દિવ્યચક્ષુ/૧૫. પ્રભુભક્ત અને દેશભક્ત

Revision as of 12:16, 9 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૫. પ્રભુભક્ત અને દેશભક્ત

તારિ કૃપાથિ વિભુ મૂક વદે જ વાણી;
તારી કૃપાથી ગિરિ પંગુ ચડે જ પ્રાણી !

−ભોળાનાથ

ગગનોના ઘુમ્મટ બાંધ્યા ! પાથરણે પૃથ્વી માંડી !

શૂન્ય શિખરના સિંહાસને હો જી !

ઝળહળતી જ્યોતે બેઠા ! ટૂંકી છે નજરો મારી,

તલપું હું જોવા ઉજાસને હો જી ! -ગગનોના0

સાયરનાં નીર રાજા ! ચરણો પખાળો તારાં,

મેઘના અભિષેક માથે વરસે હો જી !

ખોબામાં પાણી ધરી પામર હું ઊભો રાજા

ચરણે એ પાણી કેમ સ્પર્શશે હો જી ! -ગગનોના0

સૂરજ ને ચાંદા કેરા દીવા અખંડ જ્યોત,

નવલખ તારાની દીપમાળા રે હો જી !

ઘરના તે ગોખે હું તો દીવો પ્રગટાવી બેઠો,

આરતીની આળપંપાળ રે હો જી ! -ગગનોના0

વનનાં વન ખીલ્યાં ફૂલ્યાં, ચંદન મળિયાગરાં હો !

વિશ્વંભર અભરે ભરિયા રે હો જી !

તુલસીને પાને બેઠો રીઝવવા રાંક હું તો !

રેલાવો રાજ રહેમદરિયા રે હો જી ! -ગગનોના0

ભજનની ધૂનમાં ધના ભગતને આસપાસનું ભાન રહ્યું નહોતું. ઝણઝણ ઝણઝણ વાગતો એકતારો ભ્તના કાયમ સૂર સાથે મળી જઈ ગીતના ગર્ભમાં રહેલા ભાવ તરફ સહુને ખેંચતો હતો. ધના ભગતનો સૂર મોટો અને મીઠો હતો. ભક્તિભાવને પોષતી ભજનની હલક સાંભળતાં નાસ્તિકોને પણ ભક્તિ પ્રગટે ! અગમ્ય છતાં સાદાં, ફિલસૂફીભર્યાં છતાં સહેલાં, શાસ્રીય અલંકારરહિત છતાં હૃદયંગમ ભજનો એ આપણી અખૂટ આધ્યાત્મિક મિલકત છે. શૂદ્રને બ્રાહ્મણ ભલે વેદ ન ભણવા દે ! વેદવેદાંત તો આપણા શૂદ્રોથી ગવાતાં ભજનોમાં સદાય ઊતરી આવેલું છે. ન્યાતજાત અને ધંધાને અંગે પડેલા હિંદસમાજના અનેકાનેક ભેદો માટે હિન્દુધર્મને વખોડવામાં આવે છે. પોતાના દોષ જોઈ શકાય એના જેવો ઉન્નતિનો બીજો માર્ગ નથી એ ખરું; પરંતુ એ સામાજિક કે ધાર્મિક દિવાલોને ભેદી આપણાં જ્ઞાન અને ભક્તિનાં કિરણો સમાજના પડેપડમાં પહોંચી ગયાં છે એ જાણવું હોય તો એકતારો, મંજીરાં અને કરતાલને નિહાળવાં બસ થઈ પડશે. દરેક કોમમાં ભક્ત હોય છે; દરેક કોમમાં ભજનમંડળી હોય છે, અને શાસ્રીય સંગીતનો ઘમંડ રાખતી બેચાર ઊચ્ચ કોમો સિવાય બીજી કોમોમાં એ ભજનમંડળીઓ હજી પણ જીવતી છે.

