ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/બપોર

Revision as of 01:09, 17 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બપોર
માધવ રામાનુજ

સાંતીડે બપ્પોર ચડે
ને ભૂખ્યો સૂરજ
બળદ તણી ખાંધેથી ઊતરી
બાવળના કંજૂસ છાંયડે
ટીમણ કરવા જાય.

સીમને સામે કાંઠે
મૃગજળના હિલ્લોળાતા વ્હેળામાં
ડૂબ્યા ગામ તણો ડ્હોળાઈ જતો આભાસ.

સમડીની તીણી ચીસે
તરડાઈ ગયેલું આભ
કૂવાના ઊંડા જળમાં પેસી, હજીયે કંપે,
વાગોળે વંટોળ ધૂળિયું ઘાસ!

જીભ લટકતી રાખી બેઠાં
શ્વાન સરીખાં નળિયાં
તડકાના ટુકડાને ટાંપી રહે.

ઘૂમતો શેરી વચ્ચે તરસ્યો થઈ ઉકળાટ
ટપકતા પરસેવાનું
પાણી પીવા તલસે.