અવલોકન-વિશ્વ/ફ્રેન્ચ/અંગ્રેજી અર્થશાસ્ત્ર – બિપિન પટેલ
The Belknap Press of Harvard University Press, U.S.A. 2014
2011નું વર્ષ ભારત અને વિશ્વસમસ્તમાં નોંધપાત્ર હતું. ભારતમાં ‘ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’ના અન્ના હજારેપ્રેરિત આંદોલને આખા દેશને ઉપરતળે કર્યો. આ આંદોલનસમયે ભ્રષ્ટાચાર ઉપરાંત બ્યુરોક્રેટ્સ તથા રાજકારણીઓએ લૂંટેલા પૈસાની તપસીલ પણ ખરી. સમૃદ્ધ અમેરિકામાં ‘ઓક્યુપાય વોલસ્ટ્રીટ’ (અમેરિકાનું શેરબજાર)ની કૂચ થઈ. અન્ય દેશોમાં પણ મૂડીવાદી અર્થવ્યવસ્થાને કારણે ઊભી થયેલી અસમાનતા સામે આંદોલનો થયાં. તે પૂર્વે નાનકડા ટયુનીશીયામાં યુવાનો દ્વારા સત્તા સામે આંદોલન થયું જેમાં બેકારી, ભ્રષ્ટાચાર સાથે આર્થિક અસમાનતાનો મુદ્દો પણ હતો. આ આંદોલન પછી અન્ય આરબ દેશોમાં પ્રસર્યું જે ‘આરબ સ્પ્રિંગ’ તરીકે ઓળખાયું. પ્રજાના આ ઉદ્રેક, ભાવોદ્રેક્ના રાજકીય અને સામાજિક અભ્યાસો થયા છે પણ કેટલાક ધનિકો પાસે કેન્દ્રિત થયેલી મૂડીનો અર્થશાસ્ત્રીય અભ્યાસ નથી થયો.
આધુનિક અર્થશાસ્ત્રની દુનિયામાં ખળભળાટ મચાવી દેનાર આ પુસ્તકના લેખક ફ્રેન્ચ અર્થશાસ્ત્રી થોમસ પીકેટ્ટીને ‘ધી ઇકોનોમિસ્ટ’ અખબારે આધુનિક જમાનાના કાર્લ માર્ક્સ ગણાવ્યા છે. આ પુસ્તક પ્રથમ વાર 2013માં ફ્રેન્ચ ભાષામાં પ્રકાશિત થયું હતું. ત્યારબાદ 2014ની સાલમાં આ પુસ્તક અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયું અને આશ્ચર્યજનક રીતે બેસ્ટસેલર બન્યું. તો એવું શું છે આ પુસ્તકમાં?
અર્થશાસ્ત્રના આ પુસ્તકમાં પેરિસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના પ્રોફેસર પીકેટ્ટી આંકડાઓ સાથે રમતાં રમતાં બાલ્ઝાક, જેન ઓસ્ટીન, ધી સિમ્પ્સન્સ અને ધી વેસ્ટ વિંગનાં અવતરણ પણ ટાંકે છે. થોમસ પીકેટ્ટીએ આ 700 પૃષ્ઠના વિશાળ પુસ્તકમાં આર્થિક અસમાનતા ઉપર પોતાના વિચારો રજૂ કર્યા છે. જ્યારે આર્થિક અસમાનતા ઉપરના વૈશ્વિક આંકડાઓને આધારભૂત માનવામાં આવતા નથી ત્યારે મજાની વાત એ છે કે પીકેટ્ટીએ પોતાના વિચાર (થીસિસ)ને સિદ્ધ કરવા 10 વર્ષથી પણ વધારે સમય સંશોધન કરીને આંકડા મેળવ્યા છે. 18મી અને 19મી સદીમાં યુરોપિયન સમાજમાં વ્યાપક આર્થિક અસમાનતા હતી. ખાનગી સંપત્તિ રાષ્ટ્રીય આવક કરતા વધારે હતી. અર્થવ્યવસ્થા જૂજ ધનાઢ્ય પરિવારોના તાબામાં હતી. પછી 20મી સદીમાં વિશ્વયુદ્ધ દરમ્યાન સંપત્તિમાં વ્યાપક ઉથલપાથલ જોવા મળી. કમરતોડ કરવેરા, ફુગાવો અને નાદારીના કારણે આ ધનાઢ્ય પરિવારોએ પોતાની મોટા ભાગની સંપત્તિ ગુમાવી અને આર્થિક રીતે સમાન સમાજનું નિર્માણ થયું. પ્રોફેસર પીકેટ્ટીએ અમેરિકા તથા અન્ય યુરોપિયન દેશોમાંથી ઉપલબ્ધ થયેલ આવકવેરા પત્રોના આધારે તારવ્યું છે કે 1970ના દાયકાથી સામાજિક-આર્થિક ચક્ર પાછું ફરી રહ્યું છે. પીકેટ્ટી આ પુસ્તકમાં લખે છે કે 1977થી લઈને 21મી સદી સુધી અમેરિકાની રાષ્ટ્રીય સંપત્તિમાં થયેલા કુલ વધારા પૈકીનો 60% વધારો ટોચના માત્ર 1% લોકોના ફાળે ગયો! આ આંકડા વિક્ષુબ્ધ કરી મૂકે તેવા છે. પીકેટ્ટીનું માનવું છે કે સમાજ હજુ વધારે આર્થિક અસમાનતા ભણી ધસી રહ્યો છે, કારણકે અર્વાચીન ધનકુબેરોને પોતાના મૂડીરોકાણ ઉપર મળનાર વળતર દર (રેટ ઓફ રિટર્ન) રાષ્ટ્રીય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના વૃદ્ધિ દર કરતાં વધારે છે. પીકેટ્ટી લખે છે કે આ વિષચક્રમાંથી બહાર આવવા શ્રીમંતો ઉપર ભારે ‘ગ્લોબલ વેલ્થ ટેક્સ’ એટલે કે વૈશ્વિક સ્તરે 2% સંપત્તિ કર અને 80% સુધી ઉત્તરોત્તર વધતો કર લાદવો જોઈએ. (ફ્રાન્સના વર્તમાન પ્રમુખ હોલાન્ડોએ સમૃદ્ધ લોકો પર 70% કર લાદવાનું સાહસ કર્યું હતું, જે પછીથી પાછો ખેંચવો પડ્યો હતો. આપણે ત્યાં પણ વર્તમાન બજેટમાં ‘સુપર રિચ’ પર કરમાં પ્રતીકાત્મક વધારો કરી ગરીબોના વહાલા થવાના અબળખા સેવ્યા છે.) વધારો ઉત્તરોત્તર વધતો કર એટલે જેમ જેમ કરપાત્ર રકમ વધતી જાય તેમ તેમ કર દર પણ વધતો જાય.
બિલ ગેટ્સે પોતાના બ્લોગ ગેટ્સનોટ્સમાં આ પુસ્તક વિશે વિસ્તારથી પોતાના વિચારો રજૂ કર્યા છે. ગેટ્સ આ પુસ્તકની ત્રણ વાત સંપૂર્ણપણે સ્વીકારે છે:
- 1. વ્યાપક આર્થિક અસમાનતા મોટી સમસ્યા છે.
- 2. અનિયંત્રિત મૂડીવાદથી ક્યારેય આર્થિક કે સામાજિક સમાનતા મેળવી શકાતી નથી. અને
- 3. સરકારની ભૂમિકા આગામી વર્ષોમાં ખૂબ જ મહત્ત્વની રહેશે.
કેટલાક અગ્રણી અર્થશાસ્ત્રીઓએ આ પુસ્તકની ટીકા પણ કરી છે. આર્થિક અસમાનતા તરફ દોરી જનારાં જે પરિબળો પીકેટ્ટી ગણાવે છે તેના પ્રભાવ વિશે પીકેટ્ટીના ચાહકોને પણ શંકા છે. એવી શક્યતા ચોક્કસ છે કે અત્યારે જ્યારે વૈશ્વિક સ્તરે GDPમાં વૃદ્ધિ મંદ છે, ત્યારે ધનકુબેરોની સંપત્તિના વધારા ઉપર ગ્રહણ લાગી શકે છે. કેટલાક ટીકાકારો માર્ક ઝુકરબર્ગ અને બિલ ગેટ્સના ઉદાહરણ સાથે લખે છે કે આ શ્રીમંતોએ પોતાનું સામ્રાજ્ય વારસામાં નથી મેળવ્યું, પણ જાત મહેનતથી ઊભું કર્યું છે. આજે હજી પણ દરેક વર્ગના લોકો માટે આગળ વધવાની પૂરતી તક રહેલી છે.
આ પુસ્તકથી સરકારની સામાજિક અને આર્થિક નીતિઓમાં ફેર પડે કે ન પડે, પણ એક વાત તો ચોક્કસ છે કે આ પુસ્તકે હજારો અર્થશાસ્ત્રીઓ અને વાચકોને આ મુદ્દા ઉપર ચર્ચા કરવા પ્રેર્યા છે. આ પુસ્તક આર્થિક અને સામાજિક નીતિમાં રસ ધરાવતા દરેક વ્યક્તિએ અચૂક વાંચવું જોઈએ.