દિવ્યચક્ષુ/૧૮. ધનસુખલાલની વાણી

Revision as of 12:23, 9 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૮. ધનસુખલાલની વાણી

કડવા હોયે લીમડા, શીતળ તેની છાંય
બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંધ.

−લોકોક્તિ


‘હવે બેગી પાર્ડન ! આપણે કામ શરૂ કરો ને !’ ધનસુખલાલ અંગ્રેજી ભાષામાં ક્રિયાપદને ગુજરાતી વળોટમાં લાવી બોલ્યા.

બે-ત્રણ માગનારાઓએ જુદી જુદી યોજના બતાવી. એ બધી યોજનાઓમાં કૃષ્ણકાંતને દૂર કરવાની સ્પષ્ટ કે અસ્પષ્ટ યુક્તિ રહેલી હતી. ધનસુખલાલ સીધા વિચાર અને સીધી વાત પસંદ કરતા હતા. તેમનાથી આ યુક્તિ સહી શકાય નહિ. તેઓ બોલી ઊઠયા :

‘આ તમે બધા ભેગા મળ્યા છો તે ભીખ માગવાના છો. “સ્કીમ”નું મોટું નામ આપી કૃષ્ણકાંતને ખસેડવો છે, અને પછી જવાબદારી તેના માથે નાખવીછે ! કૃષ્ણકાંત કહે છે તે કબૂલ ન હોય તો જાઓ, તમને ફાવે તે કરી લેજો ! કચેરીઓ ઉઘાડી છે.’

માગનારાઓ આરસપરસ વાતો કરવા લાગ્યા. કૃષ્ણકાંત અને તેની બહેન રંજન એ બંનેની મિલકત ઉપર તેમની આંખ હતી. માગનારાઓ દબાણ કરશે તો કૃષ્ણકાંત પોતાની બહેનની મિલકતનો પણ ઉપયોગ કરશે એમ સ્વાભાવિક રીતે તેઓ ધારતા હતા; પરંતુ ધનસુખલાલે પોતાની કડક ભાષામાં માગનારાઓની યોજનાઓનો અસ્વીકાર કર્યો.

કૃષ્ણકાંત વધારે સભ્યતાભરી વાણીમાં સમજ પાડવા લાગ્યો. પરંતુ ધનસુખલાલને એવી નિરર્થક મીઠાશ ગમી નહિ. તેમની પ્રતિષ્ઠા, તેમની ઉંમર અને તેમના સ્વભાવે તેમની ભાષામાં તોછડાઈ ઉમેરતાં તેમણે કહ્યું.

‘જવા દે ને બધી પીંજણ ! સો વાતની એક વાત ! અડધી ખોટ અત્યારે જ પુરાય; બાકીની ધીમે ધીમે. અને તે ક્યારે? કૃષ્ણકાંતના હાથમાં બધી વ્યવસ્થા રહે ત્યારે !’

આ ઉપરથી કૃષ્ણકાંતની વ્યવસ્થા કરવાની અશક્તિ વિષે એક-બે જણ બોલવા લાગ્યા. ધનસુખલાલે તેમને અટકાવ્યા :

‘રાખો રાખો હવે ! તેમ બંને જણ શાં કૂંડાળાં કર્યાં છે, તે બધાને જાણવું હોય તો હું તમને કહી બતાવું ! અહીં બેઠેલાઓમાં કેટલાક શાહુકારો છે તે કહેવાની જરૂર નથી. કૃષ્ણકાંત નાદારી બોલતો નથી, એને વિધવાઓના પૈસા ખાવા નથી, અને ખોટા ચોપડ રાખવા નથી, અને કોઈની માફક ખોટા દસ્તાવેજો ઊભા કરવા નીથ.’ જેની આવી ખ્યાતિ હતી તેની તેની સામે બરાબર નજર રાખી ધનસુખલાલે બધાને ડરાવ્યા.

