ગામવટો/૧૭. આંગણામાં આંબાનું ઝાડ છે

Revision as of 03:02, 24 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૭. આંગણામાં આંબાનું ઝાડ છે

મારા આંગણામાં આંબો છે. એ માત્ર વૃક્ષ નથી, મારું સ્વજન છે. મારા વડવાઓની મને યાદ અપાવ્યા કરતો એ મારો વડીલ છે. એ મૂંગો રહીને મને ઘણું ઘણું કહે છે. મારા મિત્રોની જેમ એ મને જોતાંની સાથે વીંટળાઈ વળે છે; કેટકેટલી આદિમતાઓ લઈને, વ્યતીતની સાંભરણો લઈને એ મને ઘેરી વળે છે. એ કદી મુત્સદ્દી બનવા નથી ચાહતો. ક્યારેક તો એ બધું બાજુએ મૂકી દઈને મને પ્રિયજનની જેમ તાક્યા કરે છે; મરકમરક મરક્યા કરે છે મંજરીના દિવસોમાં. મારા ચહેરાને ઉદાસ જોતાં જ એ એની લીલી જાંબલી કૂંપળો દેખાડીને મને સાંપ્રતમાં જીવવા આહ્વાન આપે છે. ક્યારેક હું પ્રસન્ન ચિત્તે ઊભો હોઉં ગૅલેરીમાં – ત્યારે એ ધીરગંભીર મુદ્રા સાથે મને એવું સૂચવતો પમાય છે કે આ હવાની રૂખ તો ક્ષણભંગુર છે. જાણે દુનિયાભરનું ડહાપણ એ ઓઢીને ઊભેલો દેખાય છે. જોકે એ સંકેત કરીને રહી જાય છે. બોલકાપણું એનો સ્વભાવ નથી. એ છે એ જ એનો સ્વ–ભાવ. ઘણી વાર મને શાણપણ એનો સ્થાયીભાવ ભાસ્યો છે. એના ઊંડાણને તળિયું નથી. જાણે એ પારદર્શક ઊંડાણ લઈને જન્મ્યો ના હોય! એની ભીતરી ભોંયમાં અતાગ રહસ્યોને મેં રમતાં વિલસતાં જોયાં છે. શિયાળામાં એ સાવ જરઠ જન જેવો; મારા ભીમાદાદા માફક એની ચામડીય કઠોર, ખરબચડી બની ગઈ છે. વા વાયુ ટાઢ–તડકા એને કશી વિસાતમાં નથી એમ લાગે. ટાઢમાં એ સાવ સૂનમૂન. ધૂળ માટીવાળાં પાંદડે પાંદડે એ ચૂપચાપ... મેલી પછેડી ઓઢી ખેતર શેઢે ઊભેલા મારા પૂર્વજ જેવો એકાકી. બાજુનાં વૃક્ષો સામેય જોવાનું ટાળે છે. ગણતરીબાજ વેપારી જેવો એકબે પાંદડાં ખેરવે તો ખેરવે. લીમડા–મહુડા કે પીપળા–બદામ જેમ એ બધાં પાંદડાં એક સામટાં ખેરવીને નાગોપૂગો થઈ જાય એવો એ પટેલ કે ખતરીની જાતનો નથી. એ તો ડાહીમાનો દીકરો, ચાર ખેરવે ને બાર પાંદડાં ફુટાડવાની વેતરણમાં રહે. એની તો પાંદડે ઢાંકી કાયા. કાળીકઠણ ડાળી. પોતાની આવી શામળી માયાને એ લીલે પાંદડે ઢાંકીઢબૂરી, ગંભી૨ મુદ્રાએ ઊભો ઊભો તપ કરે. શિયાળામાં અવાક્ રહી જપ કરે; જાણે છે જ નહીં એમ ! પણ આ મારા ભવભેરુનાં સઘળાં ચરિતર મને માલૂમ છે. એ માયાવીની ભીતરી માયા ક્યારેય જંપતી નથી. એની અંદર તો બારેમાસ સંચાર... જળનાં