કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૧૪. થોડાંક કાવ્યો

Revision as of 16:32, 18 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


થોડાંક કાવ્યો


પવન કવિતા લખે છે
પહાડના પથ્થર પર.

પથ્થર કવિતા લખે છે
નદીનાં જળ પર.

જળ કવિતા લખે છે
લીલા લીલા ઘાસ પર.

ઘાસ કવિતા લખે છે
ઝાકળનાં ટીપાં પર.

અને ઝાકળ કવિતા લખે છે
આપણાં જીવન પર.


ઝાકળ
સમયનાં પગલાં ભૂંસી નાખે છે સવારે.

સમય
ઓળખી શકાય છે આપણાં જીવનથી.

જીવન
વિસ્તરતું જાય છે આકાશ જેમ.

આકાશ
માથે હાથ મૂકી રાખે છે પ્રેમપૂર્વક,

પ્રેમ
હવામાં તરતો રહે છે પંખીની હળવાશ લઈ.

હવા
અવરજવર કરતી રહે છે આપણા દેહમાં.

અને

દેહ
આખ્ખો ઝાકળમાં ઝિલાય છે નિઃસંદેહ.



આકાશ
પંખી વિના.

જળ
ગતિ વિના.

ઘાસ
પવન વિના.

શબ્દ
અર્થ વિના.

એમ
પૃથ્વી
પ્રેમ વિના.



મને ખબર નહિ
પૃથ્વી આટલી લીલી હશે.

મને ખબર નહિ
આકાશ આટલું ભૂરું હશે.

મને ખબર નહિ
હવા આટલી શીતળ હશે.

મને ખબર નહિ
જળ આટલું પારદર્શક હશે.

મને ખબર નહિ
પ્રકાશ આટલો અપૂર્વ હશે.

મને ખબર નહિ
હૃદય આટલું વિશાળ હશે.




જેટલું પાણી
એટલો પ્રેમ.

જેટલા પહાડ
એટલું ધૈર્ય.

જેટલાં ઝાડ
એટલી ક્ષમા.

જેટલી હવા
એટલી મુક્તિ.

આ બધું છે જેટલી વાર
આપણે છીએ એટલી વાર.


ફૂલોમાંથી
બધી ગંધ ઊડી ગઈ ક્યાં?

ફળોમાંથી
ભરપૂર રસ બધો
પાતળોક થાતો થાતો
સુકાઈ ગયો કે શું?

હવે પાણીની ભીનાશ
પણ છોડી ગઈ અંતે?

રંગ બધા ઝાંખા ઝાંખા થઈ ગયા કેમ?

આવા કાળઝાળ તડકા
ઊતરી આવ્યા છે ક્યાંથી?



આ પંખી ક્યાં બેસશે ?
ડાળ નથી.

આ પંખી ક્યાં ઊડશે ?
આભ નથી.

આ પંખી શું ખાશે ?
ચણ નથી.

આ પંખી શું ગાશે ?
ગીત નથી.

આ પંખી
હવે
પંખી રહેશે ?


ઝાડથી દૂર
ઊડી ગયાં છે પંખી

ગામથી દૂર
વહી ગઈ છે નદી

આભથી દૂર
સરી ગયા છે તારા

આંખથી દૂર
રહી ગયાં છે સપનાં

મનથી દૂર
થઈ ગયાં છે મન



હવા
એટલી પારદર્શક હોવી જોઈએ
કે પંખીઓ ઊડતાં રહે.

પાણી
એટલું નિર્મળ હોવું જોઈએ
કે માછલીઓ તરતી રહે.

આકાશ
એટલું વિશાળ હોવું જોઈએ કે
તારા ઝગમગતા રહે.

પૃથ્વી
એટલી સમથળ હોવી જોઈએ
કે બાળકો દોડતાં રહે.

હૃદય
એટલું જીવંત હોવું જોઈએ
કે સપનાં ધબકતાં રહે.


૧૦
એક દિવસ હું આવીશ
કાળાં વાદળ વીંધીને
સવારના તડકા જેમ
પડથારની થાંભલીને ટેકે
ઊભો રહીશ અચાનક

ત્યારે
આ નદી વહેતી તો હશેને ?
કાંઠાના ઝાડ પર
પંખી માળો તો કરશેને ?
માળા માટે
તણખલાં તો મળશેને ?
આ પૃથ્વી પર
હું પાછો આવીશ ત્યારે ?