એકદા નૈમિષારણ્યે/સંકેત –

Revision as of 12:22, 30 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંકેત –| સુરેશ જોષી}} {{Poem2Open}} બહારના દિવસના અજવાળામાંથી નાસી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંકેત –

સુરેશ જોષી

બહારના દિવસના અજવાળામાંથી નાસી છૂટીને આ ઓરડામાં અન્ધકારે આશ્રય લીધો હતો. એ અન્ધકારના ગર્ભમાંથી કદિક કદિક થોડા પડછાયાઓનો સંચાર અનુભવાતો હતો. ઓરડામાં જે બેચાર માણસો હતા તે સજીવન થયેલા પડછાયાઓ જ લાગતા હતા. ધોળા ઓશીકા પરનું રાજીવનું મુખ આ અન્ધકારમાં આથી વધારે પ્રકાશી ઊઠતું હતું. પડદાથી ઢાંકી દીધેલી બારી તરફ ડોક ઢાળીને એ પડી રહ્યો હતો. એની આંખો એવી તો સ્થિર હતી કે ઘડીભર તો આપણને એવી જ શંકા થાય કે આપણે કોઈ શબને તો જોઈ રહ્યા નથી ને!

ક્યાંકથી કશીક વિલક્ષણ ગન્ધ આવતી હતી. એ ગન્ધ જ આ ઓરડાને અપાથિર્વ બનાવી દેતી હતી. એથી શ્વાસ જાણે ચીમળાઈ જતા હતા. કોઈક વાર ઓરડામાંથી હવા કણસતી હોય એવો અવાજ આવતો હતો, અથવા કદાચ એ કશુંક સાંભળ્યાની નરી ભ્રાન્તિ જ હતી. રાજીવની પથારી પાસે ટિપોય પરની ફૂલદાનીમાંનાં ગુલાબ ડોક ઢાળીને પડ્યાં રહ્યાં હતાં. બેચાર ખરી પડેલી પાંખડીઓ રાજીવની પથારીમાં પડેલી દેખાતી હતી.

વિશાખાની આંખો પડદાથી ઢંકાયેલી બારીની બહાર દોડી જવાને ચંચળ બની ઊઠી હતી. એનો પોતાનો જ ઉષ્ણ ઉચ્છ્વાસ એ સહી શકતી નહોતી. ઓરડામાં છવાયેલી નિ:શબ્દતામાં એ એકાદ શબ્દનો બુદ્બુદ્ થાય તેની, નાના બાળકના જેવા કુતૂહલથી, રાહ જોઈ રહી હતી.

ત્યાં વિશાખાએ જોયું તો ઓઢેલા ધાબળાની બહાર રહી ગયેલા રાજીવના પગનો અંગૂઠો હાલતો હતો. નિશ્ચેષ્ટ શરીરમાં હાલતો એ અંગૂઠો જાણે એ શરીરથી સ્વતન્ત્ર અસ્તિત્વ ધરાવતો હતો. હમણાં એને પાંખો ફૂટશે ને એ પતંગિયાની જેમ ઊડી જશે એવું વિશાખાને લાગ્યું. એને બે હથેળી વચ્ચે સંતાડી દઈએ તો કેવું એ તરંગે વિશાખાની હથેળીઓ રવરવી ઊઠી.

કોઈક વાર પવનથી પડદો હાલતો હતો ત્યારે સહેજ વાર માટે ખુલ્લા થતા બારીના કાચમાંથી થોડો તડકો ઓરડાની અંદર જાસૂસની જેમ નજર નાખી જતો હતો. રાજીવ પથારીની એક બાજુની કિનારે પડી રહ્યો હતો. કશાક અગોચરને જોઈને એ જાણે હેબતાઈ નહીં ગયો હોય! વિશાખાને એકાએક અટ્ટહાસ્યથી એ ઓરડાની નિ:સ્તબ્ધતાના વજ્ર જેવા પડને ભેદી નાખવાની ઇચ્છા થઈ આવી. પણ એના હોઠ પર કશોક અજાણ્યો દાબ એને વર્તાયો. રાજીવ જાણે કશીક મેલી વિદ્યાની ગુહ્ય શક્તિથી એને ધીમે ધીમે પૂતળા જેવી જડ બનાવી રહ્યો તો નહીં હોય એવો ભય વિશાખાને કંપાવી ગયો. એને લાગ્યું કે એની નજર રાજીવ પર જ જડાઈ ગઈ હતી.

