નવલકથાપરિચયકોશ/વેવિશાળ

Revision as of 14:59, 15 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૪

‘વેવિશાળ’ : ઝવેરચંદ મેઘાણી

– શૈશવ દેસાઈ

ગુજરાતી સાહિત્યના અગ્રેસર સર્જકોમાં ઝવેરચંદ મેઘાણીનું નામ બહુ જ આદરપૂર્વક લેવામાં આવે છે. તા.૨૮ ઓગસ્ટ ૧૮૯૬ના દિવસે ચોટીલા (સૌરાષ્ટ્ર) ખાતે જૈન વણિક કુટુંબમાં તેઓનો જન્મ થયો હતો. તા. ૯ માર્ચ ૧૯૪૭ના રોજ ૫૦ વર્ષની વયે હૃદયરોગના હુમલામાં તેઓનું બોટાદ (સૌરાષ્ટ્ર) ખાતે નિધન થયું. તેઓનું શાળાનું ભણતર રાજકોટ, દાઠા, અમરેલી, બગસરાની સરકારી શાળાઓમાં થયું. ઈ. સ. ૧૯૧૬માં ભાવનગરની શામળદાસ આર્ટ્સ કૉલેજમાંથી તેઓ અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં બી.એ.(ઓનર્સ) થયા. એક સમર્થ ગુજરાતી કવિ, વાર્તાકાર, વિવેચક, લોકસાહિત્યના સંશોધક અને સંપાદક તેમજ અનુવાદક તરીકે ગુજરાતી સાહિત્યમાં તેમનું પ્રદાન ઘણું વિપુલ માત્રામાં જોવા મળે છે. તેઓએ સાહિત્યયાત્રી, વિલાપી, વિરાટ જેવાં ઉપનામ સાથે પણ પોતાની રચનાઓ પ્રગટ કરી હતી. સ્નાતકીય ભણતર પૂરું થયા પછી તેઓ કલકત્તાસ્થિત એક ખાનગી એલ્યુમિનિયમ કંપનીમાં નોકરીએ જોડાયા હતા. આ કંપનીમાં તેઓએ ત્રણ વર્ષ સુધી નોકરી કરી. નોકરીના સંબંધે તેઓને એક વાર ઇંગ્લૅન્ડ જવાનો પણ મોકો મળ્યો હતો. કલકત્તામાં તેઓએ પસાર કરેલા સમય દરમિયાન ગુજરાતી, અંગ્રેજી તેમજ બંગાળી સાહિત્ય ખૂબ જ વાંચ્યું. પોતાના વતનમાં પાછા ફરવાની તીવ્ર ઇચ્છાને કારણે ત્રણ વર્ષ પછી નોકરી છોડીને પાછા બગસરા આવીને રહ્યા. બગસરામાં સ્થાયી થઈ રાણપુરથી પ્રકાશિત થતા ‘સૌરાષ્ટ્ર’ નામના છાપામાં કોલમ લખવાની સાથે તેમની સાહિત્ય યાત્રા શરૂ થઈ. આગળ જતાં તેઓએ ‘સૌરાષ્ટ્ર’ છાપાના તંત્રી તરીકે ૧૩ વર્ષ કામ કર્યું. આ સમય દરમિયાન તેઓએ લોકસાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવતી રચના ‘સૌરાષ્ટ્રની રસધાર’નું સંકલન પણ કર્યું, જેને ખૂબ પ્રસિદ્ધિ મળી. તેઓનો પ્રથમ કવિતા સંગ્રહ ‘વેણીનાં ફૂલ’ પણ આ દરમિયાન પ્રકાશિત થયો. બંગાળી સાહિત્યનું વાચન વધતાં તેમને જે કૃતિઓ ગમી તેના અનુવાદ કરવાનું પણ આ સમય દરમિયાન તેઓએ ચાલુ કર્યું. તેઓએ રાજકોટથી પ્રકાશિત થતા ગુજરાતી અખબાર ‘ફૂલછાબ’માં પણ પોતાની વાર્તાઓ લખવાનું શરૂ કર્યું અને ખૂબ જ લોકચાહના પ્રાપ્ત કરી. (પાછળથી આ જ અખબારના સંપાદક તરીકે તેઓએ ઈ. સ. ૧૯૩૬થી ૧૯૪૫ સુધી કામ કર્યું.) દરમિયાનમાં તેઓનાં શૌર્ય ગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ પ્રગટ થયો, જેને આઝાદીની ચળવળમાં સક્રિય એવા યુવા વર્ગે ખૂબ જ ઉત્સાહથી વધાવી લીધો. આ શૌર્ય ગીતોને કારણે આઝાદીની ચળવળનો મિજાજ ખાસ્સો પ્રભાવિત થયો. અલબત, અંગ્રેજ સરકારે આ માટે તેઓની ધરપકડ કરી અને તેઓને (૧૯૩૦થી ૧૯૩૨) બે વર્ષ જેલમાં પણ વિતાવવાં પડ્યાં. ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન ગયા ત્યારે મેઘાણીએ ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી. આ રચનાથી તેમણે સમગ્ર ભારતનું ધ્યાન ખેંચ્યું હતું અને ગાંધીજીએ તેમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપ્યું. ફ્રેન્ચ કવિયિત્રી મેરી દ લેકોસ્ટના પ્રખ્યાત ‘સમબડીસ ડાર્લિંગ’ કાવ્યનો ભાવાનુવાદ શ્રી ઝવેરચંદભાઈએ ‘કોઈનો લાડકવાયો’ શીર્ષક હેઠળ કર્યો છે. આ ભાવાનુવાદ વિશ્વ પ્રસિદ્ધ છે અને એક શ્રેષ્ઠ રચના ગણાય છે. મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ અખબારમાં છપાતી તેઓની કોલમ ‘કલમ અને કિતાબ’ પણ ખૂબ જ પ્રસિદ્ધિ પામી. તેમને મળેલા સન્માનની વાત કરીએ તો ૧૯૨૮માં તેઓને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. ૧૯૪૬માં ‘માણસાઈના દીવા’ પુસ્તક માટે તેઓને મહિડા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા. ‘માણસાઈના દીવા’માં ગુજરાતના પ્રખર લોકસેવક શ્રી રવિશંકર મહારાજે લોકસેવાનાં જે ભગીરથ કાર્યો કર્યાં તેને લગતા અનુભવો અને પ્રસંગો રજૂ કરી એક મુઠ્ઠી ઊંચેરા માનવીની ગુજરાતને ઓળખાણ આપી. આ ઉપરાંત તેમની સાહિત્યસેવાની નોંધ રાષ્ટ્રકક્ષાએ પણ લેવામાં આવી અને ૧૯૯૯માં ભારતીય પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમની એક પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડવામાં આવી. તેઓનાં પ્રથમ લગ્ન ૧૯૨૨ની સાલમાં જેતપુર સ્થિત દમયંતી બહેન સાથે થયાં હતાં. દમયંતી બહેનનું ૧૯૩૩માં અવસાન થતા તેઓનાં બીજાં લગ્ન ચિત્રાદેવી સાથે થયાં હતાં. ઝવેરચંદ મેઘાણીનાં સંતાનોમાં શ્રી મહેન્દ્ર મેઘાણી, શ્રી જયંત મેઘાણી અને શ્રી અશોક મેઘાણી સાહિત્ય સાથે સંકળાયેલાં નામો છે. મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકાસંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ ગ્રંથ, તેમજ તેર જીવનચરિત્રની રચના કરી હતી. સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં બોલાતી તળપદી બોલી અને સૌરાષ્ટ્રના લોકોનો ખુમારીભર્યો મિજાજ તેમના લખાણમાં ખૂબ જ સરસ રીતે પ્રગટ થયેલો જોવા મળે છે. આજે પણ લોકસાહિત્યના ડાયરાઓમાં તેમની રચનાઓ બુલંદ અવાજે ગવાતી જોવા મળે છે. ગીરના જંગલમાં ૧૪ વર્ષની એક ચારણ કન્યા ડાલમથા (સાવજ) પાસેથી પોતાના વાછરડાને એક ડાંગની મદદથી કેવી રીતે છોડાવે છે તે તેમણે જાતે જોયેલા પ્રસંગ ઉપરથી રચેલું કાવ્ય ‘ચારણ કન્યા’ ખૂબ જ પ્રસિદ્ધિ પામેલું છે. ‘તુલસીક્યારો’, ‘યુગવંદના’, ‘કંકાવટી’, ‘સોરઠી બહારવટિયા’, ‘સૌરાષ્ટ્રની રસધાર’, ‘અપરાધી’, ‘વેવિશાળ’ વગેરે તેઓની ગુજરાતી સાહિત્યને મળેલી અણમોલ ભેટ છે. ‘વેવિશાળ’ ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ વખણાયેલી નવલકથા છે. ૧૯૩૮માં પહેલી વાર આ નવલકથા પુસ્તકરૂપે પ્રગટ થયેલી. અગાઉ આ નવલકથા આ જ શીર્ષક સાથે ‘ફૂલછાબ’ અખબારમાં હપ્તાવાર પ્રસિદ્ધ થયેલી. આ નવલકથામાં તે સમયમાં પ્રવર્તતા સામાજિક રિવાજો અને તેમાંથી ઉદ્ભવતી સમસ્યાઓનું સુંદર નિરૂપણ છે. બે નજીકનાં ગામડાઓમાં વસતા જૈન વણિક કુટુંબમાં સમજણ અને સહમતિથી તેઓના નાની ઉંમર ધરાવતા દીકરા(સુખલાલ) અને દીકરીનું (સંતોક-પાછળથી સુશીલા) વેવિશાળ નક્કી થાય છે. સમય જતાં દીકરીનું કુટુંબ ધંધાર્થે મુંબઈ સ્થિત થાય છે અને આર્થિક રીતે સદ્ધર બને છે. દીકરી શહેરના વાતાવરણમાં સારું ભણી ગણી અને સંગીત વગેરેમાં પારંગત થાય છે. પણ તેના વાગ્દત્તનું કુટુંબ ગામડામાં જ રહે છે અને આર્થિક રીતે થોડું નબળું પણ પડે છે. સુશીલાનો વાગ્દત્ત સીધો સાદો, માયાળુ અને લાગણીશીલ યુવાન છે પણ તેની વાગ્દત્તા જેટલો ભણેલો ગણેલો અને અન્ય કળાઓમાં પારંગત નથી. આ આર્થિક અને સામાજિક અંતરને કારણે દીકરીના કાકા આ વેવિશાળ ફોક કરવા મથે છે અને તેને લગતા અનેક પ્રસંગો અને પાત્રો આ ઘટનાક્રમમાં લેખકે નીરુપ્યાં છે. સુશીલા સમજુ અને ઠાવકી છે અને તેના કાકીએ આપેલા સંસ્કારને અનુસરી પૈસા અને ઐશ્વર્યમાં ચડિયાતા અન્ય માગા અવગણી માયાળુ, સમજુ અને પ્રેમાળ વાગ્દત્ત સુખલાલને જ પસંદ કરે છે. જોકે પછી તો સુખલાલ પણ આર્થિક રીતે સદ્ધર થતો લેખકે બતાવ્યો છે. વેવિશાળ તોડી નાખવાના અનેક પ્રયત્ન કરનાર પરિવાર માટેનો સુશીલાનો કડવાશ છોડી દેતો સમભાવ, તેના કાકી(ભાભુ)નું તેને મળતું પીઠબળ, સુખલાલના મામાના દીકરા(ખુશાલ)નો મળતો મજબૂત સહારો અને અન્ય પાત્રોની ખાસિયતો સાથેનું વૈવિધ્ય આ નવલકથાની વાર્તાનું મોટું જમા પાસું છે. વાર્તાનો પ્રવાહ વેગીલો છે અને સૌરાષ્ટ્રની તળપદી ભાષાનો લેખકે બહુ અસરકારક ઉપયોગ કર્યો છે. ૩૭ પ્રકરણમાં લખાયેલી આ વાર્તા વાચકને નિઃશંકપણે સ્પર્શી જાય તેવી છે. આ વાર્તાની પહેલી આવૃત્તિ ૧૯૩૮, બીજી આવૃત્તિ ૧૯૪૨, ત્રીજી આવૃત્તિ ૧૯૪૪માં પ્રકાશિત થઈ હતી ત્યારબાદ તેના ૧૫ પુનઃ મુદ્રણ થયાં છે. છેલ્લે ૨૦૨૦માં ચોથી સંવર્ધિત આવૃત્તિ ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા પ્રકાશિત થઈ છે. ઝવેરચંદ મેઘાણીના પુત્ર (યુ. એસ. એ સ્થિત) શ્રી અશોક મેઘાણી દ્વારા આ પુસ્તકનું ‘The Promised hand’ શીર્ષક હેઠળ અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. આ ઉપરાંત આ નવલકથાનું ભાષાંતર રશિયન તેમજ ચાઈનીઝ (મેન્ડેરીન) ભાષામાં પણ થયેલ છે. આ નવલકથાની બે લાખથી પણ વધારે કોપીઓ વેચાણી છે. આ નવલકથા ઉપરથી ત્રણ નાટકો અને બે ગુજરાતી ફિલ્મો પણ બન્યાં છે. રાજશ્રી પિક્ચર્સ, મુંબઈ દ્વારા તેઓનું ખૂબ જ વખણાયેલું હિન્દી પિક્ચર ‘મૈંને પ્યાર કિયા’નું વાર્તાબીજ ‘વેવિશાળ’ નવલકથા ઉપરથી લેવામાં આવ્યું છે.

શૈશવ દેસાઈ
બી.કૉમ, સી.એ.,
નિવૃત્ત ફાયનાન્સ એક્ઝેક્યુટિવ
વડોદરા
સાહિત્ય, વાચન અને લેખનપ્રેમી તેમજ વક્તા
મો. ૯૯૦૯૦૩૫૩૦૪
Email: desai.shaishav@yahoo.com