ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/પાછોતરા વરસાદમાં

Revision as of 01:38, 16 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પાછોતરા વરસાદમાં
હરીશ મીનાશ્રુ

બધા દેવદૂતો આજે
ઊડાઊડ કરે છે, તીતીઘોડા ને વાણિયાને વેશે વનરાજીમાં, રાજીખુશીથી

આ ક્ષણે રંગ બદલી શકતો નથી તે આ કાચિંડો કોઈક જન્મે સ્વયં વરુણ હતોઃ
બિલાડીના ટોપ તળે એની જાતકકથાઓ ક્લૉરોફિલમાં ઓગળી રહી છે

તાજી જ જન્મેલી દેડકીની કુંડળીમાં ગોઠવાઈ ગયું છે ગ્રહમાનઃ
દેહસ્થાને ઠેકા લગ્નસ્થાને કેકા, ને પનોતી? - હવડ કૂવાને પાયે

જળના રેલાએ રઘવાટમાં પૂરી દીધું છે કીડિયારું
ને એ શરીરોની કીડિયાસેરથી ગોરાડુ માટીમાં મૃત્યુની રતાશ ઉમેરાઈ છે

હર્ષશોકથી નિરપેક્ષ છે એમનાં ઝાંઝરનો ઢગલો : તીણો ત્રંત્રંકાર તમરાંનો,-
લીલ બાઝેલા મરડિયા પર શમી ગયો છે ઝંઝારવ

ફૂદાંની ખરી પડેલી પાંખો જોઈને ડઘાઈ ગયેલા શબ્દો
આજે વધારે જોરથી વળગી પડ્યા છે અભિધાને

પંખીમાત્રના પગ પલળીને એવા દીસે છે જાણે કૂણાંકોમળ દીટાં ને
ડાળીઓને ન્હોર ભેરવી થિર થવા મથે છે લોહીની સગાઈ

બધાં પીછાં, ખબર નહીં શાથી - ઇમોશનલ થઈ જઈને, પાંદડીઓ બની ગયાં છે
ને બધાં જ જીવજનાવરની તગતગતી આંખો પાણીનાં ટીપાં

પૃથ્વીના પેટમાંથી મનગમતી ભૂમિતિ ઉઠાવીને વ્હાલેશરી વેલાઓ વેંત વેંત વધે છે
ચલાયમાન દૃષ્ટિની સાથે રાજીખુશીથી, ચળી જાય છે ચંચળ ભાત, પાંદડાંના કૅલિડોસ્કોપમાં

એક અજનબી બીજ પી ગયું છે લીલાગરનું એક બુંદ
તે એના પેટમાં લથડિયાં ખાય છે એક ઓળખીતું કલ્પવૃક્ષ, લયપૂર્વક

ગઈ રાતના તારાઓનું ડહોળું દ્રાવણ સંઘર્યું હોય
એવા ઉદાસ ચળકારા છે ચારેબાજુ ફેલાયેલાં ખાબોચિયાંમાં

ધનુષ્યની જેમ
સવાર બપોર લગી લચી ગઈ છે પણ હવામાં સાંજનો સનકારો વર્તાય છે
જાણે અજવાસને સમયનું ભાન જ નથી

ચટકો ભરીને હમણાં જ કોઈ જીવડું પગની પિંડીએ
ઉમળકાથી ઢીમણું કરી ગયું છે, એની કવિતા જેવી ખંજવાળ આવે છે

પ્રાચીન હસ્તલિખિત પોથીનાં પાનાંઓ જેવા લેન્ડસ્કેપથી ભરેલા આ રસ્તે
હું આમ તો નીકળ્યો છું કશાક દુન્યવી કામે

ત્યાં, બે ખેતરવાં છેટે, ગઈ કાલના વરસાદની પાછળ ચાલ્યા જતા જોઉં છું.
વાન્ગ વેઈ અને ર્યોકાનને
એટલે વળી જાઉં છું અહીંથી જ પાછો