નવલકથાપરિચયકોશ/અકૂપાર

Revision as of 17:11, 22 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૪૧

‘અકૂપાર’ : ધ્રુવ ભટ્ટ

– વીરેન પંડ્યા

‘અકૂપાર’, પ્રથમ આવૃત્તિ : ૨૦૧૦ પ્રકાશક : અમરભાઈ ઠાકોરલાલ શાહ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય-અમદાવાદ. નવલકથા પરથી નાટ્ય રૂપાંતર : ધ્રુવ ભટ્ટ; દિગ્દર્શન : અદિતિ દેસાઈ; નિર્માતા : જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશન અને ગૂજરાત વિદ્યાપીઠ ગાંધી થિયેટર. નવલકથા સર્જકનો પરિચય : ધ્રુવ ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના (હાલ બોટાદ જિલ્લાના) નિંગાળા ગામમાં પિતા પ્રબોધરાય અને માતા હરિસુતાને ત્યાં તા. ૦૮/૦૫/૧૯૪૭ના રોજ થયો હતો. નિંગાળા, જાફરાબાદ, કેશોદ એમ અલગ-અલગ સ્થળે રહેવાનું થતાં જુદાં-જુદાં ગામની શાળાઓમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. વાણિજ્ય શાખામાં બે વર્ષ સુધી ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કર્યા પછી ઔપચારિક શિક્ષણ પૂર્ણ કર્યું. ગુજરાત મશીન મેન્યુફેકચર્સમાં સેલ્સ સુપરવાઈઝર તરીકે વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરી, તેમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને લેખનપ્રવૃત્તિમાં કાર્યરત છે. પ્રવાસના શોખીન ધ્રુવ ભટ્ટ પત્ની દિવ્યાબેન સાથે કુદરતનાં સાંનિધ્યમાં અનેક સ્થળે વસવાટ કરી ચૂક્યાં છે. તેમનું કાયમી નિવાસસ્થાન આણંદ જિલ્લાના કરમસદમાં છે. દેવવ્રત અને શિવાની તેમનાં સંતાનો છે. ધ્રુવ ભટ્ટને ગુજરાત નવલકથાકાર તરીકે વિશેષ ઓળખે છે. તેમની પાસેથી ઊર્મિતંત્રને ઝંકૃત કરી મૂકે તેવાં ગીતો પણ મળ્યાં છે. નવલકથાકાર અને કવિ ધ્રુવ ભટ્ટને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ‘દર્શક’ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓનાં પારિતોષિકોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ધ્રુવ ભટ્ટ ગુજરાતી ભાષાના તો લોકપ્રિય સર્જક છે, સાથે જ મરાઠી, હિન્દી, અંગ્રેજી જેવી ભાષાઓમાં પણ તેમની કૃતિઓ અનુવાદિત થઈ છે. તેમની પાસેથી નીચે મુજબ નોંધપાત્ર કૃતિઓ મળે છે : નવલકથા/લઘુનવલ : ૧. ‘અગ્નિકન્યા’ (૧૯૮૮), ૨. ‘સમુદ્રાન્તિકે’ (૧૯૯૩), ૩. ‘તત્ત્વમસિ’ (૧૯૯૮), ૪. ‘અતરાપી’ (૨૦૦૧), પ. ‘કર્ણલોક’ (૨૦૦૫), ૬. ‘અકૂપાર’ (૨૦૧૧), ૭. ‘લવલી પાન હાઉસ’(૨૦૧૨), ૮. ‘તિમિરપંથી’ (૨૦૧૫), ૯. ‘પ્રતિશ્રુતિ’ (૨૦૧૭), ૧૦. ‘ન ઈતિ’ (૨૦૧૮), ૧૧. ‘આજુ ખેલે’ (૨૦૨૩). કવિતા : ૧. ‘ગાય તેનાં ગીત’ (૨૦૦૩), ૨. ‘શ્રુણવન્તુ’. કિશોરકથા : ૧. ‘ખોવાયેલું નગર’ (૧૯૮૪). પૌરાણિક કથાઓ : ૧. ‘અંતરિક્ષના આગિયા’ (૨૦૨૨). ભાવને ભાષામાં અભિવ્યક્ત કરવાની સર્જક પાસે નિરાળી સૂઝ છે. પોતાની અભિવ્યક્તિને અનુરૂપ ભાષા નિપજાવીને ધ્રુવ ભટ્ટ આગવું ભાવવિશ્વ રચે છે. બોલાતી ભાષાને લિપિબદ્ધ કરવાના સર્જકના પ્રયાસો તેમની કૃતિઓમાં જોવા મળે છે. જે-તે પરિવેશનો જાત-અનુભવ કરીને લખવા માટે ધ્રુવ ભટ્ટ જાણીતા છે. નવલકથાનું કથાનક : ‘અકૂપાર’ નવલકથામાં પોતાના એક પ્રોજેક્ટ માટે ગીર અને ઘેડનાં જુદાં જુદાં સ્થળોનાં ચિત્રો દોરવા માટે અજાણ્યા તળપદમાં આવી ચડેલા એક શહેરી કથાનાયકની હૃદયસ્પર્શી કથા છે. વડોદરા જેવા શહેરમાંથી આવેલા કથાનાયક તત્વરૂપા પૃથ્વીને ચિત્રિત કરતા-કરતા ગીર એટલે માત્ર સિંહ કે જંગલ નહીં, પણ ગીર પ્રદેશનાં તમામ પશુ-પંખી, વૃક્ષો, પર્વતો, મનુષ્ય એ બધાંનો સમૂહ એવું પામે છે. કથાના આરંભે ગીરને ખમા કહેતાં આઈમા અને કથાના અંતે ગીરને ખમા કહેતી મિતા વચ્ચે કથાનાયક પોતાનાં ચિત્રોના માધ્યમથી સેતુ બને છે. આ બે ખમા વચ્ચે ગીરનાં અનેક રૂપો કથામાં નિરૂપાયાં છે. ગીર સાથે એકાકાર એવાં આઈમા, સાંસાઈ, ધાનુ, લાજો, વિક્રમ જેવા પાત્રોના માધ્યમથી સાસણ, જામવાળા, બથેશ્વર, કડેલી, કાસિયાનેસ, અમરાપર, તાલાલા જેવાં સ્થળો જીવંત રીતે પ્રસ્તુત થયાં છે. સાસણના સિંહસદન અને પછી મુસ્તુફાની ઓરડીમાં રહેતા કથાનાયક દરરોજ ચિત્ર દોરવા માટે જુદાં-જુદાં સ્થળોની મુલાકાત લે છે અને એ નિમિત્તે અનેક સ્થાનિક પાત્રોના પરિચયમાં આવે છે. દરેક સ્થળ અને પાત્ર સાથે જોડાયેલી અલગ-અલગ કથાઓ કથાનાયકના માધ્યમથી અહીં એક સૂત્રે બંધાય છે. ચિત્ર દોરવા માટે સ્થળ અને પાત્રો સાથે ઓતપ્રોત થતાં-થતાં કથાનાયક જાણે ગીરનું જ એક અંગ હોય તેવી અનુભૂતિ કરવા લાગે છે. શરૂઆતમાં પોતાને ગીર સાથે કોઈ સંબંધ નથી એવું અનુભવતો નાયક કથાને અંતે પ્રાચી જાય છે. પ્રાચીમાં ગોરબાપા તેની વહીમાં જોઈને નાયકનું ગીર સાથેનું અનુસંધાન જોડી આપે છે. ત્યારે નાયક સાથે ભાવક પણ આશ્ચર્ય પામે છે. ગીરની સાથે જ ગોપાલભાઈ અને રવિભાના માધ્યમથી નાયક ઘેડ પ્રદેશમાં પણ ચિત્રો માટે જાય છે. ત્યાંના માછીમારોને વ્હેલ માછલીનો શિકાર ન કરવાની સમજણ આપવામાં સરપંચ રાણીબેન સાથે રહી સકારાત્મક પરિણામ લાવવામાં નાયક સફળ થાય છે. ગીરમાં પણ કુવાડિયો નામનું ઘાસ ઊગવા પાછળ સાંસાઈની ચિંતા સમજવી, સિંહ માટે ફાસલો