નવલકથાપરિચયકોશ/ભદ્રંભદ્ર

Revision as of 15:24, 24 December 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૧

‘ભદ્રંભદ્ર’ : રમણભાઈ નીલકંઠ

– બીરેન કોઠારી
Bhadrambhadra.jpg

ગુજરાતી સાહિત્યની આ પહેલવહેલી હાસ્યનવલકથાના લેખક ભલે રમણભાઈ મહીપતરામ નીલકંઠ રહ્યા, પણ પુસ્તકમાં તેમનું નામ ‘લેખક’ તરીકે નહીં, ‘પ્રસિદ્ધ કરનાર’ તરીકે લખાયું છે. ‘ભદ્રંભદ્ર : એ મહાપુરુષના જીવનચરિત્રનો કેટલોક ઇતિહાસ’ના ‘લખનાર’ તરીકે નામ છે ‘તેમનો શિષ્ય અને ભક્ત વિ. અંબારામ વિ. કેવળરામ અવટંકે મોદકીઆ, જ્ઞાતિ શુદ્ધ બ્રાહ્મણ, વય : ૩૭ વર્ષ, માસ, ૨ દિવસ, સવા છ ઘટી (ચૈત્રી પંચાંગ), ઊંચાઈ : (સુતારીઆ) ગજ ૨, તસુ પોણા ચોવીસ.’ ‘એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.; મુંબઈ’ દ્વારા ઈ. સ. ૧૯૦૦માં જેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી એ ‘ભદ્રંભદ્ર’ના આલેખનમાં લેખકે આ પાત્રનું જીવનચરિત્ર પોતે નહીં, પણ ભદ્રંભદ્રના શિષ્ય અંબારામની કલમે લખાવવાની રીતિ અપનાવેલી છે. આ કારણે ‘લેખક’ તરીકે અંબારામ અને ખરેખરા લેખક રમણભાઈનું નામ ‘પ્રસિદ્ધ કરનાર’ તરીકે મૂકવામાં આવ્યું છે. આટલું ઓછું હોય એમ, ‘ગ્રન્થકર્તાની પ્રસ્તાવના’ પણ ‘વ. અ. વિ. કે. અ. મો.’ એટલે કે અંબારામના નામે લખાઈ છે. આમ, આ નવલકથા વાંચતાં પહેલાં જ વાચક નવલકથાની સૃષ્ટિમાં પ્રવેશી જાય છે. પ્રાર્થનાસમાજના મુખપત્ર એવા માસિક ‘જ્ઞાનસુધા’માં આ નવલકથા ધારાવાહિક સ્વરૂપે પ્રથમ પ્રકાશિત થઈ હતી, જેના તંત્રી ખુદ રમણભાઈ જ હતા. પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં રમણભાઈએ આ બાબત નોંધતાં લખ્યું છે : ‘આ ઇતિહાસનો લેખ પ્રસિદ્ધ કરવા સારુ રા. અમ્બારામે આપ્યાથી પ્રથમ કકડે કકડે માસિક પત્ર ‘જ્ઞાનસુધા’માં તે છાપવામાં આવેલો. હાલ આખું પુસ્તક પ્રસિદ્ધ કરતાં તેમણે કૃપા કરી પ્રકરણો પાડી આપ્યાં છે તથા રચનામાં કેટલોક સુધારોવધારો કરી આપ્યો છે.’ આમ, લેખકે આ કૃતિના કર્તા તરીકે અંબારામને જ ઉલ્લેખ્યા છે, જે આ કૃતિનું એક મુખ્ય પાત્ર છે. આ કૃતિને વાંચતાં પહેલાં તેના કથાનકની પશ્ચાદ્ભૂ જાણવી આવશ્યક છે. સુધારાના હિમાયતી રમણભાઈ પોતાના જીવનની ત્રીસીની શરૂઆતમાં હતા એ જમાનામાં પરંપરા અને સુધારા વચ્ચે યુદ્ધરેખા અંકાયેલી હતી. અમદાવાદમાં રમણભાઈ સમાજસુધારાની આક્રમક હિમાયત કરતા હતા, જ્યારે નડિયાદમાં કેટલાક નામી સાક્ષરો સુધારાને ભ્રષ્ટ ગણીને પરંપરાને ચુસ્તપણે વળગી રહેવા માટે કટિબદ્ધ હતા. પંડિતયુગના પ્રતિભાશાળી લેખક એવા રમણભાઈએ આ યુદ્ધમાં પરંપરાગત આયુધો ઉપરાંત હાસ્યકટાક્ષને કામે લગાડવાનું નક્કી કર્યું. તેમાંથી સર્જાયું ભદ્રંભદ્ર જેવું અમર પાત્ર અને ગુજરાતી સાહિત્યને પહેલી હાસ્યનવલકથા મળી. રૂઢિચુસ્તોની ધર્મજડતાની, તેમના આત્યંતિક આગ્રહોની ઠેકડી ઉડાડવા માટે ભદ્રંભદ્રનું પાત્ર રચવામાં આવ્યું, જે અમર બની રહ્યું છે. ‘ભદ્રંભદ્ર’માં રમણભાઈનો મુખ્ય આશય હાસ્યસાહિત્યને એક નવલકથા આપવાનો નહીં, પણ રૂઢિચુસ્ત જડતાનાં પ્રતીક સમાં કેટલાંક જીવિત પાત્રો પર કટાક્ષનાં તીર વરસાવવાનો હતો એમ લાગે. આ નવલકથામાં તેમણે ઘણાં વાસ્તવિક પાત્રોને ઝપટમાં લીધાં, અને એવાં પાત્રો ઊભાં કર્યાં કે જેમને એ વખતના લોકો સહેલાઈથી ઓળખી શકે. કેટલીક વાર તો તાજા બનાવોને પણ તેમણે ચાલુ કથામાં વણી લીધા. નડિઆદના વિદ્વાન છતાં રૂઢિચુસ્ત સાક્ષરો અને તેમનો સંસ્કૃતમય ગુજરાતીનો આગ્રહ ‘ભદ્રંભદ્ર’નાં પાત્રો તથા ભદ્રંભદ્રની ‘શુદ્ધ’ ભાષા માટેની મુખ્ય પ્રેરણા બન્યો હતો. નડિઆદના અગ્રણી સાક્ષર મનઃસુખરામ ત્રિપાઠી માટે એવી વાયકા હતી કે ટપાલી ‘મનઃસુખરામ’ને બદલે ‘મનસુખરામ’ કહીને બૂમ પાડે તો એ સાંભળે જ નહીં અને ટપાલ સ્વીકારે જ નહીં. આવા સાક્ષરો દ્વારા બોલાતી સંસ્કૃતપ્રચુર ભાષાને રમણભાઈએ હાસ્યના ઓજાર તરીકે વાપરી. તેમાં વપરાયેલા ‘અગ્નિરથસ્થાપનસ્થલ’, ‘શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા’, ‘પ્રશ્નસ્ય અનૌચિતમ’ જેવા અનેક શબ્દપ્રયોગો એ હદે લોકજીભે ચડી ગયા છે કે તેમને સંદર્ભ વિના પણ એ સમજી શકાય. આવાં અનેક કારણોને લીધે પુસ્તક પ્રગટ થયું ત્યારે તેને આવકાર મળ્યો એટલી જ તેની ટીકા પણ થઈ. ખાસ કરીને તેમાં રહેલી વ્યક્તિલક્ષી ટીકાઓ ઘણા સુજ્ઞજનોને ગમી નહીં. રમણભાઈ નીલકંઠની પછીની પેઢીના હાસ્યકાર જ્યોતીન્દ્ર દવેએ ઉપોદ્ઘાતમાં નોંધ્યું છે : ‘આનંદશંકર ધ્રુવ સમા સમભાવી ને તટસ્થ વિવેચક પણ આની ગુણસમૃદ્ધિ જોઈ શક્યા નથી અને એને છેક ઊતરતી પંક્તિનું ગણી કાઢ્યું છે.’ ખુદ જ્યોતીન્દ્ર લખે છે : ‘સાહિત્યકાર રમણભાઈ પર, સુધારક રમણભાઈ વિજય મેળવે છે.’ અલબત્ત, તેમણે અંતમાં એ પણ નોંધ્યું છે : ‘ભદ્રંભદ્ર એ વિશેષમાંથી સામાન્ય નામ બની ગયું છે. સંસ્કૃતમય ભાષા માટે ‘ભદ્રંભદ્રીય’ એવા વિશેષણનો પ્રયોગ પણ આપણી ભાષામાં દાખલ થયો છે. કોઈ પણ કથાનાયકનું સંજ્ઞાવાચક નામ સામાન્ય ભાવ પામી કોઈક ગુણવિશેષનું વાચક બને ત્યારે એ કથાનો નાયક કથાની દુનિયા કરતાં બહુ મોટી દુનિયાનો નિવાસી બને છે ને અમરપદ પ્રાપ્ત કરે છે.’ મિથ્યાભિમાન અને સગવડીયાપણું ભદ્રંભદ્રના પાત્રની લાક્ષણિકતા છે. પોતાના સગવડીયાપણાને તેઓ સનાતન ધર્મ અને શાસ્ત્રોના વાઘા પહેરાવવાનો પ્રયત્ન કરે છે. તેમના શિષ્ય અંબારામનો મુખ્ય રસ વિવિધ પ્રકારના, મુખ્યત્વે ભોજનલાભનો છે. ભદ્રંભદ્રના શિષ્ય હોવાનો દાવો કરીને તેઓ તેમનું સમર્થન કરે અને તેના માટે સગવડીયો આધાર શોધી કાઢે છે. સમગ્ર નવલકથામાં આ મુખ્ય ધરી છે. મુમ્બઈના માધવબાગમાં સુધારા વિરુદ્ધ મળનારી સભામાં જવા માટે ભદ્રંભદ્ર અને અંબારામ આગગાડીમાં જવા નીકળે છે. અહીંથી આરંભાતી કથામાં આગળ જતાં અદાલત, જેલ, નાતસભા જેવી વિવિધ પરિસ્થિતિઓમાં ભદ્રંભદ્ર મુકાય છે. કથાના અંતે તેમને જેલમાંથી છૂટતા તેમજ ‘અશ્વભ્રષ્ટ’ થતા બતાવાયા છે. આમ, સામાન્ય લાગતી પરિસ્થિતિઓ અને પ્રસંગોમાંથી સતત હાસ્ય નિષ્પન્ન થતું રહે છે. આ કથામાં હાસ્યની વિવિધ પ્રયુક્તિઓ રમણભાઈએ પ્રયોજી છે. તેમાં સ્ત્રીપાત્રનો અભાવ છે. ઘણી વાર તેમાં સ્થૂળ હાસ્ય જણાય. જુદી જુદી બોલીઓ, અલંકારપ્રચુર અને અત્યાંકનયુક્ત વર્ણનો, શાસ્ત્રોને ટાંકીને થતી મૂંઝવી નાખતી દલીલબાજી વગેરે શરૂઆતમાં રમૂજ પ્રેરે છે, તેમ તે પુનરાવર્તિત થતાં ક્યારેક કંટાળો પણ નીપજાવતી હોવાનું જ્યોતીન્દ્રે નોંધ્યું છે. આ નવલકથા બાબતે જ્યોતીન્દ્રનું સૌથી માર્મિક અવલોકન આ કહી શકાય : ‘ભદ્રંભદ્ર દ્વારા રમણભાઈ નીલકંઠે એક કાંકરે બે પંખી મારવાનો પ્રયાસ કર્યો છે. તે હાસ્યસર્જનની સાથે સુધારાની પ્રવૃત્તિને પણ વેગ આપવા ઇચ્છે છે. પણ એમ કરવા જતાં કેટલીક વાર એ બેમાંનું એક પક્ષી ઊડી જાય છે ને ઘણી વાર એ ઊડી જનાર તે ચકોર વિનોદપંખી હોય છે.’ ૧૯૧૫માં પ્રકાશિત રમણભાઈના પુસ્તક ‘હાસ્યમંદિર’માં વિવિધ હાસ્યલેખો તો છે જ, પણ તેના આરંભિક ભાગમાં તેમણે કરેલી હાસ્યમીમાંસા તેમની હાસ્યની સમજ દર્શાવે છે. આજે પણ એ હાસ્યના ચાહકોને માર્ગદર્શન પૂરું પાડી શકે એટલી પ્રસ્તુત છે. આથી કહી શકાય કે ‘ભદ્રંભદ્ર’માં તેમણે પ્રયોજેલાં વિવિધ ઓજાર અનાયાસે નથી, બલ્કે પૂરી સમજણ સાથે એમ કરાયું છે. આ નવલકથાની ૧૯૧૮માં