On Being and Becoming

Revision as of 02:27, 15 November 2023 by Meghdhanu (talk | contribs) ()
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


On Being and Becoming-title.jpg


On Being and Becoming

Jennifer Anna Gosetti-Ferencei


An Existentialist Approach to Life

ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ


જેનિફર ઍના ગોસેટ્ટી-ફેરેન્ચી



ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: અપૂર્વ વોરા


લેખિકાનો પરિચય

જેનિફર ગોસેટ્ટી-ફેરેન્ચી જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીમાં ફિલોલૉફીનાં પ્રૉફેસર છે. એમનાં અન્ય પુસ્તકો છે, ‘ધ લાઇફ ઑફ ઇમેજિનેશન’, ‘એક્ઝૉટિક સ્પેસીઝ ઇન જર્મન મૉડર્નિઝમ’ અને ‘એક્સ્ટેટિક કોટિડિયન’. એમણે એક કાવ્યસંગ્રહ પણ બહાર પાડ્યો છે, જેનું શીર્ષક છે, ‘આફ્ટર ધ પૅલેસ બર્ન્સ’, જે માટે એમને પૅરિસ રીવ્યૂ પ્રાઇઝ મળેલું છે.

પુસ્તક વિશે:

આ પુસ્તક શેના વિશે છે: ૨૦૨૧માં લખાયેલું પુસ્તક ‘ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ’ અસ્તિવવાદની ફિલોસોફીનો પરિચય કરાવવાની સાથે સાથે જિંદગીને સુંદર રીતે જીવવાનો રસ્તો પણ બતાવે છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપ-અમેરિકામાં અસ્તિત્વવાદનો વાયરો ફૂંકાયો હતો, અને એ વિચારધારા આધારિત જીવનશૈલી આજે પણ તમને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે એ વિશે આ પુસ્તક તમને જણાવે છે. સારું જીવન જીવતાં શીખો: ૧. પુસ્તક કહે છે કે અસ્તિત્વવાદનો વિશાળ વ્યાપ તમારા જીવનમાં આશા અને ખુશીનો સંચાર કરશે. ૨. પુસ્તક કહે છે કે અસ્તિવવાદની વિચારધારા માત્ર પૅરિસના લૅફ્ટ બૅંક પુરતી મર્યાદિત નહોતી; એ સમગ્ર યુરોપ ખંડથી પણ ઘણો વધારે વ્યાપ ધરાવતી હતી. ૩. અસ્તિત્વવાદ વિશેની કેટલીક રૂઢિગત માન્યતાઓનું ખંડન આ પુસ્તક કરે છે. પ્રતિકૂળ સંજોગોમાં, જ્યારે સમાજ તમારી પાસે એક ચોક્કસ પ્રકારના આચાર-વિચારની અપેક્ષા રાખતો હોય ત્યારે પોતાના સિદ્ધાંતોને વફાદાર રહેવું - જેને ઑથેન્ટિક બીહેવિયર કહેવામાં આવે છે- એ અસ્તિત્વવાદનું એક મહત્ત્વનું પાસું છે. ૪. પુસ્તક જણાવે છે કે આ વિચારધારા પર્યાવરણની રક્ષા સાથે પણ સુસંગત છે.

પરિચય:

આ પુસ્તક વાંચવાથી મને શું ફાયદો થશે? તમે તમારા સિદ્ધાંતોને વધુ દૃઢતાપૂર્વક રજુ કરી શકશો, સમાજ ભલે તમને એનાથી વિરુદ્ધ વિચારવાની ફરજ પાડતો હોય. એમ કરવાથી તમે એવાં અનેક સપનાંને સાકાર કરી શકશો જે આપના જીવનને વધુ સંતોષકારક બનાવશે. જિંદગી એક જ વાર મળે છે; એને વેડફી ન દેવાય. આ વિચાર ઘણી વાર આપણને અસ્વસ્થ બનાવી દે છે. આપણે આજે લીધેલા નિર્ણય આવતી કાલે ફાયદાકારક સાબિત થવાની કોઈ ગૅરંટી તો નથી જ ને! આ ચિંતા જ અસ્તિવવાદનો પાયો છે. સામાન્ય રીતે આધુનિક ફિલોસોફી ઍબસ્ટ્રૅક્ટ એટલે કે અમૂર્ત થીયરીઓ પર આધાર રાખે છે, જ્યારે અસ્તિત્વવાદના મૂળભૂત સિદ્ધાંતો વાસ્તવિક જિંદગીને સ્પર્શે છે. જીવન કેવી રીતે જીવવું એ પ્રશ્ન દરેકને મૂંઝવે છે અને અસ્તિત્વવાદની પરિકલ્પના ત્યાંથી જ શરૂ થાય છે. અસ્તિત્વવાદ તમારા વિચારોને વધુ સ્પષ્ટ બનાવે છે. જરીપુરાણાં બંધનોથી મુક્તિ મેળવીને મજાથી જીવવાનો માર્ગ ખોલી આપે છે. પોતાના સિદ્ધાંતોને વફાદાર રહેવું, જેને અસ્તિત્વવાદની પરિભાષામાં ઑથેન્ટિસિટી તરીકે ઓળખવામાં આવે છે, તે અસ્તિત્વવાદનું સૌથી મહત્ત્વનું અંગ છે. આ પુસ્તક નીચેના મુદ્દાને સ્પર્શે છે:

  1. અસ્તિવવાદ પીડાથી દૂર ભાગવાને બદલે એની સાથે ઘરોબો કેળવવાની કેમ હિમાયત કરે છે.
  2. સાંપ્રત સમાજમાં પોતાના આગવા સિદ્ધાંતોને વળગી રહેવું- ઑથેન્ટિક બનવું- શા માટે અઘરું છે.
  3. પર્યાવરણની સમસ્યાનું સમાધાન અસ્તિત્વવાદ પાસે કેવી રીતે હોઈ શકે.

