દિવ્યચક્ષુ/૨૧. ચળવળ નીચેનાં વહેણ

Revision as of 12:34, 9 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૧. ચળવળ નીચેનાં વહેણ

એક દિન એવો આવશે; જ્યારે અમીઝરણો ઝરતાં પૃથ્વીને ય પલાળશે.

મગનભાઈ

આશ્રમવાસીઓમાં ધીમે ધીમે વાત ચાલી કે અમલદારોનું આગમન જનાર્દનના પ્રયોગને આરંભથી જ અટકાવવા માટે યોજાયું હતું. તેમના મનમાં એક પ્રકારની ઉત્સાહભરી વિકળતાને પ્રવેશ કર્યો. ગમે તે થાય તોપણ સરઘસ નીકળવું જ જોઈએ એવી દૃઢતા સહુના હૃદયમાં આવી. પોલીસ કેદ પકડે, મારે, ગોળીબાર કરે તોપણ એ દૃઢતાથી ડગવું નહિ, એમ સહુએ સંકલ્પ કર્યો. અમલદારો વાત શરૂ કરે તે પહેલાં તો આવી તીક્ષ્ણ વૃત્તિ સહુના હૃદયે ધારણ કરી. એટલામાં રહીમે પૂછયું :

‘અરુણ ક્યાં છે ?’

મૅજિસ્ટ્રેટ રહીમ અને અરુણ વચ્ચે મૈતરી હતી એની થોડાને જ ખબર હતી. ક્વચિત્ અરુણ તેને મળવા જતો, ત્યારે સહુને એમ લાગતું કે રાજકીય કારણને લઈને અમલદારો ચળવળિયાઓને બોલાવે છે તેવો કાંઈ પ્રસંગ હશે; પરંતુ નૃસિંહલાલને રહીમે જ પોતાની અરુણ સાથેની મૈત્રીની વાત કરી હતી એટલે તેમને બંનેના સંબંધની ખબર હતી.

‘કેમ, અહીં છું.’ ધના ભગતની બાજુમાં રહેલા અરુણે કહ્યું.

‘અરે ભાઈ ! હું તને જ ખોળું છું !’ રહીમે કહ્યું.

‘શું કામ ખોળે છે ? હું તો વગર વૉરંટે તારી પાસે હાજર થઈશ.’ અરુણે હસતાં હસતાં કહ્યું.

એક રાજદ્રોહી અને એક રાજ્ય-અમલદાર આ પ્રમાણે હસીને પરસ્પરને એકવચનમાં સંબોધે એથી સાંભળનારને સહજ નવાઈ તો લાગે; પરંતુ અહિંસક યુદ્ધમાં વિરોધી એ વૈરી નથિ હોતો, વેરભાવે આવેલા વિરોધીનાં વેર પણ અહિંસક યોદ્ધાને હસતો નિહાળી શમી જાય છે. આ તો બંને મિત્રો જ હતા.

‘ઠીક ત્યારે, ચાલ, મારી રખવાળીમાં આવી જા.’ કહી રહીમક પણ હસતો હસતો ઊભો થયો અણે અરુણનો હાથ પકડી તેના હાથમાં પોતાનો હાથ નાખી ટોળાની બહાર અરુણને લઈ ગયો.

નૃસિંહલાલ આ દૃશ્ય જોઈ રહ્યા. હિંદુસ્તાનમાં એ શો ચમત્કાર થયો કે મિત્ર અને મિત્રને, પિતા અને પુત્રને, મા અને દીકરાને, ભાઈ અને બહેનને પરસ્પરની સામે મોરચા બાંધવા પડે છે ?

‘જુઓ, અ કેવો વિકટ પ્રસંગ છે ? મૅજિસ્ટ્રેટ સાહેબ અરુણના જીવજાન દોસ્ત; અને તેમણે જ એને કેદ કરવાનો હુકમ આપવો પડશે.’ નૃસિંહલાલે પ્રસંગની વિકટતા જનાર્દનને સમજાવી.

