કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/ર૩. હવામાન

Revision as of 16:44, 18 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હવામાન

હવામાં જે કંઈ હતું
એ ધીમે ધીમે ખાલી થતું
ખાલી થતું જાય.

ઝાડ આખું
મૂળથી ટોચ લગ સ્તબ્ધ.

એકે પાન ફરફરે નહીં,
પીળું તેય ખરે નહીં
ફળની મીઠી પક્વ ગંધ
અહીંથી ત્યાં પ્રસરે નહીં.

મંદ્ર સુવાસ રંગમાંથી ઝરે
ને ફૂલ ફરતે વર્તુળાયા કરે,
બીજે બધે પહોંચે નહીં ક્યાંય,
બસ, કપૂર જેમ બાષ્પ થઈ જાય.

પંખીઓ પાંખ ફફડાવે સતત
આભમાં ઊડવા માંગે તરત
માત્ર દેહ રહી શકે અધ્ધર
સહેજે ઊંચકી શકે નહીં ઉપર
થોડુંય આગળ વધાય નહીં,
માળા સુધી પણ જવાય નહીં.

છેવટ
અટકી ગઈ પંખીની વાણી;
અટકી ગયાં મૂળ ચઢતાં પાણી;
આમ ક્રમશઃ બધું અટકી ગયું.
ઓચિંતાનું આ શું થયું ?

હવામાં જે કંઈ પહેલાં ન’તું,
હવે એ રહી રહીને થતું છતું.