સામાન્ય રીતે અસ્તિત્વવાદનો ઉલ્લેખ કરીએ એટલે પૅરિસની કૅફેમાં બેસીને વાઇન પીતા, સિગારેટના ધૂમાડા કાઢતા અને સોગિયું મોઢું લઈને ફરતા બૌદ્ધિકોની યાદ આવે. ગોસેટ્ટી-ફેરેન્ચી કહે છે કે અસ્તિત્વવાદ આ ધારણા કરતાં ઘણો વધારે વ્યાપક અને વૈવિધ્યસભર છે. આ નાનકડા પુસ્તકમાં ગોસેટ્ટી-ફેરેન્ચી અસ્તિત્વવાદને એક નવા જ સ્વરૂપમાં રજૂ કરે છે. એ કહે છે કે અસ્તિત્વવાદ તમને તમારી આસપાસની દુનિયા સાથે અર્થસભર સંવાદ સ્થાપિત કરવામાં મદદ કરી શકે છે, એટલું જ નહીં, જીવન સાથે સંકળાયેલાં અનેક રહસ્યોને છતાં કરે છે. અસ્તિત્વવાદ કોઈ એક બે વિચારકોના ભેજામાંથી ઉત્પન્ન નથી થયો. એના વિશે અનેક ગેરસમજો પણ પ્રવર્તે છે. આ વિચારધારા ઉપર જૅઝ મ્યૂઝિકની ઊંડી અસર જોવા મળે છે, જેના પ્રભાવ હેઠળ અનેક વિચારકોએ માનવીના અસ્તિત્વ વિશેની પરંપરાગત માન્યતાઓનું ખંડન કર્યું છે. અસ્તિત્વવાદને વ્યાખ્યાયિત કરવાનું કામ આસાન નથી. એટલું ચોક્કસ કહી શકાય કે માનવજાત બંધનમુક્ત થઈને ઑથેન્ટિક બની શકે એ માટેના પ્રયાસો આ વિચારધારાનો અવિભાજ્ય હિસ્સો છે. આપણા સંજોગોથી ઉફરા ચાલીને જીવનને નવો અર્થ કેવી રીતે આપવો એ જ અસ્તિત્વવાદી વિચારકોનું મુખ્ય ધ્યેય છે. આ વિચારધારાએ જિંદગી વિશેના પરંપરાગત ખ્યાલોને કોરાણે મૂકીને વ્યક્તિના અંગત અનુભવોને અપનાવ્યા છે અને સમાજની અપેક્ષાએ વ્યક્તિને પ્રાધાન્ય આપ્યું છે. ગોસેટ્ટી-ફેરેન્ચીના કહેવા મુજબ, વ્યક્તિના અંગત ભાવવિશ્વને સમજવાથી જ અન્યો સાથેના સંબંધોને અને બાહ્ય વિશ્વને સમજી શકાય તેમ જ તમારા અસ્તિત્વને લગતા પ્રશ્નોનો ઉકેલ મળી શકે. અસ્તિત્વવાદને સુપેરે સમજવા માટે એની પરિકલ્પનાનાં વિવિધ પાસાંને સમજવાં જરૂરી છે. માનસિક વ્યગ્રતા, વિશ્વની ભાવશૂન્યતા કે અર્થહીનતા (ઍબ્સર્ડિટી) અને મૃત્યુના અસ્તિત્વનો સ્વીકાર આ વિચારધારાનાં પ્રમુખ તત્ત્વો છે. એક મહત્ત્વનું પાસું એ પણ છે કે એ ધર્મની પરિકલ્પનાને અપ્રસ્તુત બનાવી દે છે. જો કે આધ્યાત્મિક વૃત્તિ આ ફિલોસોફીનું એક અવિભાજ્ય અંગ છે. અસ્તિત્વ સંબંધી જે ગહન પ્રશ્નો આપણને મૂંઝવે છે એમના તાર્કિક ઉત્તર અસ્તિત્વવાદ કેવી રીતે શોધી શકે છે એ આ પુસ્તક તમને કહે છે

મુખ્ય મુદ્દાઓ:

૧ સમગ્ર માનવજાતને બંધનમુક્ત કરવાના હેતુસર વિવિધ વિચારકોએ અસ્તિત્વવાદનો સિદ્ધાંત રજૂ કર્યો હતો..

આજે અસ્તિત્વવાદનો ઉલ્લેખ કરીએ એટલે પૅરિસની ફૅશનેબલ કૅફેમાં બેસીને સિગારેટ ફૂંકતા બૌદ્ધિકનું જ ચિત્ર ખડું છાય. અસ્તિત્વવાદનો ઉદ્ભવ ફ્રેન્ચ પરિપેક્ષ્યમાં જ થયો હતો એટલે આમ થવું સ્વાભાવિક પણ છે. આ વિચારધારાના મુખ્ય પ્રેરણાસ્રોત સમાન ઝ્યાં-પૉલ સાર્ત્ર અને સીમોં દ બુવા તો સીલેબ્રિટી જેવો મોભો ધરાવતાં હતાં. એમનો છડેચોક રોમાન્સ અને બોહેમિયન જીવનશૈલી અસ્તિત્વવાદના પર્યાય સમાન બની ગયા હતા. પણ અસ્તિત્વવાદનો વ્યાપ આ સંકુચિત અર્થઘટન કરતાં ઘણો વિશાળ હતો. એક મહત્ત્વની વાત એ હતી કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં નિત્શે અને કીર્કગાર્ડ અસ્તિત્વવાદનાં બીજ વાવી ચૂક્યા હતા. બીબાંઢાળ વૃત્તિને બદલે વ્યક્તિગત અને સ્વતંત્ર વિચારશક્તિને ઉત્તેજન આપવાનો બંને વિચારકોએ પોતાની રીતે પ્રયત્ન કર્યો હતો. જર્મન ઘટનાવાદી વિચારકો હુસેર્લ અને હાઇડેગરનું પ્રદાન પણ મહત્ત્વપૂર્ણ કહી શકાય એવું હતું. એ ઉપરાંત દોસ્તોયેવ્સ્કી અને કાફકા જેવા લેખકોની અસર પણ નાનીસૂની નહોતી.

