ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/મૃત્યુઃ મધરાતે
મૃત્યુઃ મધરાતે
અજિત ઠાકોર
<poem>
એક ડોશી
રાતે અઢીક વાગ્યે
હાથમાં ઝાંખું ફાનસ લઈ
ફળીમાંથી થાય છે પસાર.
એના જીંથરવીંથર (ઊડતા) વાળ સમારવા
એ જે ઘર સામે
મૂકે ફાનસ
સવારે
તે ઘરમાંથી ઓછું થાય એક ‘માણસ’.
સાંભળ્યું છેઃ
એને ઝાંપો ઠેકતી જોતાં
ગામ આખાનાં કૂંતરા રડી ઊઠે છે....
હું જાગી ગયો છું.....
મારા પલંગ તળેથી ઊભરાતો
અંધકાર
કદાચ એક ઝાંખા ઝાંખા ફાનસમાં
પલટાઈ રહ્યો છે.....
હું ચાદર ખેંચું છું ફ્ળીનો વાંસો પોલો જણાય.... સૂસવાતો લાગે...
પાંપણના એક વાળ પર ધ્રૂજતો ઊભો છું ઘૂઘવે છે ફેનિલ દરિયો પાંપણો પાછળ તરે છે દૂ...ર એક ઝાંખું ઝાંખું ફાનસ....