નવલકથાપરિચયકોશ/ઝંઝા

Revision as of 14:03, 19 December 2023 by Meghdhanu (talk | contribs)
૫૦

‘ઝંઝા’ : રાવજી પટેલ

– મણિલાલ હ. પટેલ

રાવજીની હયાતીમાં જ, ૧૯૬૬માં પ્રગટ થયેલી ‘ઝંઝા’ એની બીજી નવલકથા છે. ‘અશ્રુઘર’ની જેમ ‘ઝંઝા’ પણ સંવેદનકથા છે ને એ ઊર્મિસંવેદના એના નાયક પૃથ્વીની અંદર ઊઠતી નાની મોટી લાગણીઓની ડમરીઓનું તથા વિચારવંટોળોનું પરિણામ છે. પૃથ્વી પણ સત્યનો ગોત્રજ છે. પૃથ્વી નવલકથા લખવા માગે છે. પૃથ્વી સામાન્યજન નથી, સાહિત્ય-સંસ્કારનો એ નકરો માણસ છે, નિખાલસતા એનો સ્વભાવ છે. દંભ તો એની પાસે ઢૂંકી ય ના શકે. જ્યારે પોતે તો ધનિક બાપનો દીકરો છે અને બંગલો-ગાડી-વૈભવવાળો છે. દંભ તો ધનિકોના જીવનમાં રોજની વાત છે. પૃથ્વી તેમ કરી શકતો નથી. રોજના ગોઠવાયેલા જીવનમાં અને વ્યવહારવાણી વર્તનની બનાવટોમાં એ જીવી શકતો નથી. આથી એને અને એના ફેક્ટરી માલિક બાપને ઊભા રહ્યે ય બનતું નતી. પરિણામે પૃથ્વી ઘર છોડે છે. ‘ઝંઝા’નું કથાવસ્તુ પણ આછું-પાતળું છે અને એમાં કશું ય અપૂર્વ નથી. હા, વિશિષ્ટ છે એ તો એનું નિરૂપણ. પૃથ્વી અમદાવાદમાં રહે છે. એના બાપુજી ઉદ્યોગપતિ છે. વૈભવી બંગલો છે જેનું નામ છે ‘સંતોષ’. મમ્મી પ્રેમાળ છે. પણ પૃથ્વીને બાપુજી સાથે બનતું નથી. પૃથ્વીને પરણાવી દીધો છે પણ પત્ની આજ્ઞાનો સ્વભાવ એને પ્રતિકૂળ છે. કોર્ટમાં એણે છૂટાછેડા માટે અરજી કરી છે ને આનાથી ઘરકુટુંબની આબરૂનો ધજાગરો થાય છે એમ કહીને પિતાજી પૃથ્વી પર વધુ ચિડાય છે. પૃથ્વીને માથે સીધી કોઈ જવાબદારી નથી. હા, એણે પિતાજીને મદદ કરવા ફેક્ટરીએ જવાનું હોય છે. બસ! પણ પૃથ્વી મનમોજી છે. નોકરચાકરો સાથે એ વધુ ભળે છે. મમ્મી એને એમ કરતાં ટોકે-રોકે છે. ભત્રીજા-સંજય-રેવતી સાથે પૃથ્વીને ગમે છે પણ નોકર મંગો ય એને વ્હાલો છે. પૃથ્વી દંભ કે બનાવટ કરી શકતો નથી. ને ખુલ્લાશથી વર્તે છે. પણ બંગલા ‘સંતોષ’માં એની આવી ખુલ્લાશ માટે જાણે કે જગા નથી. અહીંના વૈભવી પણ ગોઠવાયેલા ઘરમાં એને ગોઠતું નથી. જાણે કે ગોઠવેલા સુખથી એ થાકી ગયો છે. વારસાગત મળેલા સંબંધોથી પણ એ ધરાઈ ગયો છે જાણે! આથી પૃથ્વી ઘર છોડે છે. ગુજરાતી નવલકથાના નાયકો માટે ‘ગૃહત્યાગ’ની વાત નવી નથી. ‘સરસ્વતીચંદ્ર’, ‘અનિકેત’ અને ‘કોણ’ના નાયકો પણ ગૃહત્યાગ કરે છે. પણ ‘ઝંઝા’નો નાયક પૃથ્વી ઘર છોડે છે એનું કારણ – કહો કે એનાં કારણો – આમ નોખાં છતાં વિચિત્ર છે. ‘સંતોષ’ છોડીને પૃથ્વી અમદાવાદમાં જ છેવાડાની કોઈ સોસાયટીમાં ભાડે ઓરડી રાખે છે. ત્યાં એની પડોશમાં ગુણવંતી નામની ‘પુરુષો માટેની સ્ત્રી’ એની અનેક પળોજણો સાથે રહે છે ને પડોશી પૃથ્વી સાથે એની લાગણીઓ તથા વેદનાઓ વહેંચે છે. નીચે મકાન માલિકની યુવાન તથા કૉલેજમાં ભણતી છોકરી ક્ષમા