નવલકથાપરિચયકોશ/ઘેરાવ

Revision as of 17:09, 22 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૪૦

‘ઘેરાવ’ : પ્રાગજીભાઈ ભામ્ભી
વાચકને આંદોલિત કરતી આંદોલનની કથા ‘ઘેરાવ’

– પ્રેમજી પટેલ

‘ઘેરાવ’, લે. પ્રાગજીભાઈ ભામ્ભી, પાર્શ્વ પબ્લિકેશન, પ્રથમ આવૃત્તિ ૨૦૦૯, પૃષ્ઠ : ૨૩૨

વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, લોકસાહિત્યવિદ અને વિવેચક એવા સાહિત્યકાર પ્રાગજીભાઈ ભામ્ભીનું નામ ગુજરાતી વાચકોને પરિચિત છે. ‘ઘેરાવ’ લેખકની બીજી નવલકથા છે. આ નવલકથાને એક વિવેચકે ‘પોલિટિકલ’ વિશેષણ પહેરાવ્યું છે. પ્રસ્તાવનામાં લેખકે નવલકથા ‘પ્રયોજનલક્ષી’ હોવાનું સ્પષ્ટ કર્યું જ છે. વાચક તરીકે તેને કળાકૃતિ રૂપે જોઈએ તો એ એક સફળ મેજર નોવેલ છે. ‘ઘેરાવ’માં કથાની દાંડી બે પલ્લાં દ્વારા સ્થિર કરવા – સંતુલિત રાખવા સરસ પ્રયાસ થયો છે. એક પલ્લામાં આંદોલનની વાત અને બીજામાં આંદોલિત થનાર, આંદોલન કરનાર સક્રિય એવાં પાત્રોની વાત ગૂંથતા ગયા છે. અને બંનેને અલગ પાડીને જોઈ શકાય તેમ નથી. તેમ છતાં એ બંને એકબીજાની સાથે સાપેક્ષે મૂકીને ત્રાજવાની દાંડી લેખક ‘કળાકૃતિ’ ઉપર સ્થિર કરી શક્યા છે. શીર્ષક ‘ઘેરાવ’ જોતાં – આ ઘેરાવવાળી વાત પ્રથમ જોઈએ. લાલ ઝંડાવાળાં સાધનોમાંથી મેદાનમાં ઠલવાતાં માણસો જોતાં અને તેમની ‘લાલસલામ’ ઝીલતા ઊભેલા મુખ્ય કૉમરેડ છગનભાઈ કૃતિનું મુખ્ય પાત્ર છે, કેન્દ્રબિંદુ છે. ગરિયા ગામના વતની તેઓ આંદોલનની ધરી છે. રેલીમાં ચાર-પાંચ હજાર માણસો આવ્યા, તેમની સામે પરતાપજી અને છગનભાઈએ કાર્યક્રમને અનુરૂપ ભાષણો કર્યાં. નારાઓ બોલતા કલેક્ટર કચેરી સુધી જઈ આવેદનપત્ર આપવા નીકળ્યા છે. સૌ ગરીબોને બી.પી.એલ. કાર્ડ મળે એટલો મુદ્દો છે. આવેદનપત્ર આપી કાર્યક્રમ પૂરો થાય છે. તે વિશેની ચર્ચા કરવા ગરિયા ગામે એક નાની મિટિંગ થાય છે. આગળના કાર્યક્રમ માટે સરકીટ હાઉસ ખાતે મિટિંગ કરી. ત્યાં ‘ઘેરાવ’ કરવાનો આગામી જલદ કાર્યક્રમ આયોજિત થયો. એ માટે ‘પ્રતિજ્ઞાપત્રો’ ભરવાનાં અને તેની રૂપરેખા ઘડવાનું કામ મંત્રી એવા પરતાપજીને સોંપ્યું. આમ, ટુકડીઓ પાડી અલગ અલગ ગામોમાં મિટિંગો થવા લાગી. વળી, તેનાંં લેખાં-જોખાં કરવા જિલ્લામાં મિટિંગો થઈ. ટૂંકમાં ‘ઘેરાવ’ માટે વાતાવરણ પ્રસરતું જતું હતું. એવા ઉનાળુ દિવસોમાં કૉમરેડ દીવાબેન બે દિવસ માંદગીમાં પટકાયાં, સાજાં થઈને ફરી કામે ચડ્યાં. જિલ્લામાં છગનભાઈ અને પરતાપજીએ જવાબદારી ઉપાડી લીધી. ઘેરાવનું નેતૃત્વ પ્રદેશ મંત્રી ઠાકોરભાઈ શાહે લીધું. ઘેરાવના દિવસે ગામેગામથી ટ્રેક્ટરો – અન્ય સાધનો મેદાનમાં ઠલવાતાં ગયાં. ખરા તાપમાંય હજારેકની સભા થઈ, રેલી રૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા. તાળું ખોલી કલેક્ટર બહાર આવ્યા. સંબોધીને પાછા કોટની અંદર જઈ તાળું લગાવડાવ્યું. ત્યારે બધાને છેતરાયાનો અહેસાસ થયો. તાળું તોડવા પ્રયાસ કર્યો, પોલીસે ધરપકડો કરી. પાંચ વાગ્યે છૂટ્યા. કાર્યક્રમ સફળ રહ્યો. હવે પછી ત્રણ દિવસનો ભૂખહડતાલ માટેનો કાર્યક્રમ યોજવાનું