‘કેદ કરવાનું કાંઈ કારણ ?’ જનાર્દને પૂછયું. ‘કારણ એ જ કે સરઘસ કાઢવાનો મનાઈહુકમ તમે પાળશો નહિ ! એટલે બીજું શું થાય ?’

‘મનાઈહુકમ પાછો ખેંચી લો !’

‘એ તે બને ?’

‘અમારા કાર્યની સચ્ચાઈ જુઓ તો પછી મનાઈહુમક પાછો ખેંચી લેવામાં શી હરકત ?’

‘નહિ નહિ, તમે આ બધું ધાંધલ ઉઠાવો છો તેમાં કેટલા કુટુંબકજિયા ઊભા કરો છો તેનો ખ્યાલ છે ?’

‘કંદર્પ ! આમ આવ જોઈએ.’ નૃસિંહલાલનો પ્રશ્ન સાંભળી જનાર્દને નૃસિંહલાલના પુત્રને પાસે બોલાવ્યો. તે આવી બંનેની પાસે ઊભો રહ્યો. કિશોર અવસ્થામાંથી યૌવનમાં પગ મૂકતો આ નિર્દોષ, નિખાલસ, શરમાળ; પરંતુ જોમભર્યો કંદર્પ સમજી ગયો હતો કે જનાર્દન તેને આ ચળવળમાં ન પડવા માટે ફરી વાર સમજાવવા બોલાવે છે.

‘જો, ભાઈ ! તું હજી સમજ; તારા પિતાને તું મુશ્કેલીમાં ન નાખ. એમનું મન પણ સાચવવું જોઈએ.’ જનાર્દને કંદર્પને કહ્યું.

પિતાના મનને જરા પણ દુઃખ થાય એવું કરતાં દુઃખી થતાં અનેક સહૃદય સંતાનોને આ અહિંસાત્મક યુદ્ધ અગ્નિમાં તાવી રહ્યું છે. એક પાસ વત્સલ્યની મૂર્તિસમાં પિતામાતા અને બીજી પાસ યુગધર્મની પરમ આકર્ષક પ્રતિમા ! પુત્રને મૃત્યુની સજા ફરમાવતો બ્રુટ્સ કે પિતાના વચનને સફળ કરવા પિતાના હૃદયને મૃત્યુનો આઘાત પહોંચાડતા રામ આ હૃદયવ્યથાને કાંઈક સમજી શકે. કંદર્પના મુખ ઉપર વિષાદ છવાઈ રહ્યો.

‘એ મારાથી કેમ બને ?’

‘સરઘસમાં આવવાનું બંધ રાખ.’

‘તે અશક્ય છે.’ સ્થિરતાથી કંદર્પે કહ્યું.’

‘તું ભૂલે છે. દેશની સેવા કરવાનો આ જ કાંઈ એક માર્ગ નથિ. તું સરઘસમાં ન જોડાય તેથી તારી દેશહિતની લાગણી ઓછી થવાની નથી.’

‘એ તો આપસરઘસ બંધ રાખો તો જ બની શકે; તે સિવાય નહિ.’ કંદર્પે કહ્યું.

કંદર્પ સમજતો હતો કે ધ્વજના સરઘસની બાહ્ય આકૃતિની પાછળ એક મહાન ભાવના સમાયલી હતી. સરઘસને ખાતર નહિ; પરંતુ એ ભાવનાને ખાતર તે સરઘસમાં જોડાયો હતો.