તળ શોધતો એ માટીની માલીપા સૈનિક જેવો સાબદો. એની રગેરગમાં માટીની ગંધ, માટીના રંગ, માટીનાં રૂપ! ઝટ ખોલે ને ખોબલે ખોબલે આપે એવો આશુતોષ જીવ નથી આ આંબા મહારાજનો ! એ તો તાવે તપાવે તડપાવે પછી આપે, ને તેય પહેલાં ગંધ માત્ર! એની ડાળ ટશરે હું આવતી વસંતોનાં પગલાં ભાળું... ત્યાં પોઢેલી જરઠતા જાગી જાય છે; ડાળની ટોચે ટોચે બારીઓ ખૂલે ઝીણી ઝીણી... પછી ડોકું કાઢે નવો વખત. મૂળની માટી અહીં ટોચ સુધી આવીને નવતર ચહેરો ધારે એનું મારે મન ભારે અચરજ. એ અચરજ શમે ન શમે ત્યાં તો આખો આંબો, રગેરગ મંજરીથી લચી પડે! આખો શિયાળો જાણે જાતવટો પામ્યો હોય એમ દેહદમનમાં પડી રહેલો આ વડીલ આંબો આ ક્ષણે થઈ જાય સારું સમવયસ્ક પ્રિયજન ! આટઆટલો મો૨! તૂરોતૂરો એનો તો૨. છાનામાના પીધા હતા શિયાળું સૂરજ તે એક સામટા ફૂટી નીકળ્યા અંગેઅંગે. ડાળીએ ડાળીએ કૂણા તડકાનાં ફૂલ; એમાં સુગંધ તે માટીની... ને આ મરુન– જાંબલી–કથ્થાઈ પીળા રંગો એ તો હવાની, દક્ષિણ પવનની દેણગી દીસે છે. હજી તો ટાઢ આથમી નથી, હેમાળો વસતિના હાડમાં છે ને આ આંબો તો પીઠી ચોળી –ખૂપ પહેરીને થઈ ગયો વ૨રાજા... કોઈ ગીત ગુંજે છે : શિયાળા સહીને વસંતો જડે છે

પછી જિંદગાનીય જીતે ચડે છે...

આંબાની ડાળીઓમાં બેઠેલું રહસ્ય મને કહે છે – અધીરો થા મા, ‘હજી તો બહુ વાર છે...' વસંતમાં આંબો મને મારી ગ્રામીણ સીમમાં મોકલી દે છે : વર્ષો ખરી પડે છે... હું ઉઘાડા પગે, ચડ્ડીભેર ઊભો છું ચણાનાં ખેર પડેલાં ખેતરો વચ્ચે. ચણાનો ખાર હાથેપગે હોઠે પડેલી તિરાડોમાં ચચરે છે... પોપટા ખાતો ખાતો હું પહોંચું છું આંબા નીચે. મોર લચી પડેલો છે... જેવાં મોરનાં રૂપરંગ છે એવાં જ પથરાયેલાં પડ્યાં છે ખેતરો પાકવા આવેલા ચણાનાં ખેતરો ! વચ્ચે વચ્ચે ઊભા છે આંબા, મોટેભાગે એકલા એકલા... શેઢે. ક્યાંક છે ચારપાંચની હારમાં, બસ! મને કાનમાં કહે છે આ આંબાઓ કે અમને કોઈ સમૂહ કવાયત સારુ ગોઠવી દે એવું નથી ગમતું. આંબાવાડિયામાં આટઆટલા જાતભાઈઓની ગિરદી... જરાય મોકળાશ ન મળે. અમને તો એકલાબેકલા બહુ ગમે. મારા આંગણાનો આ આંબો પણ અસ્તિત્વનો બોધ પામી ગયો હોય એમ કહ્યા કરે છે – આપણે તો એકલા રહેવા જ સર્જાયા છીએ, તુંયે એકાકી છે – માણસ માત્ર આખરે તો એકાકી હોય છે... હું ને આંબો બેઉ એકલા એકલા ઊભા છીએ. અમારી ચારે બાજુ જગત છે, સૃષ્ટિ છે, ચાંદા સૂરજનાં તેજ છે, રઘવાયું લોક છે ને દોડતી ખખડતી ખટકતી સડકો છે... તોય આ મંજરીક્ષણે તો અવર કોઈ નથી... મંજરીક્ષણે જ શું કામ ? – હું તો કાયમ, જ્યારે જ્યારે આ આંબાની પાસે ઊભો હોઉં છું ત્યારે એનામાં વધારે ને મારામાં ઓછો હોઉં છું... એય મારો વહાલો! એનામાં ઓછો ને મારામાં વધારે વિસ્તરતો રહે છે. આ ક્ષણે, સીમને અજવાળી દીધી હશે મૉરલચેલાં મારાં બાળભેરૂ આમ્રવૃક્ષોએ. એ તરુવરો નીચે કોઈને દીધેલાં વેણ પાળી શકાયાં નથી – ની યાદ ચચરે છે. કોઈના દીધેલા દાવ હજી ઊતર્યા નથી. બહું ભીતરની ભોંયમાં ઘાવ રૂપે દૂઝ્યા કરે છે આવી ઋતુઓમાં સીમના છેલ્લા આંબા નીચે કોઈ હજી હાજ જોતું ઊભું છે... પાસેના ફેરકૂવાનાં પગથિયે હજી બેસી રહ્યું હશે કોઈ પ્રિયજન ? મારી સૂનમૂનતાને ટપારતો આંબો આણી દે છે મને સાંપ્રતમાં. દોહ્યલી છે આ ક્ષણો તો – મ્હૉર ચીમળાઈ ગયો છે. માવઠાએ આંઘરવા આવેલા મરવાને ખેરવી નાખ્યા છે. વાદળો તો વીખરાઈ ગયાં છે પણ મંજરી હતી એટલી કેરીઓ દેખાતી નથી એનું ભાન મને પીડે છે. આંબો તો નિસ્પૃહીજન માફક ઊભો છે. હું તો પહેલે માળે રહું છું. આંબાનો માલિક હોવાનો દાવો કરતો મારો અધ્યાપક પડોશી તો નીચે ભોંયતળિયે રહે છે. કેરીઓ મોટી થાય ત્યારે જ એમનું ધ્યાન આંબા ઉપર ઊડાઊડ કરવા માંડે છે. હું તો ઝાડ ઉપર કોઈનોય માલિકીભાવ કલ્પી શકતો નથી. એ તો દેવનો અવતાર; આપણે તો પામર જીવ. ભટકવાનો શાપ પામેલા આપણે તે સ્થિરતાને સમજીએ ક્યાંથી! ને એ તો ઊભો છે એક પગે, સર્વ રગે સાબદો. માલિક થવા નીકળેલાનેય ઉદારતાથી જોઈ રહે છે આ આંબો. માવઠા પછીનું આભળું ગળી કરેલા વસ્ત્ર જેવું ચળકે છે. તડકાય ધોવાયલાં ધોતિયા જેવા. પણ આંબો આજે મૂડમાં નથી. ના રે, કેરીઓની એને ક્યાં પડી છે! હા, હોય તોએ સૌને સારુ સાચવી રાખે. ઉનાળે એ કાંઈક આપી છૂટવા ઝંખતો લાગે. થોડીક કેરી બેસે તોય ડાળીથી નમી જાય. છાંયો પાથરીને જાગતો રહે બપોરમાં, સવારમાં એની ડાળે આવે છે અજાણ્યું સીટીબર્ડ. પ્રેમપૂર્વક વગાડ્યા કરે સીટી; મધુરી ને મીઠી. દરજીડા તો ‘વેઈટ વેઈટ’ કહ્યા કરે. નાચણ એની ચંચળતા દાખવીને ઊડી જાય. ખિસકોલીનું તો આ મોસાળ. હું જોયા કરું હોલા–કાબર–લેલાં–કોયલ–કાગડા... સૌ કરે પોતપોતાના ત્રાગડા. આ બધી વેળા આંબો ઓછો ઓછો થતો અનુભવાય મને. ક્યારેક હું કામમાં પડી જાઉં ને