વિશાખાએ ફરી અંગૂઠા તરફ જોયું. એ એવી રીતે હાલતો હતો કે જાણે એના હાલવા દ્વારા કશોક ગુપ્ત સંકેત પ્રકટ થઈ રહ્યો નહીં હોય! એ સંકેત ઉકેલવાની અદમ્ય ઇચ્છા વિશાખાને થઈ આવી. એની આગળનું બધું એકાએક ભુંસાઈ ગયું અને એક બીજું જ દૃશ્ય એની સમક્ષ છવાઈ ગયું. પેલો અંગૂઠો કારનું એક્સિલરેટર દબાવી રહ્યો છે. કાર જાણે ફાળ ભરતી દોડે છે. અવકાશમાં ઊંચકાઈ જઈને ઘડીભર તોળાઈ રહે છે. કારના દોડવાના અવાજમાં પણ એને એના જોરથી ધબકતા હૃદયના ધબકારા સંભળાય છે. પાસેનો રાજીવ જાણે ગતિના નકશાની રેખાઓ માત્ર બની ગયો હતો. પોતે એ રેખાઓનાં ગૂંછળાં વચ્ચે પુરાઈ જઈને તરફડતી હતી. રાજીવના શબ્દો પવનમાં બુદ્બુદ્ થઈને તણાઈ જતા હતા. એણે એક્સિલરેટરને દબાવતા એ અંગૂઠાને કરડી ખાવાનું મન થયું. પણ ત્યાં તો–

વિશાખાને કપાળે અને હોઠે પરસેવાની ઝરી ફૂટી નીકળી. ત્યાં ફરી પવનથી પડદો હાલ્યો. આ વખતે તો ભીંત પરનું કેલેંડર પણ હાલ્યું અને ઘણાં બધાં તારીખનાં પાનાં ફરફરી ઊઠ્યાં. વિશાખાને થયું કે હમણાં જ અહીં કાચબાની પેઠે અંગો સંકોચી લઈને પડેલો સમય સળવળી ઊઠશે. કાચબાના મોઢા જેવો પેલો અંગૂઠો હજી એના એ જ લયથી હાલ્યા કરતો હતો. જાણે એનો આ લય જ એ ઓરડામાંનું બધું નિયન્ત્રિત કરતો હતો. એને ફરીથી એ અંગૂઠાને કરડી ખાવાનું મન થયું. વિંડસ્ક્રીન પર રસ્તાની બન્ને બાજુનાં ઝાડ ભેગાં થઈને જાણે વન રચી દેતાં હતાં. એ વનમાં એ ઊંડે ને ઊંડે ચાલી જતી હતી. પવનનો સુસવાટો એને કોઈ હિંસક પશુના અવાજ જેવો સંભળાતો હતો. રાજીવના સ્ટિયરિંગ વ્હીલ પરના હાથને એ બાઝી પડવા ઇચ્છતી હતી. રહી રહીને એની પવનમાં ઊડતી લટ એની આંખોને ઢાંકી દેતી હતી. આમ છતાં એ હાથ ઊંચો કરીને લટને આઘી ખસેડી શકતી નથી. કારની ગતિ જ જાણે અજગરની જેમ એને વીંટળાઈને ભરડો લઈ રહી હતી, એને છૂટવું હતું. એને એક્સિલરેટર પર ચંપાયેલા એ અંગૂઠાને કરડી ખાવાનું મન થયું …

