કાવ્યમંગલા/પાંદડી

Revision as of 02:40, 23 November 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પાંદડી

પાંચ વરસની પાંદડી, એનો દોઢ વરસનો ભાઈ,
પાંદડી ભાઈને રાખે ને માડી નિત કમાવા જાય,
ત્યારે પેટ પૂરતું ત્રણે ખાય.

ભાઈ હસે ત્યારે બેન હસે ને ભાઈ રડે ત્યારે રોય,
ચૂપ રહ્યો હોય ભાઈલો ત્યારે ખોયામાં બેનડી જોય,
રખે ભાઈ જાગતો સૂતો હોય.

રાણકી સહિયર રમવા આવી, પાંચીકા લાવી સાથ,
પાંદડીનું મન કૂદવા લાગ્યું, સળવળ્યા એના હાથ,
રહ્યું એનું હૈયું ન ઝાલ્યું હાથ.

ઘોડિયું મેલ્યું ઓરડા વચ્ચે, ઊંબરે બેઠી બે ય, ૧૦
પગને અંગૂઠે દોરડી બાંધી હીંચકા ભાઈને દેય.
બરાબર રમત જામી રહેય.

વઢતાં વઢતાં બે બિલાડાં દોડતાં આવ્યાં ત્યાં ય,
બંને છોડીઓ બીને ઊભી ઓસરીએ નાઠી જાય,
પાંચીકા બારણામાં વેરાય.

એક ને બીજું ડગ માંડે ત્યાં પાંદડી ગોથાં ખાય,
પગમાં બાંધેલ હીંચકાદોરી નાગણ શી અટવાય.
દશા પારણાની ભૂંડી થાય.

આંચકા સાથે ખોયું ઉછળ્યું, ઉછળ્યો ભાઈલો માંહ્ય,
ઘોડિયે ખાધી ગોથ જમીન પે, ભાઈલો રીડો ખાય, ૨૦
ત્યાં તો મા દોડતી આવી જાય.

એકને રમવું, એકને ઊંઘવું, એક કમાવા જાય,
બે બિલાડાંને લડવું, એમાં ક્‌હો શું નું શું ન થાય?
ભલા ભગવાન, આ શું કહેવાય?

(૧૯ જૂન, ૧૯૩૨)