એ ભજનો સાર્વજનિક મિલકત છે. અંત્યજની મંડળી હોય કે કોળીની મંડળી હોય, પાટીદારની મંડળી હોય કે વાણિયાની મંડળી હોય, તોપણ એ ભજનો બધાયને ગાવાની છૂટ છે. એટલું જ નહિ, પણ મુસલમાન પીર કે ફકીરના મુખમાંથી પણ એ ભજનો સાંભળી શકાય છે. હિંદુમુસ્લિમ પ્રશ્નને ઝઘડાનો વિષય બનાવતી વર્તમાન કૃત્રિમતાએ સમજવું જોઈએ કે કબીર તથા મીરાંબાઈનાં અનેક ભાવવાહી અને જ્ઞાનગમ્ય ભજનો નિમાઝ પાળતા મુસલમાન ફકીરો બહુ આદરથી ગાય છે. અલખ, નિરંજન, ઈડા, પિંગળા, સુરતા, અગમગઢ, એવા એવા કૂટ પરંતુ સમાજની છેલ્લી સપાટી સુધી પહોંચી ગયેલા શબ્દોના ભાવ બહુ જ રસપૂર્વક એ મુસ્લિમ ભજનિકો અનુભવે છે અને શ્રોતાઓને અનુભવાવે છે. હિંદુઓએ મુસ્લિમ જીવનમાં એટલા ઊંડા ઊતરવાની શું જરૂર નથી ? હિંદુઓ પણ સૂફી હોય છે.

ગાતે ગાતે ધના ભગતની આંખ ભીની બનતી. જે પરમતત્ત્વને ઉદ્દેશીને તે ગાતો હતો તે પરમતત્ત્વને જાણે તે જોવા મથતો ન હોય એમ તેના મુખભાવ ઉપરથી જણાઈ આવતું. ખરે, એ તત્ત્વ નિહાળવા માટે આપણાં ચર્મચક્ષુ બંધ કરવાની જરૂર પડે છે. ધના ભગતનાં ચક્ષુ આપોઆપ બંધ થઈ ગયાં હતાં. પરમાત્માને નિહાળવાની એ સગવડ તો નહિ હોય ? અરુણને ગીતાવાક્ય યાદ આવ્યું :

‘દઘ્ઞ્જાદ્બદ્વ ઘ્દ્બદદ્બ હદ્બદ્ધ ઊદ્બડ્ડદ્બદ્ર’

‘દાદા ! બધાં આવ્યાં છે.’ આસપાસનું ભાન ભૂલેલા ભગતને કિસને આવી કહ્યું. નહિ તો તેના દાદા હજી ભજનની ધૂનમાં મચ્યા જ રહેત.

‘આવો, આવો બા ! ભલે આવ્યાં. ભગતની આંખો તો ગઈ છે, એટલે એ કોઈને દેખતો નથી.’ ધના ભગતે આવકાર આપતાં પોતાની અશક્તિમાન અવસ્થા પણ જણાવી દીધી.

‘એ તો પુષ્પાબહેન છે, અને પેલા તે દિવસે આપણને જે છોડાવતા હતા તે છે.’ જેટલાંને કિસન ઓળખતો હતો તેટલાંને તેણે ઓળખાવ્યાં.

‘પુષ્પાબહેન તો પ્રભુનાં ભક્ત છે. મોટીબહેન શું કરે છે ? મારાથી નીકળાયું નથી. આ મારો કિસન તો તે દહાડે વાગ્યું ત્યારનો આકળો બની ગયો છે.’ ધના ભગતે કહ્યું.

‘આકળો ન બને તો નવાઈ. મનેયે એવો ગુસ્સો ચડયો હતો !’ રંજને કહ્યું.

‘એ બહેન કોણ ?’

‘મારી બહેનપણી છે. બહુ ભણેલી છે.’

‘બહુ સારું ! સુખી થાઓ, બહેન ! મારે ગરીબ ઘેર તમે બધાં ક્યાંથી?’