પાછળથી અરુણ બોલી ઊઠયો :

‘જે ખોટ કૃષ્ણકાંતથી ઠરાવેલી મુદતમાં નહિ પુરાય તે ખોટ તેમનાં બહેન પૂરી કરી આપવાનું માથે લે છે.’

ધનસુખલાલ અને કૃષ્ણકાંતે પાછળ જોયું. અરુણ, રંજન, પુષ્પા તથા સુરભિ આવીને ત્યાં બેસી ગયાં હતાં. અને આ બધી વાતચીત સાંભળતાં હતાં, તે તેમણે હમણાં જ જાણ્યું.

‘બેસો, બેસો હવે ! તમને કોણે ડહાપણ કરવાનું કહ્યું ?’ ધનસુખલાલે અરુણને ધમકાવ્યો.

અરુણ એવા ઝીણાં અપમાન સહન કરી શકે એવો નહોતો, તેને અને ધનસુખલાલને જરા પણ પરિચય નહોતો. ધનસુખલાલના સ્વભાવથી જરા પણ ટેવાયેલો ન હોવાથી તે તતડી ઊઠયો. :

‘આ રંજનગૌરી કહે છે તે હું કહું છું.’

‘એ તો કહે; એનામાં અક્કલ નથી. પણ સાથે તમારામાંયે…’

‘કાકા ! એ તો સુરભિના ભાઈ છે.’ કૃષ્ણકાંતે ધનસુખલાલને બોલતા અટકાવી કહ્યું.

‘ગમે તે હોય ! જરા સમજ….’

‘અરુણ ! Don’t you mind kaka’s tongue. He doesn’t mean anything!’ ડોકું પાછળ ફેરવીને કૃષ્ણકાંતે કહ્યું.

પરંતુ અરુણને વધારે ગુસ્સો ચડયો. ધનવાન ગણાતો ડોસો પોતાને આમ ધમકાવી જાય એ એને જરા પણ રુચ્યું નહિ. તે કાંઈ બોલવા ઊઠયો; પરંતુ રંજને તેનો હાથ ઝાલી પાછો બેસાડયો. સ્રીના સ્પર્શથી લાચારી અનુભવતા અરુણનો ગુસ્સો અચાનક ઊતરી ગયો. રંજનના હસ્તસ્પર્શમાં અરુણે કોઈ એવું અદ્ભુત માધુર્ય અનુભવ્યું કે ગમે તેના ગમે તેવા અપરાધને પણ ક્ષમા કરવા તૈયાર થાત.

‘કાકા કહે તેમાં ખોટું ના લગાડાય, અરુણભાઈ ! કેમ ખરું ને પુષ્પા’ રંજને અરુણને બેસાડયા. પછી ધીમે રહીને કહ્યું.

પુષ્પા પોતાના પિતાની અસભ્ય વાણીથી શરમાતી અપ્રસન્ન ચિત્તથી આ ઝપાઝપી જોતી હતી. તેણે રંજનને કશો જવાબ આપ્યો નહિ,

છેવટે બધા લેણદારો એક નિશ્ચય ઉપર આવી ગયા. ધનસુખલાલની ધમકી, કૃષ્ણકાંતનું પ્રામાણિકપણું અને તેના સંબંધોઓની તેને સહાય આપવાની તૈયારી નિહાળી, માગનારાઓએ કૃષ્ણકાંતની યોજના કબૂલ રાખી. મિલના ચાલકોએ માગનારાઓની ઇચ્છા પ્રમાણે ઠરાવ કર્યો અને કૃષ્ણકાંતે પોતાની મિલકત ખોટમાં નાખી ગરીબી સ્વીકારી. ભાગીદારો અને માગનારાઓને ખાડામાં નાખી એક ધંધામાંથી બીજા ધંધામાં અને બીજા ધંધામાંથી ત્રીજા ધંધામાં વાનરફાળ ભરી વ્યાપારી આલમમાં આગળ ને આગળ રહેતા વ્યાપારવીરોની માન્યતા પ્રમાણે તો કૃષ્ણકાંતે મૂર્ખાઈ જ કરી હતી; પરંતુ તેને પોતાને મન તો તેણે એક વિજય મેળવ્યો હોય એટલી દૃઢતા ઉત્પન્ન થઈ.