બ્રિટિશ પ્રજાની સાર્વભૌમ સત્તા નીચે ઘડાયલા હિંદી પ્રજાનામાનસમાં ત્રણ પ્રકારના થર આપણે સહજ જોઈ શકીએ છિએ. મરાઠાઓનાં પ્રાંતપ્રાંતમાં ફરી વળતાં વંટોળિયા સરખાં વિનાશભર્યાં સૈન્યો, શિથિલ થઈ પડેલી મુસ્લિમ સત્તાની સહુને કંપાવતી મૃત્યુસૂચક આંચકીઓ, હિંદુ અને મુસ્લિમ રાજકર્તાઓની અશક્તિના ચિહ્નરૂપ લૂંટારા, ઠગ અને પીંઢારાના રાજ્યાશ્રય કે રાજ્ય-ઉપેક્ષાથી જીવંત બનેલાં ત્રાસ ફેલાવતાં વ્યવસ્થિત ટોળાં અને બધામાં ક્ષણક્ષણની અનિશ્ચિતતાથી બેજાર બની ગયેલા સમાજની પીડા ! પીડાતી પ્રજાને બ્રિટિશ રાજ્યશાસનની વ્યવસ્થા એટલી બધી ગમી ગઈ કે તેનાથી ગાઈ જવાયું –

દેખ બિચારી બકરીનો પણ

કોઈ ન જોતાં પકડે કાન !

એ ઉપકાર ગણી ઈશ્વરનો

હરખ હવે તું હિંદુસ્તાન !

એ હર્ષ અનુભવતું માનસ એ પહેલો થર.

એ વ્યવસ્થિત શાંતિ પૂરેપૂરી ભોગવાય તે પહેલાં તો એ શાંતિમાં અસંતોષનાં વમણો ધીમે ધીમે ઘૂમરાવા લાગ્યાં. બ્રિટિશ સલ્તનતને બધું આવડયું; પરંતુ તેને હિંદ – હિંદવાસી બનતાં ન આવડયું. દેશમાં શાંતિ સ્થપાઈ એ ખરું; પરંતુ દેશના આત્માને શા માટે ગૂંગળાટ થતો હતો ? બકરીનો કાન કોઈ પકડતું નથી એ વાત સત્ય છે; પરંતુ બકરીનો કાન પકડવા જેટલી પ્રજામાં તાકાત છે ખરી ?

પ્રશ્ન ઊઠે તેનું નિરાકરણ કર્યે જ છૂટકો. પ્રજાની શક્તિનો વિચાર કરતાં જિજ્ઞાસુને તો જણાવા લાગ્યું કે નઃશસ્ત્ર પ્રજામાં બકરી સામે થવા જેવુંયે જિગર નથી. જિગર નથી એટલું જ નહિ, તેના અધભૂખ્યા દેહમાં બકરીના કાન પકડવા જેવું બળ પણ નથી. રાજ્યકર્તાની મહત્તા તેની પ્રજાના ઐશ્વર્ય ઉપરથી માપી શકાય. પ્રજાએ સુખશાંતિ ફેલાવનાર રાજ્યકર્તાને પૂછવા માંડયું :

‘પ્રભુના પયગંબરો ! તમે શાંતિ તો આપી, પણ અમારું બળ ક્યાં અલોપ કર્યું ?’

ડરતે ડરતે પૂછતી પ્રજાનો નિર્બળ-દુર્બળ અવાજ સાંભળી અટ્ટહાસ્ય કરતી રાજ્યસત્તાએ ઉત્તર આપ્યો :

‘બળ ? તમારે બળની શી જરૂર છે ? શાંતિમાં સુખ માનો.’

‘નહિ નહિ, ઓ ફિરસ્તાઓ ! અમને બળ મેળવવાની થોડી થોડી કસરત કરવા દ્યો. શાંતિ તો અમને માંદગીની શિથિલતા સરખી લાગે છે.’

‘તમારું બળ અમે ! પછી કાંઈ ?’ રાજ્યસત્તાએ આશ્વાસન આપ્યું.

‘ઠીક. અમે અને તમે એક છીએ ખરા ?’ પ્રજાના એક ભાગે પૂછયું.

‘નૂગરા હિંદીઓ ! તમને અમારી કદર જ ક્યાં છે ? અમે ન હોત તો તમને અફઘાનો ખાઈ જાત. ચીનાઓ ખાઈ જાત, રશિયનો ખાઈ જાત, જાપાન…’

‘સાહેબાન ! બેઅદબી માફ, પણ અત્યારે પણ અમે ખવાઈ જ ગયેલા છીએ ને ? અફઘાન કે રૂસ અમને ખાઈ જાત તેને બદલે આપ…’

‘જબાન બંધ કરો !’

