એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/૧૯. વિચાર અને પદરચના

Revision as of 01:54, 19 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૦. કેટલીક ભાષાકીય વ્યાખ્યાઓ


[ભાષામાં સામાન્ય રીતે નીચેનાં અંગોનો સમાવેશ થાય છે : વર્ણ, અક્ષર, નિપાત, નામ, ક્રિયાપદ, પ્રત્યય અથવા વિભક્તિ, વાક્ય અથવા વાક્યાંશ.]

વર્ણ એક અવિભાજ્ય ધ્વનિ છે, પણ આવો પ્રત્યેક ધ્વનિ વર્ણ નથી હોતો; માત્ર તે જ ધ્વનિ વર્ણ કહેવાય છે જે એક ધ્વનિસમૂહનો ઘટક બની શકે. પશુઓ પણ અવિભાજ્ય ધ્વનિઓનો ઉચ્ચાર કરે છે. પણ તેમાંના એકેયને હું વર્ણ કહેતો નથી. દે ધ્વનિની હું વાત કરું છું તે કાં તો સ્વર, કાં તો અર્ધસ્વર કે કાં તો સ્પર્શધ્વનિ હોઈ શકે. જિહ્વા કે ઓષ્ઠના સંસર્ગ વિના શ્રવણગોચર થઈ શકે તેવો અવાજ તે સ્વર, જે એવા સંસર્ગથી ઉચ્ચારાય છે તે અર્ધસ્વર, જે કે સ્ અને ર્. સ્પર્શધ્વનિ તે છે જેનો આવા સંસર્ગથી પોતાનો કોઈ અવાજ નથી હોતો, પણ સ્વર સાથે મળીને તે શ્રવણગોચર બને છે, જેમ કે ગ અને દ. આ ધ્વનિઓની ભિન્નતા ઉચ્ચારણ વખતની મુખવિવરની અવસ્થા અને તેમના ઉદ્ભવસ્થાનને આધારે તારવી શકાય છે. તે મહાપ્રાણ છે કે મૃદુ, દીર્ઘ છે કે હ્રસ્વ; તે ઉદાત્ત છે કે અનુદાત્ત છે કે સ્વરિત છે, તેનો વિચાર કરવામાં આવે છે. આની સવિસ્તર ગવેષણા કરવાનું કામ છંદશાસ્ત્રીઓનું છે.

સ્પર્શ અને સ્વર મળીને બનેલો અર્થહીન ધ્વનિ તે અક્ષર. કારણ કે અ વિનાને ગ્ર્ પણ અક્ષર છે અને અ સાથેનો મ પણ અક્ષર છે. પણ આવા વિભેદોની તપાસ કરવાનું કામ પણ છંદશાસ્ત્રીઓનું છે.

અનેક ધ્વનિઓના એક સાર્થક ધ્વનિમાં થતા મિલનમાં જે સાધક કે બાધક નીવડતો નથી તે અર્થહીન ધ્વનિ-નિપાત કહેવાય છે. તે વાક્યની મધ્યમાં કે વાક્યને અંતે પણ આવી શકે છે. અથવા જેમાંનો પ્રત્યેક ધ્વનિ સાર્થક હોય તેવા કેટલાક ધ્વનિઓના સમુદાયને એક સાર્થક ધ્વનિમાં પરિણત કરવાની ક્ષમતા ધરાવતો અર્થહીન ધ્વનિ તે નિપાત, જેમ કે ‘અમ્ફિ’, ‘પેરિ’ વગેરેમાં; અથવા તો, જે ધ્વનિ વાક્યનો આદિ, અંત કે ખંડ દર્શાવતો હોય પણ વાક્યારંભે પોતે સ્વતંત્રપણે રહી શકતો ન હોય તેવો અર્થહીન ધ્વનિ તે નિપાત, જેમ કે ‘મેન્’માં ‘એ’, ‘એતોઇ’માં ‘ઇ’, ‘દે’માં ‘એ’.

જેનો કોઈ પણ ભાગ સ્વતંત્રપણે અર્થપૂર્ણ ન હોય અને જે કાળવાચક ન હોય તેવો સંયુક્ત અર્થપૂર્ણ ધ્વનિ તે નામ; કારણ કે યુગ્મ અથવા સમસ્ત પદોમાં તેમના ભિન્ન અવયવોનો પ્રયોગ, તેઓ જાણે કે સ્વતંત્ર રીતે સાર્થક હોય એમ માનીને, આપણે કરતા નથી. દાખલા તરીકે ‘થિયોડોરસ’માં – ‘દેવદત્ત’માં – ‘દોરસ’ અથવા ‘ભેટ’નો સ્વતંત્રપણે કોઈ અર્થ નથી.

ક્રિયાપદ કાળવાચક્ર સંયુક્ત સાર્થક ધ્વનિ છે. નામની જેમ આનો પણ કોઈ અવયવ સ્વતંત્રપણે સાર્થક નથી હોતો. કારણ કે ‘મનુષ્ય’ અથવા ‘શુભ્ર’માં ‘ક્યારે’નો વિચાર વ્યક્ત થતો નથી; પણ ‘તે ચાલે છે’ અથવા ‘તે ચાલી ગયો છે’માં વર્તમાન અથવા ભૂતકાળનું સૂચન થાય છે.

પ્રત્યય નામ અને ક્રિયાપદ બંનને લાગે છે, અને ‘ના’, ‘એ’, અથવા તેમના જેવા સંબંધો વ્યક્ત કરે છે; અથવા એકવચન કે બહુવચન દર્શાવે છે, જેમ કે ‘માણસ’ કે ‘માણસો’; અથવા વાસ્તવિક વાક્વ્યવહારમાં રીત કે સૂર વ્યક્ત કરે છે, જેમ કે પ્રશ્ન અથવા આજ્ઞા. ‘તે ગયો?’ અને ‘જા’ – આ પ્રકારના ક્રિયાગત પ્રત્યયો છે.

જેના થોડાક ભાગ સ્વતંત્રપણે સાર્થક હોય તેવા સંયુક્ત સાર્થક ધ્વનિને વાક્ય કે વાક્યાંશ કહે છે;આવા પ્રત્યેક સમૂહમાં ક્રિયાપદો અને નામો હોય જ એવું નથી. દાખલા તરીકે, ‘માનવીની વ્યાખ્યા’. ક્રિયાપદ વિના તે ચલાવી લઈ શકે છે. છતાં પણ તેમાં કોઈ ને કોઈ સાર્થક અવયવ હંમેશાં રહેલો હોય છે. જેમ કે ‘ચાલવામાં’ અથવા ‘ક્લીઓનનો પુત્ર, ક્લીઓન.’ વાક્ય અથવા વાક્યાંશ બે રીતે અન્વિતિ સાધી શકે છે – વસ્તુનો નિર્દેશ કરીને અથવા પરસ્પર સમ્બદ્ધ કેટલાક અંશોમાં એકત્રિત થઈને. આ રીતે ‘ઇલિયડ’ અંશોને પરસ્પર સમ્બદ્ધ રીતે એકત્રિત કરીને એક બને છે; અને ‘માનવીની વ્યાખ્યા’ નિદિર્ષ્ટ વસ્તુની એકતાને કારણે એક બને છે.