ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/એક કાવ્ય
એક કાવ્ય
જયેશ ભોગાયતા
ઓછાયા બધા સંતાડી દઉં રેતીમાં
ભીનાં પગલાંની છાપ ઉડાવી દઉં હવામાં
નિતાંત છેડા વગરના પટ પર
આ કોણ ઊભું છે મારે માટે હવે?
સાવ જ ભૂલો પડી જાઉં એમ
આવ્યા કરે છે રસ્તાઓ એકસામટા
સર્પાકારે તો ક્યારેક વર્તુળાકારે
ઘેરાતા જાય છે આસપાસ
હવે બસ બે આંખો જ સુરક્ષિત છે
ગાત્રો ભળી ગયાં છે માટીમાં.
શ્વેત આકારમાં દેખાતો પવન
ભરી દઉં શ્વાસમાં
સાંકળ બધી ઓગાળી દઉં
રહે શેષ નિઃશબ્દતા
યાત્રા માટેનાં સાધનો બધાં વહાવી દઉં પ્રવાહમાં
હું થાઉં સાવ અજાણ્યો
ન મળે રસ્તો કે ન મળે સંકેત
બસ પ્રવાહ સંગાથે અમૂર્તમાં ઓગળી જાઉં.