‘તમે તો ભગત ! બહુ જ્ઞાની છો. અમારા આશ્રમમાં ન આવો ?’

જનાર્દને કહ્યું.

‘મને જ્ઞાન શું ? હું તો જ્ઞાની ઓનિ ચરણરજ ! હું આવીને શું કરું ?’

‘હમણાંના તમે જણાયા નથી. બે ભજન ગાશો તોયે બધા પવિત્ર બનશે.’

‘અરે બાપા ! એ શું બોલો છો ? અમે હલકી જાત પડયા. બહુ બહુ તો વેગળે બેસી ભજન ગાઈએ; બીજું અમારું ગજું નહિ.’

કિસન તેના દાદા સામે જોઈ રહ્યો. શા માટે પોતાની જાતને હાથે કરીને તેઓ હલકી પાડતા હતા તે એને સમજાયું નહિ. અસ્પૃશ્યપણું પણ એક સમયે અસ્પૃશ્યોને અળખામણું નહોતું લાગતું. અરુણ અને જનાર્દન કિસન સામે જોઈ રહ્યા હતા. અરુણે પૂછયું :

‘કિસન ! તાર દાદા કહે છે તે તને ગમતું નથી, ખરું ?’

‘અરે એ તો ક્યારનો વિશ્વાસી બની ગયો હોત.’ ધના ભગતે વચ્ચે જ કહ્યું.

એ ચોંકાવનારી હકીકત હતી. જે દિવસે કિસનને તથા ધના ભગતને બ્રાહ્નણોએ માર્યા તે જ દિવસથી બે ખ્રિસ્તી ધર્મગરુઓએ એ બંને જણને હિંદુ ધર્મ છોડી દેવાનો બોધ કર્યો. ધના ભગતને એ બોધની જરૂર નહોતી. નાનપણમાં અને મોટપણામાં તેમણે ઘણા પાદરીઓને સાંભળ્યા હતા; ઘણા અંત્યજોને ખ્રિસ્તી થઈ જતા તેમણે જોયા હતા. વળી ધના ભગત ઢેઢ હોવા છતાં તેમનાં ભજનોને લીધે ઘણા ઊંચા વર્ગના હિંદુઓમાં પણ તેઓ સન્માન – અંત્યજને દૂર બેસાડીને આપી શકાય એટલું – પામતા હતા. તેમને ખ્રિસ્તી બોધની અસર થાય એમ હતું જ નહિ એમ પેલા બે પાદરીઓને લાગતાં તેમણે કિસનને લોભાવવા પ્રયત્ન કર્યો :

‘જો તું હિંદુ રહ્યો એમાં તને શો લાભ મળ્યો ? તને તો કોઈ અડકતું નથી. ભૂલેચૂકે તારાથી અડકી જવાયું તેમાં તો તને અને તારા દાદાને માર પડયો. તારી જ જગ્યાએ કોઈ ખ્રિસ્તી હોત તો ? બ્રાહ્મણો તેને સલામ કરત અને તેની જોડે હાથ મેળવત.’

કિસનને વાત વિચારવા જેવી લાગી. સાહેબ-ટોપી પહેરતા ત્રણે ખ્રિસ્તીઓને હિંદુઓની સલામ ઝીલતા તેણે જોયા હતા, ‘તું ખ્રિસ્તી બેન તો તને પહેરવાનાં સારાં કપડાં મળશે; ખાવનું પુષ્કળ મળશે; ચા, કૉફી, સોડાલેમન એ બધું મરજી માફક તરાથી પી શકાશે; રહેવાને બંગલા જેવું ઘર મળશે; સાહેબ લોકો તને ભણવાનું શીખવશે; અને તું પરીક્ષાઓ પાસ કરીશ એટલે એકદમ ભારે નોકરીએ તને ચડાવશે; પછી ગાડીઘોડા બેસવા મળશે, અને વખતે મડમ સાથે તારાં લગ્ન પણ થઈ જશે ! હિંદુ રહીશ તેમાં તું શું પામીશ ? પહેલું તો તને કોઈ પૂરું ભણવા જ નહિ દે; અને ભણીશ તોયે તને ઢેઢ તરીકે છેટે ને છેટે જ રાખશે. પૂરી પાધરી નોકરી પણ તને કોઈ નહિ આપે.’