કૃષ્ણકાંતે સઘળાની સાથે વિવેકથી જરા જરા વાત કરી અને માગનારાઓ વિદાય થયા. ધનસુખલાલથી આ બધો વિવેકમાં થતો સમયનો વ્યય સહન થયો નહિ. કૃષ્ણકાંતને તેઓ ઘડી ઘડી કહેતા : ‘હવે બધાને રસ્તે પાડ ને !’

અને કેટલાક માગનારાઓને પણ તેઓ કહેવાને ચૂકતા નહિ કે ‘હવે ક્યાં સુધી ટલ્લા ખાધા કરશો ? રસ્તે પડો ને !’

જગતમાં બધા જ વિવેકી અને સભ્ય બની જાય તો જગતની કૃત્રિમતા ઘણી વધી જ પડે. તોછડાઈનો આરોપ સહન કરીને ખરું કહી દેનાર સ્વભાવનું અસ્તિત્વ છે એ જ સારું છે; નહિ તો માનવી એવો સુંવાળો બની જાત કે તેનાથી જરા પણ કટુતા સહન થાત નહિ.

બધા ચાલ્યા ગયા એટલે ધનસુખલાલના મુખ ઉપર પ્રસન્નતા દેખાઈ આવી.

‘અલ્યા કૃષ્ણકાંત ! ઠાકોરજીએ તને સારી બુદ્ધિ સુઝાડી. પૈસો તો આવે ને જાય; પણ હાથે કરીને પૈસો ફેંકી દેવાનો મોકો દર વખત મળતો નથી. હું હવે જોઉં છું જરા પણ મૂંઝાઈશ નહિ. જરૂર પડયે હું છું.’

‘જરા રહીને જ જજો; હું કાંઈક ચોખ્ખું બનાવરાવું.’ કૃષ્ણકાંતે કહ્યું.

‘સાહેબલોક ઘરમાં ચોખ્ખું શું ? મારે તો દેહ વટાળવો નથી. તેં કહ્યું એટલે પહોંચ્યું. ચાલ પુષ્પા.’

‘પુષ્પા ભલે બેઠી, હું પછી મોકલી દઈશ.’

‘તારા વિવેકમાંથી તું ઊંચો નહિ આવવાનો ! ઠીક, તારી મરજી.’

‘હું પણ હવે જઈશ.’ અરુણે કહ્યું.

‘તારે શી ઉતાવળ છે ?’ કૃષ્ણકાંતે પૂછયું.

‘જનાર્દન ઊંચો જીવ કરતા હશે. તેમને પરિણામની ખબર કરું.’

‘ચાલો, આવવું હોય તો. હૅં મારી ગાડી તમારી બાજુએથી લઈશ. તમે ક્યાં રહો છો ?’ ધનસુખલાલે પૂછયું. થોડીવાર ઉપર અરુણને પોતે ધમકાવતા હતા એ હકીકત તેઓ ભૂલી ગયા હતા.

‘એ તો આશ્રમમાં રહે છે.’ રંજને કહ્યું.

‘શાના આશ્રમ ! અને શાનાં તૂત આ બધાં ! સ્નાનસંધ્યા અને પૂજાપાઠનું નામ નહિ તોયે કહેવાના આશ્રમ !’ હસીને ધનસુખલાલ બોલ્યા. હિંદુધર્મના કર્મવિભાગને બાજુએ રાખી જે કાંઈ કરવામાં આવે એ હિંદુધર્મની વિરુદ્ધ જ હોય એમ તેમને લાગતું.

‘હું તો ચાલ્યો જઈશ; ગાડીની જરૂર નથી.’ અરુણને હજી આ કડવાબોલા વૃદ્ધ પ્રત્યે સદ્ભાવ ઉત્પન્ન થયો નહોતો.