ગોઠવનારાઓની તપાસમાં જોડાવું, આઈમાનાં ચિત્રો પૂરા કરવામાં મદદ કરવી, આઈમાને બદલે અમદાવાદ જઈ પ્રદર્શન સંભાળવું જેવી ઘટનાઓમાં નાયક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કોઈ પારંપરિત કથાની જેમ કોઈ પાત્ર સાથે બનતી ઘટનાઓનું જ ચિત્રણ અહીં નથી. જુદી જુદી અનેક ઘટનાઓમાં સીધી રીતે કે સાક્ષીરૂપે નાયક સંડોવાય છે અને કથા આગળ વધતી જાય છે. ગીરમાં પ્રવેશવા પરમીટ લેવાથી શરૂ કરીને ગીર પોતે બહાર જવાની રજા આપશે તો બીજે કામ કરીશ -એવું કહેતાં કથાનાયકની આ ગીરયાત્રા છે, જેમાં ઘેડ પ્રદેશ પણ એક નાનકડો મુકામ છે. પોતે ગીરમાં નિવાસ દરમિયાન દોરેલાં ચિત્રોનું સફળ પ્રેઝન્ટેશન કરીને અભિનંદન મેળવતા કથાનાયકના દૃશ્ય સાથે કથા પૂરી થાય છે. નવલકથાની લેખન પદ્ધતિ : ધ્રુવ ભટ્ટની મોટાભાગની નવલકથાઓની જેમ ‘અકૂપાર’ પણ દીપક દોશીએ ‘નવનીત સમર્પણ’માં હપ્તાવાર પ્રસિદ્ધ કરી છે. સત્યાવીસ પ્રકરણોમાં વહેંચાયેલી આ નવલકથાના કેન્દ્રમાં કથાનાયક છે. કથાનાયક આરંભથી અંત સુધી ગીર કે ઘેડના જે જે પ્રદેશોમાં વિચરે છે, ત્યાં ભાવકને પણ મનોયાત્રા કરવાનો મોકો મળે છે. પ્રથમ પુરુષ કથક દ્વારા જ કથા કહેવાઈ છે. તેથી નાયકની અંગત અનુભૂતિ સચોટ નિરૂપણ પામી છે. નાયકના ગીર પ્રવેશથી માંડીને ગીરના જ એક અંગ બની જવાની યાત્રા લેખકે કલાત્મક રીતે, છતાં સાહજિકતાથી નિરૂપી છે. કથાનાયક ચિત્રકાર છે. એ નાતે તેમણે જોયેલાં ગીરનાં દૃશ્યો ભાવક સમક્ષ આબેહૂબ ખડાં કરી શકે છે. જે-તે સ્થળ કે પાત્ર સાથે એકરૂપ થઈ અને ત્યાં બનેલી ઘટનાને અત્યારે જ બનતી હોય તે રીતે જોવાનો કથાનાયકનો આયાસ ભૂતકાળને પણ વર્તમાનમાં લાવી મૂકે છે. નાયક અને ગીર વચ્ચે દરેક પ્રકરણમાં વધતી જતી ઘનિષ્ઠતા, કથાના અંત સુધીમાં ચરમસીમાએ પહોંચે છે. નાયકની સાથે ભાવક પણ ગીર સાથે એકરૂપ થઈ જાય છે. નવલકથાની સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વો : ‘અકૂપાર’ આમ તો એક પ્રોજેક્ટ માટે જંગલમાં આવી ચડેલા યુવા-ચિત્રકારની કથા છે. પરંતુ ચિત્રો દોરવા માટે માત્ર બાહ્ય દર્શનથી કામ નહીં ચાલે તેવું અનુભવતો ચિત્રકાર, આ સૃષ્ટિ સાથે ઓતપ્રોત થતો જાય છે. થોડા મહિનાઓના ગીર અને અમુક દિવસના ઘેડ પ્રદેશના નિવાસની કથા અહીં ચિત્રકાર કથકની દૃષ્ટિએ આલેખાઈ છે. નાયક ચિત્રકાર હોવાની સાથે ભાષા પ્રત્યે પણ સભાન છે. ગીરમાં જુદી રીતે ઉચ્ચારતા ‘સ’ કે ‘ર’ અને ‘ય’ના મિશ્રણવાળા કેટલાંક ઉચ્ચારણો, ઘેડ પ્રદેશની જુદી બોલી કથાનાયકની સાથે ભાવકનું