નવલકથાપરિચયકોશ/નિવેદન

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નિવેદન

એકત્ર ફાઉન્ડેશનના પ્રયોજક-સંયોજક શ્રી અતુલભાઈ રાવલે જાન્યુઆરી ૨૦૨૩માં ગુજરાતી નવલકથાપરિચયકોશનું ઈ-બૂક સ્વરૂપે પ્રકાશન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અતુલભાઈ રાવલે ઉપરોક્ત પ્રોજેક્ટ આની પહેલાં બીજા મિત્રોને સોંપેલો પણ કોઈ કારણસર એ પ્રોજેક્ટ પૂરો થઈ શક્યો નહીં. એ પ્રોજેક્ટને ફરી શરૂ કરવા માટે અતુલભાઈના પ્રસ્તાવને મેં સ્વીકાર્યો. શરૂઆતમાં, અતુલભાઈએ મને નવલકથાની એક યાદી મોકલી હતી. એ યાદીને મેં મારી યાદી બનાવવામાં ઉપયોગમાં લીધી છે. પ્રકાશન, સંકલન, સંપાદન અને અન્ય મહત્ત્વની વ્યવહારુ વિગતો વિષે અતુલભાઈ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ગુજરાતી નવલકથાપરિચયકોશના સંકલન-સંપાદનની શરૂઆત કરી. સૌ પ્રથમ, મેં ગુજરાતી નવલકથાસર્જનના ઐતિહાસિક આલેખ મુજબ પ્રત્યેક તબક્કાની મહત્ત્વની નવલકથાની યાદી તૈયાર કરી. સંપાદક તરીકે મારો દૃષ્ટિકોણ ગુજરાતી નવલકથાલેખનમાં આવેલાં પરિવર્તનો અને સ્થિત્યંતરોનું પ્રતિનિધિત્વ રજૂ કરે તેવી કૃતિઓ પસંદ કરવાનો હતો. માત્ર કલાત્મક પ્રયોગશીલ કે એક જ તબક્કાની પ્રતિનિધિત્વ ધરાવતી કૃતિઓ પસંદ કરવાનો દૃષ્ટિકોણ રાખ્યો ન હતો. વિષયવસ્તુ, રચનારીતિ, અને યુગચેતનાની ભૂમિકાએ વૈવિધ્ય ધરાવતા ગુજરાતી-નવલકથાલેખનનો એક ઇતિહાસ રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો ને મારા આ પ્રકલ્પને સૌ અધિકરણલેખક મિત્રોએ સુંદર આકાર આપ્યો છે. નવલકથાપરિચયકોશ માટેનો મારો દૃષ્ટિકોણ અધિકરણલેખકમિત્રોને નિમંત્રણમાં જણાવ્યો હતો. અધિકરણલેખનનું એક માળખું નિમંત્રણપત્રમાં સૂચવેલું જેથી અધિકરણો વચ્ચે એક સંવાદિતાનું નિર્માણ થઈ શકે. પરિચયકોશ માટે અધિકરણલેખનના માળખામાં માત્ર લેખકનો અને નવલકથાનો પરિચય એટલી જ વિગતો એકત્ર ફાઉન્ડેશનના પ્રયોજક-સંયોજક શ્રી અતુલભાઈ રાવલે મને નવલકથાપરિચયકોશની સંકલન-સંપાદનની જવાબદારી સોંપી તેનો મને આનંદ છે. અતુલભાઈનો હૃદયપૂર્વક આભાર. લેખક અને નવલકથાના પરિચયની સાથે અનિવાર્યપણે નવલકથાની રચનાપદ્ધતિ, ઘટકતત્ત્વો અને પસંદ કરેલ નવલકથા વિશે