આ દૃષ્ટિએ જોતાં એ વાત સ્પષ્ટ થાય છે કે અસ્તિત્વવાદ કોઈ એક ઉગમસ્થાનમાંથી અવતરેલી ફિલોસોફી નથી, બલ્કે માનવજાતને મૂંઝવતી સમસ્યાનો ઉકેલ શોધવા અનેક લોકોએ કરેલા પ્રયત્નોનો નીચોડ છે. જો કે એ તમામ વિચારકો કેટલાક પાયાના સિદ્ધાંતોની બાબતે સહમત હતા એની પણ નોંધ લેવી જરૂરી છે. માનવજાતને બંધનોમાંથી મુક્ત કરવી એ આ વિચારસરણીનું સૌથી પ્રમુખ ધ્યેય છે. અગાઉની ફિલોસૉફી સામાન્ય માણસને ન સમજાય એવી, અમૂર્ત સિદ્ધાંતો પર આધારિત હતી, જેને બદલે અસ્તિવવાદે માણસને રોજબરોજની જિંદગીમાં થતા અનુભવો અને એના મન પર એ અનુભવો શું અસર કરે છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. અસ્તિત્વવાદનો એક પાયાનો સિદ્ધાંત એ છે કે માણસ પોતાની જિંદગી વિશે ‘પહેલો પુરુષ એકવચન’માં જ વિચારે છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક વ્યક્તિની જિંદગીની વાર્તાનો નાયક- હીરો- એ પોતે જ હોય છે. દુનિયાને એ પોતાની નજરે જ જોઈ છે અને એથી જ સુફિયાણી વાતો કે ફિલસૂફીના વિતંડાવાદમાં એને રસ ન પડે એ સ્વાભાવિક છે. એને જ લીધે દરેક વ્યક્તિ માટે જિંદગી અને દુનિયા એક અંગત અનુભવ છે, અને એથી જ દરેક વ્યક્તિ દુનિયા વિશે અને જિંદગી વિશે આગવો કહી શકાય એવો અભિપ્રાય બાંધે છે, જે બીજી કોઈ વ્યક્તિએ બાંધેલા અભિપ્રાય સાથે સુસંગત હોવાની શક્યતા નથી. છેવટે તો તમે એકલા જ છો અને તમારી જિંદગી અને તમારા અનુભવોનું અર્થઘટન તમારે જાતે જ કરવાનું છે. કઈ પરિસ્થિતિમાં શું વિચાર કરવો અને કેમ વર્તવું એ તમારે જાતે જ નક્કી કરવું રહ્યું. આ જ કારણે અસ્તિત્વવાદીઓ ધર્મગ્રંથો કે ફિલસૂફીનાં થોથાંઓમાં ચર્ચાયેલી પ્રચલિત ધારણાઓને કોરાણે મૂકીને વ્યક્તિના પોતાના ભાવવિશ્વ ઉપર ધ્યાન આપે છે. એ લોકો કહે છે કે કોઈ પણ વિચારબીજમાંથી પ્રેરણા લેવામાં સમસ્યા નથી, પણ બધા જ સવાલોનો કોઈ રેડીમેડ જવાબ હોઈ ન શકે એ હકીકત પણ યાદ રાખવી ઘટે. આ ફિલોસોફી કોઈ એવી દવા નથી કે જે તમને કોઈ પણ સમસ્યાનો રામબાણ ઇલાજ શોઘી આપે. અસ્તિત્વવાદની મૂળભૂત કલ્પના તો તમને એમ જ કહે છે કે તમને મૂંઝવતા ગહન પ્રશ્નોના જવાબ તમે જાતે જ શોધો. અસ્તિત્વવાદનું બીજું ધ્યેય છે સમગ્ર માનવજાતને બંધનોમાંથી મુક્ત કરવી. સ્વાભાવિક રીતે જ, સંજોગો તમારા નિયંત્રણમાં નથી હોવાના, પણ એક વાત નક્કી છે કે જિંદગીમાં તમે જે નિર્ણયો લીધા હશે તે જ તમારું ભાવિ નક્કી કરશે. એટલે તમને ન ગમે તો પણ એક વાત તમારે સ્વીકારવી પડશે: તમારી હાલત માટે તમે પોતે જ જવાબદાર છો, બીજું કોઈ જ નહીં; તમારી જિંદગીના અને તમારા વ્યક્તિત્વના ઘડવૈયા તમે પોતે જ છો.

૨ માનવજાતને ‘હ્યુમન બીઇંગ’ને બદલે ‘હ્યુમન બીકમિંગ’ તરીકે ઓળખવી જોઈએ.

તો ચાલો, બાંયો ચઢાવીને તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે એક અઘરી વાત સમજવાની છે, અને એ છે ‘બીઇંગ’ અને બીકમિંગ’ વચ્ચેનો તફાવત! તમને થશે કે આ વળી કયું તૂત છે! પાશ્ચાત્ય ફિલસુફીની પરંપરાનું આ એક અગત્યનું અંગ છે, જે સૈકાઓ જૂનું છે. સાદી ભાષામાં કહીએ તો ‘બીઇંગ’ એટલે કોઈ સ્થાયી, અચલ અને અપરિવર્તનશીલ એવું કોઈ તત્ત્વ. પ્રાચીન ગ્રીક તત્ત્વવેત્તા પ્લૅટોના મતે ન્યાય અથવા સૌંદર્યનો આદર્શ જ એવી ચીજ છે જે વાસ્તવિક છે અને સાથે સાથે અચલ પણ છે. જ્યારે ‘બીકમિંગ’ એટલે વાસ્તવિકતાનું એવું પાસું છે જે સતત પરિવર્તનશીલ છે. પ્લૅટો કહે છે કે માણસ જગતને જે રીતે અનુભવે છે તે હંમેશાં બદલાયા કરે છે અને એથી જ એને ભ્રમણાનું નામ આપે છે. સ્થાયી અથવા તો અચલને પરિવર્તનશીલની સરખામણીમાં વધારે મહત્ત્વ આપવાની આ પરંપરા પ્લૅટોના સમયથી શરૂ થઈ અને લગભગ અઢી હજાર વર્ષો સુધી ચલણમાં રહી. છેવટે અસ્તિત્વવાદીઓએ જોયું કે આ વિચારધારા તો માણસના પોતાના અનુભવને ભ્રમણામાં ખપાવીને એનો એકડો જ કાઢી નાખે છે. હકીકતમાં તો જગત હોય કે માણસનું શરીર- બંને સતત પરિવર્તનશીલ છે. આપણા શરીરના કોષ જન્મે છે, પુખ્ત થાય છે અને પોતાની જાતને રીપેર કરે છે, અને સમય આવ્યે નવા કોષ તેમનું સ્થાન લઈ લે છે. આપણા શરીરની જેમ જ આપણું મન પણ આપણા અનુભવોની સાથે જ બદલાતું રહે છે. આપણી સભાનતા છેવટે શું છે? દરિયાનાં મોજાંની જેમ સતત ઉભરાતા રહેતા તદ્દન અસંગત વિચારો, આપણે અનુભવેલી લાગણીઓ અને આપણી નજરે ઝીલેલી છબીઓ જ ને? અરે, સમયની સાથે આપણી પોતાની ‘હું’ તરીકેની ઇમેજ પણ બદલાતી રહે છે, તો આખી વાતમાં અચલ અને સ્થિર કશું છે ખરું? કહેવાનો મતલબ એ છે કે જન્મથી માંડીને મૃત્યુ સુધી આપણે સતત બદલાતા રહીએ છીએ. પરિવર્તન એક જ તો વાસ્તવિકતા છે. એ જ કારણે અસ્તિત્વવાદીઓએ પ્લૅટોની ધારણાને જાણે શિર્ષાસન કરાવી દીધું છે. એમના મતે સતત પરિવર્તનશીલ હોવાને કારણે ‘બીકમિંગ’ જ માનવસ્વભાવની સાચી ઓળખ છે; એને ‘બીઇંગ’નું નામ આપવું, અચલ અને સ્થાયી તરીકે જોવું એ ભ્રમણા છે. વ્યાખ્યામાં આવેલ આ ‘યુ ટર્ન’ ઉપર જ અસ્તિત્વવાદ ટકેલો છે. એ કહે છે કે આપણે કોઈ ઇમેજમાં બંધાયેલા નથી: આપણે ચાહીએ એમ વર્તવા માટે મુક્ત છીએ.

