પૂર્વાલાપ/૮૧. ચંદાનો સંદેશો

Revision as of 15:35, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૮૧. ચંદાનો સંદેશો


[પદ]

આવો, અંદર આવો, વ્હાલાં વાસમાં!
સંદેશો શો લાવો ચંદાબ્હેન જો?
કોમલ શીતલ મધુર સુધા વરસાવતાં
સ્નેહ ભરેલાં નમ્ર તમારાં નેન જો : આવો

હૃદય સરોરુહ જીવન સમજી પોષજો :
જનસેવાનો ધરજો શાશ્વત ધર્મ જો :
પ્રગટ પિતાના પુણ્ય પુરાતન પથમાં
સ્નિગ્ધ પરસ્પર કરજો કેવલ કર્મ જો! આવો