અન્ય વિવેચકનું મંતવ્ય એમ નવલકથાકૃતિની આંતરબાહ્ય ઓળખને કેન્દ્રમાં રાખી હતી. નિવેદન પૂર્વે મેં નિમંત્રણપત્ર પ્રગટ કર્યો છે તે વાચકમિત્રો ખાસ વાંચે તેવી વિનંતિ. આ નિમંત્રણપત્રમાં શબ્દમર્યાદા, પુરસ્કારની રકમ એમ બીજી બધી વિગતોનો પણ સમાવેશ કર્યો હતો. મેં લેખકમિત્રોને નિમંત્રણપત્ર મોકલ્યો તે પહેલાં અતુલભાઈને મોકલ્યો. મેં પુરસ્કારની જે રકમ સૂચવેલી તેમાં અતુલભાઈએ એક અધિકરણલેખનનો પુરસ્કાર બમણી રકમનો સૂચવ્યો. અતુલભાઈનું સૂચન વાંચીને મને ખૂબ આનંદ થયો. એમણે ફોન પર કહ્યું કે લેખકમિત્રોની સજ્જતા અને પ્રતિબદ્ધતાનું આપણે યથાશક્ય ગૌરવ કરીએ તે વાત મુખ્ય છે. ૩, ફેબ્રુઆરી ૨૦૨૩, શુક્રવારના રોજ મેં પસંદ કરેલ અધિકરણલેખકોને નિમંત્રણપત્ર વૉટ્સએપ નંબર મોકલ્યો હતો. એ ૩ ફેબ્રુઆરી, ૨૦૨૩થી શરૂ કરીને આજ તા. ૨૫ ઑગસ્ટ, ૨૦૨૩ સુધીમાં કુલ ૧૫૫ અધિકરણો મળ્યાં છે! આ સમયગાળા દરમ્યાન નવલકથા, અધિકરણલેખકોમાં સતત બદલાવ કર્યા છે. શરૂઆતમાં નિમંત્રણપત્રનો સ્વીકાર કરનારા ઘણા મિત્રો અધિકરણ મોકલી શક્યા નથી, તેવી પરિસ્થિતિમાં નવા અધિકરણલેખકોની શોધ કરી હતી. આ શોધમાં મને શ્રી મહેન્દ્રસિંહ પરમાર, શ્રી વિપુલ પુરોહિત, શ્રી અજયસિંહ ચૌહાણ, જેવા મિત્રોએ ખૂબ મદદ કરી છે. એ જ રીતે શ્રી અતુલભાઈ રાવલ, શ્રી દીપકભાઈ મહેતા, શ્રી અનંત રાઠોડ, શ્રી અજય રાવલ, શ્રી મોહન પરમાર, શ્રી મણિલાલ હ. પટેલ, શ્રી બીરેન કોઠારી, શ્રી સુનીલ જાદવ, દર્શનાબેન ધોળકિયા, શ્રી અશ્વિનભાઈ ચંદારાણા, સુશ્રી મીનાક્ષીબેન ચંદારાણા, જેવા મિત્રોએ નવલકથાનાં નામો મોકલ્યાં હતાં. તેમાંની મોટાભાગની નવલકથાઓનો અહીં સમાવેશ કર્યો છે. મારો દૃષ્ટિકોણ માત્ર મારી પસંદગીની કે માત્ર જે યાદી બનાવી હતી તેને જ અનુસરવાનો ન હતો. ખરેખર તો, મિત્રોએ સૂચવેલી નવલકથાઓનો સમાવેશ કરવાથી આ પ્રકલ્પ વધુ સમૃદ્ધ બન્યો છે. નવા લેખકમિત્રો અને નવલકથાઓનો સમાવેશ કરવાનું સૂચન કરનારા સૌ મિત્રોનો ખૂબ આભાર માનું છું. એ જ રીતે, કેટલાક મિત્રોએ શરૂઆતમાં કે મધ્યભાગે કે સાવ અંતે ન લખી શકવાનું જણાવ્યું તે કટોકટીના સમયમાં કેટલાક મિત્રો પોતાને સૂચવેલ ઉપરાંતની નવલકથા વિશે લખવાની સમ્મતિ આપી તે મિત્રોના