‘મહેરબાન ! ગુસ્સે ન થાઓ. અમે જરા જલદ શબ્દો વાપર્યા. આપ કહ્યા કરો છો કે અમારા ભલાને ખાતર આપ રાજ્ય કરવાની ભયંકર તકલીફ ઉઠાવી રહ્યા છો, આપની દાનાઈ અમે કબૂલ કરીએ છીએ; પરંતુ અમને સહજ પુછતા રહો કે અમારું ભલું અમને શામાં રહેલું લાગે છે ?’

‘તમારે એટલું જ જોઈએ ને ? અચ્છા ! તમને વખત-બે-વખત પૂછતા રહીશું. બસ !’

પ્રજાને સહજ સંતોષ થયો. એ માનસ તે બીજો થર.

સંબંધ બીજી ભૂમિકાએ પહોંચ્યો. હિંદની પ્રજાનો અવાજ સાંભળવા માટે થોડાં વાદ્યો અને વાદ્યગૃહો રચાયાં. અણસુધરેલી, અવિસ્તૃત, વિસ્તૃત એવી એવી ધારાસભાઓ સ્થપાઈ, અને હક્ક તથા અધિકારની શબ્દજાળભરી ભુલભુલામણી ગોઠવાઈ.

‘હવે બસ ?’

પરંતુ તૃપ્તિસૂચક ‘બસ’ શબ્દનો પડઘો પડયો નહિ. સામા પ્રશ્ન પુછાવા લાગ્યા :

‘જે સલાહ તુચ્છકારી શકાય એ સલાહ આપવાની પણ જરૂર શી ? અમારી સલાહ પ્રમાણે તમે ન કેમ ચાલો ?’

‘લોભી હિંદવાસીઓ ! આંગળી આપતાં પોંચે વળગો છો ! તમારી સલાહ માનવા જેવી ન હોય તો પછી શું કરવું ?’

‘પ્રજાના પ્રતિનિધિઓ એકમતે-બહુમતે કહે તે ન માનવાનો ઘમંડ તમે શા માટે રાકો છો ?’

‘કરાણ ! જુઓ કાનમાં કહું છું, કોઈને કહેતા નહિ. અમે તમારા રાજા છીએ એ ભૂલશો નહિ.’

‘ત્યારે તમે અમારા પ્રતિનિધિ તો નહિ જ ને ? જે અમારો પ્રતિનિધિ ન હોય તેનું રાજ્ય અમને ખપે નહિ.’

‘આ તો ખુલ્લો રાજદ્રોહ !’

‘રાજ્ય અમારું હોય તો રાજદ્રોહ; રાજ્ય અમારા માટે હોય તો રાજદ્રોહ. આ તો પરાજ્યનો દ્રોહ !’

‘આ બધું તમને કોણે શીખવ્યું ?’

‘સ્વતંત્રતાના માનવંત પૂજારીએ ! એ શિક્ષણનું માન તમારે ખાતે જમા થયું છે. સ્વતંત્ર હિંદના રાજમંડપને દરવાજે અમે તખ્તી ચોડીશું કે “બ્રિટિશ સંસર્ગને આભારી સ્વરાજ્ય !” કેમ તમને શી હરકત છે ?’

આ ત્રીજી ભૂમિકાએ હિંદ આવી ઊભું રહ્યું છે. હજી ત્રણે ભૂમિકા જીવંત છે,જઈ શકાય એવી છે; પરંતુ પ્રથમની બંને ભૂમિકાઓ ત્રીજી ભૂમિકાના ભારમાં દબાઈ જતી – અદૃશ્ય થઈ જતી ચાલે છે. પિતામહને બ્રિટિશ-સંસર્ગમાં ઈશ્વરી કૃપા દેખાય છે; પિતાને તેમાં અકસ્માત્ સુયોગ દેખાય છે; પરંતુ પુત્રને તો તેમાં હિંદને ગૂંગળાવતો હિમાલય સરખો ધવલ બોજો જ નજરે પડે છે. પુત્ર અને પિતા વચ્ચે રાજપ્રકરણમાં તીવ્ર મતભેદ કેમ ન થાય ? બ્રિટિશ તંત્રના ચક્રમાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયેલા નૃસિંહલાલનો વિનયી સુશીલ પુત્ર કૉલેજ છોડી રાજતંત્રની સામે ઊભો રહે એમાં શું આશ્ચર્ય !

કંદર્પને નૃસિંહલાલે બહુ બહુ સમજાવ્યો, જનાર્દને બહુયે પટાવ્યો; પરંતુ તે તો પોતાના નિશ્ચયમાંથી જરા ડણ ડગ્યો નહિ. એ અખાડાબાજ ગૂર્જર યુવકને ધ્વજ લઈ મોખરે ઘૂમવાના કોડ હતા.

નૃસિંહલાલને બહુ ખોટું લાગ્યું. તેમણે પોતાનો રોષ જનાર્દન ઉપર કાઢી તેને ઠપકો આપ્યો.

‘તમે આમ છોકરાઓને માબાપ વિરુદ્ધ ઉશ્કેરો છો તેનું ફળ સારું નહિ આવે.’

‘જગત છોકરાઓનું છે, આપણું નહિ.’ જનાર્દને જવાબ આપ્યો.

ભૂતકાળના પડદામાં ભરાઈ જતાં માતાપિતા ભૂતકાળના પ્રતિનિધિરૂપ છે; વર્તમાન તો જરૂર યુવકયુવતીઓનો છે. સંતતિસર્જનના મૂળ કારણરૂપ માતાપિતા સંતતિની સાથે જ વર્તમાનને સર્જે છે; તેઓ સંતતિને નિરર્થક કરી શકે તો જ વર્તમાનને નિરર્થક કરી શકે ! અને પુત્રપુત્રીમાં માતાપિતાની દેહરેષાઓ કેટકેટલી ઊઘડી આવે છે ! પુત્રપુત્રીનાં માનસમાં પણ માતાપિતાનું માનસ કેટલું સ્પષ્ટ ઝબકી નીકળે છે ? શાંતિ અને ડહાપણની સલાહ આપતાં માતાપિતા પોતાના હૃદયમાં ઊંડા ઊતરશે તો તેમને પોતાનાં બાળકોની અશાંતિ અને ઘેલછાનાં મીળ ચોક્કસ જડી આવશે.

પુત્રને એ. એસ. પી. – ડી. એસ. પી. બનાવવાનાં સ્વપ્નાં સેવતો, તેમ જ તેની શારીરિક અને માનસિક તાલીમ આપતો પિતા પુત્રને લોકદળમાં ભળી જતો જોતાં રીસે ભરાયો. યુવકોને નોકરીનો મોહ છોડાવતી દેશભક્તિના જુવાળને તે મનમાં શાપ આપવા લાગ્યો. પરંતુ તેમ કરતાં નૃસિંહલાલ ભૂલી ગયા હતા કે અમદાવાદની કાઁગ્રેસમાં વોલન્ટીઅર તરીકે સેવા કરતાં સુરેદ્રનાથ બેનરજીની ગર્જના સાંભળ્યા પછી, દેશભક્તિની તીવ્ર ઝણઝણાટી પોતે કેવી અનુભવી હતી !

રહીમ અણે અરુણ વાતો કરતા કરતા પાછા ટોળામાં સામેલ થઈ ગયા. એવામાં કૃષ્ણકાંત, સુરભિ અને રંજન આવી પહોંચ્યાં. તેમને નિહાળી એક પોલીસ અમલદારે રહીમ મૅજિસ્ટ્રેટને ખુશ કરવા ટીકા કરીઃ

‘આ દારૂડિયા ગૃહસ્થ હવે દારૂનિષેધના કામમાં પડયા છે !’