પ્રકાશિત ત્રીજી આવૃત્તિમાં રવિશંકર રાવળે દોરેલાં ચિત્રો પણ મૂકવામાં આવ્યાં હતાં. અત્યાર સુધીમાં ‘ભદ્રંભદ્ર’નાં ૧૨ મુદ્રણો થયાં છે, જે તેનું કાળજયીપણું સૂચવે છે. પ્રથમ આવૃત્તિને સવાસો વર્ષ થવા આવ્યાં, છતાં ભદ્રંભદ્રનું પાત્ર લોકહૃદયમાં હજી જીવંત છે, એટલું જ નહીં, ‘સંભવામિ યુગે યુગે’ની જેમ તે સમયાંતરે અવતરતું રહ્યું છે. ‘ભદ્રંભદ્ર’ના આગમનથી સુધારાની અને પરંપરાની છાવણીઓ વચ્ચેના યુદ્ધનો નવો રાઉન્ડ શરૂ થયો. ‘વિદ્યાર્થી જીવન’ સામયિકના પ્રકાશક ત્રવાડી અંબાલાલ નરસિંહલાલે ૧૯૦૨માં ‘ભ્રમણચંદ્ર : ભદ્રંભદ્રનો ભેદ અથવા આંધળાનો ગોળી બહાર’ એ નામના પુસ્તકમાં ‘ભદ્રંભદ્ર’ના લેખક રમણભાઈના નામની પૅરડી ‘ભ્રમણચંદ્ર’ તરીકે અને ‘ભદ્રંભદ્ર’ની કથા કહેનાર રા. અંબારામને બદલે ‘રા. અંધારામ’ કરવામાં આવ્યું. ‘ભદ્રંભદ્ર’ની કથા કહેનાર અંબારામ કેવળરામ મોદકીયા રમણભાઈ જ છે, એ રહસ્ય ખોલવાનો દાવો પણ પુસ્તકમાં કરાયો હતો. ભદ્રંભદ્રવિરોધી આ પુસ્તકથી ઉશ્કેરાઈને એ જ વર્ષે મોતીલાલ છોટાલાલ વ્યાસે વળતો પ્રહાર કર્યો અને એક પુસ્તક લખ્યું : ‘ભદ્રંભદ્રના ભેદુનો ભવાડો અને સુધારાની ફત્તેહ’. તેના આરંભે જ લેખકે ચોખવટ કરી દીધી કે આ પુસ્તક શુષ્ક-નીરસ, નીતિવિરુદ્ધ કે અશુદ્ધ-અસભ્ય હોય તો પણ તે યોગ્ય જ છે. કારણ કે આ પ્રસંગ એવો છે. આ પુસ્તકના લેખક મોતીલાલે વેરની વસૂલાતના ધોરણે અગાઉના પુસ્તકના લેખક ત્રવાડી અંબાલાલ નરસિંહલાલ પરથી પાત્રનું નામ ‘ત્રવાડી પંપાલાલ વાનરસિંહ’ પાડ્યું. આ બન્ને પુસ્તકો અંગત પ્રહાર કરવા માટે લખાયેલાં હોવાથી તેમનામાં ‘ભદ્રંભદ્ર’ની એકે ખૂબી ન હતી. ભદ્રંભદ્રના પાત્રને વર્તમાનમાં બે-ત્રણ વખત ઉતારવામાં આવ્યું છે. હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે ‘ભદ્રંભદ્ર અમર છે’ પુસ્તકમાં અને હાસ્યલેખક- સંશોધક ઉર્વીશ કોઠારીએ ‘ભદ્રંભદ્ર અનામત આંદોલનમાં’ નામની લઘુનવલમાં ભદ્રંભદ્રના પાત્રને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં મૂકીને હાસ્ય નીપજાવ્યું છે. વર્તમાન સમયમાં ધર્મજડતા અને ધર્મઝનૂન હવે નવેસરથી ઓળખ પ્રાપ્ત કરી રહ્યાં છે એ જ ‘ભદ્રંભદ્ર’ની શાશ્વતતા સૂચવે છે.


બીરેન કોઠારી

લેખક (જીવનચરિત્રકાર), સંપાદક, અનુવાદક, બ્લૉગર,
‘સાર્થક જલસો’ છમાસિકના સહસંપાદક.
વડોદરા
મો. ૯૮૯૮૭૮૯૬૭૫ Emailઃ bakothari@gmail.com