ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ટેકરી

Revision as of 05:12, 12 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ટેકરી
હરિકૃષ્ણ પાઠક

આખાયે ઢોળાવ પર હતાં
નાનાંમોટાં ઝાડવાં,
વાંકાં-ચૂકાં થડ-ડાળખાં,
ઝીણાં મોટાં પાંદ, આછી-ઘેરી છાંય.
મથાળાની દેરીએ લોક આવતું-જતું
ચડતું-ઊતરતું.
મળી રહેતો છાંયો, મળી જતો પોરો;
ઝાઝો નહીં તો થોડો.
ક્યાંક વીંટાતા દોરા-ધાગા,
ક્યાંક ચડાવાતી ચૂંદડી લાલ-પીળી;
ક્યાંક વળી પથ્થરો ગોઠવીને દેગ ચડાવતું લોક.
હવે બધુંયે ઉજ્જડ.
નહીં એકે ઝાડ કે પાંદડું,
નહીં ઘાસચારાનું તણખલું.
બકરાં-કૂતરાંએ ઢૂકતાં નથી હવે.
કાળીબંજર ભોંયની વચ્ચે ઊભી છું
ક્યારેક કો’ક આવીને ખોદી ખાય તેની રાહમાં.....