પણ લક્ષ ખેંચે છે. બંને પ્રદેશોને જીવંત કરવામાં પરિવેશનાં સુંદર વર્ણનોની સાથે સંવાદોમાં થયેલાં બોલીપ્રયોગની વિશેષ ભૂમિકા છે. બોલીમાં બોલાતા હોય પણ જેને લિપિમાં લાવવાનું સાહસ ન થયું હોય તેવાં કેટલાંક ઉચ્ચારણોને લિપિબદ્ધ કરવાનો પણ અહીં પ્રયાસ થયો છે. ગીરમાં વસતાં ભલાભોળાં માનવીઓ અને તેનું સમગ્ર જંગલ સાથેનું ઐક્ય આ કથામાં નિરૂપણ પામ્યું છે. એન્જિનને નાળિયેર વધેરતી ગીરની સ્ત્રીઓ, પોતાની પ્રિય ગાયનું મારણ કરનાર સિંહણને અવૈર નજરે જોતી લાજો, ગીરને ગીર રાખવા પોતાના પતિને પણ છોડીને સદાય જાગ્રત સાંસાઈ, ગીરના જ માનવદેહ સમાં આઈમા, રતનબા, આબેદા, સંશોધન માટે આવેલી ડોરોથી, બારાની સરપંચ રાણીબેન જેવાં સ્ત્રીપાત્રો; તો ડુંગરાઓનાં લગ્ન કરાવનાર રવાઆતા, મહેમાનને બચાવવા સિંહ સામે પોતાની જાત ધરી દેતો ધાનુ, પાડી બચાવવા દીપડા સાથે બાંધણું કરતો દાનોભાઈ, મુસ્તુફા, અહેમદ, અબૂ જાફર જેવા ગીરના રખેવાળો, જંગલ ખાતાના અધિકારીઓ, દિવાકરન જેવો રેલવે અધિકારી, ગોપાલભાઈ અને રવિભા જેવા ગીરના ચાહકો, વિક્રમ જેવો કિશોર આવાં અનેક પુરુષપાત્રો; સિંહ, દીપડો, હરણ, ગાય, ભેંસ, હીરણ નદી, ડુંગરો, વૃક્ષો એવી અનેક માનવેતર સૃષ્ટિ કથામાં ગીરને જીવંત કરે છે. સાદી-સરળ ભાષામાં ગીરના લોકોને પ્રાપ્ત થયેલું સહજ દર્શન અહીં એટલી જ સહજતાથી આલેખન પામ્યું છે. સૃષ્ટિ-સંતુલનની અદ્ભુત સમજ અને સૂઝ ગીરમાં વણાઈ ગયેલી જોઈ શકાય છે. ગીર એ માત્ર રહેવાનો કે અધિકાર જમાવવાનો પ્રદેશ નથી, પણ અનુભવવાનો પ્રદેશ છે – તે વાત કથામાંથી સહજ રીતે સમજાય છે. આ માત્ર જંગલ કે સિંહ પૂરતી સીમિત જગ્યા નથી, તેથી ગીરનાં લોકો માને છે તેમ ગીર હંમેશાં અજરઅમર રહેવાની છે. નવલકથાનો પ્રકાર : ‘અકૂપાર’ પ્રકૃતિચિંતન રજૂ કરતી નવલકથા છે. અહીં સહજ-સરળ રીતે માનવ અને પ્રકૃતિ વચ્ચેના ઐક્યનું નિરૂપણ થયું છે. સૃષ્ટિ સંતુલન અંગેના ભણતરથી અભાન માલધારીઓ પાસે સૃષ્ટિ સંતુલનનું આગવું દર્શન છે. અહીં રેલવે એન્જિનને જીવતો-જાગતો દેવ માનતી સ્ત્રીઓ છે, તો પોતાનાં ઢોરને મારનાર સિંહણનું પેટ ઠરે તેવું કહેનાર લાજો છે, મહેમાનની ભૂલ છતાં સિંહની આડે ઊભા રહી મહેમાનને બચાવનાર ધાનુ છે, ગીરમાં સંશોધન કરવા આવેલી વિદેશી કન્યા ડોરોથી છે, ‘કાંક હોય તો કાંક આવે’ કહેતો વિક્રમ છે, ડુંગર પરણાવનાર રવાઆતા છે, ગીરને ‘ખમ્મા’ કહેતાં આઈમા છે, ગીર માટે એક શબ્દ પણ ન સાંખી લેનાર સાંસાઈ છે અને આ સૌને પોતપોતાનું આગવું દર્શન છે! કોઈ શિક્ષિત માણસને જે સમજવા માટે અનેક ગ્રંથોનો સહારો લેવો પડે અને એ પછી પણ સમજાય તો સમજાય. તેવું દર્શન અહીં સામાન્ય લોકોને સહજતાથી સાંપડ્યું છે. કદાચ પ્રકૃતિના સતત સહવાસથી આવું દર્શન તેઓ સહજતાથી પામી શક્યા છે. પ્રકૃતિચિંતનને કથાના માધ્યમથી રજૂ કરવામાં લેખક અહીં સફળ રહ્યા છે. નવલકથા વિશે વિવેચક : “...