‘હવે ચાલો ને, મારા ભાઈ ! ગાડી છે પછી પગ ઘસતા જવાનું કાંઈ કારણ ? ચાલો ચાલો !’ કહી ધનસુખલાલે અરુણને ખભે હાથ મૂકી તેને સહજ ખેંચ્યો.

કૃષ્ણકાંત હસ્યો. અરુણને લાગ્યું કે આ વૃદ્ધની જીભ અને હૃદય વચ્ચે છેટું રહેલું છે. એ કાંઈ અપવાદ છે ? બધાયને એમ જ હોય છે ! સંસ્કારનવીન સંસ્કારનો ઓપ હૃદય ઉપર વળ ચડાવી જીભમાં સાકરની મીઠાશ મૂકે છે; ધનસુખલાલની જીભમાં કરવત હતી; પરંતુ તેના હૃદય ઉપર વળ ચડયો જણાતો નહોતો.

‘હા જી ! આવું છું.’ કહી અરુણે ગાડીમાં જવાનું કબૂલ કરી ધનસુખલાલની વાણીના ચાબુકથિ બચવા પ્રયત્ન કર્યો.

‘ત્યારે હુંયે જાઉં તો ?’ પુષ્પા બોલી ઊઠી. ઘણું જ ઓછું બોલતી યુવતીને વધારે રોકવાની જરૂર નહોતી. તેને રોકી હોત તોપણ તે રોકાત કે કેમ એ પ્રશ્ન હતો. પિતાની સાથે પુત્રી શા માટે ઘેર ન જાય ?’

પરંતુ રંજનને એમાં જુદું જ કારણ દેખાયું. જતે જતે પુષ્પાના કાનમાં તેણે અમૃત રેડયું :

‘અરુણભાઈની જોડે જ બેસજે, હોં !’

કતરાતી આંખે રંજન તરફ નિહાળી પુષ્પાએ પોતાનો ક્રોધ વ્યક્ત કર્યો. આપણા મનની વાત કોઈ જાણી ન જાય એ આપણને ગમતું નથી. એ ગમતું હોય એમ પણ બને; પરંતુ એ વાત જાણી ગયાનું કોઈ જાહેર કરે તો આપણને નથી જ ગમતું. માત્ર કેટલીક વાત એવી મિઠ્ઠી હોય છે કે તે કોઈ જાણી જાય અને જાહેર કરે તોય તે આપણને ગમ્યા જ કરે ! તેને માટે ખોટો રોષ દેખાડવો એટલું જ બસ છે. સૂર્યને હળવે હળવે બાથમાં લઈ સંતાઈ જતી સંધ્યા ચૂમતી પકડાય ત્યારે તે કેવી લાલચોળ બની જાય છે.

ત્રણે જણ મોટરમાં જવા નીકળ્યાં. ધનસુખલાલ જાહેર કામમાંથી લગભગ નિવૃત્ત થઈ ગયા હતા. ક્વચિત જ તેઓ લોકોના સંસર્ગમાં આવતા. વળી તેમની રહેણી બહુ જ જૂની ઢબની હતી એટલે નવીન પ્રવૃત્તિઓમાં સ્વાભાવિક રીતે જ આવી જતી રહેણીની છૂટછાટ તેમને જરા પણ અનુકૂળ પડતી નહિ. તેમણે અરુણને પૂછયું :

‘તમે આશ્રમમાં રહીને શું કરો છો ?’

પુષ્પાના હૃદયમાં ગભરાટ ઉત્પન્ન થયો. પિતાની વાણી અરુણને અનુકૂળ નહિ જ પડે તે જાણતી હતી. વાત લંબાય નહિ એવી તે ઈશ્વર પ્રત્યે મૂંગી પ્રાર્થના કરવા લાગી.

‘બની શકે એટલાં દેશસેવાનાં કામ કરીએ છીએ.’

‘અરે તમારી દેશસેવા ! કમાવું ધમાવું મૂકીને આ ધુમાડે બાચકા કેમ ભરો છો ?’

‘આપ ધારો છો એવું નિરર્થક કામ અમને નથી લાગતું.’

‘કહો ત્યારે, તમે આશ્રમ કાઢીને શું મોર માર્યો ?’

આ પ્રશ્નનો ઉત્તર આપવાનું કામ ગમે તેવા પીઢ દેશસેવકને પણ ભારે થઈ પડે એવું છે. આશ્રમો સ્થાપનાર, વ્યાખ્યાનો કરનાર, જાગૃતિ વિશિષ્ટ સ્વરૂપમાં દર્શાવી શકશે ? એક દિવસમાં પંદર વ્યાખ્યાનો આપ્યાં એમ સ્વમહત્ત્વપૂર્વક કહેનાર દેશસેવકને કોઈ એમ પૂછે કે વ્યાખ્યાનોએ શું કર્યું. તો કાંઈ માપી શકાય – દેખી શકાય એવું પરિણામ તે બતાવી શકશે ?

‘અમે એક છાપું ચલાવીએ છીએ.’ અરુણે કહ્યું.’

‘એવાં તો કંઈક ચીંથરાં નીકળે છે.’

‘એમાં અને બીજાં ચીંથરિયાં પાત્રોમાં બહુ ફેર છે.’ પુષ્પાથી બોલાઈ ગયું.

‘ઠીક હવે, ચાર જડબાતોડ વાક્યો વધારે લખતા હશો, અગર સરકાર વિરુદ્ધ કાંઈ કાંઈ કાનફોડિયા લેખો લખતા હશો. પણ એથી રંઘાયું શું ?’

‘લોકોમાં રાજદ્વારી જાગૃતિ આવી જાય છે; સરકારને લોકોનું કહેવું સાંભળવું પડે છે; અને પોતાની રાજ્યનીતિ વિરુદ્ધ તીખી ટીકા થાય એ અર્થ પોતાનાં કાર્યો સાચવીને કરવાં પડે છે….’

‘તે તમારા છાપા વગર એ બધું ન થાત ?’

અરુણને હસવું આવ્યું. પોતાની સેવા વગર દેશને જાણે ચાલતું જ ન હોય એવો આડંબર કરનાર સેવકો પણ તેના જોવામાં આવ્યા હતા. વળી દેશસેવોની છાપ વગરના મનુષ્યો પ્રત્યે તુચ્છપણું દાખવતા કાર્યકર્તાઓને નમ્રતા શીખવવા માટે ધનસુખલાલની સાથે વાતચીતમાં રોકવાની કેટલી આવશ્યકતા છે, તેનું પણ હાસ્ય પ્રેરતું ભાન તેનામાં ઉત્પન્ન થયું.

‘અમારું છાપું અકસ્માત છે. અમારું હોત કે બીજાનું; પણ છાપા વગર એ બધું બની તો ન શકત ને ?’ અરુણે કહ્યું.

ધનસુખલાલ હસ્યા. આ દલીલે તેમના ઉપર કાંઈ બહુ અસર કરી નહિ. જરા રહીને તેમણે પૂછયું :

‘કાંઈ ભણ્યાગણ્યા છો કે એમ ને એમ જ ?’

અંગ્રેજી ભણતરનો મોહ તજવા ઈચ્છતા યુગમાં પણ અંગ્રેજી ભણતર માટે પક્ષપાત રહેલો દેખાય છે. રાષ્ટ્રવાદીઓમાં પણ એ પક્ષપાત દેખાય તો પછી બીજાઓમાં તે હોય એની શી નવાઈ ?