આ ખરી હકીકત હતી. ભણવામાં કિસનને ઘણી હરકત પડતી હતી. પ્રાથમિક કેળવની તેણે શાળાના ઓટલા ઉપર બેસીને લીધી હતી. અંગ્રેજી શાળામાં પણ તેને વર્ગમાં છેલ્લો, એક અલગ પાટલી ઉપર બેસાડી રાખવામાં આવતો. શિક્ષકો પણ તેના તરફ અણગમો બતાવતા હતા. શાળામાં અસ્પૃશ્યના મિત્ર કોણ થાય ? અને કયા ઢેઢને ખ્રિસ્તી બન્યા સિવાય ઊંચો હોદ્દો મળ્યો ?

‘આજે રાજ્ય કોનું છે ? ખ્રિસ્તીઓનું. જગત ઉપર મોટામાં મોટી સત્તા કોની ? ખ્રિસ્તીઓની. જર્મની, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ અને રશિયા જગતના મોટા ભાગને કબજે રાખી રહ્યાં છે એ તેમના ખ્રિસ્તીપણાનો જ પ્રતાપ. એ દેશો કેવી ચડતી હાલતમાં છે ? જો આવી ચડતી કોઈ પણદેશે કરવી હોય તો તેણે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવો જોઈએ. જાપાન અને ચીનમાં ઘણા લોકો ખ્રિસ્તી બની ગયા છે, અંદરખાનેથી બધા જ ખ્રિસ્તી છે. તમારે તમારી જાતનું અને દેશનું ભલું કરવું હોય તો સહુએ ખ્રિસ્તી જ થવું જોઈએ.’

કિસન જે થોડોઘણો ઇતિહાસ જાણતો તે ઇતિહાસે આ પાદરીના કથનને ટેકો આપ્યો.

‘ઈસુ ખ્રિસ્ત મહાદયાળુ છે. આખી દુનિયાના પાપની સજા એણે પોતે ભોગવી અને પ્રભુ-પિતાની પાસે તેણે ખ્રિસ્તીઓનાં પાપની માફી મેળવી લીધી. જે ખ્રિસ્તી હશે તેને મૃત્યુ પછી સ્વર્ગ મળશે; બીજાને નહિ.’

દુનિયાના લાભ તથા દુનિયાપારના લાભ ખ્રિસ્તીધર્મ સ્વીકાર્યાથી જ મળી શકે છે એ દલીલમાં કિસનને કાંઈક સત્ય દેખાતું. હિંદુ ધર્મમાં રહ્યે અપમાન સહન કરવાનું હતું એ વાત નિર્વિવાદ હતી. એ સિવાય હિંદુ કહેવરાવવાથી જ અંત્યજને બીજું શું મળવાનું હતું ? હિંદુ સમાજના ઉપર તેને વૈરભાવ પ્રગટવા માંડયો. એક દિવસ તો આવેશમાં આવી જઈ તેણે ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના પણ કરી કે તે જલદી કિસનને શરણે લઈ લે !

પરંતુ કિસનની એક મોટી મુશ્કેલી હતી. તેના દાદામાં તેને ઘણો જ વિશ્વાસ હતો. તેને પૂછયા વગર કશું જ ન કરવું એવો તેનો પ્રથમથી નિશ્ચય હતો. તેણે પોતાનું તોફાને ચડેલું હૃદય ભગત આગળ ખુલ્લું કર્યું :

‘દાદા ! આપણે ખ્રિસ્તી થઈ જઈએ તો કેવું ?’