૩ પીડાનો સ્વીકાર કરશો તો તમારા સિદ્ધાંતોને વફાદાર (ઑથેન્ટિક) રહી શકશો.

તો આપણે જોયું કે મૂળભૂત રીતે માણસ પોતાની ઇચ્છા મુજબ જીવવા માટે સ્વતંત્ર છે. પણ આ સ્વતંત્રતા બેધારી તલવાર જેવી છે, કારણ કે સ્તંત્રતાની સાથે સાથે જવાબદારી પણ આવે છે. અને જેમને પોતાનાં બાળકો ઉછેરવાનો અનુભવ હશે એમને ખ્યાલ જ હશે કે જવાબદારી કેટલી અઘરી વાત છે. અસ્તિત્વવાદીઓએ સ્વતંત્રતા. અને માણસના પ્રછન્ન મન ઉપર એની શું અસર પડે છે એ વિશે બહુ ગહન વિચાર કરેલો છે. આપણે દોસ્તોયેવ્સ્કીની નવલકથા ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’નું ઉદાહરણ જોઈએ. એમાં રાસ્કોલ્નિકોવ નામનું એક પાત્ર. છે. એ વિચારે છે કે ઈશ્વરનું અસ્તિત્વ જ નથી એટલે પોતાને મન ફાવે એમ વર્તવાની છૂટ છે. અને પછી એ એક ખૂન કરી તો દે છે, પણ પછી પોતાની જવાબદારીનું ભાન થવાને કારણે વધુ ને વધુ અપરાધભાવ અનુભવે છે. સમગ્ર નવલકથા એના આ અપરાધભાવ -ગિલ્ટ-ની આસપાસ જ વણાયેલી છે. યાતના માત્ર ખૂન જેવી અંતિમવાદી ઘટનાઓ સાથે જ જોડાયેલી હોય છે એવું નથી. પીડા તો ગમે તે વ્યક્તિ ગમે ત્યારે અનુભવી શકે છે. ધારો કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમને અચાનક એવો વિચાર આવે છે કે તમે નાનપણમાં જોયેલાં સપનાં સાકાર થાય એવો કોઈ પ્રયત્ન તો તમે કર્યો જ નથી. આટલી અમથી વાત પણ તમને તકલીફ આપવા માટે પૂરતી છે.

પીડા અને દુ:ખ સાથેના આ વળગણે જ અસ્તિત્વવાદને સોગિયાનું લેબલ અપાવ્યું છે. પણ હકીકતમાં અસ્તિત્વવાદ તમને દુ:ખના ડુંગરા હેઠળ દબાયેલા રહેવાની સલાહ નથી આપતો, પણ એમ જરૂર કહે છે કે પીડાનો સ્વીકાર કરવાથી તમે વધુ સારી રીતે જીવી શકો છો. ટૂંકમાં કહીએ તો જીવનમાં પીડા સહન કર્યા વગર ખરી સ્વતંત્રતા મળતી નથી. એની સરખામણીમાં સ્ટૉઇસિઝમ બહુ અલગ માન્યતા ધરાવે છે. એ માન્યતા પ્રમાણે તમારા મન ઉપર અને લાગણીઓ ઉપર કાબુ રાખો તો પીડા ભોગવવી જ પડે એ જરૂરી નથી. જ્યારે અસ્તિત્વવાદ કહે છે કે પીડાને દબાવવાને બદલે, વ્યથા અને ચિંતાને અવગણવાને બદલે એનો સ્વીકાર કરો, કારણ કે એ લાગણીઓ તકલીફદાયક ભલે હોય, પણ એ જીવનમાં થતા અનુભવોનું એક અગત્યનું પાસું છે. ડરની જ વાત કરીએ. પોતાના મૃત્યુ વિશે વિચારશો તો ડર લાગશે જ. એટલે જ ઘણા લોકો એ વિશે વિચાર કરવાનું જ ટાળે છે. પણ માર્ટિન હાઇડેગર કહે છે તેમ ડરની સામે આંખમાં આંખ નાખીને જોશો તો જ જીવનમાં કાંઈક મેળવી શકશો., થોડું જોખમ લઈને તમારી એવા નિર્ણય લઈ શકશો જે તમારી જિંદગી બદલેલી નાખે. ડરનો સામનો કરવો સહેલો નથી પણ એમ કરવાથી જ તમે ઑથેન્ટિક રીતે જીવવી શકશો.

૪ તમે જે પ્રકારની જિંદગી જીવવા ઇચ્છો છો એની સંપૂર્ણ જવાબદારી તમારા પોતાના શિરે છે.

