કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૧૬. ફળ
૧
પહેલાં એ રાહ જુએ છે
ક્યારે ફણગો ફૂટે છે તેની.
પછી રોજ રોજ
એક બે પાંદડાં ફૂટતાં રહે
ને છોડ વધતો રહે
તેની રાહ જુએ છે રોજ રોજ.
આ વસંતમાં તો જરૂર
થોકબંધ ફૂલો ખીલશે એમ માની
આખો શિયાળો ઠૂંઠવાતાં ઠૂંઠવાતાં
રાહ જોઈ જોઈને પસાર કર્યો.
આજે ધોમધખતા તાપમાં
રસદાર ફળની દુકાન સામે ઊભા રહી
તાજાં મીઠાં ફળને
એકીટસ જોતા ભૂખ્યા બાળકની
આંખ છેવટ નિતરી પડે છે.
હવે બધા બીજ જુએ છે રાહ
ક્યારે એના ભેજથી કૂંપળ ફૂટે છે ફરી?
ર
આ બધાં ફળ
ખરી પડ્યાં નથી ખરાબ હવામાનથી.
આ બધાં ફળને
કોઈના પથરા વાગ્યા નથી અજાણતાંય
આ બધાં ફળ
ટોવાયાં નથી પંખીઓની ચાંચથી પણ
આ બધાં ફળ
બચી ગયાં છે બાળકોની દંતુડીથી હેમખેમ
આ બધાં ફળ
ગરીબ દરદીઓ ખરીદી શક્યા નથી ક્યારેય
એટલે જ
આટલાં બધ્ધાં ફળ
શહેરની બજારમાં છલકાય છે ચિક્કાર
આ શહેરમાં એવા કોઈ ફળાઉં ઝાડ નથી
તોય.