એકાએક બારણું ખૂલ્યું. એનો ખૂલવાનો અવાજ જાણે કોઈ પશુ કણસતું હોય એવો હતો. રાજીવની આંખો બારણા તરફ ઘડીભર વળી અને તરત જ પાછી યથાવત્ થઈ ગઈ. કોઈ વિશાખાની પાસે આવીને ઊભું રહી ગયું. ક્યાંકથી થોડોક હૂંફાળો પવન એને સ્પર્શી ગયો હોય એવું એને સુખ થયું. હજી એની દૃષ્ટિ પેલા અંગૂઠા પર જ જડાઈ રહી હતી. પણ હવે જાણે એના સમ્મોહનમાંથી છટકી નાસવાનું દ્વાર ખૂલી ગયું હતું. એણે હિમ્મત કરીને એ અંગૂઠા પરથી નજર ખસેડી. આખું ઘર જાણે સંકોચાઈ ગયું હતું. ઓરડાની દીવાલો એકબીજીની હૂંફ મેળવવા માટે બને તેટલી નજીક આવી ગઈ હતી. ઓરડામાંની બધી વસ્તુઓ જાણે કશાક દાબથી ચપટી બની ગઈ હતી. રાજીવ હવા કાઢી નાખેલા ફુગ્ગાના જેવો ચીમળાઈને પડી રહ્યો હતો. એક માત્ર એનો અંગૂઠો ધૃષ્ટતાપૂર્વક એનો મૂળ આકાર જાળવી રહ્યો હતો. એના પુષ્ટ ગોળાકારને જોઈને વિશાખાના દાંત સળવળ્યા. એને એ અંગૂઠો કરડી ખાવાનું મન થયું…

વિંડસ્ક્રીન પરનું જંગલ એકાએક રજરજ થઈને વેરાઈ ગયું. સ્ટિયરિંગ વ્હીલ પરના હાથ અમળાઈ ગયા. કારનું બારણું ખૂલી ગયું ને વિશાખા બહાર ફેંકાઈ ગઈ. એકાએક જાણે અજવાળું ઓલવાઈ ગયું. એ અન્ધકારના ગર્ભમાં શિશુની જેમ પોઢી ગઈ. પછી ધીમે ધીમે કાન સરવા થયા. થોડાક અસ્પષ્ટ અવાજો સંભળાવા લાગ્યા. એ આંખો ખોલવા ગઈ પણ પાંપણ પર કશોક ભાર હતો. પછી સહેજ આંખો ખોલી ત્યારે અજવાળાની તીક્ષ્ણ ધાર એને વાગી. એના શરીરની જ બહાર એ જાણે ફેંકાઈ ગઈ હતી. ધીમે ધીમે ફરીથી એણે એના શરીરમાં પ્રવેશ કરવા માંડ્યો. એણે પોતાનો એક હાથ બીજા હાથમાં મૂક્યો. એની આંખ કોણ જાણે શાથી આંસુથી છલકાઈ ઊઠી. એક હાથ એના મોઢા પર ફરવા લાગ્યો. એ હાથ ફરતો ફરતો એના હોઠ આગળ આવ્યો. કોણ જાણે શાથી એ હાથનો અંગૂઠો જોઈને એને બળપૂર્વક પકડી રાખીને એણે દાંતથી એને બચકું ભરી લીધું……

પવનથી પડદો હાલ્યો અને અંદર પ્રવેશેલા તડકાથી ટિપોય પરના ગ્લાસમાંનું પાણી જાણે ચમકીને જાગી ઊઠ્યું. એની હાલવાની ચંચળતાનાં દીવાલ પર પ્રતિબિમ્બ પડ્યાં. પાસે જે કાંઈ આવીને ઊભું હતું તેનો હાથ એના હાથને ચોરીછૂપીથી શોધતો આવ્યો. આ કાવતરામાં જાણે એ કશીક પહેલાં કરેલી શરતથી સંડોવાઈ ગઈ. એની હથેળીએ પરસેવો વળ્યો. પેલા હાથની આંગળીઓ જાણે એની હથેળીમાં કશુંક લખી રહી હતી. એ સંકેતને વાંચવામાં એણે ધ્યાન કેન્દ્રિત કર્યું. પેલા હાથની આંગળીઓની પકડમાં વિશ્વાસપૂર્વકની દૃઢતા હતી. એને લાગ્યું કે એ પેલા અંગૂઠાના સમ્મોહનમાંથી છૂટવાનું સાહસ હવે કરી શકશે. એણે એ અંગૂઠા તરફ જોયું…