નઠોર માણસ સારો થાય, સારો કહેવાય એ પણ આપણને રુચતું નથી ! ખામીઓ ભૂલી જવાની ટેવ આપણે જરા પણ કેળવતા નથી, એટલે આપણી દોષદૃષ્ટિ એટલી બહેકી ગઈ છે કે દુર્ગુણી મનુષ્ય દુર્ગુણ ટાળવાનો પ્રયત્ન કરે તોપણ આપણે તો તેના દુર્ગુણને જ નિહાળ્યા કરીએ છેએ !

‘એમાં શું ખોટું કરે છે ?’

‘પોતે પીએ અને બીજાને ના પાડે એ તે કાંઈ બને ?’

‘ખાડામાં પડેલો માનવી બૂમ પાડીને બીજાને ચેતાવે, એમાં હરકત શી ?’ અને કૃષ્ણકાંતે તો દારૂ છોડી દીધો છે ?’

‘ઠીક છે, સાહેબ ! દારૂ તે કાંઈ છૂટે ?’

રહીમે જવાબ ન આપ્યો; પરંતુ તેના મનમાં વિચાર આવ્યો :

‘મારો મહજહબ તો કહે છે કે દારૂનું બુંદ પણ દેહ ઉપર પડે તો તેટલો ભાગ કાપી નાખવો જોઈએ. દારૂનિષેધમાં જોડાવું એ હરેક સાચા મુસ્લિમની શું ફરજ નથી ?’

પરંતુ તેને પાછો વિચાર આવ્યો કે પોતે તો સરકારી નોકર છે; દારૂનિષેધના કાર્યમાં તો રાજદ્રોહની બો રહેલી છે.

‘કેમ મૅજિસ્ટ્રેટસાહેબ ? અહીંથી જ સરઘસ અટકાવું છે કે શું ?’ કૃષ્ણકાન્તે હસતાં હસતાં કહ્યું.

કૃષ્ણકાંત સરખો સાહેબોને પણ શરમાવે એવો અંગ્રેજી પોશાક પહેરનારો ધનિક ખાદીના પોશાકમાં બહાર નીકળે એ માનસિક પરિવર્તનમાં કયો સંકેત સમાયેલો છે ? અંગ્રેજી પોશાકની જરૂર નથી, અંગ્રજો જેવા દેખાવાની જરૂર નથી – કારણ અંગ્રેજોની જ આપણને બિલકુલ જરૂર નથી – એવી કોઈ ભાવના આ વેશપલટામાં સમાયલી કોણ નહિ જોઈ શકે ? ગાંધીટોપી નિહાળી અકળાઈ ગભરાઈ જતા અમલદારોને ટોપી પાછળ રહેલી ભાવનાનું અનિવાર્ય બળ મૂંઝવી નાખે છે.

કૃષ્ણકાંતનો ખાદીનો પોશાક પણ નમૂનેદાર હતો. તેની સ્વચ્છતા આંખે ઊડીને વળગે એવી હતી. પગને નમૂને કાપી કાઢેલી બાંયવાળા પૅન્ટમાં જ કળા નિહાળનારને પણ કબૂલ કરવું પડે કે કૃષ્ણકાંતનું ધોતિયું બહુ જ સફાઈપૂર્વક અર્ધાંગને કાળજીભરેલી બેકાળજીથી લપેટાયેલું હતું. દેહની આકૃતિને નમૂને જ ઘડાયેલો પોશાક વધારે સારો કે દેહકૃતિનાં માત્ર સૂચન કરતો જુદા જુદા વળમાં દેહને લપેટતો છૂટો ઊડતો પોશાક વધારે સારો એનો નિર્ણય પહેરવેશની ફિલસૂફી જ કરી શકે; પરંતુ કૃષ્ણકાંતની લઢણ જોતાં હાસ્યપાત્ર કે ઉચ્ચારને અપાત્ર લાગ્યા કરતું ધોતિયું પુરુષોના પોશાકક્ષેત્રમાં હજી પણ મહત્ત્વનું સ્થાન લીધા જ કરશે એમ લાગ્યા વગર રહે નહિ. તેનું પહેરણ પણ સુઘટિત રીતે ઉપર પથરાઈ રહ્યું હતું. આંગળીઓ સુધી ધસી જતી બાંય કે ગળે ફાંસો આવે એવી ગળાપટી (collar)ને તેમાં અવકાશ નહોતો જ. ટોપીનો વાંક મોહક લાગતો હતો. ગુલામોનું સૌન્દર્ય નિરર્થક છે, ડાઘ રૂપ છે એમ માની, બને એટલા કદરૂપા દેખાવાનો નિશ્ચય કરી બેઠેલા મહાત્માજીએ પ્રજાની પરતંત્રતાનો સૂચક બેડીવાનનો ટોપ આદર્શ રૂપે સ્વીકાર્યો હોય, એમ કદાચ ગાંધી-ટોપીના ઇતિહાસમાંથી મળી આવે; પરંતુ એ આદર્શ – બંદીવાનના ધગધગતા ભેખ-ભડકામાં ભારે કલા છુપાયેલી છે એમ સૂચવતી બેડોળ ગાંધીટોપી, રસિકતાના વળોટમાં પણ આવી શકે એવી છે એમ ખાતરી આપતી, કૃષ્ણકાંતને મસ્તકે શોભતી હતી.