ઉષ્માભર્યા સહકાર વિના આ પ્રકલ્પ પૂરો ના થઈ શક્યો હોત.. અધિકરણલેખન માટે વારંવાર મારી નમ્ર વિનંતિ પછી પણ અધિકરણ ન લખનાર મિત્રો સામે મારી કોઈ ફરિયાદ નથી. દરેક વ્યક્તિની પોતાની પસંદગીની પ્રાથમિકતા હોય છે, એ એમની સ્વતંત્રતા છે. પરંતુ મૅસેજનો જવાબ સુધ્ધાં ન આપવો તે કક્ષા સુધીની ઉદાસીનતા મને ક્યારેક બેચેન જરૂર કરતી પણ એવી ક્ષણે અન્ય મિત્રોનો સહકાર મળી જતો ને પ્રકલ્પ ફરી ગતિશીલ બનતો. એવો ઉષ્માભર્યો સહકાર આપનાર શ્રી મણિલાલ હ. પટેલ, શ્રી અજય રાવલ, શ્રી વિપુલ પુરોહિત, શ્રી પાર્થ બારોટ, શ્રી વેદાંત પુરોહિત, શ્રી મોહન પરમાર, શ્રી હસમુખ અબોટી, સુશ્રી ઇન્દુ જોશી, સુશ્રી નીતા જોશી, સુશ્રી મીનાક્ષીબેન ચંદારાણા, સુશ્રી સંધ્યા ભટ્ટ, સુશ્રી આરતી સોલંકી, સુશ્રી સુશીલા વાઘમશી, શ્રી પ્રેમજી પટેલ જેવા મિત્રોએ પ્રેમપર્વક અધિકરણો લખીને સહકાર આપ્યો છે. આ સૌ મિત્રોનો ખૂબ આભાર. અધિકરણલેખનનાં કાર્યમાં સિદ્ધહસ્ત અનેક વિવેચકોની સાથે ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના સંશોધક વિદ્યાર્થીમિત્રોને પણ જોડવાનું મારું સાહસ સફળ બન્યું છે. સર્વે સંશોધક વિદ્યાર્થીમિત્રોએ સ્વાધ્યાયની ગંભીરતા અને એમના માર્ગદર્શકનાં માર્ગદર્શનને અનુસરીને નિષ્ઠાપૂર્વક અધિકરણો લખ્યાં છે. એ સૌ મિત્રોનો ખૂબ આભાર અને શુભેચ્છાઓ. નવલકથાપરિચયકોશના વાચકમિત્રો પણ મારી પ્રતીતિ સાથે જરૂર સૂર પુરાવશે તેવી મને આશા છે. અધિકરણલેખનના આરંભે શ્રી અશ્વિનભાઈ ચંદારાણાએ પસંદ કરેલ નવલકથા અને અધિકરણલેખકોની એમ બે યાદીનું મિત્રભાવે ટાઇપિંગ કર્યું હતું. એ બે યાદી સંદર્ભસામગ્રી તરીકે વારંવાર મને ખૂબ જ ઉપયોગી થઈ છે. શ્રી અશ્વિનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. નવલકથાપરિચયકોશ માટે પહેલું અધિકરણ શ્રી માવજીભાઈ મહેશ્વરી પાસેથી મળ્યું હતું. અને એ પણ લેખન માટેની નક્કી કરેલી સમયમર્યાદા પ્રમાણે. શ્રી માવજીભાઈ મહેશ્વરીએ એમને સોંપેલ ત્રણ નવલકથામાંથી બે નવલકથાનાં અધિકરણો સમયસર તો લખી આપ્યાં પરંતુ ત્રીજી નવલકથા સાવ જ નબળી લાગે છે એવું જણાવીને અધિકરણલેખન નહોતું લખ્યું. શ્રી માવજીભાઈનો આ અભિગમ મને ખૂબ ગમ્યો. સંપાદકે નોંધ્યું છે ને તેને જ અનુસરવું એવો યાંત્રિક સ્વીકાર ન કર્યો. કેટલાક નવલકથાકાર મિત્રોએ એમની નવલકથાની નકલ સ્વખર્ચે મને મોકલી છે. તેમાં શ્રી માવજી મહેશ્વરી, શ્રી રાઘવજી માધડ, શ્રી હસમુખ અબોટી ‘ચંદન’નો હૃદયપૂર્વક આભારી છું. સદ્ગત શ્રી જયંત ગાડીતના સુપુત્ર શ્રી જાગૃત ગાડીત ‘સત્ય’ નવલકથાના ચાર ખંડ ભેટ સ્વરૂપે મને ઘેર આપવા આવ્યા હતા. શ્રી જાગૃત ગાડીતનો પણ ખૂબ આભારી છું અને શ્રી જયંત ગાડીતની ‘સત્ય’ નવલકથાના ચાર ખંડનું અધિકરણ લખવા માટે મારી વિદ્યાર્થિની સુશ્રી ઇન્દુ જોશીએ સહર્ષ મારું નિમંત્રણ સ્વીકાર્યું ત્યારે સર્જકપુત્રની અને અધિકરણલેખકની સાહિત્યપ્રીતિનો મને સરસ અનુભવ થયો. નવલકથા અધિકરણલેખન માટે પુષ્કર ચંદરવારકરની બે નવલકથા પસંદ કરી હતી પરંતુ જે લેખકમિત્રોને તે પ્રાપ્ય ન થઈ તેમાં શ્રી હસમુખ અબોટી ‘ચંદન’ને મેં વનુ પાંધીની નવલકથા વિશે લખવાનું કહેલું. શ્રી હસમુખભાઈએ આ નવલકથા મેળવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ ન મળી તેમ છતાં લખવા માટેનો એમનો ઉત્સાહ એવો ને એવો જીવંત હતો. મને મૅસેજમાં લખતા કે મારે લખવું જ છે અને અંતે એમણે એમના સ્વાધ્યાયક્ષેત્રની એક સાવ જ અજાણી નવલકથા વિશે લખવાની તૈયારી બતાવી. શ્રી નારણ દામજી ખારવા (ઝાલા)ની ‘અમાનત’ નવલકથા (પ્ર. આ. ૧૯૮૮) વિશે સુંદર અધિકરણ લખીને એમનો સાગરકેન્દ્રી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો. શ્રી હસમુખભાઈની પ્રતિબદ્ધતાને સાદર વંદન! સંશોધક વિદ્યાર્થીમિત્રોએ પણ નવલકથાઓ સ્વખર્ચે મંગાવીને એમની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા દર્શાવી છે. એક પણ સંશોધક-વિદ્યાર્થીમિત્રએ ક્યારેય ખર્ચની રકમ આપવાની વાત કરી નથી, તેનો ઇશારો પણ નહીં, ને ગંભીરતાથી લેખનકાર્ય સંપન્ન કર્યું છે. શ્રી અતુલભાઈ રાવલના સૂચનથી નવલકથાપરિચયકોશની પ્રિન્ટીંગ કૉપી, લે-આઉટ અને પ્રૂફની જવાબદારી શ્રી મહેશભાઈ ચાવડાએ સ્વીકારી તે અમારા માટે આનંદની વાત છે. શ્રી મહેશભાઈ ચાવડા ખૂબ જ ચીવટપૂર્વક અને સૂઝપૂર્વક હસ્તપ્રત તૈયાર કરે છે એ આપણે પ્રકાશનક્ષેત્ર સાથે જોડાયેલા મિત્રો જાણીએ છીએ. શ્રી મહેશભાઈ ચાવડાનો