તમે ચિક્કાર ગિરદીવાળી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હશે તો ભીડમાં ખોવાઈ જવું શેને કહેવાય એની તમને જાણ હશે જ. ભીડનો હિસ્સો બન્યા પછી આપણે સ્વતંત્ર રીતે વિચાર કરવાને બદલે લોકોનું અનુકરણ કરતા હોઈએ છીએ. તમારી જાતને જ પૂછો: નાટક કે સંગીતનો કાર્યક્રમ જોતી વખતે કેટલી વાર તમે લોકોનું જોઈને તાળીઓ પાડી છે? આ તો નાનું ઉદાહરણ છે, પણ વિચાર્યા વગરની દેખાદેખી આપણા વર્તન ઉપર કેટલી અસર કરે છે તે સાબિત કરવા માટે એ પૂરતું છે. ભીડ સાંપ્રત સમાજનું પ્રતીક છે, અને જે વ્યક્તિ પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કર્યા વગર, ઑથેન્ટિક રીતે જીવવા માંગે છે એને માટે એ એક ખતરાની ઘંટી સમાન છે. અસ્તિત્વવાદીઓના મતે ગાડરિયા પ્રવાહ જેવી સમાજની મનોવૃત્તિ વ્યક્તિગત વિચારશક્તિને કુંઠિત કરી દે છે. નિત્શે એવી ફરિયાદ કરતા કે એમના સમકાલિન લોકો દુકાનની અભરાઈ પર ગોઠવાયેલ માલની જેમ જ એકસરખા લાગતા હતા.

અસ્તિત્વવાદી વિચારકોનું કહેવું છે કે આગવું વ્યક્તિત્વ તમારું જન્મજાત લક્ષણ નથી. સ્વતંત્ર રીતે વિચાર કરીને તમારે એ કેળવવું પડે છે. તમારા વિચારો સાથે સુસંગત જીવનશૈલી તમારે જાતે જ ઊભી કરવી પડે છે, અને એ માટેની સંપૂર્ણ જવાબદારી પણ તમારે જ લેવી પડે છે. જો તમે આદતથી મજબૂર થઈને જ જીવો છો તો તમારી આગવી ઑથેન્ટિસિટી તમે ગમાવી દો છો, કારણ કે તમારી ખરી ક્ષમતાનો તમને ખ્યાલ જ નથી રહેતો. હા, સંજોગો તમારી પાસેના વિકલ્પોને મર્યાદિત જરૂર કરતા હોય છે, પણ તમારી પાસે વિકલ્પો તો હોય જ છે, ભલે અત્યારે તમને એ સ્પષ્ટ રીતે દેખાતા ન હોય. પણ ‘એમ કર્યા સિવાય મારો છૂટકો નહોતો’ એમ કહેવું એટલે તમારી જવાબદારીમાંથી છટકી જવા સિવાય બીજું કશું નથી. કહેવાનો મતલબ એ છે કે તમારા સ્વતંત્ર રીતે લીધેલા નિર્ણયોની જવાબદારી લીધા સિવાય ઑથેન્ટિસિટી કેળવાશે નહીં. એ જ કારણે સમયાંતરે તમારા નિર્ણયો તમારી જિંદગી ઉપર શું અસર કરે છે તેનું મૂલ્યાંકન કરવામાં શાણપણ છે. ઉપરાંત તમે ટૂંકા સમયના ગાળા માટે પ્રયોગાત્મક રીતે અમુક નિર્ણયો લઈને એની અસર ચકાસી શકો છો. ઑથેન્ટિસિટીની આ વ્યાખ્યા સમજવામાં અઘરી તો છે પણ એના કેટલાક ફાયદા પણ છે. પોતાના સિદ્ધાંતોને વફાદાર રહેવાથી તમારું મનોબળ વધુ મજબૂત બનશે. તમારી મરજી મુજબ જીવવાના નવા રસ્તા પણ ખૂલશે. અને ભૂતકાળમાં થયેલા ખરાબ અનુભવોની અસરમાંથી બહાર નીકળી શકશો. ઉપરાંત વાતવાતમાં ‘લોકો શું કહેશે’ એની ચિંતા કરવાની પણ જરૂર નહીં રહે.

૫ આપણી સ્વતંત્રતા બીજાની સ્વતંત્રતા સાથે સંકળાયેલી છે. બીજાને ગુલામ બનાવીને તમે સ્વતંત્ર રહી ના શકો.

સ્વતંત્રતાની અને ઑથેન્ટિસિટીની આ બધી વાતોમાં સ્વાર્થની બૂ નથી આવતી? દુનિયામાં જ્યારે આટલા બધા લોકોનું શોષણ થતું હોય ત્યારે એવું કહી જ કેવી રીતે શકાય કે માણસ પોતાની મરજી પ્રમાણે જીવવા માટે સ્વતંત્ર છે?

