ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/વાસણ

Revision as of 02:25, 16 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વાસણ
રવીન્દ્ર પારેખ

આ તાંબાનો લોટો
અશોક વસંતરાવ કળવીણકરનાં સ્મરણાર્થે ઘરમાં આવેલો
એલ્યુમિનિયમની ડોલ ૫૨
નામ છે બાપુશેઠ ધોંડુશેઠ સોના૨નું
નામ કોતરનારે ધોંડુને બદલે ઘોડું કોતરી મારેલું
પણ નામ હતું ને કોતરાઈ ચૂક્યું હતું.
આ કૂકર બાપાની સ્મૃતિમાં વહેંચેલું
નામ કોતરેલું મગનશેઠ ગણપતશેઠ પારેખ
પણ હાથમાંથી બેત્રણ વખત છટકી ગયેલું,
એટલે ‘શેઠ’ છુંદાઈ ગયેલા.
કૂકરથી બહેન રીસાયેલી
નામ આગળ સ્વર્ગસ્થ નો’તું કોતરાવ્યું એટલે
એ કૂકર ન લઈ ગઈ
ઘરમાં જ રહ્યું
પછી તો ઘણું ‘રંધાયું’ એમાં
ને નામ પણ
બાપાના સ્વભાવની જેમ જ
તપતું રહ્યું છે.
કાંસાની થાળી કુસુમકાકી વખતે વહેંચેલી.
એ ય પડી તેવી જ તૂટી ગઈ -
કાકીની જેમ જ!
સસરાની સ્મૃતિમાં ચાંદીની થાળી આપેલી,
શાંતારામ કાવટકરના નામે
સાસુએ એક થાળી વધારે આપેલી દોહિત્રને
ને એમ બે શાંતારામ ઘરે આવેલા
પછી તો સાસુ પણ ગઈ
ઘરમાં ચાંદીના પવાલાનો વધારો થયેલો
સ્વ. દ્વારકાબાઈ શાંતારામ કાવટકર નામ હજી તાજું જ છે.
તે એટલા માટે કે મારી પત્ની એમાં
પાણી નથી પીવા દેતી!
ચાંદી છે, ઘસાય તો ખરી જ ને!
આ પિત્તળનો વાટકો મારા મિત્રએ વહેંચેલો
તેનો દીકરો નદીમાં ડૂબી ગયેલો તેની યાદમાં –
નામ કોતરનારે ચિ. ચિંતનના સ્મરણાર્થે કોતરી મારેલું.
પણ થાય શું? નામ હતું ને ચિરંજીવી કોતરાઈ ચૂક્યું હતું.
એ આપતી વખતે ભાભીનું કાળજું ચિરાયેલું
રોજ એ વાટકો વીંછળાય છે,
પણ પેલાં આંસુ ધોવાતાં નથી
વાસણો એટલાં વપરાયાં છે કે
હવે તો નામો યે માંડ વંચાય છે
એમ લાગે છે જાણે મારું ઘર
ભંગારની દુકાન છે.
મારા ઘરમાં એક્કે વાસણ નામ વગરનું નથી...
જોકે એક વાસણ હજી કંસારાની દુકાનમાં છે,
મારે ત્યાં આવવાની ઉતાવળ કરતું.
ઇચ્છા તો એવી છે કે મારું નામ એના પર
જોઈને જાઉં.
નામ કોતરતા કંસારાનો હાથ દુકાનેથી જ
મારા પર ફરતો હોય તેવા અવાજે હું ચમકું છું.
ને એકાએક વાસણ થવા લાગું છું -