‘ખ્રિસ્તી કહેરાવ્યે કાંઈ ખ્રિસ્તી બની જવાય છે ? અને શા માટે તને આવો વિચાર આવ્યો ?’

‘હિંદુ લોકો તો આપણને અડકતા નથી, મારે છે, હલકા ગણે છે. એમાં રહીને આપણને શું મળવાનું છે ?’

‘તને એમ લાગે, બેટા! પણ જો ને, જેને ભગવાન પ્રત્યક્ષ થાય તેને ઢેઢમાં ને બ્રાહ્મણમાં ભેદ રહેતો નથી. નરસિંહ મહેતાને નાગરવાડા કરતાં ઢેઢવાડામાં બેસવું વધારે ગમતું હતું.’

‘પણ બધા એવું ક્યાં કરે છે ?’

‘દીકરા ! ધરમ બદલ્યે કાંઈ મોટાઈ આવતી નથી. બધાય ધરમમાં એક જ વાત છે ! ભગવાનને ભજો અને સાચા રહો. બારપંદર વરસ ઉપર ખ્રિસ્તી જાતો વઢી ઊઠી અને એવી કાપાકાપી ને મારામારી ચાલી કે ઈસામસી ખ્રિસ્તીઓના નામ ઉપર સ્વર્ગમાં રોતા બેઠા હશે. બેટા! મને સુખી કરવો હોય તો તું એ વાત જ ન કરીશ. હું મરી જાઉ પછી ખ્રિસ્તી થવું હોય તો થજે.’

ધના ભગતની આ દલીલ સામે કિસનને કાંઈ જ કહેવાનું નહોતું. દાદાને દુઃખ થાય એવું પ્રાણાંતે પણ કરવાની તેને ઈચ્છા નહોતી એટલે ખ્રિસ્તી ધર્મનો મોહ રહી ગયા છતાં કિસને એ વાત પડતી મૂકી.

આ હકીકત ધના ભગતે પોતાની સાદી ભાષામાં બધાંને જણાવી. અરુણને ધના ભગતનું મિથ્યા ધર્માભિમાન ખૂંચ્યું; ધનિકો અને ધર્મીઓ બંને જગત ઉપર જુલમ ગુજારનારા છે. એ તેની જૂની માન્યતા ફરી જાગૃત થઈ આવી.

જનાર્દને કિસનને આશ્રમમાં મોકલવાની ભલામણ કરી. ધના ભગતે કહ્યું.

કિસનની મરજી હોય તો ભલે આવે.’

‘મારા દાદાને મૂકી હું ક્યાંય નહિ જાઉ.’ કિસને જણાવ્યું.’

પછી અંત્યજ લોકોની જાગૃતિ વિષે જનાર્દને પૂછપરછ કરી. ધના ભગતને પારકાની જાગૃતિ વિષે બહુ ઓછી માહિતી હતી. સ્વરાજ્યની ભાવના અંત્યજો સુધી ઊતરી છે કે કેમ એ વિષે જનાર્દને અંત્યજોમાં ફરી ઘણી માહિતી મેળવી હતી. એ વર્ગને અહિંસાત્મક રાજદ્વારી લડતમાં ઉતારવાની જરૂર તેને ઘણી લાગતી હતી. તેણે એ સંબંધમાં કરેલા પ્રયત્નો બહુ સફળ નહોતા થયા. આજ ધના ભગત જેવા અંત્યજોના એક પવિત્ર પુરુષને એ વિષે ફરી પૂછવાની તેન ઈચ્છા થાય એ સ્વાભાવિક હતું.

ધના ભગતે તો રાજદ્વારી પુરુષોને ન ગમે એવી વાત સંભળાવી :

‘ભાઈ ! સ્વરાજ્ય કહો કે પરરાજ્ય કહો, કોનું રાજ્ય કાયમ રહ્યું છે? આપણાં રાજ્યો હતાં એ ચાલ્યાં ગયાં; ગોરાઓનું રાજ્ય છે એ યે એનો વખત આવ્યે ચાલ્યું જશે. મને ત એકે રાજ્યનો મોહ નથી. રાજ્ય મારા ભગવાનનું કે એમાં બધાયનું કલ્યાણ થાય !’