ભૂલી જાઉં આંબાને, તો એ બારીમાંથી ઇજન આપે... મૉર બેસેલી ડાળી પડોશીના ઝરૂખે ઝૂકે ત્યારે સોળ વટાવી ગયેલી સાવિત્રીને શ૨માતો શરમાતો મનોજ ઇશારા કરે એવું ઇજન નહીં; પણ અમે બે અમારી દુઃખતી રગને જાણી ચૂક્યા હોઈએ એવું ઇજન. હું જાઉં ગૅલેરીમાં; ‘ઓહોહો... આટઆટલી ધૂળ! સાવ ગંદો લાગે છે યાર તું તો!’ હું કહું ના કહું ત્યાં તો એ મને એની તાજી કૂંપળો બતાવે. મને એ સૂંઘવાનું મન થાય. હું હાથ. લંબાવું... એ કહે : ‘નહીં, તોડવાની નહીં... કૂંપળને મસળી નાખવાનું પાપ તારે નથી કરવાનું...’ હું માણસજાત વતી એની માફી માગી શકતો નથી, એટલે વધારે ભોંઠો પડી જાઉં છું... બીજી પળે મને એની કરુણાળી મુદ્રા – હેલી હોય, એકધારો વરસાદ પડતો હોય, ખંડેરોમાં ને પ્રાચીન શિવાલયોમાં લીલ છવાઈ ગઈ હોય ત્યારે... વર્ષાને સ્થિર મુદ્રામાં ઝીલ્યા કરતા કોઈ ઋષિ જેવો આ આંબો! એની ડાળીઓ ઉ૫૨ ને થડે પણ પાણીના કાયમી રેલાઓ... એથી ઊગી આવી હોય લીલ. કોઈ ગુફાના દ્વારે બિરાજેલા ધ્યાનસ્થ બુદ્ધ... મારું મન આ આંબામાં જુએ છે કરુણાળું બુદ્ધને! ચોમાસે તો ખાસ. પીડાનો પાર નથી હોતો ત્યારે એ આપણને નિમીલિત નેત્રોથી આશ્વસ્થ કરે છે. બુદ્ધને કરકરે ડિલે ઊગી આવી છે લીલ... ને જળ તો જંપવાનું નામ નથી લેતાં ! સ્થિર ઊભેલો કે સદીઓથી પલાંઠી લગાવી બેસી ગયેલો આ આંબો (બુદ્ધરૂપે) જ એકમેવ આધાર લાગે છે. અજવાળી રાતોમાં એનાં ભીનાં પાંદડાં ઘી લગાવ્યું હોય એમ ચળક્યા કરે છે. એની એ નિર્મળ કાયાનો અંધકારેય મેં અહેસાસ કર્યો છે. નીરની ધારે નીતર્યાં થયેલાં એનાં પાંદડે પાંદડે મેં ચાંદા સૂરજની સાથે દીવા દીઠા છે – લીલાછમ દીવા. રાત પડે બધાં ઝાડ જંપી જાય, પવન ડાળીએ જઈને લપાઈ છુપાઈ જાય. હું ધીમે ધીમે મારા તરુભેરુને ઊંઘમાં ઘેનાતું જોઈ રહું. એ ભર ઊંઘમાં પોઢી જાય એ પછીય હું ઘણી વાર એની સાખે ઊભો રહું છું. દિવસભરનાં મારાં કાર્યોનું મનોમન સરવૈયું કાઢું છું... કશું બચતું નથી. જમા પક્ષે હોય છે આ આંબાનું ઝાડ માત્ર ! સવારે જાગીને સૌ પહેલાં જોઉં છું એને... ને ખાતરી કરી લઉં છું કે જગત એના પરિસરમાં પાછું ગોઠવાઈ ગયું છે... હું મારા કોરા દિવસ ૫૨ નવેસ૨, કોઈ નવા જ આંબાની છાપ પાડતો હોઉં એમ, એની મુદ્રા અંકિત કરી લઉં છું... એની કૃપાદૃષ્ટિ પામીને હું નોકરીએ જવા નીકળું છું.

તા. ૫–૭–૯૫