વિરોધીઓની નજરે અસ્તિત્વવાદની આ જ સૌથી મોટી ખામી છે, અને અસ્તિત્વવાદીઓએ આ ટીકાનો જવાબ પણ આપ્યો છે. ઉદાહરણ તરીકે સીમોં દ બુવાનું કહેવું હતું કે જ્યાં સુધી આપણે બીજાની સ્વતંત્રતાની કદર નથી કરતા ત્યાં સુધી આપણી ઑથેન્ટિસિટીમાં કાંઈક ખામી રહી જાય છે. એનું પણ એક કારણ છે: જીવન ટકાવી રાખવા માટે આપણને બીજાના સહારાની જરૂર પડે છે તે જ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેની આપણી ઓળખ ત્યારે જ જળવાય છે જ્યારે લોકો આપણને સ્વતંત્ર વ્યક્તિ તરીકે જુએ છે. જો લોકો આપણને એક વસ્તુ તરીકે જોશે તો આપણી સ્વતંત્રતાનું કોઈ વજૂદ નહીં રહે. વાતનો સાર એ છે કે જો બીજા લોકો આપણને સ્વતંત્ર માનશે તો જ આપણે ખરા અર્થમાં સ્વતંત્ર થઈ શકીશું. એક જાણીતા નિબંધમાં ફિલોસોફર રેને દેકાર્ત કહે છે કે ઘણી વારે તો એને એવું લાગે છે કે મારી બારીની બહારથી પસાર થતા લોકો ભાનમાં જ નથી. એ બધા તો ચાવી આપેલાં રમકડાં કે રોબૉટની જેમ હાથમાં કોટ અને હૅટ લઈને ફરતા હોય એવું લાગે છે. સૈકાઓ પછી સાર્ત્રએ આ જ વિચાર વિશે જરા અલગ વાત કરી. એમણે કહ્યું કે માણસોને પૂતળાં તરીકે જોવાનું શક્ય હતું તો એમની સાથે એક નિર્જીવ વસ્તુ જેવા વ્યવહાર કરવો પણ શક્ય છે. આ જ વૃત્તિનું અંતિમ ચરણ છે ગુલામીપ્રથા, જેમાં સમાજનો એક વર્ગ બીજા સમૂહનો વસ્તુની જેમ ઉપયોગ કરે છે., એની લે વેચ કરે છે. પણ સાર્ત્રનું કહેવું છે કે દેખીતી રીતે મુક્ત લાગતા સમાજમાં પણ ચોક્કસ સમૂહની વ્યક્તિઓને વસ્તુ- ઑબ્જેક્ટ- તરીકે જોવામાં આવે જ છે. દાખલા તરીકે પોસ્ટ ઑફિસના ક્લાર્કની સાથે વ્યવહાર કરતી વખતે આપણને એ વિચાર પણ નથી આવતો કે એને પણ અરમાન અને ઇચ્છાઓ હોઈ શકે છે અને એને પણ અનેક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમારા દૃષ્ટિએ તો એ વ્યક્તિ ટપાલ પર સ્ટૅમ્પ મારવાના મશીનથી વધારે કશું નથી. જો કે આ પ્રકારનું ઑબ્જેક્ટિફિકેશન કોઈને બહુ નુકસાન પહોંચાડતું નથી. નુકસાન તો ત્યારે થાય છે કે સામી વ્યક્તિના આત્મસન્માનને ઠેસ પહોંચે અથવા તો એની સ્વતંત્રતા ઉપર કાપ મુકાય. કોઈની હદબહારની ટીકા કરવી એ ઑબ્જેકિટિફિકેશનનો જ એક પ્રકાર છે. સાર્ત્રના કહેવા પ્રમાણે કોઈની ટીકા કરવી એટલે એનના પોતાના મનમાં જાત વિશે એક વિકૃત છબી ઊભી કરવી. એમ કરવાથી સામી વ્યક્તિને માઠું તો લાગે જ છે પણ વધારે ખરાબ વાત તો એ છે કે એ પોતાની જ નજરમાં ઊતરી જાય છે. અસ્તિત્વવાદની વ્યાખ્યા પ્રમાણે બીજા લોકોને ચીજવસ્તુની જેમ વાપરવાને બદલે એમની પણ સ્વતંત્રતાનું સન્માન કરવું એ ઑથેન્ટિક હોવાની નિશાની છે.

૬ તમારી જાત અને બાહ્ય વિશ્વ એક જ સિક્કાની બે બાજુ છે.

ફ્રેન્ચ વિચારક આલ્બેર કામૂ પોતાના પુસ્તક ‘ધ મિથ ઑફ સિસિફસ’માં એક એવા અનુભવની વાત કરે છે, જેને એ ‘ઍબસર્ડ’ તરીકે વર્ણવે છે. એ કહે છે કે આપણને બધાને અવારનવાર એવું લાગતું હોય છે કે આપણે જે દુનિયામાં જીવીએ છીએ એ તદ્દન સંવેદના વગરની અને વિચિત્ર છે. આપણે પોતાના અસ્તિત્વ વિશે વિચારતા હોઈએ ત્યારે ‘હું અહીં શા માટે છું?’ અથવા તો ‘હું અહીંયા શું કરું છું?’ જેવા પ્રશ્નો મનમાં સ્ફૂરે છે. પણ એનો જવાબ આપવાને બદલે દુનિયા તો ચૂપ જ રહે છે: જાણે આપણા હોવા- ન હોવાથી એને કશો ફરક જ નથી પડતો. આ વર્ણન એક બાબત સ્પષ્ટ કરે છે: વ્યક્તિ અને વિશ્વ વચ્ચેના સંવાદ -ઇન્ટરૅક્શન- વિશેનો વૈજ્ઞાનિકોનો મત અસ્તિત્વવાદીઓની કલ્પનાથી તદ્દન અલગ પડે છે. હા, અસ્તિત્વવાદીઓ વિજ્ઞાનનો વિરોધ નથી કરતા, પણ વિશ્વ હકીકતમાં કેવું છે એ સમજવા કરતાં વ્યક્તિની નજરે કેવું દેખાય છે એ વિશે વિચારવામાં એમને વધારે રસ છે. એટલે જ અસ્તિત્વવાદીઓના મતે વ્યક્તિ અને વિશ્વ વચ્ચે આપણે વિજ્ઞાનનાં પુસ્તકોમાં ભણાવવામાં આવ્યું છે એટલું અંતર નથી. એ લોકો તો એમ જ કહે છે કે વ્યક્તિનો ‘હું’ અને બાહ્ય વિશ્વ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે વિશ્વ એટલે આપણી બહારનું અસ્તિત્વ. દેકાર્તના સમયથી તો કમ સે કમ એ જ માન્યતા પ્રચલિત હતી. એના કહેવા મુજબ વિશ્વ ભૌતિક છે, વાસ્તવિક છે; જ્યારે વ્યક્તિની ચેતના અમૂર્ત, અવ્યાખ્યાયિત છે. જો કે અસ્તિત્વવાદીઓ દલીલ કરે છે કે બે વચ્ચેની ભિન્નતા એટલી સ્પષ્ટ નથી. એમના મતે આપણે વિશ્વથી અલગ પડીને કોઈ પેટીમાં પુરાઈને નથી જીવતા. આપણો અનુભવ તો એમ જ કહે છે કે આપણે આસપાસની દુનિયામાં જ જીવીએ છીએ અને આજુબાજુની દરેક વસ્તુ સાથે, વ્યક્તિઓ સાથે આપણો નજીકનો સંબંધ છે. આપણો અનુભવ પણ એમ જ કહે છે કે આપણે અને બહારની દુનિયા એક જ સિક્કાની બે બાજુઓ છે. એક ઉદાહરણ જુઓ: શિયાળાની કડકડતી ઠંડી પછી વસંત ઋતુનો પહેલો દિવસ છે. સૂર્યનો તડકો માત્ર તમારી આંખોને જ નહીં પણ તમારા સમગ્ર અસ્તિત્વને પ્રફુલ્લિત કરી રહ્યો છે. તમે ભલે તમારી જાતને બહારના વિશ્વથી અલગ માનતા હો, પણ એ ક્ષણે તમને એવું નહીં લાગે કે જાણે તમે પણ એ સુંદર મજાની દુનિયાનો જ એક હિસ્સો છો? એ ક્ષણે તમને ખ્યાલ પણ નહીં આવે કે દુનિયા ક્યાં પૂરી થાય છે અને તમે ક્યાં શરૂ થાઓ છો! હા, કહેવા ખાતર એમ કહી શકાય કે સૂર્યનો તડકો એ બહારની દુનિયાનો ભાગ છે અને એનાથી તમને થતી ખુશી એ તમારી અંદરનો ભાવ છે, પણ અસ્તિત્વવાદીઓ કહે છે કે લાગણીઓ પણ આપણી અંદર સંતાઈને નથી રહેતી. એ પણ સૂર્યનાં કિરણોની જેમ આસપાસના વિશ્વને બદલી નાખે છે, કમ સે કમ આપણને વિશ્વ કેવું દેખાય છે એ તો આપણા મૂડ પ્રમાણે બદલાયા જ કરે છે. આપણે ભૂખ્યા ડાંસ હોઈએ ત્યારે એક સફરજનને જોઈને આપણા મોમાં પાણી આવી જાય છે, પણ જો આપણું પેટ ભરેલું હોય તો એ જ સફરજનની સામે જોવાનું પણ મન નથી થતું. એટલે આપણી આજુબાજુની દુનિયા આપણી લાગણીઓ પ્રમાણે, આપણા મૂડ પ્રમાણે બદલાયા કરે છે. હવે આપણે એ જોઈશું કે દુનિયા પ્રત્યેના આપણા બદલાયેલા અભિગમે દુનિયાને પણ બદલી નાખી છે.