છે. પૃથ્વી ક્ષમાના પ્રેમમાં પડે છે. ક્ષમા પણ એના તરફ આકર્ષાઈ છે. બંને વચ્ચે ક્ષમાનો ભાઈ ઋજુલ વાતચીત આદિનું બ્હાનું કે માધ્યમ બને છે. ગુણવંતીનો બહુપુરુષ વ્યવહાર પણ ગવાતો રહે છે. પૃથ્વી, ચકલી, પોપટ પાળે છે. ટેપ વગાડે છે, ડાયરી લખે છે, રઝળે છે ને ભાગીદારીમાં દુકાન કરે છે. જરા મોજ પણ કરે છે. એનો કવિ મિજાજ અહીં ઊઘડે છે. ખુમારી સારુ એ ખુવારી વેઠતો ય લાગે છે. ક્ષમાના પપ્પા મિ. ભટ્ટ પણ ‘સામાજિક’ અને ‘કામગરા’ જીવ છે. બૈરામંડળની વાતો ય પૃથ્વી માણે છે. આમ, ‘સંતોષ’ કરતાં સાવ જુદું જીવન અહીં જિવાય છે. ત્યાં વળી ક્ષમાનું આનંદ સાથે લગ્ન થઈ જાય છે. પૃથ્વી પાછો અકળ લાગણી અનુભવતો દિલ્હી બાજુ રખડવા નીકળી જાય છે. ત્યાં એ મુસ્તુફા જેવા લબાડ – ગુંડાની હડફેટે તો ચડે છે પણ (અશ્રુઘરની લલિતા જેવી વેદનાસિક્ત છતાં સ્નેહાળ) વસતી વચ્ચે કર્પૂરી એને બચાવી લે છે – કર્પૂરીને ખ્યાલ આવે છે કે આ કોઈ લફંગો નહીં પણ સંસ્કારી જીવ ભૂલો પડી ગયો છે. કર્પૂરી એને ગાંઠની બચત ખરચીને અમદાવાદની ટિકિટ કરાવીને પાછો મોકલે છે. અમદાવાદ ‘સંતોષ’ પર દીકરાને પાછો આવેલો જોઈ મમ્મી રાજી થાય છે ને ભાડાની ઓરડીનો સામાન પાછો લાવી દેવા ઉતાવળી થાય છે. પૃથ્વીને ખબર પડે છે કે ક્ષમાનો પતિ હાર્ટપેશન્ટ હતો ને એ વિધવા થઈ છે. ત્યારે એ દુઃખી થાય છે. કથાને અંતે મમ્મીનો સંકેત છે કે ક્ષમા એને ઉમળકાથી મળી હતી... ને મમ્મીએ એને મન વિસારે પાડવા પોતાને ત્યાં બોલાવી ય છે. પૃથ્વી ઉતાવળો ઉતાવળો ઓરડીએ પહોંચી જાય છે ને ક્ષમાને વિધવા અવસ્થામાં જુએ છે... ઓરડીના સામાન સાથે પાછાં વળતાં એ ઘણી આશા સાથે ‘સંતોષ’ પામે છે. આમ, પૃથ્વી ‘સંતોષ’ છોડે છે ને એક જુદું રઝળપાટભર્યું જીવીને પાછો ‘સંતોષ’માં આવે છે, આ ગાળાની કથા છે ‘ઝંઝા’! ઘર છોડતા પૃથ્વીની માનસિકતા દેખીતી રીતે જ આધુનિક કથાનાયકોને મળતી આવે છે. પૃથ્વી ઘર છોડે છે ‘ગૃહત્યાગ’ કરે છે એને આ રીતે સમજાવી શકાય : – પૃથ્વી દુઃખની શોધમાં ઘર છોડે છે. – પૃથ્વી દાંભિક વ્યવહારોથી અને ગોઠવેલા સંબંધોથી થાકીને ઘર છોડે છે. – પૃથ્વી પોતે જ પોતાનું સુખદુઃખ રળી લેવા ચાહે છે. – પૃથ્વી રોજિંદા જીવનની એકવિધતાથી કંટાળીને ઘર છોડે છે. – પૃથ્વીને જોઈએ છે સાહજિક જીવન અને સાચુકલો પ્રેમ, અંદરનો ઉમળકો... જ્યારે ‘સંતોષ’માં એને દાંભિકતા તથા યાંત્રિકતા, એકવિધતા ઘેરી વળેલી છે. આનાથી બચવા પૃથ્વી ઘર છોડે છે. આપણે જાણીએ છીએ કે સર્જક રાવજી પટેલનો જીવન અનુભવ મુખ્યત્વે વિચ્છેદાવાનો રહ્યો છે. એની ઝંખા પણ સાચુકલા એવા જીવનસંવાદની રહેલી. આપણે જોયું કે ‘અશ્રુઘર’નો સત્ય પણ આ જ ભૂમિકાએ સંબંધોને ભરપૂર જીવવા ચાહે છે પણ મળે છે અભાવો કે છલના. પૃથ્વી પણ સંબંધાવા ચાહે છે. કૃત્રિમ કે ખોખલા સંબંધોથી થાકેલો એ રઝળપાટ દરમ્યાન નવા સંબંધો પામે છે ખરો પણ ગુણવંતીના ચરિત્ર દ્વારા એને ખ્યાલ આવે છે કે દરેક સંબંધ છેવટે તો પીડાનું કારણ છે. સંબંધો વિના માણસથી જિવાતું નથી અને સંબંધો વેદના આપ્યા વિના રહેતા નથી. આવા કઠોર જીવનસત્યને ‘ઝંઝા’માં વ્યંજિત કરી શકાયું છે. ‘અશ્રુઘર’નો સત્ય લાગણી-સંવેદનાની બાબતે આપણને આપણા ભીતર સાથે જોડતો હતો. ‘ઝંઝા’નો પૃથ્વી આપણને ભીતરનો પરિચય કરાવી બહારની દુનિયા સાથે પણ જોડે છે. બીજાઓ સુધી લઈ જાય છે. આ અર્થમાં ‘ઝંઝા’ એક ડગલું આગળ વધતી નવલકથા છે. ‘ઝંઝા’ ૨૫મી ફેબ્રુઆરીના ડાયરી લેખનથી શરૂ થાય છે ને સીધી ગતિમાં દિવસો વાર પ્રમાણે લખાતી ડાયરી રૂપે ૧૪મી જૂને પૂરી થાય છે. માંડ ચાર માસનો ગાળો છે. પણ ડાયરીનું માધ્યમ એવું છે કે એમાં પૃથ્વી બધું જ કહી શકે છે વિના સંકોચ! ડાયરીમાં મોકળાશ છે. ડાયરી નીરવ શાંતિ છે. ડાયરી જીભ છે, ડાયરી સંવેદનાનું હૃદય છે, ડાયરી જીવ છે, ક્રમશઃ ડાયરી કથારૂપ રચવામાં સફળ રહે છે. પ્રથમ પુરુષ એકવચનની રીતે થતું આ કથન વધારે પ્રમાણભૂત અને સંવેદનજન્ય અનુભવાય છે. ડાયરીમાં મોકળાશ હોવાથી કેટલોક પ્રસ્તાર પણ થયો છે. પણ ડાયરીલેખનને કથારૂપ આપવા લેખક સભાન છે. ‘સંતોષ’માં મમ્મી પપ્પાને છોડવા સાથે નવી સવી આવેલી પત્ની આજ્ઞાને ય છોડી છે જેની સાથે ચાલતો છૂટાછેડાનો કેસ આ દરમ્યાન જ પૂરો થાય છે. આજ્ઞા પૃથ્વીની પત્ની મટી જાય છે. રેવતી-સંજય અને મંગો-જ્હોની વગેરે પાત્રો પણ ‘સંતોષ’ સાથે જોડાયેલાં એટલાં જ પૃથ્વી સાથેય સંબંધાયેલા છે. ‘સંતોષ’ ત્યાગ અને ‘ઓરડી‘ના એકલવાસ દરમ્યાન પૃથ્વી જે જે સંવેદનાઓ અનુભવે છે અને નાની નાની ઘટનાઓ, રઝળપાટ દ્વારા જીવન તથા માનવો વિશે જે જે પ્રતિભાવો આપે છે અને ક્રિયાઓ સમેતની દૃશ્યાવલિઓ નોંધે છે તે છે ‘ઝંઝા’ નવલકથાનો સંવેદન વિસ્તાર. આ ઝંઝામય રઝળપાટમાં પૃથ્વી ગુણવંતી, ક્ષમા, મિ. ભટ્ટ, ઋજુલ, બૂચો, કર્પૂરી, પુરોહિત, આનંદ – જેવાં પાત્રોના પરિચયમાં-સંપર્કમાં મુકાય છે ને લાગણીઓ ય આંદોલિત થાય છે. ચકલી અને ‘ભાભીમજા’ બોલતો પોપટ તથા ટેપ પણ પાત્રોની ભૂમિકાએ આલેખાયાં છે. અહીં નિરૂપિત સંવેદનાઓ તથા વિચારવિશ્વ અને એની સાંકેતિક તથા કાવ્યત્વપૂર્ણ શૈલી ‘ઝંઝા’ને આધુનિક પરિવેશની નવલકથા બનાવે છે.

પ્રો. ડૉ. મણિલાલ હ. પટેલ
નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ,
અનુસ્નાતક ગુજરાતી વિભાગ,
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, ગુજરાત
કવિ, નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, ચરિત્રકાર, સંપાદક
‘દસમો દાયકો’
હાલ ‘સંચયન’ ઑનલાઇન એકત્ર ફાઉન્ડેશનના સંપાદક
મો. ૯૪૨૬૮૬૧૭૫૭, ૯૫૧૦૦૩૬૩૨૧
Email: manilalpatel911@gmail.com