પણ ખૂબ આભાર. નવલકથાપરિચયકોશનાં સંકલન-સંપાદનનું કામ ફેબ્રુઆરી ૨૦૨૩માં શરૂ થયું ત્યારે હું વડોદરા હતો. તા. ૮મી જૂને હું અને દક્ષા અમારા દીકરા સાથે રહેવા માટે કેનેડાના ટૉરન્ટો શહેરમાં આવ્યાં. અમારો દીકરો મૃણાલ ટૉરન્ટો ડાઉનટાઉનમાં રહે છે. ચિ. મૃણાલે મને ટૉરન્ટોની પબ્લિક લાયબ્રેરીની માહિતી આપી. નવલકથાપરિચયકોશ અને મારા બીજા પ્રકલ્પો માટે ટૉરન્ટોની પબ્લિક લાયબ્રેરીનું વાતાવરણ ખૂબ જ પ્રોત્સાહક બન્યું. કોઈપણ જાતની વહીવટી વિધિ વિના માત્ર રીડર તરીકે તમે વિનામૂલ્યે લાયબ્રેરીમાં પ્રવેશ મેળવી શકો છો. લખવા-વાંચવા માટેનાં સાધનો, રૅકમાં ગોઠવેલાં હારબંધ પુસ્તકો અને અનેક દેશના – જુદી જુદી ભાષાના વાચકોની વચ્ચે ગુજરાતી ભાષાસાહિત્ય માટે કામ કરવાનો રોમાંચ સાવ અલગ જ છે. આજે અત્યારે આ નિવેદન લખું છું તે ટૉરન્ટોની પબ્લિક લાયબ્રેરીની ખુરશી પર બેસીને અને સરસ લાંબા ડેસ્ક પર આધુનિક સુવિધાઓ અને લેખન માટે સુંદર વાતાવરણ મને મળ્યું ને તે પણ સહજ રીતે તેને માટે ટૉરન્ટો પબ્લિક લાયબ્રેરીના સર્વે સ્ટાફ મિત્રોનો આભારી છું. વિદેશમાં પણ મારા સ્વાધ્યાયપ્રેમને જીવંત બનાવનારાં પ્રિય દક્ષા અને ચિ. મૃણાલ મારા પ્રકલ્પના સંપૂર્ણ સહભાગી છે તેનો મને સવિશેષ આનંદ. એ જ રીતે મારા પ્રકલ્પ સંદર્ભે જેમની સાથે ફોન પર, મૅસેજ દ્વારા અમે સતત સંપર્કમાં રહ્યા છીએ તે શ્રી અતુલભાઈ રાવલે મને પ્રેમભાવથી કાયમ સહકાર આપ્યો છે. અતુલભાઈના સહકાર વિના આ કાર્ય પૂરું કરવું શક્ય નહોતું. શ્રી અતુલભાઈ રાવલનો આનંદ સાથે આભાર માનું છું. અતુલભાઈની સાથે એકત્ર ફાઉન્ડેશનની પ્રવૃત્તિમાં યોગદાન આપનાર શ્રી રાજેશભાઈ મશરૂવાળાનો ખૂબ આભાર માનું છું. શ્રી અનંત રાઠોડે પ્રસ્તુત પરિચયકોશને સંલગ્ન સર્વે વહીવટી સેવાઓ પ્રેમપૂર્વક આપી છે. મિત્ર અનંતના સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરું છું. શ્રી અતુલભાઈ રાવલ પ્રેરિત એકત્ર ફાઉન્ડેશનનો આ પ્રકલ્પ અધિકરણલેખનની શિસ્ત સમેત પ્રગટ થશે તેમાં અધિકરણલેખકોનું યોગદાન કાયમ મોખરે રહેશે. અસ્તુ

તા. ૨૫મી ઑગસ્ટ ૨૦૨૩, શુક્રવાર જયેશ ભોગાયતા
ટૉરન્ટો પબ્લિક લાયબ્રેરી,
ટૉરન્ટો ડાઉનટાઉન
કેનેડા