વળી રાષ્ટ્રસેવાને જીવનકાર્ય તરીકે સ્વીકારવાની ગોખલેની પ્રણાલિકાને સમગ્ર હિંદભરમાં ફેલાવી વ્યવસ્થિત દેશસેવાસંઘોની સ્થાપનાઓ પ્રેરનાર મહાત્મા ગાંધીનો કાર્યક્રમ વગર-ભણેલાનો ઉપયોગ કરવા મથે છે, ત્યારે ઘણાને એમ લાગે છે કે બીજા માર્ગમાં નિષ્ફળ નીવડેલાઓને દેશસેવાના બહાના નીચે આશ્રય મેળવવાને એથી સારો માર્ગ જડી આવે છે. લોકોમાં કજિયાદલાલ તરીકે ઓળખાતા ગૃહસ્થો ખાદી પહેરી પરદેશી માલનો બહિષ્કાર કરવા લોકોને સમજાવે, અગર પહેલાં પીઠામાંથી પકડાયેલો બિનધંધાદારી દારૂનું ‘પિકેટિંગ’ કરવા પગાર લે, ત્યારે રાષ્ટ્રવૃત્તિમાં ખામી ખોળનારાઓને ટીકાનું સારું સાધન મળી જાય છે. ધનસુખલાલના પ્રશ્નમાં અંગ્રેજી ભણતરનો મોહ અને રાષ્ટ્રસેવાસંઘની દુર્બળ બાજુ જોવામાં પડતી મજા સ્પષ્ટ દેખાઈ આવતાં હતાં.

‘ભણ્યો છું. સાધારણ.’ અરુણે કહ્યું.

‘મૅટ્રિક થયા હશો.’

‘એથી વધારે.’

‘બી.એ. છો ?’

‘ના જી; એમ. એ.’

ભણતરની છાપ નિહાળી ધનસુખલાલનો તિરસ્કાર ઓછો થયો.

‘નોકરીમાં કેમ ન જોડાયા ?’

સરકારી નોકરી એટલે ભણેલાઓનું સ્વર્ગ ! નોકરીમાં પ્રવેશ પામનારનું જ ભણતર સફળ થયું હોય એમ સહુને લાગે છે.

‘કોઈ રાખતું નથી.’ જરા હસતાં હસતાં અરુણે કહ્યું.

‘એમ તે હોય !’

‘એમ જ છે. મારે લાયક તો નોકરી જોઈએ જ ને ?’

‘એક વખતે જે મળી ત લઈ લેવી હતી. ધીમે ધીમે આગળ વધાત.’

‘તમારે વાઈસરૉય તો નહોતું થવું ને ?’ સહજ કરડાકીમાં ધનસુખલાલે પૂછયું.

‘એ જ થવું હતું. એની આશા રાખી એટલે મને ઊભો પણ રહેવા ન દીધો.’

‘એવી ઘેલી માગણી કરો એ ચાલે ?’

‘એમાં ઘેલું શું છે ?’

‘શા માટે નહિ ?’

‘અંગ્રેજો વગર આપણું ચાલે એમ જ નથી.’

‘આપ સાહેબશાહીથી વિરુદ્ધ છો ! આપણા ઘરમાં જેને દાખલ કરવા માગતા નથી તે સાહેબશાહીને દેશમાં કેમ રહેવા દેવાય ?’

ધનસુખલાલ આ સાંભળી ચમક્યા. પાઠપૂજા કરતા અને દેવમાં અડગ શ્રદ્ધાભક્તિ રાખતા પવિત્ર પુરુષો પણ ચુસ્ત હિંદુ રહીને એમ જ માને છે કે અંગ્રેજો વગર હિંદુસ્તાનને ચાલે એવું નથી. પરંતુ સાહેબોને સોંપી દીધા પછી સાહેબોના પડછાયા મંદિરોમાં અને ઘરમાં જરૂર પડશે એ સત્ય તેઓ ભૂલી જાય છે.

ગાડી અટકી. આશ્રમ આવ્યો. અરુણ ઊતરી ગયો. તેણે નમસ્કાર કર્યા.

‘કોઈ વખત મળજો. !’ ધનસુખલાલે અરુણને કહ્યું.

‘હા જી !’

મોટર પાછી ફરી. ધનસુખલાલે પુષ્પાને પૂછયું :

‘આ જ લોકો સરઘસ કાઢવાના છે કે ?’

‘હા.’

‘તને મન હોય તો એકાદ વખત જજે – જોકે મને તો એ બધા વેશ પસંદ નથી.’