૭ કુદરત સાથે આપણે વધુ સુમેળભર્યા સંબંધો કેળવવાની જરૂર છે.

છેલ્લાં બસો વર્ષમાં, ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછી કુદરત સાથેના આપણા સંબંધોનું સંતુલન ખતરનાક રીતે ખોરવાઈ ગયું છે. આપણા અકરાંતિયાવેડાએ કુદરતી સંપત્તિનું નિકંદન કાઢવાનું કામ ક્ત્યું છે અને પરિણામે પ્રદૂષણનો પાર નથી રહ્યો. પર્વતોના પર્વતો સપાટ થઈ ગયા છે, આખાને આખા દેશ જેવડાં જંગલો સાફ થઈ ગયાં છે. દરિયાનાં પાણી પ્લાસ્ટિકના કચરાથી ગૂંગળાઈ રહ્યાં છે. ખનિજ તેલના ધૂમાડાથી સર્જાયેલા ગ્લોબલ વૉર્મિંગની અસરોથી આપણે સારી પેઠે વાકેફ છીએ. આ બધાં જ પરિબળોએ આપણી પૃથ્વીને સર્વનાશની કગાર ઉપર લાવીને મૂકી દીધી છે.

પરિસ્થિતિ તો ખરેખર ગંભીર છે, પણ એને અસ્તિત્વવાદ સાથે શું લેવાદેવા? માનવના અસ્તિત્વનાં રહસ્યો વિશે વિચારતી ફિલોસૉફી પર્યાવરણની રક્ષા કેવી રીતે કરવાની હતી? પણ હકીકતમાં, અસ્તિત્વવાદની વિચારધારા ખરેખર કુદરતનું સન્માન કરીને જીવવાનો રસ્તો બતાવે છે. આપણે કુદરત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો કેળવવાનો સમય પાકી ગયો છે એ વાત નક્કી છે. ફિલોસોફર હાઇડેગર ‘ડીપ ઈકોલૉજી’ની મૂવમેન્ટ સાથે સંકળાયેલા હતા. એ ફિલોસૉફી કુદરતને યોગ્ય મહત્ત્વ આપવાની હિમાયત કરે છે. હાઇડેગરના મતે ગણિત અને વિજ્ઞાનનો પ્રસાર પર્યાવરણના દુરુપયોગ સાથે સીધી રીતે સંકળાયેલો છે. વૈજ્ઞાનિક અભિગમ સમાજને માટે ગમે તેટલો જરૂરી હશે પણ એને કારણે આપણે કુદરતને એક બજારુ વસ્તુ- કૉમોડિટી- તરીકે જોતા થઈ ગયા છીએ. વિજ્ઞાનના વિકાસની સાથે જ કુદરતને જોવાની આપણી દૃષ્ટિ સાવ જ બદલાઈ ગઈ. એક સમય હતો જ્યારે આપણે કુદરતને અહોભાવથી, ભક્તિભાવથી જોતા હતા. એનાં રહસ્યો આપણે સમજ્યા નહોતા ત્યાં સુધી આપણે એને માન આપતા હતા. પણ વિજ્ઞાને એ રહસ્યો ખોલી દીધાં એટલે આપણે કુદરતને વાપરી શકાય, લૂંટી શકાય એવી સંપત્તિ તરીકે જોતા થઈ ગયા. હાઇડેગર આ જ કારણે કહે છે કે આપણે કુદરતને જોવાનાં ચશ્માં બદલવાં પડે એમ છે. કુદરતનું માન જાળવતાં અને એને પ્રેમ કરતાં શીખવાની જરૂર છે. હાઇડેગર કહે છે કે કવિતાને એક મૉડેલ તરીકે લેવાથી આ દૃષ્ટિ કેળવી શકાય એમ છે. આપણે કવિતા સાંભળીએ છીએ ત્યારે એનું હાર્દ સમજવાની સાથે સાથે શબ્દોના સૌંદર્યનો પણ આનંદ માણતાં શીખવું પડે છે. કુદરત પ્રત્યે આ અભિગમ કેળવવાથી આપણે કુદરતનાં રમ્ય અને રૌદ્ર સ્વરૂપોનો આસ્વાદ માણી શકીશું. આપણું પોષણ અને લાલનપાલન કરનારી પ્રકૃતિની સાથે મધુર સંબંધો કેળવવા એ પણ ઑથેન્ટિક રીતે જીવવાનો જ એક ભાગ છે.

ટૂંકસાર

આ પુસ્તકમાંથી આપણને જે સંદેશ મળે છે તે આ મુજબ છે.