બધાનું કલ્યાણ થાય એવું રાજ્ય જ્યાં સુધી માનવી નહિ મેળવે ત્યાં સુધી રાજ્યચક્ર બદલાયા જ કરશે. ધના ભગતની રાજકીય સંભાવના સમગ્ર દુનિયાનાં રાજ્યોને નાલાયક નથિ બનાવી દેતી ?

ધના ભગતની રજા લઈ બધાં મોટરમાં બેસવા ગયાં તે વખતે જનાર્દને અરુણને પૂછયું :

‘અરુણ 1 દેશભક્તિ મોટી કે પ્રભુભક્તિ ?’

‘પુરાવો તમારી પાસે જ છે. દેશભક્તિ જનાર્દનને ઉપજાવે છે, અને પ્રભુભક્તિ ધના ભગતને ઉપજાવે છે. એક finished product -સંસ્કારી વ્યક્તિ, બીજી crude – અધકચરી. એકમાં ખુલ્લો આત્મવિકાસ, બીજામાં tradition – પરંપરાગત માન્યતાનું ઘડેલું બેડોળ પૂતળું ! તમે જ કહો, શું મોટું ?’

‘અરુણ ! તારી ભૂલ થાય છે. દેશભક્ત કરતાં પ્રભુભક્ત હરહંમેશ ચડિયાતો છે. દેશભક્તિ એ મર્યાદાભક્તિ છે; પ્રભુભક્તિ એ જગતભક્તિ – નિરવધિભક્તિ છે. દેશભક્તિની મર્યાદાઓ ઓળખી વિચારીને જ પેલા ગાંધીએ સ્વરાજ્યને રામરાજ્ય કહ્યું છે. પ્રભુભક્તિમાં દેશભક્તિનો ભોગ અપાય તો અડચણ નહિ – એ દેખાતો ભોગ દેશભક્તિની અધૂરી વ્યાખ્યાને લીધે જ કદાચ કોઈ માને; પરંતુ દેશભક્તિમાં પ્રભુભક્તિનો કદી ભોગ અપાય નહિ; જનાર્દન કરતાં ધના ભગત મોટા જ મોટા !’ જનાર્દને કહ્યું. ઘણી વખત વાતચીત કરતાં ઊંડા ચિંતનમાં ઊતરી જવાની જનાર્દનની ટેવ અરુણ જાણતો હતો. એ ચિંતકોની ભૂમિકા પૂરી સમજાતી ન હોવાથી આપણે તેમને ઘેલા ગણવા પ્રેરાઈએ છીએ. અરુણે જવાબ આપ્યો :

‘હું નથી માનતો.’

‘એક દિવસ માનીશ.’

રંજન અને પુષ્પા બધો વખત અરુણને જોયા કરતાં હતાં. બંનેને લાગ્યું કે તેઓ એકમેકને ઓળખી કાઢે છે. પુષ્પાએ એ વહેમ કાઢી નાખવા પૂછયું :

‘રંજન ! કિસનનું મોં કોના જેવું છે ?’

‘તારા જેવું !’ હસીને રંજને જવાબ આપ્યો.

‘જા જા ! મને તો જનાર્દન જેવો ભાસ લાગ્યો.’

‘તારા મનથી અરુણભાઈ જેવું તો કોઈ હોય નહિ, ખરું ને ?’

‘તારે હસવા સિવાય બીજો ધંધો શો છે ?’

મોટરમાં બેસી અંત્યજવાસની બહાર નીકળી મોટા માર્ગ ઉપર આવતાં જ વર્તમાનપત્ર વેચતા ફેરિયાની બૂમ બધાંએ સાંભળી :

‘લક્ષાધિપતિ નાદાર ! કૃષ્ણકાંત ભાંગ્યા !’