‘તમે સરઘસ કાઢો તો ખરા ! પછી અટકાવવાની વાત ને ?’ રહીમે જણાવ્યું.

‘બધી જ તૈયારી છે. સવારની રાહ જોવાય છે.’

રાજ્ય-અમલદારની કાળી બાજુ જ સામાન્યતઃ બહાર લાવવાની પ્રથા પડી છે; પરંતુ સતના સંગ્રામમાં વિરોધીઓની મીઠાશના પ્રસંગો પણ ભુલાવા ન જોઈએ. સત્યાગ્રહીઔ અને સિપાઈઓ વચ્ચેની મીઠી મજાકો ઘણાને યાદ આવતી હશે.

‘બંદૂકો અને તલવારો ખડી છે, હોં ?’ રહીમે હસતાં હસતાં બીક બતાવી. એ બીક પોતાના જ દેશબાંધવોને મજાકમાં પણ દેખાડતા રહીમના તરવરતા મુસ્લિમ હૃદયમાં ચીરો પડયો.

‘The steel shall rust, Sir !’ કૃષ્ણાકાંતે ઝડપથી જવાબ આપ્યો. તેની જબાન ઉપર અંગ્રેજી બાષા ઝડપથી ફરી વળતી હતી. અંગ્રેજી ભાષાનો ઉપકાર તો હિંદુસ્તાનથી કેમ ભુલાશે ?

રહીમ અને પોલીસ અમલદારો ત્યાંથી ચાલ્યા ગયા. તેમણે શી વાતો કરી હશે તે સમજાયું નહિ; અરુણ અને જનાર્દનને સરઘસ ન કાઢવા માટે સમજાવવા તેઓ આવ્યા હતા એમ બધાને સ્વાભાવિક રીતે લાગ્યું.

તેમને જતા જોઈ કેટલાક યુવકો હસવા લાગ્યા. સરકારી અમલદારો અને પોલીસના નોકરો હસ્યપાત્ર તુચ્છ પ્રાણીઓ હોય એમ ઘણા દેશસેવકોને લાગે છે. એમ માન્યતા છેક ખોટી તો કેમ કહેવાય ? પરંતુ જનાર્દનને એવી તિરસ્કારવૃત્તિ ગમી નહિ. તિરસ્કારમાં જ હિંસાનાં મૂળ રહેલાં છે.

‘વિરોધીઓ પણ વહાલા લાગે એવું મન કેમ ન ઘડાય ?’

તેણે આખી રાત વિચારમાં જ ગાળી. સરઘસમાં જોડાનાર સર્વે લોકોને તેણે થોડી વાર સુવાડી આરામ આપ્યો; પરંતુ વિજયનાં દૃશ્યો રચતા નવજુવાનોને નીંદ શાની આવે ?