ઑથેન્ટિક રીતે જીવવાનું સૌથી અગત્યનું પાસું છે અન્ય વ્યક્તિઓ પ્રત્યે માનવીય વ્યવહાર કરવો. અસ્તિત્વવાદીઓની દૃષ્ટિએ દુનિયામાં ત્રણ પ્રકારનાં તત્ત્વો છે: પોતાની જાત, બીજાઓ અને દુનિયા. ઑથેન્ટિક રીતે જીવવા માટે આ ત્રણેય તત્ત્વો વચ્ચે સુમેળ હોવો જરૂરી છે. જાત પ્રત્યેની તમારી પહેલી ફરજ એ છે કે તમારી જાતને કોઈ ઇમેજમાં બાંધી ન રાખો. તમે પોતાના વિકલ્પોની પસંદગી કરવા માટે સ્વતંત્ર છો એ વાત હંમેશાં યાદ રાખો. બીજા લોકોની સાપેક્ષમાં ઑથેન્ટિસિટી એટલે એમની સાથે એક વસ્તુની જેમ નહીં પણ એક વ્યક્તિને છાજે એવું વર્તન કરવું, એમની સ્વતંત્રતાનું સન્માન કરવું. અને છેલ્લે, દુનિયા સાથે ઑથેન્ટિક વ્યવહાર એટલે કે પ્રકૃતિનો દુર્વ્યય ન કરવો, પર્યાવરણની જાળવણી કરવી અને એની સાથે ઉષ્માભર્યા સંબંધો પુન:સ્થાપિત કરવા.

********

‘ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ’ અસ્તિત્વવાદનો પરિચય કરાવવાની સાથે સાથે એ પણ સમજાવે છે કે વર્તમાન સમયમાં પણ એ વિચારધારા કેટલી ઉપયોગી છે. - MLN

“વાંચવામાં આસાન એવા આ એક જ પુસ્તકમાંમાં ગોસેટ્ટી-ફેરેન્ચી ત્રણ પુસ્તક જેટલી માહિતી આપે છે: તમને યુરોપીયન ફિલસૂફીનો પરિચય કરાવે છે, સારી રીતે જીવન જીવવાની કળા શીખવે છે અને સૅલ્ફીના આ જમાનામાં જોવા મળતી બેવકૂફીથી બચાવે છે અને અમેરિકન અને યુરોપીયન વિચારધારાઓને - સાર્ત્ર અને કેરુએક, રિલ્કે અને ફ્રૉસ્ટ, કામૂ અને ઇલિસન તથા હાઈડેગર અને સિમોં દ બુવા એકબીજા સાથે જોડીને એ પ્રશ્ન પૂછે છે જે માનવજાતને સદીઓથી મૂંઝવી રહ્યો છે: ‘હું અહીંયા કેમ છું.’ જેનો જવાબ આ પુસ્તક વાંચવાથી તમને પોતાને એ જડી આવશે.” - ઝ્યોં-મીકેલ રબાતે (યુનિવર્સિટી ઑફ પૅનસિલ્વૅનિયા, અમેરિકન ઍકેડૅમી ઑફ આર્ટ્સ ઍન્ડ સાયન્સીઝ

“‘ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ’ યોગ્ય સમયે બહાર પડ્યું છે. આપણું ક્ષણભંગુર અને સંવેદનશીલ જીવન જે કપરી કસોટીનો સામનો કરી રહ્યું છે એનો જવાબ કદાચ અસ્તિત્વવાદ પાસેથી મળી પણ આવે જે માત્ર આપણી જાત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વને બદલવા સક્ષમ હોઈ શકે છે. ગોસેટ્ટી-ફેરેન્ચી બહુ જ સલૂકાઈથી આ ફિલોસૉફીનો પરિચય કરાવે છે. પુસ્તકની પ્રવાહી શૈલી અને વિષયવસ્તુ વાચકોને જરૂર સ્પર્શી જશે. ગૅબ્રીએલ માર્સેલ, માર્ટિન હાઈડેગર, સાર્ત્ર, કામૂ કે સિમોં દ બુવા જેવા વિચારકોનાં મંતવ્યો જ નહીં પણ ડબલ્યૂ ઈ બી દુબ્વા, રાલ્ફ ઈલિસન અને રિચાર્ડ રાષ્ટ્રપતિ જેવા આફ્રિકન-અમેરિકન વિચારકો ઉપર અસ્તિત્વવાદે કેવી ગાઢ અસર કરી છે તેની પણ વાત કરે છે.

“સમજવામાં સરળ એવું આ પુસ્તક ફિલોસૉફીમાં રસ ધરાવનાર કોઈ પણ વાચકને જકડી રાખશે. અસ્તિત્વવાદ વિશે જાણકારી ધરાવનાર વાચકને પણ એક નવા આયામનો પરિચય મળશે.” - પબ્લિશર્સ વીકલી

“આ નાનકડું પુસ્તક ફિલોસૉફીના ઇતિહાસની પદ્ધતિસર રજૂઆત કરે છે. અસ્તિત્વવાદના અગત્યના મુદ્દાઓ વિશે માહિતીસભર ચર્ચા કરે છે. અસ્તિત્વવાદ વિશેની બાલિશ ગેરસમજોને દૂર કરે છે. અસ્તિત્વવાદ વિશે ન જાણનારા વાચકોને એનો પરિચય કરાવે છે અને જે પરિચિત છે એમને સિમોં દ બુવા, દોસ્તોયેવ્સ્કી, કામૂ, કાફ્કા, કીર્કગાર્ડ, માર્સેલ, નિત્શે, સાર્થ અને રાઇટ જેવા અનેક ફિલોસૉફરોના વિચારો વિશે જાણકારી આપે છે. વાંચવા જેવું પુસ્તક.” - ચોઈસ

અમલમાં મૂકવા જેવી એક સલાહ:

તમારા સ્વભાવનાં અમુક પાસાં એવાં હશે જે બદલવાથી તમારા જીવનમાં મોટો ફેરફાર થઈ શકે છે, એ પાસાં કયાં છે એ કદાચ તમને ખબર ન પણ હોય. આ પ્રયોગ કરવાથી તમે એ પાસાં કયાં છે એ જાણી શકશો. નિત્શેએ એક પ્રયોગ કરેલો જેને એમણે ‘ઈટર્નલ રીટર્ન’નું નામ આપેલું. આ પ્રયોગ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત થશે. તમારી જાતને પૂછો કે તમારી આ જ જિંદગી તમારે ફરી ફરીને અનનંતકાળ સુધી જીવવાની હોય તો તમે એમાં કયા ફેરફાર કરશો. તમને શું લાગે છે? તમે કોઈ ફેરફાર કરશો? કે પછી તમે પ્રામાણિકપણે કહી શકશો કે તમારી જિંદગીથી સંતુષ્ટ છો અને આની આ જ જિંદગી તમે ફરી ફરીને જીવવા તૈયાર છો?