લેખકની વર્ણનરીતિ પ્રવાસીનાં નિરીક્ષણોના સંયોજન જેવી છે. પણ પાત્ર મળે છે ત્યાં કથારસ જાગે છે. અહીં પાત્રોમાં માણસો તો છે જ. અગાઉ જે ગૌણ જણાતાં હતાં એ બધાં જ અહીં અગત્યનાં છે. માણસોની જેમ સિંહ-સિંહણ, હરણ, પર્વત, નદી, વૃક્ષ બધાં જ પાત્રત્વ પામે છે. શરૂઆતથી જ એક છોકરી એના વિલક્ષણ વ્યક્તિત્વને કારણે ધ્યાન ખેંચે છે. પછીનાં પ્રકરણોમાં એનું નામ જાણવા મળે છે : ‘સાંસાઈ’ ...સાંસાઈ અગાઉ અજાણી છોકરી તરીકે કથાનાયકને ભૂતિયા વડ સુધી લઈ જાય છે. આ વાર્તાકથક ચિત્રકાર છે, લેખકનાં નિરીક્ષણો અને અનુભવોને રજૂ કરનાર અધિકૃત પ્રવક્તા છે... ...ગીર સાથે આત્મીયતા કેળવાય એ હેતુની ગોપાલ અને રવિ દ્વારા યોજાયેલી શિબિરનો પણ એક સંયોજક સૂત્ર તરીકે સફળ ઉપયોગ થયો છે. એ બાલિકાઓનું વર્તન, એમના લહેકા, સ્વરવ્યંજનના ઉચ્ચારો બધું જ સભાનપણે ચિત્રકાર એવા કથકની નજરે નોંધાયું છે. સાંસાઈ ‘સ’નો જે ઉચ્ચાર કરે છે એને લિપિના કયા અક્ષરમાં વ્યક્ત કરવો? આ મુદ્દાની રસપ્રદ ચર્ચા શિબિરના સંચાલકો સાથે થાય છે... દરેક સર્જકે ગાંઠે બાંધી લેવા જેવું છે આ વાક્ય – ‘પોતપોતાનું લખવાનું સરખું કરો.’ આમ લખવાનો ધ્રુવભાઈને હક છે. આ કૃતિને ગીરનું ગાન પણ કહી શકાય.” – ૨ઘુવીર ચૌધરી (“ગીરની આત્મ-કથા ‘અકૂપાર”, ‘દિવ્ય ભાસ્કર’ની ‘વિશેષ’ પૂર્તિમાં તા. ૨૪/૦૮/૨૦૧૦ના રોજ પ્રગટ થયેલા લેખમાંથી)

સંદર્ભગ્રંથ : ૧. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ગ્રંથ : ૮ (ગુજરાતી સાહિત્ય પરિષદ - અમદાવાદ) ૨. ચૌધરી, રઘુવીર. “ગીરની આત્મ-કથા ‘અકૂપાર”’ ‘દિવ્ય ભાસ્કર’ની ‘વિશેષ’ પૂર્તિ; તા. ૨૪/૦૮/૨૦૧૦ ૩. ચૌધરી, સંજય. ‘ગીર, તેના પર્યાવરણ અને સમાજજીવનને સમજતી અને આલેખતી નવલકથા ‘અકૂપાર’, ‘પરબ’, ઓગસ્ટ-૨૦૧૨, પૃ. ૪૨ ૪. વ્યાસ, કિશોર. ‘અજરામર ગીરના સામર્થ્ય અને સંબંધની કથા’, ‘પરબ’ મે-૨૦૧૧, પૃ. ૭૪

પ્રા. ડૉ. વીરેનકુમાર ય. પંડ્યા
આસિસ્ટન્ટ પ્રોફેસર (GES-૨) અને અધ્યક્ષ ગુજરાતી વિભાગ,
ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગઢડા (સ્વા.)
મો. ૯૪૨૮૪૩૧૮૧૬
Email: veeren.pandya@gmail.com