ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ઘરઝુરાપો

Revision as of 02:03, 16 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઘરઝુરાપો : ઊથલો પહેલો /૩
બાબુ સુથાર

પહેલા વરસાદની સોડમ
અને હું
બેઠાં છીએ
એકબીજામાં
આરપાર.

વરસાદના પહેલા છાંટાથી જ
ધૂળ ચાળણી જેવી થઈ ગઈ છે.
પથ્થરોને અળાઈયો ફૂટી નીકળી છે.

હમણાં જ મેઘો ખાંગો થશે,
નળિયે નળિયે નદીઓ છલકાશે,
નેવે નેવે રેંલ્લા દોડશે,
ફળિયે ફળિયે સાત સાત તરીલે બળદ
પાણી તાણશે.
ઘેર ઘેર મોભ ડીલ ભરીને નાશે.
ભીંત પર,
વૃક્ષોનાં થડ પર,
પાળિયે પાળિયે
પાણીના રેલા
ઈશ્વરના પૂર્વજોના
હસ્તાક્ષર બનીને
ઊઘડશે

પછી મેઘો થોભશે,
આકાશ ઊઘડશે,
બાની હથેલી જેવું,
વૃક્ષોનાં થડ,
એમની ડાળીઓ,
એમની પાંખડીઓ,
એમનાં પાંદડાં પર
સૂરજ ગોળમટાં ખાશે,
ઘેરે ઘેર ટોડલે ટોડલે મોર ટહૂકશે,
ફળિયે ફળિયે ઢેલ
નવોઢા બનીને માથે બેડું મૂકી
પાણીએ સંચરશે
વૈતરણી નખ જેવડાં તળાવ બનીને
ઢોળાઈ જશે થોરના લાબોળિયે લાબોળિયે.

જીવ અને શિવને
એક સાથે
આઠમ અને અગિયારસ બેસશે,
મંકોડાઓની પીઠ પર
ચાંદો ઊગશે
અને અળસિયાં
માથે મુગટ
ડીલે જરકશી જામા પહેરીને
બહાર નીકળશે.

આજે ન થવાનું થશે.

આજે પહેલા વરસાદની સોડમ
અને હું
બેઠાં છીએ
એકબીજામાં
આરપાર.