એક્સિલરેટર પરનો અંગૂઠો સલામત હતો. એની બાજુની ચારે આંગળીઓ કચડાઈ ગઈ હોય એવું લાગતું હતું. છેદાઈને છૂટા પડી ગયેલા અંગની જેમ અંગૂઠો સળવળી રહ્યો હતો. ખૂબ લોહી વહી જવાને કારણે રાજીવનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. કરોડરજ્જુને ઇજા થઈ હતી. વિંડસ્ક્રીન પરના જંગલમાંનું કોઈ હિંસક પશુ જાણે એને ભરખી ગયું હતું. માત્ર એક અંગૂઠો જ બચી ગયો હતો. પેલી બે સ્થિર આંખો અને આ ચંચળ અંગૂઠો… કાચબાનું મોઢું જાણે હમણાં જ ખૂલશે, એને કરડી ખાશે. એણે ભયથી આંખો બંધ કરી દીધી…

એના હાથને દૃઢતાથી પકડનારા હાથે એનો અધિકાર કંઈક વધુ પ્રગલ્ભતાથી પ્રગટ કર્યો હોય એવું વિશાખાને લાગ્યું. પરવશ થવાનું સુખ ગમ્યું. એ હાથ એને ખેંચવા લાગ્યો. અન્ધકારના ગર્ભમાંથી જાણે એ નવો જન્મ પામવા બહાર આવી રહી હતી. એણે જોયું તો એકાએક એના ચરણો હાલ્યા, એ ધીમે ધીમે સરકવા લાગી. એની દૃષ્ટિ હજી પેલા એકસરખું હાલ્યા કરતા અંગૂઠા પરથી ખસતી નહોતી. આમ છતાં, એના જડસડ થઈ ગયેલાં અંગોમાં આવેગનો સંચાર થતો લાગ્યો. હવે તો જાણે એ જ પેલા હાથને પોતાની પાછળ ખેંચવા લાગી. વિંડસ્ક્રીન પરના વનને ભેદીને, અજગરના ભરડામાંથી છૂટીને એ ભાગવા લાગી. એના શરીરમાં ઉષ્ણ લોહી ફરીથી ફરવા લાગ્યું.

ક્યારે બારણું ખૂલ્યું, ક્યારે એ પગથિયાં ઊતરી, ક્યારે રસ્તા પર આવી તે કશું જ એને સમજાયું નહીં. બહાર નીકળીને એણે પેલા હાથની પકડમાંથી પોતાનો હાથ મુક્ત કર્યો. એ ઓરડામાંના અન્ધકારને પોતાના પરથી ખંખેરી નાખ્યો. એને લાગ્યું કે પેલી બે આંખો હજી એને ક્યાંક વળગી રહી છે. પણ એ વિશે સભાન ન બનવાનો પ્રયત્ન કરીને એણે ચાલવા માંડ્યું.

એ એની આગળ જ ચાલતો હતો. ચાલતો તો હતો એવી રીતે જાણે એની પાછળ ચાલનાર સાથે એને કશો સમ્બન્ધ જ નહીં હોય. છતાં એનાથી બહુ દૂર ન નીકળી જવાય એવી કાળજી રાખીને એ ચાલતો હતો તે વિશાખા સમજી ગઈ હતી. એણે ધાર્યું હોત તો એ દિશા બદલીને બીજી જ બાજુ વળી ગઈ હોત.

પણ એ કશાક ખુન્નસથી એ જ દિશામાં આગળ વધવા લાગી. એ હજી પેલી બે આંખોને ખંખેરી નાખવા માગતી હતી. પોતે ખરેખર સાવ મૃત છે એની એ પોતાની જાતને પ્રતીતિ કરાવવા ઇચ્છતી હતી.

ધીમે ધીમે બંને વચ્ચેનું અન્તર ઘટતું ગયું. બંને નિકટ આવી જઈને જાણે સ્તબ્ધ થઈને ઊભા રહી ગયાં. વિશાખાની આંખો ખુલ્લી હતી, છતાં એની સામે ઊભેલાનો ચહેરો એને સ્પષ્ટ દેખાતો નહોતો. ફરી પોતે જડસડ બની જશે કે શું, એ ભયથી એણે એક આંચકા સાથે હાથ લંબાવીને એને વધુ નજીક ખેંચી લીધો અને પોતે બે આંખોને ખંખેરી નાખવાનો કોઈ વિધિ કરતી હોય તેમ એને ચુમ્બન કર્યું…