પૂર્વાલાપ/૬૪. અનંત વાત્સલ્ય

Revision as of 14:33, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૬૪. અનંત વાત્સલ્ય


આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!
મેં તો માનેલું કે ખોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

દુર્બલ, દીન, નિરાશ , વળેલો,
દૂરથી દેખી શું રોયા? પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

પંકનિમગ્ન હતા ચરણો તે,
પોતે દયાથી શું ધોયા? પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!
સ્વચ્છ કરી જખમો સહુ જૂના,
લેપ લગાડીને લોહ્યા? પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

મેં તો માનેલું કે ખોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!
આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!