિહાર અને તિહાર પછી ભીતરથી ઇતર અને ઇતરથી ભીતર વચ્ચેની, માનવઅસ્તિત્વની પોતાની યાત્રા એક સંવેદનશીલ અને જવાબદાર નાગરિકની મુદ્રા સાથે અવિરત જારી રાખશે…

*

પરેશ નાયક
નાટ્યકાર, નવલકાર.
ફિલ્મદિગ્દર્શન, નિર્માણ, અમદાવાદ.
અમદાવાદ.
naikparesh@gmail.com
98240 61764

*