નક્કી થયું. એમાં કમુ અને દીવાબેને નામ નોંધાવ્યાં ત્યાં નવલકથા પૂરી થઈ છે. સામેના પલ્લે આંદોલનમાં જોડાયેલા સક્રિય ‘માણસો’ની વાતો છે. એ માણસોની બાહ્ય તેમજ આંતરિક વ્યક્તિમત્તાનો પરિચય લેખકે કળાસંયમ જાળવીને સચોટ કરાવ્યો છે. ત્રીજા પુરુષના કથનકેન્દ્રથી જીવન્ત કરતા જાય છે. આગેવાન કૉમરેડો, તેમની પત્નીઓ અને અન્ય ગૌણ પાત્રોનાં ચરિત્રોનો ઉચિત પરિચય થતો જાય છે. દરેક પાત્રની આગવી ઓળખ આપવામાં લેખકની કલમ સફળ રહી છે. કથાનું મુખ્ય પાત્ર ગરિયા ગામના છગનભાઈ ચૌહાણ વીસ વરસથી કૉમરેડ છે. આંદોલનની નાભિ છે. તે તેમાં વફાદાર અને મક્કમ છે, પણ માણસમાં જે મર્યાદાઓ હોય તે તેમનામાંય છે. કમુ તેમની પત્ની છે પણ વરસોથી ગરિયા આવી જ નથી. તેથી છગનભાઈનો લગાવ દીવાબેન તરફ છે. આમ પ્રણયત્રિકોણ તો નહીં પણ કાટકોણ જરૂર રચાય છે. જેના બેય છેડા ખુલ્લા છે. ત્રણેનો મનોસંઘર્ષ સતત આલેખાતો રહ્યો છે. કમુ વાચક સામે ખાસ તો છગનભાઈની સ્મૃતિ દ્વારા ઊઘડે છે. દીવાબેન અને ડાહ્યાભાઈ અનાજરૂપે ફંડ ઊઘરાવવાના બહાને કમુને પિયરગામ પરબતપુરા જાય છે ને પરિચય વધારે છે. કમુને મળ્યા પછી દીવા સંકલ્પ બદલે છે ડાહ્યાભાઈ તરફ તેને લાગણી છે. તેમના મનની વિવિધ રંગલીલા સર્જકે સચોટ ઉપસાવી છે. એવા જ બીજા આગેવાન નરપતસિંહ અને તેમના ‘લાડી’ તથા પુત્ર હિમ્મતસિંહ છે. તે જ રીતે પરતાપજી અને કેશરબાનું – એ જોડું પણ અલગ છાપ પાડે છે. તેમના સાળી, કોદરજીનાં પત્ની અશ્મીબા મશ્કરાં અને રમૂજી તરીકે સચોટ ઊપસ્યાં છે. બેયનું દામ્પત્ય નિર્મળતા સાથે પ્રગટાવ્યું છે. આ આઠ દસ પાત્રો સિવાયનાં ગૌણ પાત્રોની ઝલક પણ સરસ આપતા રહ્યા છે. જેઠીમા, શિવાજી, હિમ્મતસિંહ, શેઠ, ઈજુબેન, જગાભાઈ, જીવાભાઈ, દીતાબાઈ, સોમીબેન, કાન્તિભાઈ વગેરેની સાથે પ્રદેશમંત્રી ઠાકોરભાઈ, ચંદુભાઈ પટેલ પણ યથોચિત ઊપસી શક્યા છે. પચીસેક પાત્રોનું જીવન્ત આલેખન એ સર્જક તરીકેની ક્ષમતાનો પૂરો અંદાજ આપી શક્યા છે. કૃતિનો પ્રારંભ શિવરાત્રિ પછીના, મહાવદ ચૌદશના દિવસે થયો છે. ચૈત્રની પૂનમ પછીના અઠવાડિયે ‘ઘેરાવ’નો દિવસ છે. આમ કૃતિ દોઢ મહિના જેટલા સમયપટ ઉપર ગૂંથાઈ છે. આટલા ઓછા સમયગાળામાં આ બધું ખીલવવાનું અઘરું છે. નવલકથાનું વસ્તુ જોતાં થાય કે એમાં દેશની વસ્તીના મહદ્ ભાગનું – એંશી ટકાનું પ્રતિનિધિત્વ થાય છે. એ અર્થમાં દેશની વિવિધ ભાષાઓમાં અનુવાદ થાય તે જરૂરી લાગે છે. શુષ્ક વિષયના પડછે પાત્રોનાં આંતરદલ ખોલતા જઈ તેમના વ્યક્તિત્વની ફોરમ વાચક પામતો જાય છે, બધું સહજ ઊઘડે છે. સર્જકની કથનકળાની એ મોટી કસોટી છે, જેમાં આ સર્જક પાર ઊતર્યા છે. ગુજરાતીમાં પોલિટિકલ નવલકથાની દિશામાં લેખકનો આ પ્રયાસ મહત્ત્વનો બની રહેવાનો – એમાં બે મત નથી, નથી જ.

પ્રા. પ્રેમજી પટેલ
નિવૃત્ત અધ્યાપક
આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, તલોદ
(હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ)
લઘુકથાકાર, વિવેચક, સંશોધક, સંપાદક, નિબંધકાર, બાળવાર્તાકાર
મો. ૯૪૨૬૩૬૫૮૦૨
Email: premjipatel૮૦૨@gmail.com